કૉલમ : ક્યારેક રહી ગયાનો રંજ નહીં પણ રહી જવાનો આનંદ માણવાનો હોય

તરુ કજારિયા | Apr 16, 2019, 11:43 IST

પતાંની બાજીમાં શરૂઆતમાં ભારે પત્તું ફેંકી દીધું હોય અને પાછળથી સમજાય કે એ તો આપણી જીતનું મુખ્ય પત્તું હતું

કૉલમ : ક્યારેક રહી ગયાનો રંજ નહીં પણ રહી જવાનો આનંદ માણવાનો હોય
પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

થોડા સમય પહેલાં એક વિમાનદુર્ઘટના થયેલી. તેમાં સવાર બધા જ ઉતારુઓ માર્યા ગયેલા. એ દુર્ઘટનાના અહેવાલો દિવસો સુધી પ્રગટ થયેલા. તેમાં જ એક સમાચાર વાંચેલા કે એક શખસે એ જ ફ્લાઇટ પર ટિકિટ બુક કરેલી. એે પ્રવાસ કરવા ઍરપોર્ટ પહોંચેલો પણ ખરો, પરંતુ નિયત સમય કરતાં એ મોડો પહોંચ્યો હતો એટલે કાઉન્ટર બંધ થઈ ગયું હતું. તેણે ઍરલાઇન્સના ફરજ પરના અધિકારીને વિનંતી કરી હશે, પણ નિયમને પાબંધ અધિકારીના હાથ બંધાયેલા હશે. એ કંઈ કરી શકે તેમ ન હોય. કલ્પના કરો એ પૅસેન્જરને કોઇ અગત્યની મીટિંગ કે અન્ય અગત્યના કામ માટે કશે જવાનું હશે, જેને માટે તેણે અગાઉથી ફ્લાઇટની ટિકિટો બુક કરી હશે. ફ્લાઇટ ચૂકી જતાં તેની સમગ્ર શેડ્યુલ ઉપરતળે થઈ ગઈ હશે. તેને ફરી ટિકિટ બુક કરવી પડી હશે અને બધાં કામોનું ફરી નવેસરથી આયોજન કરવું પડ્યું હશે. એ પળે તેને કેટલું બધું ફ્રસ્ટ્રેશન થયું હશે! કેટલો પસ્તાવો થયો હશે! શક્ય છે ત્યારથી તેણે નક્કી કર્યું હશે કે હવેથી ફ્લાઇટ પકડવાની હોય ત્યારે ઘરેથી વધુ વહેલો નીકળીશ.

પરંતુ એ દિવસે થોડા જ સમયમાં તેણે એ વિમાન દુર્ઘટનાના સમાચાર ટીવી પર જોયા હશે કે ન્યુઝમાં સાંભળ્યા હશે ત્યારે તેણે શું વિચાર્યું હશે? શક્ય છે ત્યારે તેના દિમાગમાંથી થોડા સમય પહેલાંની એ વિચારો અને લાગણીઓની ઘટમાળ ક્યાંય દૂર ફેંકાઈ ગઈ હશે. થોડા સમય પહેલાં મોડા પડવા માટે જાતને કોસી હતી તેને બદલે એ તેને મોડું કરાવનાર સંજોગોનો અને પેલા નિયમના આગ્રહી અધિકારીનો મનોમન આભાર માનતો હશે. ફ્લાઇટ ચૂકી ગયો ત્યારે ફ્રસ્ટ્રેશન ઑફ મિસિંગ આઉટ (ફોમો) અનુભવ્યું હશે. અને વિમાન દુર્ઘટનાના સમાચાર જાણ્યા બાદ રિલીફ ઑફ મિસિંગ આઉટ (રોમો) અનુભવી હશે. એક જ ક્રિયા હતી - મોડા પડવાને કારણે ફ્લાઇટ મિસ થયાની, પરંતુ એ અંગે તે વ્યક્તિએ કેટલી જુદી લાગણી અનુભવી? અને તે પણ માત્ર થોડા જ સમયના અંતરે!

જિંદગીમાં આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે, જે દેખીતી આપણને દુ:ખ પહોંચાડનારી કે આપણું તમામ પ્લાનિંગ ચોપટ કરી દેનારી હોય. આવું આપણા કોઈ કામ સંબંધે, કોઈ વ્યક્તિ સંદર્ભે કે કોઈ સંબંધના સંદર્ભે પણ બને. આપણી બુદ્ધિ કે તર્કમાં ઊતરે નહીં એવું કંઈક કલ્પના બહારનું કે અમંગળ દેખાતું આપણી સાથે બની જાય. એ બને ત્યારે આપણે ખૂબ જ વ્યગ્ર થઈ જઈએ. આપણા કોઈ વાંક વિના આપણી સાથે જ આવું કેમ બને છે?! એવા સવાલ ભગવાનને પૂછ્યા કરીએ અને પોતાના નસીબને કોસ્યા કરીએ, પરંતુ થોડા સમય બાદ પેલાં કામ, વ્યક્તિ કે એ સંબંધ અંગે કંઈક એવી ઘટના પ્રકાશમાં આવે કે આપણે બોલી ઊઠીએ: ‘ઓહ, થૅન્ક ગૉડ! બચી ગયા!’ ત્યારે આપણે જૉય ઑફ મિસિંગ આઉટ (જોમો) અનુભવીએ ને!

નાનપણમાં મારી બા અમને ‘જે થાય એ સારાને માટે’ એવી એક વાર્તા કહેતાં. તેમાં એક શેઠનું પાત્ર હતું. તેમના જીવનમાં કંઈ પણ અઘટિત બને કે ધંધામાં નુકસાની જાય કે કોઈ તેમની સાથે દગો પણ કરી જાય ત્યારે પણ તેઓ કદી ડિસ્ટર્બ ન થાય. તેમના ચહેરાની એક પણ રેખા તંગ ન થાય. ઊલટું તેઓ એક જ વાક્ય બોલે: ‘જે થાય એ સારાને માટે.’ તેમની આ આદતથી શેઠાણી અને ઘરના બીજા સભ્યો બહુ ચિડાતાં કે આટલું નુકસાન થઈ ગયું એમાં સારું શું છે? પરંતુ વાર્તા જેમ આગળ વધે છે તેમ શેઠની વાતમાં બધાને ભરોસો પડવા લાગે છે, કેમ કે જે દેખીતી નુકસાનકારક ઘટનાઓ બની હતી તે બધી જ હકીકતમાં તો તેમને બીજા ઘણા મોટા નુકસાનથી બચાવનારી પુરવાર થઈ હતી!

આ પણ વાંચો : કૉલમઃઆપણને શું, કેટલું ને શા માટે જોઈએ છે એ સમજવું જરૂરી છે

નાના હતા ત્યારે તો એ એક વાર્તા માત્ર હતી, પરંતુ સમજણા થયા પછી સમજાયું કે એ વાર્તા ખરેખર તો વાસ્તવિક જિંદગીનો કેટલો મોટો પાઠ હતી! આપણી જિંદગીમાં કેટલીક દુન્યવી ઘટનાઓ એવી બને છે કે આપણે મૂંઝાઈ જઈએ કે આવું કેમ બન્યું? આપણા કોઈ જ નિર્ણય કે પગલાં એને માટે જવાબદાર ન હોય છતાં એની અસર આપણે સહેવી પડે એવું બને. પરિણામે આપણે ઊકળી ઊઠીએ, તંગ રહીએ, ફરિયાદો કરીએ અને સમય જતાં આપણને અહેસાસ થાય કે એ ઘટના આપણને ચેતવવા બની હતી. હકીકતમાં તો એ શૂળીનો ઘા સોયથી ગયો જેવો મામલો હતો. અને આપણે એક લાંબી હા.....શ અનુભવીએ. ત્યારે સમજાય છે કે ભલે ત્યારે આપણને નેગેટિવ લાગતી હતી, પણ એ વાત ખરેખર આપણા હિતની હતી, અને આપણે વિચારીએ છીએ કે નકામો જીવ બાળ્યો ને ટેન્શન લીધું. એવા ઇન્સ્ટન્ટ રીઍક્ન્સ ન આપ્યા હોત તો! જે બને છે એ સારાને માટે જ છે એવો પેલા શેઠ જેવો અટલ ભરોસો આપણે પણ રાખ્યો હોત તો! વર્તમાનમાં ઊઘડતાં જિંદગીની બાજીના કેટલાંક કાર્ડ્સ જેટલાં પણ નકામાં લાગે તેનું મૂલ્ય ઓછું આંકવાની ભૂલ કરવા જેવી નથી. શક્ય છે કે ઉપરવાળા માસ્ટર ખેલાડીની રમતનો વ્યૂહ કળવામાં આપણી અલ્પ દૃષ્ટિ કે સમજ ઊણાં ઊતરતાં હોય. કેટલીયે વાર પતાંની બાજીમાં શરૂઆતમાં ભારે પત્તું ફેંકી દીધું હોય અને પાછળથી સમજાય કે એ તો આપણી જીતનું મુખ્ય પત્તું હતું ત્યારે ભારે અફસોસ થાય છે. કોને ખબર છે, જીવનમાં આજે નકામી કે દુ:ખદ લાગતી બાબતો કે ઘટનાઓ આવતી કાલે આવી મહત્વની પુરવાર થવાની હોય! કોને ખબર, ‘રહી ગયાનો રંજ’ પછી ‘રહી જવાના આનંદ’માં ફેરવાઈ જવાનો હોય!

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK