Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સોશિયલ સાયન્સઃકદર માટે મરવું પડે એ જીવનની કેવી વિચિત્રતા છે

સોશિયલ સાયન્સઃકદર માટે મરવું પડે એ જીવનની કેવી વિચિત્રતા છે

26 March, 2019 12:31 PM IST |
સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

સોશિયલ સાયન્સઃકદર માટે મરવું પડે એ જીવનની કેવી વિચિત્રતા છે

મનોહર પાર્રિકર (ફાઈલ ફોટો)

મનોહર પાર્રિકર (ફાઈલ ફોટો)


ગયા અઠવાડિયે અખબારો, સામયિકો અને ન્યુઝચૅનલ્સ ત્રેસઠ વરસની વયે મૃત્યુ પામેલા ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરની અંતિમ યાત્રા અને શ્રદ્ધાંજલિઓથી છવાયેલાં રહ્યાં. આમ તો શ્રદ્ધાંજલિઓમાં મોટા ભાગે વિદાય લેનાર વ્યક્તિના ગુણોને યાદ કરાતા હોય છે, પરંતુ ગોવાના ચાર વાર મુખ્ય પ્રધાન બનેલા અને દેશના સંરક્ષણપ્રધાન પણ બનેલા મનોહરજીના વ્યક્તિત્વ વિશે જેમ-જેમ વાંચતી ગઈ તેમ-તેમ એ અનોખા રાજકારણી માટે હૃદયમાં માન ઊભરતું રહ્યું.

દેશની ટોચની શિક્ષણસંસ્થા આઇ.આઇ.ટી.માંથી ઉત્તીર્ણ થયેલા સ્કૉલર એવા એ પહેલા પ્રધાન હતા. આ રાજકારણીની સાદગી, વિનમ્રતા અને પ્રામાણિકતાના તેમ જ આમ માનવી સાથેના સંબંધના તંતુ વિશે જે જાણવા મળ્યું એ મનને પ્રસન્ન કરી દે તેવું હતું. તેમના પ્રત્યે અત્યંત આદર અને અહોભાવ જન્માવે તેવું હતું. તેમના કૉલેજના કે હૉસ્ટેલના સાથીઓ અને મિત્રોએ તેમની અડગ શિસ્ત અને મહેનતું સ્વભાવના કેટલાક કિસ્સાઓ તો કેટલાક રાજકારણીઓએ તેમની સાથેના અનુભવો આલેખ્યા. તેમાંથી પણ એક ઉમદા માનવી વ્યક્ત થતો હતો. આ લખાણો કે શબ્દો ચીલાચાલુ શ્રદ્ધાંજલિમાં ફૉર્માલિટી ખાતર કહેવાયા હોય એવા નહોતા લાગતા. એમાં સચ્ચાઈનો રણકો સંભળાતો હતો અને એટલે જ માનવાનું મન થાય કે દોઢ-બે વર્ષથી કૅન્સર સામે હિંમતથી ઝઝૂમેલા અને અંતિમ ક્ષણ સુધી સક્રિય રહેલા પર્રિકરજી જિંદગી માટેની લડાઈ ભલે હારી ગયા, પરંતુ દેશવાસીઓનાં દિલ જીતીને ગયા. તેમની અંતિમયાત્રામાં ગોવામાં ઊમટેલી મેદનીના ચહેરા પર એક આત્મીય સ્વજન ગુમાવ્યાની ઉદાસી વરતાતી હતી એ કંઇ અમસ્તી જ નહોતી.



રાજકારણ જેવા અરણ્યમાં આટલો સરસ એક માણસ આપણી રાજકીય બિરાદરીમાં હતો એનો આપણને ખ્યાલ હતો? અને હતો તો એનો હરખ આપણે એ જીવંત હતા ત્યારે કેમ ઊછળી-ઊછળીને ન કર્યો?! પર્રિકરજી જીવતા હતા ત્યારે તેમના વ્યક્તિત્વની આ બધી ઉન્નત બાબતો વિશે ક્યારેક તેમને બિરદાવ્યા હોત તો? એક આવી સરસ વ્યક્તિને કેન્સર જેવી જીવલેણ બીમારી થઈ હોય એ છતાં તે પોતાનું કર્મ નિષ્ઠાપૂવર્‍ક કર્યે જતી હોય, પરંતુ તેના તન-મનમાં તો થાક વરતાતો જ હોય. હવે કલ્પના કરો, એ સમયે તેના પર આજે વરસે છે એ બધી પ્રશંસા અને પ્યાર વરસાવવામાં આવ્યાં હોત તો એ તેના માટે કેટલા પ્રસન્નકર થયા હોત! પોતાના વ્યક્તિત્વથી, પોતાના કર્મથી અને પોતાના ચારિhયથી આટલા બધા દેશવાસીઓના દિલમાં પોતાને સ્થાન મYયું છે એ હકીકતનો સંતોષ તેમના બીમાર તન અને શ્રમિત મનમાં થોડી ઊર્જા‍નો સંચાર કરી ન શક્યો હોત?


આ પણ વાંચોઃ તો ધૂળ પડી તારા જીવનમાં

કેટલીયે વાર જોયુંં છે કે આપણા સમયના કોઈ જેન્યુઇનલી અસાધારણ માનવીની એ જીવંત હોય ત્યારે આપણે ઉપેક્ષા કરી હોય છે અને તેના ગયા પછી તેની મહાનતાની પ્રશસ્તિ કરવા સૌ ઊમટી પડે છે. કદર માટે મરવું પડે એ જીવનની કેવી વિચિત્રતા છે! ગયા વરસે મહાન સિતારવાદક અનુપમાદેવીનું મૃત્યુ થયું ત્યાર બાદ તેમના વિશે પણ આમ જ વાંચવા મળેલું. એ જ આદર અને અહોભાવ તેમની હયાતી દરમ્યાન પણ વ્યક્ત કરી શકાયા હોત, પરંતુ આપણે કદર કરવામાં કાં તો કંજૂસ છીએ અથવા તો આપણા સમાજમાં કોઈની પાસેથી કંઈ મેળવવું હોય ત્યારે જ તેની પ્રશસ્તિ થાય છે એ ઇક્વેશન એટલું જડબેસલાક બેસી ગયું છે કે ઘણી વાર તદ્દન યોગ્ય વ્યક્તિની યોગ્ય સમયે કિંમત થતી


માત્ર આવાં અજાણ્યાં મહાન વ્યક્તિત્વોની જ નહીં, વરસોથી જેની સાથે રહ્યા હોઈએ અથવા તો આપણી વચ્ચે વર્ષોથી હોય તેમની કદર કરવાનું પણ આપણે ચૂકી જઈએ છીએ. તેમના જીવનને જોઈ-જોઈને પણ આપણા જીવનમાં કેટલો મોટો બદલાવ આવ્યો હોય કે તેમની પાસેથી આપણે કેટલું બધું શીખ્યા હોઈએ, પામ્યા હોઈએ; પરંતુ એ બધું તેમને કહીને તેના માટે હૃદયથી આભાર માનવાનું આપણને યાદ નથી આવતું. એ માટેની પ્રસન્નતા શૅર કરવાનું પણ રહી જાય છે. આવી કોઈ અભિવ્યક્તિની જરૂર જ નથી લાગતી. કદાચ એમાં સંકોચ કે ક્ષોભ અનુભવાતો હશે? કે પછી એ અભિવ્યક્તિ ખોટી પ્રશંસા કે ચમચાગીરી ગણાઈ જશે એવો ભય? કે પછી ‘વખાણ કરીશું તો પાછા માથે ચડી જશે’ એવી માન્યતા આની પાછળ હશે? ખબર નથી. પરંતુ એટલું જરૂર છે કે ઍટિકેટ ખાતર કેટલીયે વાર અપાત્ર કે અયોગ્ય વ્યક્તિની પ્રશંસા કરવી પડે કે ખોટેખોટો આભાર માનવો પડે તેવી જિંદગીમાં જેમના ખરેખર ઋણી હોઈએ તેમનું જ મૂલ્ય કરવાનું કે તેમનું આપણી જિંદગીમાં હોવું એ ઈશ્વરનું કેટલું મોટું વરદાન છે એ સ્વીકારવાનું ચૂકી જઈએ છીએ ત્યારે આપણે માણસ તરીકે ઊણા ઊતરીએ છીએ. મા-બાપ જીવતાં હતાં ત્યારે પોતે તેમને સમય ન આપી શક્યા એનો વસવસો કેટલાય લોકોના મોઢે સાંભળ્યો છે. એક પરિચિતનો અનુભવ યાદ આવે છે. તેમને કોઈ અંગત મિત્ર સાથે કંઈક નજીવી બાબતમાં ગેરસમજ થઈ ગઈ અને જીવનભર એક-બીજાની સાથે બોલવાના સંબંધ પણ કપાઈ ગયા. અને અચાનક એક દિવસ તે મિત્રની વિદાયના સમાચાર મળ્યા. એ વખતે તેમને ગજબનો પસ્તાવો થયો હતો કે દિલમાં હતી એ વાત તેઓ ક્યારેય તેમના એ મિત્રને કહી ન શક્યા. અબોલા દરમ્યાનનાં વરસોમાં તેમણે તેને કેટલી બધી વાર, ક્યાં-ક્યાં યાદ કર્યો હતો, મિસ કર્યો હતો અને કેટલી બધી વાતો તેની સાથે શૅર કરવા ઇચ્છી હતી એ બધી એ ક્ષણે ડૂમો બનીને તેમને રૂંધી રહી હતી!

આ પણ વાંચોઃ અનુભવોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં માનતી આજની પેઢી જીવનને કઈ રીતે જુએ છે?

ગુલઝારસાહેબની એક ગઝલના શબ્દો છે:
‘આહિસ્તા ચલ જિંદગી, અભીકંઈ કર્ઝ ચુકાના બાકી હૈ.

પરંતુ જિંદગી ક્યાં કોઈનું સાંભળે છે! એટલે જ કોઈના માટેના સદ્ભાવ કે આદરની મૂડીને વેળાસર વ્યક્ત થવામાં વિલંબને ફાવવા ન દેવો.

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2019 12:31 PM IST | | સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK