નાની-નાની વાતોની મોટી યાદો

Updated: 26th December, 2018 20:34 IST | Falguni Jadia Bhatt

જીવનની ખરી સાર્થકતા મોટાં-મોટાં સુખોમાં નહીં, નાના-નાના આનંદોમાં રહેલી છે. એ નાના-નાના આનંદ માણવાની કળા આવડી જાય તો પણ મીઠી યાદોની મોટી-મોટી ગૂણીઓ ભરી શકાય

ફિલ્મ લવયાત્રીનું એક દ્રશ્ય
ફિલ્મ લવયાત્રીનું એક દ્રશ્ય

છોટી બાતેં... છોટી છોટી બાતોં કી હૈ યાદેં બડી,

ભૂલે નહીં, બીતી હુઈ ઈક છોટી ઘડી...

હૃષીકેશ મુખરજીની ફિલ્મ ‘આનંદ’માં રાજેશ ખન્ના પર ફિલ્માવવામાં આવેલા આ ગીતની આ પંક્તિઓ હિન્દી ફિલ્મોના લગભગ તમામ રસિયાઓએ ક્યારેક ને ક્યારેક તો સાંભળી જ હશે. કૅન્સરની બીમારીથી પીડાતો આનંદ (રાજેશ ખન્ના) પોતાના બાકી બચેલા જીવનની એકેક ક્ષણને જે રીતે મન ભરીને માણવાનો પ્રયત્ન કરે છે એ ફિલ્મનો મુખ્ય વિષય તો છે જ, પરંતુ એક મહત્વનો મુદ્દો પણ.

જીવન વિશે દુનિયાના સાહિત્યમાં ઘણુંબધું લખાઈ ગયું છે, ઘણુંબધું કહેવાઈ ગયું છે. જીવનને માણવા વિશે પણ ખૂબ-ખૂબ ચર્ચાઓ થઈ ચૂકી છે, પરંતુ મને આ પંક્તિમાં જે સૌથી વધુ સ્પર્શે છે એ છે વીતેલા જીવનની એકેક ક્ષણ યાદ હોવાનો દાવો. આપણામાંથી કેટલા એવા હશે કે જે છાતી ઠોકીને કહી શકે કે મને મારા વીતેલા જીવનની એકેક ક્ષણ યાદ છે? ઊલટું, મહદ અંશે બનતું એવું હોય છે કે હજી ગઈ કાલના દિવસમાં આપણે શું કર્યું, ક્યાં ગયા, કોને મળ્યા વગેરે જેવી મોટી-મોટી વિગતો પણ આપણા ધ્યાનની બહાર જતી રહેતી હોય છે. એની સામે આપણા બધાની પાસે ભૂતકાળની લખલૂટ યાદોનો ખજાનો પણ હોય છે એવી યાદો જે આપણા વર્તમાન જીવનનો પાયો છે અને એવી યાદો જે આપણા આવનારા જીવનનું સંભારણું પણ. એમાંથી કેટલીક યાદો તો એવી હોય છે જેની ઝીણામાં ઝીણી વિગતો આપણને આજેય યાદ હોય છે. એ સ્થળ, એ કાળ, ત્યારનું વાતાવરણ, બોલાયેલા સંવાદો, અપાયેલા પ્રતિભાવો વગેરે બધું જ આજેય કોઈ ફિલ્મના દૃશ્યની જેમ આપણી આંખ સામે તરવરવા લાગે છે.

ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિ તરીકે આપણે એક જ હોવા છતાં આપણી અંદર જ આવા સાવ સામસામા છેડાના વિરોધાભાસ શા માટે જોવા મળે છે? વાસ્તવમાં આવું થવા પાછળ જીવન પ્રત્યેનો આપણો અભિગમ જવાબદાર હોય છે. સામાન્ય રીતે આપણે જીવન માત્ર જીવવા પૂરતું જ જીવતા હોઈએ છીએ. જીવવું પડે છે એટલે જીવતા હોઈએ છીએ. આપણા જીવવામાં ક્યાંક થોડો જરૂરિયાત અને ક્યાંક થોડો જબરદસ્તીનો ભાવ જોડાયેલો હોય છે. આપણો આ ભાવ જાણ્યે-અજાણ્યે આપણી દરેક ક્રિયા સાથે વહેતો રહે છે. એવામાં જ્યારે આપણે કોઈ નવી ક્રિયા કરીએ છીએ જે આપણા મનને ગમતી હોય કે આપણા દિલની નજીક હોય તો એમાંથી આપણને આનંદ આવે છે. એ ક્રિયાઓ આપણી જરૂરિયાત કે જબરદસ્તી નથી હોતી, પણ જીવનનો આનંદ હોય છે. આવી પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા હોઈએ ત્યારે આપણે આપણી જ જાણની બહાર એની એકેક ક્ષણને માણતા હોઈએ છીએ. બીજી રીતે જોઈએ તો આ જ એવી ક્ષણો હોય છે જેને આપણે ખરા અર્થમાં જીવતા હોઈએ છીએ. મોટા ભાગે આવી જ ક્ષણો આપણા જીવનભરનું ભાથું બની જતી હોય છે.

જોકે એ વાત પણ સાચી છે કે આપણી યાદોના ખજાનામાં કેટલીક દુ:ખદ ઘટનાઓ પણ સમાયેલી હોય છે, પરંતુ થોડું વિચારશો તો સમજાશે કે એ બાબતો પણ યાદ રહી જવા પાછળ ઉપરનું જ કારણ જવાબદાર હોય છે. આ કોઈ થિયરી નથી, સાવ સીધુંસાદું સત્ય છે કે કોઈ પણ ઘટના યાદ રહી જવા પાછળ તમારું એમાં પૂર્ણપણે ઇન્વૉલ્વ હોવું આવશ્યક છે. તમે જેટલા એ ઘટના સાથે વધારે એકરૂપ થયા હશો એટલી એ તમને વધારે સારી રીતે યાદ રહી જશે. હવે યાદ કરો એ ક્ષણ જ્યારે તમે પહેલી વાર તમારા પ્રિયતમ કે પ્રેયસીનો હાથ પકડ્યો હતો કે એ ક્ષણ જ્યારે તમે તમારા બાળકને પહેલી વાર હાથમાં ઊંચક્યું હતું. એ સ્પર્શ, એનો અહેસાસ, હૃદય જે રીતે ધબકારો ચૂકી ગયું હતું એ અનુભવ આજેય તમારી અંદર ક્યાંક સચવાયેલો પડ્યો હશે! કારણ કે એ ક્ષણ સાથે તમે એટલાબધા એકરૂપ થઈ ગયા હતા કે એ ક્ષણ આખી ને આખી ઓગળીને અંદર ઊતરી ગઈ હતી અને તમારી અંદર કંઈક જુદું જ સરજાયું હતું.

હવે વિચારો કે જો આવું જ હોય તો આપણે આપણી રોજબરોજની જિંદગી જ શા માટે એવી રીતે ન જીવવી કે એની એકેક ક્ષણ સાચા અર્થમાં જીવી શકાય, ખરેખર માણી શકાય અને ‘આનંદ’ના રાજેશ ખન્નાની જેમ આપણને પણ એ યાદ રહી જાય?

‘આનંદ’ ફિલ્મની જ વાત કરીએ તો એમાં એક સંવાદ એવો પણ છે કે બાબુમોશાય, ઝિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં. આ નાનીસરખી લાગતી વાતમાં પણ બહુ મોટો મેસેજ સમાયેલો છે. વાસ્તવમાં ઝિંદગીને વરસોમાં માપવાની રીત જ ખોટી છે. ખરેખર તો એ વરસોમાં કેટલી ક્ષણો ખરા અર્થમાં જિવાઈ એ જોવું જોઈએ. આપણે આ બાબતને નાની ગણીએ છીએ તેથી સતત કાલે શું કરીશું, ભવિષ્યમાં શું કરીશું, નિવૃત્તિ પછી શું કરીશું એ બધાનું આયોજન કર્યા કરીએ છીએ; પરંતુ અત્યારની પળને જાણવા-સમજવા કે માણવાનો વિચાર આપણને ભાગ્યે જ આવે છે.

ખરેખર તો અસલી સુખ જીવનની નાની-નાની વાતોમાં અને ઘટનાઓમાં જ રહેલું હોય છે. સવારે છાપું વાંચતી વખતે જીવનસાથી સાથે વાતો કરતાં-કરતાં ચા પીધી, બે ઘડી જિગરજાન દોસ્ત સાથે ગમ્મત કરી, ક્યારેક બગીચામાં સંતાન સાથે ક્રિકેટ રમ્યા, કોઈ અજાણ્યા માણસ સાથે હસીને વાત કરી લીધી, કોઈ જરૂરિયાતમંદને મદદ કરી, ક્યારેક પ્રેયસીની ઠેકડી ઉડાડી તેનાં રિસામણાં વહોરી લીધાં અને પછી લાડ લડાવી તેને મનાવી લીધી વગેરે જેવી નાની-નાની ક્રિયાઓમાં જ તો ખરું જીવન સમાયેલું છે. અન્યથા દોમ-દોમ સાહ્યબી છતાં અંતરથી એકાકી હોવાના કિસ્સા પણ આપણા માટે કંઈ અજાણ્યા નથી. તેથી ભરવી જ હોય તો જીવનની યાદોના ખજાનામાં આવી છોટી છોટી બાતોંની મીઠી યાદોની સુગંધ ભરવી જોઈએ, કારણ કે આવી યાદો ક્યારેય ભુલાતી નથી કે ભૂલી શકાતી પણ નથી...

First Published: 24th December, 2018 20:25 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK