Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નિયમપાલન જેવી પાયાની ચીજ શીખવા માટે આપણે કેટલી જિંદગીઓની આહુતિ આપીશું?

નિયમપાલન જેવી પાયાની ચીજ શીખવા માટે આપણે કેટલી જિંદગીઓની આહુતિ આપીશું?

04 June, 2019 12:46 PM IST |
તરુ કજારિયા - સોશ્યલ સાયન્સ

નિયમપાલન જેવી પાયાની ચીજ શીખવા માટે આપણે કેટલી જિંદગીઓની આહુતિ આપીશું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

સોમવારે માટુંગાના એક મેગાસ્ટોરમાં ફાટી નીકળેલી આગને પગલે ફાયર ડિપાર્ટમેન્ટે સ્ટોરની સામે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે, કારણ કે ત્યાં સલામતીના તમામ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.



આ સમાચાર અને શબ્દો મુંબઈની આગને લગતા છે, પરંતુ આપણે ત્યાં બનતી આગની મોટા ભાગની ઘટનાઓને પૂરેપૂરા બંધ બેસે છે. મુંબઈની પબમાં લાગેલી આગની ઘટના હોય, દિલ્હીના થિયેટરની હોય, કલકત્તાની હૉસ્પિટલની હોય કે સુરતની સ્કૂલ કે કોચિંગ ક્લાસિસની હોય; બધે જ સલામતીનાં પગલાં કે જોગવાઈનું પડીકું વાળીને ફગાવી દેવાયું હોય! ભયાનક દુ:સ્વપ્ન જેવાં સુરતની આગનાં દૃશ્યો ભલભલા પથ્થરદિલ માનવીને પણ કંપાવી ગયાં હશે. કમનસીબે એ સ્વપ્ન નહીં, પણ નક્કર વાસ્તવનું ધરાતલ હતું. કોઈની બેપરવાઈને કારણે, કોઈના ભ્રષ્ટાચારને કારણે, કોઈએ કરેલા નિયમના ઉલ્લંઘનને કારણે સર્જા‍યેલા અકસ્માતમાં ત્રેવીસ નિર્દોષ વિદ્યાર્થીઓના જાન ગયા! તેમાંથી કેટલાક સીધા આગને કારણે નહીં, પણ એનાથી બચવાના પ્રયાસોમાં મોતને ભેટ્યા. પ્રાચીન ભારતમાં તક્ષશિલા જ્ઞાનનું અનન્ય કેન્દ્ર ગણાતું હતું. લાક્ષાગૃહ બનેલી સુરતની આ ઇમારતનું નામ પણ તક્ષશિલા હતું જ્યાં આ કિશોર-કિશોરીઓ પોતાના ભાવિને ઉજ્જવળ બનાવવાનાં સપનાં સાથે ભણવા આવતાં હતાં, જ્ઞાનપ્રાપ્તિ કરવા આવતાં હતાં; પણ તેમને એ કોચિંગ ક્લાસે શું આપ્યું? મોત!


આ કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓએ ખાસ્સી ફીઝ ચૂકવીને પ્રવેશ મેળવ્યો હશે (એમાંય નામાંકિત ક્લાસિસમાં તો ફી ભરતાં પણ સહેલાઈથી પ્રવેશ ન મળે એટલે ઘણી લેફ્ટ-રાઇટ પછી એ નસીબ થાય) ત્યારે તેઓ અને તેમના પેરન્ટ્સ પણ ખુશ થયા હશે કે હવે આપણો બેડો પાર. પરંતુ ક્લાસિસની મોંમાગી ફીઝ ભર્યા છતાં એ કેવી જગ્યામાં ચાલે છે, એ કેટલા સલામત છે, કેટલા સુઘડ છે કે ત્યાં કેવી સુવિધા ઉપલબ્ધ છે એ વિશે કોઈએ જરા જેટલી પણ પૃચ્છા નહીં કરી હોય. પૃચ્છા તો છોડો, એ વિશે કોઈને વિચાર સુધ્ધાં નહીં આવ્યો હોય. એ બધી જ વિગતો આ આગની દુર્ઘટનાના પગલે બહાર આવી. એક જાણકારી અનુસાર ક્લાસ ચાલતા હતા એ માળ ગેરકાયદે હતો. એમાં ઉપર ફાઇબરનું છાપરું હતું. એ વર્ગખંડની ઊંચાઈ બહુ ઓછી હતી. એ ખંડમાં ઠેકઠેકાણે ફ્લેક્સનાં બૅનર્સ લાગેલાં હતાં (જે આગને ફેલાવવામાં કારણભૂત બન્યાં હતાં). વિદ્યાર્થીઓને બેસવા માટે ખુરશીને બદલે ટાયરોનો ઉપયોગ થતો હતો! આ બધી હકીકતો જોતાં તો એમ જ લાગે કે માત્ર વિદ્યાર્થીઓને જ કોચિંગ ક્લાસની ગરજ હતી, સંચાલકોને તો ખાતરી હતી કે પોતે ગમે એવી જગ્યામાં અને ચાહે જેવી પણ સ્થિતિમાં ક્લાસિસ ચલાવશે, વિદ્યાર્થીઓ મળી જ રહેશે અને માગીશું એ ફીઝ પણ મળતી રહેશે.

માની લઈએ કે કદાચ એ કોચિંગ ક્લાસમાં શિક્ષણ બહુ સારી રીતે અપાતું હશે, પરંતુ એ કેવા સંજોગોમાં અપાય છે, જ્યાં કલાકો ગાળવાના છે એ સ્થળમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે એ તપાસવાની કે જાણવાની કોઈને જરૂર ન લાગે? આપણે કોઈ ભૌતિક ચીજવસ્તુઓ લેવા જઈએ ત્યારે આપણે કેટલીબધી ચકાસણી કરીએ છીએ, પરંતુ આપણી પોતાની કે પોતાના સ્વજનોની જાત સંકળાયેલી હોય એવી સેવાઓ બાબતે એવી સભાનતા નથી દાખવતા. આ એક આર્ય નથી? અને આપણી આવી લાપરવાહી સામેવાળાને પોતાની જવાબદારી પ્રત્યે બેદરકાર રહેવામાં આડકતરું પ્રોત્સાહન આપે છે.


સામાન્ય રીતે આપણે કોઈ વસ્તુ કે સેવા ખરીદીએ ત્યારે કેટલી ચકાસણી કરતા હોઈએ છીએ, પરંતુ આપણી જિંદગી સાથે સંકળાયેલી કેટલીક બાબતોમાં આપણે કેટલા ગાફેલ રહીએ છીએ! આ વૃત્તિ માત્ર કોચિંગ ક્લાસ પૂરતી મર્યાદિત નથી. યાદ કરો, આપણાં બાળકો જે સ્કૂલ-કૉલેજોમાં ભણે છે, આપણે જે બ્યુટી-પાર્લરમાં કે જે સલૂનમાં જઈએ છીએ કે જે થિયેટરમાં કે રેસ્ટોરાં યા હોટેલમાં જઈએ છીએ ત્યાં આપણે કેટલા સલામત છીએ એનો વિચાર ભાગ્યે જ કરીએ છીએ. બ્યુટી-પાર્લરમાં ફેશ્યલ કરાવ્યું હશે તેમને ખ્યાલ હશે એમાં એક તબક્કે ચહેરા પર બ્યુટી પૅક લગાવીને વ્યક્તિને વીસ-પચીસ મિનિટ માટે પડ્યા રહેવાનું હોય છે. એ વખતે આંખ પર પણ રૂનાં પૂમડાં રાખેલાં હોય છે અને પૂરા ચહેરા પર જાળીદાર કપડું વીંટાળેલું હોય છે. કૅબિનમાં ગ્રાહક જ્યારે એ સ્થિતિમાં સૂતો હોય છે ત્યારે બ્યુટિશ્યન કૅબિનનો દરવાજો બંધ કરીને બહાર બીજા કામમાં લાગી જાય છે. હવે ધારો કે એ સમયે એ કૅબિનમાં કે એ પાર્લરમાં શૉર્ટ-સર્કિટ થાય કે કોઈ અન્ય આફત ત્રાટકે તો પેલા ગ્રાહકની સ્થિતિ કેટલી કફોડી થાય? તેની આંખ બંધ હોય એટલે કૅબિનમાં પણ કંઈ ઊંચ-નીચ થઈ હોય તો તેને ખબર ન પડે એવી શક્યતા હોય. આવા જોખમની સૌથી વધુ શક્યતા તો હૉસ્પિટલના બિછાને પડેલા દરદીઓને માથે ઝળૂંબે છે. દરદી હૉસ્પિટલના બેડ પર હોય કે ઑપરેશન થિયેટરમાં હોય અને એ વખતે આવી કોઈ ઘટના ઘટે તો તેની હાલત શું થાય એની કલ્પના કરતાં થરથરી જવાય છે. આવી દરેક આગમાં માર્યા થયેલા ગંભીર દરદીઓના આંકડા એ હકીકત ઉજાગર કરે છે કે એ પરિસ્થિતિમાં તેમની પાસે મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી.

આ પણ વાંચો : સંબંધોમાં સુગંધ જળવાઈ રહે એ માટે ચોક્કસ અંતર જરૂરી

આવી પ્રત્યેક દુર્ઘટના બાદ બને છે એમ સુરતની દુર્ઘટના બાદ પણ કેટલાંક પ્રત્યાઘાતી પગલાં લેવાયાં. ત્યાંના કેટલાક કોચિંગ ક્લાસિસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, તક્ષશિલામાં ચાલતા કોચિંગ ક્લાસના માલિકની અને એ મકાનના બિલ્ડરની ધરપકડ કરવામાં આવી, કૉર્પોરેશનમાં મકાન અને બાંધકામ સંબંધિત વિભાગના અધિકારીઓને પણ તપાસ માટે બોલાવાયા વગેરે વગેરે. પરંતુ આ બધાં પગલાં ઊભરા જેવાં છે. આવાં ઉભડક અને આવેશાત્મક પગલાં એ સમસ્યાનો ઉકેલ નથી. એની જગ્યાએ સરકારી અને જનસમાજના સ્તરે જ ગેરકાનૂની કામ ન થવા દેવાનો નર્ણિય કરવામાં આવે અને એનો અક્ષરશ: અમલ થાય; સલામતી અને સુવિધાનાં ધોરણોનું સો ટકા પાલન ન કરતા હોય એવા કોઈ પણ પ્રોજેક્ટ્સને આગળ વધવાની મંજૂરી મળે જ નહીં, જ્યાં સુધી નિયમ પ્રમાણેની બધી જ જરૂરિયાતો પૂરી ન થાય ત્યાં સુધી એવા પ્રોજેક્ટ્સને વીજળી કે પાણીનાં જોડાણો ન મળે. આવા પ્રકારનાં સમસ્યાના કારણનાં નિવારણનાં પગલાં લેવાશે તો જ ભવિષ્યમાં આવી ભયંકર દુર્ઘટનાઓને નિવારી શકાય. પરંતુ સવાલ એ ઊઠે છે કે નિયમપાલન જેવી પાયાની ચીજ અપનાવવાનું આપણે કેટલી જિંદગીઓની આહુતિ આપીને શીખીશું?

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2019 12:46 PM IST | | તરુ કજારિયા - સોશ્યલ સાયન્સ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK