પાંચ વરસમાં એક જ વાર મળતી તક ગુમાવાય નહીં

તરુ કજારિયા | Feb 12, 2019, 11:42 IST

સુપાત્રને સાચવવાની તથા અપાત્રને દૂર કરવાની પાંચ વરસમાં એક જ વખત મળતી તક ગુમાવાય નહીં

પાંચ વરસમાં એક જ વાર મળતી તક ગુમાવાય નહીં
નરેન્દ્ર મોદી

સોશ્યલ સાયન્સ

જ્યારે આપણા પર તદ્દન ખોટા આરોપો મુકાય અને તદ્દન પાયાવિહોણા અને અનાપસનાપ આક્ષેપો થાય ત્યારે સમજી જવાનું કે એ આપણને ઉશ્કેરવા માટે થઈ રહ્યા હોય છે

ચૂંટણીઓ આવે ત્યારે રાજકીય પક્ષો પોતાની સિદ્ધિઓ અને સફળતા ગણાવવામાં, પોતાને ચડાવવામાં અને સામા પક્ષને ઉતારવામાં રમમાણ થઈ જાય છે. આવું તો લગભગ લોકશાહી દેશોમાં બનતું રહે છે, પરંતુ અત્યારે ભારતમાં રાજકીય પક્ષોના નેતાઓ જે કક્ષાના વાક્યુદ્ધ પર ઊતર્યા છે એ સાંભળીને તો આપણને સવાલ થાય કે આ તે લોકશાહી છે કે લડવા-ઝઘડવા માટેનો બેફામ અખાડો? શાસક પક્ષના નેતા જેઓ દેશના વડા પ્રધાન છે તેમને બેધડક ગાળો અપાય છે, ચોર કહેવાય છે. તો શાસક પક્ષના નેતાઓ અને સભ્યો પણ ‘હમ કિસીસે કમ નહીં’નો ધરમ પાળે છે. એટલે બન્ને વચ્ચે ગરિમાની તમામ મર્યાદાઓ તૂટી જાય એવા આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની રૅલી જામે છે. એ ભાષા અને ભાવના બન્ને અશોભનીય લાગે છે. સૌની વાણીમાં અને વચનમાં ધિક્કાર અને કડવાશનો જાણે દાવાનળ ફાટ્યો છે! આ જોઈને ડર લાગે છે કે એપ્રિલ-મેમાં ચૂંટણી સુધી પહોંચતાં સુધીમાં તો આ ગંદકી અને જ્વાળા કેટલું વિકરાળ સ્વરૂપ લેશે? ખરેખર જેમનાથી આ ભયંકર નકારાત્મકતા સહન નથી થતી એવા નાગરિકો તો એ વિચાર કરતાં પણ થથરી જતા હશે!

ગયા અઠવાડિયે તો રાહુલ ગાંધીએ વડા પ્રધાન સામે બોલવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. કેટલીક વાર લોકો આપણા પર તદ્દન ખોટા આરોપો મૂકે અને તદ્દન પાયાવિહોણા અને અનાપસનાપ આક્ષેપો કરે ત્યારે સમજી જવાનું કે એ આપણને ઉશ્કેરવા માટે થઈ રહ્યા હોય છે. એય પાછા એકદમ કૉન્ફિડન્ટલી. એ તેમની એક ચાલ જ હોય છે આપણને ઉશ્કેરવા માટેની. માણસ અકસર ઉશ્કેરાટમાં આવીને કોઈ ભૂલ કરી બેસતો હોય છે. કમનસીબે આપણી સરકાર અને એના સભ્યો વિપક્ષોની આવી ચાલના શિકાર બની જાય છે. વડા પ્રધાન કેટલીયે સભાઓ અને રૅલીઓમાં વિરોધીઓને વખોડવા પર ઊતરી આવે છે. એ બધી જ વાર વિપક્ષો પોતાના મિશનમાં સફળ થાય છે.

રાહુલ ગાંધી, Rahul Gandhiરાહુલ ગાંધી

સ્પક્ટ છે કે દરેક પક્ષ પોતાની લીટી લાંબી દેખાડવા સામાની લીટી નાની કરવાની યુક્તિ આજમાવે છે. રાજકીય પક્ષો દેશની સત્તાની લગામ પોતાના હાથમાં લેવા કેવાં અને કેટલાં ગતકડાં કરે છે? તમામ રાજકીય પક્ષો જાણે ચૂંટણીજંગ જીતવા માટે મરણિયા થઈને મંડી પડ્યા છે. અને એવરીથિંગ ઇઝ ફૅર ઇન લવ ઍન્ડ વૉરના ન્યાયે આ જંગમાં પણ બધું માફ છે. અસંસ્કારિતાનું, અસત્યનું અને અમાનવીયતાનું જે તળિયું જોવા મળે છે એ જોતાં એક વાતની ખાતરી થઈ જાય કે કોઈ સભ્ય કે સંસ્કારી વ્યક્તિ તો આ બધા કાવાદાવા ને દંભ-જૂઠ આચરી ન શકે.

વળી આ બધા રાજકારણીઓ કહેતા એમ હોય છે કે તેઓ આ બધી જફા જનતાની સેવા કરવા માટે કરે છે. જો આપણે તેમને કહીએ કે ભાઈ સેવા જ કરવી હોય તો કેટલા બધા સામાજિક કાર્યકરો કરે જ છે, તમેય કરોને, એમાં સત્તા મેળવવા આટલી શક્તિ વેડફવાની શી જરૂર છે? તો તેઓ તરત કહેશે કે જનતાની અને દેશની સેવા કરવા માટે તેમને જે સ્વતંત્રતા જોઈએ એ માટે તેમને સત્તાપક્ષ પર આવવું અનિવાર્ય છે!

આ પણ વાંચો : જિંદગીને ટૂંપે એ નહીં પણ જિંદગી નિખારે એ શિક્ષણ

ખેર, તેમને માટે જો એ અનિવાર્યતા છે તો નાગરિક તરીકે દર પાંચ વરસે આવતા ચૂંટણીપર્વ વખતે આપણી પણ કેટલીક અનિવાર્યતા હોવી જોઈએ. એમાં સૌથી પહેલી તો એ વાત સમજી લેવાની કે મતદાનનો અધિકાર એ આપણી એક અતિ મૂલ્યવાન સંપત્તિ છે. એ સંપત્તિ થકી આપણે દેશમાં સુશાસન લાવી શકીએ. મતદાન નામની કરન્સીનો ઉપયોગ કરીને આપણે સારા, સાચા, બાહોશ, નિષ્ઠાવાન અને યોગ્ય ઉમેદવારો ચૂંટી શકીએ. એમ કરીએ તો આપણે આપણી સંપત્તિનું સ્માર્ટ રોકાણ કર્યું ગણાય, કેમ કે કુશળ અને સંનિષ્ઠ ઉમેદવારો ચૂંટીને આપણે દેશને એક સારું શાસન આપી શકે એવી સરકાર લાવી શકીશું. એ માટે સૌથી પહેલાં તો આપણે મતદાન કરવું પડશે. બીજું, આપણે ખોટા, ગેરમાર્ગે દોરનારા પ્રચારોથી દોરવાઈ જવાનું નથી. દરેક ઉમેદવાર અને તેના પક્ષના ક્રેડેન્શિયલ્સ પાક્કા પાયે ચેક કરીને, તેનો ટ્રૅક-રેકૉર્ડ તપાસીને એને આધારે મતદાન કરવું પડશે. ત્રીજું, આપણે આપણો મત કોને આપવો છે એ કોઈને જણાવવાની જરૂર નથી. આપણે રાજકારણીઓને બતાવી દેવાની જરૂર છે કે તમારા કરતાંય સરસ અભિનય કરતાં અમને આવડે છે. આમ આપણી મતદાન નામની સંપત્તિનું સુંદર આયોજનપૂર્વક રોકાણ કરીશું તો આપણું અને આપણા દેશનું એમ બેયનું ભલું આપણે પોતે જ કરી શકીશું. આપણે નસીબદાર છીએ કે લોકશાહીની કંપાથી આપણને મતદાન જેવું અમૂલ્ય શસ્ત્ર મળ્યું છે. આપણને પાંચ વરસે એક વાર આ શસ્ર વાપરીને સાચાને અને સારાને સાચવવાની અને ખોટા અને અપાત્રને દૂર કરવાની તક મળે છે. તો આ તકનો ઉત્તમ ઉપયોગ કરવો પડશે. નાગરિક તરીકે આપણી આ અનિવાર્યતા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK