Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કુદરતની કરામત

કુદરતની કરામત

31 July, 2019 03:24 PM IST | મુંબઈ ડેસ્ક
સેજલ પોન્દા - સોશિયલ સાયન્સ

કુદરતની કરામત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

જો તમે તમારાં સંતાનોને પબ, ક્લબ, ડ્રિન્ક અને સ્વતંત્રતા ભરેલી લાઇફનો પરિચય કરાવો છો તો તમે તમારાં સંતાનોને એવી દુનિયાનો પણ પરિચય કરાવો જ્યાં લોકો અભાવમાં જીવે છે અને છતાં તેમના ચહેરા પર હાસ્ય હોય છે. એવી દુનિયા પણ બતાડો જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુની અછત છે. કુદરતના ખોળે મળતી નિર્મળતાનો અહેસાસ કરાવો અને પછી તેમને નક્કી કરવા દો કે તેમને જીવન જીવવું છે કે વેડફવું છે

માનો ખોળો બાળક માટે સૌથી સલામતીભરી જગ્યા છે. અહીં બાળકના દરેક ભાવ ઝિલાય છે. માના ખોળે બાળકને વહાલ અને હૂંફ મળે છે. પવિત્રતાની લાગણી મળે છે. માના ખોળે કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમની ધારા અવિરત વહેતી રહે છે.
આવી જ પવિત્રતા અને હૂંફ કુદરતના ખોળે જઈએ ત્યારે અનુભવાય છે. કુદરત પણ સ્વાર્થ વગર કેટકેટલું આપે છે એનો અહેસાસ કુદરતની નજીક જઈએ ત્યારે ચોક્કસ થાય. ઘણી વાર અવિરત વહેતો પ્રેમ આપણે નજરઅંદાજ કરીએ છીએ. એની કિંમત ત્યારે જ સમજાય જ્યારે પ્રેમની કૃપા દૂર થતી જાય.
જિવાતી જિંદગીનું સરવૈયું કાઢવું પણ ખૂબ જરૂરી છે. અઢાર-ઓગણીસ વર્ષની બે યંગ ગર્લ્સ વાતો કરી રહી હતી. એક છોકરી બોલી કે લાઇફમાં બહુ સ્ટ્રેસ છે યાર. બીજી છોકરી બોલી, તો સ્ટ્રેસને ભગાડવાનો ઉપાય પણ છે. મારા ડૅડ તો સ્ટ્રેસ કે ટેન્શન આવે કે ડ્રિન્ક લઈ લે છે. હું પણ એવું જ કરું છું. ઇન ફૅક્ટ હું અને ડૅડ સાથે જ ડ્રિન્ક લઈએ છીએ.
નશો કરવો એ દરેકની અંગત બાબત હોઈ શકે, પણ નશો કરવાથી સ્ટ્રેસ અને ટેન્શન ભાગી જાય એ માન્યતામાં જીવતી આજની યંગ પેઢીને પેરન્ટસ સ્ટ્રેસને, ટેન્શનને હૅન્ડલ કરવાનું શીખવાડતા કેમ નથી? એમ કેમ નથી શીખવાડતા કે તકલીફો આવતી જ રહેશે. એને સ્વીકારીને એમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધતા રહેવાનું. અંત સુધી લડતા રહેવાનું.
કશુંક ભૂલવા માટે જો નશો કરવાની જરૂર પડતી હોય તો એનો મતલબ એ જ છે કે તમે નબળા છો. નશો કરવાથી વિચારો પર બ્રેક લાગે છે એવી દલીલ કરનારાઓ એટલું કહી શકે કે નશાની અસર ઊતરી ગયા પછી શું? શું એ પછી સ્ટ્રેસ જિંદગીમાંથી ગાયબ થઈ જાય છે? ટેન્શનવાળી પરિસ્થિતિ ગાયબ થઈ જાય છે? બધું ગુડી-ગુડી થઈ જાય છે ખરું? વિચારો પર બ્રેક લાગે છે ખરી? પરિસ્થિતિ નશો કરવાથી નહીં, પણ આપણા દ્વારા કરવામાં આવતા નિર્ણયોથી બદલાય છે. સ્ટ્રેસ બધાની જ લાઇફનો એક ભાગ બની ગયું છે ત્યારે જો કોઈ આપણને ઉગારી શકે છે તો એ છે આપણા મનની મજબૂતાઈ. આપણી અંદર રહેલી હિંમત, સભાનતા અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા. નશો કરનારાઓને આ વાત હંબગ લાગશે. તેમના માટે આવી વિચારધારા ઓલ્ડ સ્કૂલ કહેવાય છે. ફાઇન. દરેકને પોતાની રીતે વિચારવાનો, જીવવાનો પૂરો હક છે. જીવન જીવવાની દરેકની રીત અને સિદ્ધાંતો જુદાં હોય છે. કોઈને સારા-ખરાબ કહેવાનો આપણને હક નથી. પણ એ પછી તેમણે જિવાતી જિંદગીનાં પરિણામો ભોગવવા તૈયાર રહેવું જોઈએ.
જો તમે તમારાં સંતાનોને પબ, ક્લબ, ડ્રિન્ક અને સ્વતંત્રતા ભરેલી લાઇફનો પરિચય કરાવો છો તો તમે તમારાં સંતાનોને એવી દુનિયાનો પણ પરિચય કરાવો જ્યાં લોકો અભાવમાં જીવે છે. અને છતાં તેમના ચહેરા પર હાસ્ય હોય છે. એવી દુનિયા પણ બતાડો જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુની અછત છે. પાણી, વીજળી વગર તેમની રોજની જિંદગી કઈ રીતે ચાલે છે એ દૃશ્ય બતાડો. શહેરથી દૂર અંતરિયાળ ગામોમાં જીવન કેવી રીતે જિવાય છે એ બતાડો. તેમનો પરિચય કુદરત સાથે કરાવો. એ.સી. વગરની હવા કેટલી શુદ્ધ હોય છે એનો અનુભવ કરાવો. કુદરતના ખોળે વરસાદમાં ભીંજાવાની મજા માણવા દો. વહેતા પાણીનું સંગીત સંભળાવો. કુદરતના ખોળે મળતી નિર્મળતાનો અહેસાસ કરાવો અને પછી તેમને નક્કી કરવા દો કે તેમને જીવન જીવવું છે કે વેડફવું છે.
આપણે શહેરી જનો આખું વર્ષ પાણીનો જબરો વેડફાટ કરીએ છીએ અને જે દિવસે નળમાં પાણી ન આવ્યું હોય ત્યારે કકળાટ કરીએ છીએ. આપણે એટલી બધી મટીરિયલ લાઇફ જીવતા થઈ ગયા છીએ કે કુદરતના ખોળે કેવી લક્ઝરી મળી શકે છે એનો આપણને અનુભવ જ નથી. અને અનુભવ છે તો એ આછો અનુભવ ફરી શહેરમાં પ્રવેશતાં મેલો થઈ જાય છે.
જે કુદરતને પ્રેમ કરી શકે છે તેને પણ કુદરત ઘણું આપે છે. આખો દિવસ એ.સી. રૂમમાં, ઘોંઘાટભર્યા સંગીતમાં પડ્યા રહેવાથી જીવન સંકુચિત બની જાય છે.



આ પણ વાંચો : Mumtaz:70ના દાયકાની શાનદાર અભિનેત્રી જુઓ આજે કેવા લાગે છે


સાથે-સાથે મનનો કોલાહલ પણ એટલો જ વધતો ચાલે છે. રોજની ઘટમાળ સાથે તાદાત્મ્ય સાધવા માટે મનની શાંતિ ખૂબ આવશ્યક છે. એ માટે બધા જ કોલાહલથી દૂર જવું પડે. દરેક વખતે શહેરથી દૂર ભાગી જવું શક્ય નથી હોતું, પણ જ્યારે તક મળે ત્યારે કૉન્ક્રીટના કોલાહલથી દૂર જવું જોઈએ. પર્વત, નદી, ઝરણાં સાથે સંગત કરવી જોઈએ. ખુલ્લા આકાશ નીચે સૂવાની મજા માણવી જોઈએ. કુદરતનો ખોળો એવું એનર્જી ડ્રિન્ક છે જે અહેસાસ કરાવે છે કે લાઇફ ઇઝ બ્યુટિફુલ.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2019 03:24 PM IST | મુંબઈ ડેસ્ક | સેજલ પોન્દા - સોશિયલ સાયન્સ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK