જુઠ્ઠાણાને રામ રામ કહેજો

Published: Oct 09, 2019, 16:29 IST | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા | મુંબઈ

સંબંધ બાંધતી વખતે છુપાવવામાં આવેલી વાતો નરી છેતરામણી છે. સંબંધ તૂટે નહીં એ માટે બોલાતું જુઠ્ઠું મૂર્ખાઈ છે. બોલાઈ ગયેલા જુઠ્ઠાણાને સમયસર કબૂલી લેવું હોશિયારી છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સંબંધ બાંધતી વખતે છુપાવવામાં આવેલી વાતો નરી છેતરામણી છે. સંબંધ તૂટે નહીં એ માટે બોલાતું જુઠ્ઠું મૂર્ખાઈ છે. બોલાઈ ગયેલા જુઠ્ઠાણાને સમયસર કબૂલી લેવું હોશિયારી છે

દુનિયાના સર્વ સામાન્ય જુઠ્ઠાણા

અમારે  દીકરી અને વહુ બંને સરખા.

આવું દોડાદોડી કરીને ન આવો, રહેવાય એવું આવો.

બહુ ધમાલ ના કરતાં જમવાનું સાદું જ બનાવજો.

તમે સાચ્ચે ફાવી ગયા, આ છેલ્લો પીસ હતો.

તું તો ઘરનો છે, તારી પાસેથી વધારે નહીં લઉં.

હું પાંચ જ મિનિટમાં તમને ફોન કરું છું.

તું સાચું બોલીશ તો હું તને નહીં વઢું.

તમારો ચેક રેડી જ છે. કાલે મળી જશે.

દિવસ દરમિયાન આપણે કેટલું ખોટું બોલીએ છીએ એ વિશે આપણને પોતાને ખબર નથી હોતી. ખોટું બોલવું હવે આપણને કોઠે પડી ગયું છે. એવો કોઈ માણસ નહીં હોય જે ક્યારેય ખોટું ન બોલ્યો હોય. જુદા જુદા કારણસર આપણે ખોટું બોલતા હોઈએ જ છીએ. ક્યારેક કોઈ અણગમતી પરિસ્થિતિ ટાળવા, તો ક્યારેક કોઇને દુઃખ ન પહોંચે એ માટે, ક્યારેક વડીલોની ચિંતાનું કારણ ન બનીએ ત્યારે, ક્યારેક કોઈ અડિયલથી દૂર રહેવા તો ક્યારેક આપણું નુકસાન ન થાય એટલે. વધતે ઓછે અંશે આપણે જૂઠ્ઠાણાનો સહારો લઈએ છીએ, પણ કોઈકને છેતરવાની દૃષ્ટિએ બોલાતા જુઠ્ઠાણામાં આપણી બેઈમાની છલકાય છે.

ઘણા લોકો જુઠ્ઠું બોલવામાં એટલા માહેર હોય છે કે એમના માટે જુઠ્ઠું બોલવું એક કળા બની જાય છે. પાછા એટલી સીફતતી જુઠ્ઠું બોલે કે સામેવાળાને એ સાચું લાગે. ઘણીવાર આપણને ખબર હોય કે આપણી સામે ઊભેલી વ્યક્તિ હડહડતું જુઠ્ઠું બોલી રહી છે ત્યારે ક્યારેક આપણે ગમ ખાઈ જઈએ છીએ. અને એના જુઠ્ઠાણાથી આપણને વ્યક્તિગત નુકસાની ભોગવવી પડે એમ હોય તો આપણે એ જુઠ્ઠું પકડી પાડવાનું સાહસ કરતાં હોઈએ છીએ. અને એ કરવું પણ જોઈએ.

સંબંધ બાંધતી વખતે છુપાવવામાં આવેલી વાતો નરી છેતરામણી છે. સંબંધ તૂટે નહીં એ માટે બોલાતું જુઠ્ઠું મૂર્ખાઈ છે. બોલાઈ ગયેલા જુઠ્ઠાણાને સમયસર કબૂલી લેવું હોંશીયારી છે. ખોટું બોલવાથી સંબંધો ખાટા થઈ જાય છે. અને આગળ જતા એમાં ખોટ આવે છે. અમુક લોકોને એડવેન્ચર કરવાની એટલી હોંશ કે જૂના સંબંધમાં ખોટું બોલી...નવા સંબંધમાં જૂલવાની ટેવને રોકી શકતા નથી. દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાની એમનો ઉત્સાહ જાણે જૂઠ્ઠાણાનો વ્યાપાર કરતા હોય એવું લાગે. સંબંધમાં નીતનવા એડવેન્ચર કરતી આવી વ્યક્તિઓ ગમે તેટલા ધમપછાડા કરે પણ એનું જુઠ્ઠાણું સો ટકા પકડાઈ જાય છે.

બાળકોને મા-બાપ હંમેશા કહેતા હોય કે તું સાચું બોલીશ તો હું તને નહીં વઢું. અને સાચું જાણ્યા પછી જો બાળકને વઢ ખાવી પડે તો બાળકના મનમાં એ વાત ઘર કરી જાય કે સાચું બોલવાનું પરિણામ સારું નથી આવતું. સજા ભોગવવી પડે છે. વઢ ખાવી પડે છે.  એટલે બાળક ધીરે ધીરે ખોટું બોલતો થઈ જાય છે. સાચું બોલતા બાળકની સચ્ચાઈ સ્વીકારી એને હંમેશા સત્ય બોલવાની શીખ અને મોકળાશ આપવી જોઈએ. બાળકને એ વિશ્વાસ અપાવવો જોઈએ કે સત્ય આપણા ચારિત્ર્યનો એક અહેમ હિસ્સો છે. અને જો તે કંઈ ખોટું કર્ય઼ું હશે પણ કબૂલી લેશે તો તારી એ કબૂલાત માટે હું તારી સાથે ઊભો રહીશ.

ખોટું ઝાઝું ન ટકે, એક ખોટું બોલવા સો ખોટું બોલવું પડે એ જાણવા છતાં આપણે દરેક ક્યારેક ખોટું તો બોલીએ જ છીએ. આપણાથી વિરુદ્ધ સ્વભાવવાળી વ્યક્તિ આગળ આપણે વારંવાર ખોટું બોલીએ છીએ. એ વ્યક્તિ સાથેનો સંઘર્ષ ટાળવા જુઠ્ઠું બોલતા હોઈએ..એમાં કોઈ છેતરામણી કે બેઈમાની ન હોય ત્યાં સુધી ઠીક છે, પણ એનું અહિત કરવાની ભાવના હોય, એને બીજા સામે નીચા પાડવાની ભાવના હોય, એના વિરુદ્ધ કાન ભંભેરણી કરવાની, એના વિશે ગલત સલત વાતો ફેલાવવાની ભાવનાથી બોલાયેલું જુઠ્ઠું આપણા મનની સંકુચિત માનસિકતા દર્શાવે છે. બીજાનું અહિત કરીને આપણે સોનાને લાકડે નથી બળવાના એ વાત સમજી લેવી.

આપણા સ્વાર્થ માટે કોઈની ચાપલૂસી કરી એના માટે સારું સારું બોલવાની ચતુરાઈથી તો દૂર જ રહેવું. ખોટા વખાણ આપણા હોય કે બીજાના. છેલ્લે તો આપણને જ ભારી પડે છે. ખોટું કરવું નહીં અને ખોટું ચલાવવું નહીં એમાં આપણી આંતરિક શક્તિનો પરચો મળે છે. બીજાને ટાળવા માટે બોલાયેલું જુઠ્ઠું આપણી નબળાઈ દર્શાવે છે. વ્યક્તિને ટાળવા કરતાં વાતની ચોખવટ ગેરસમજણ ઊભી નથી કરતી. અમુક લોકો એટલી સીફતથી જુઠ્ઠું બોલે કે આપણે છેતરાઈ જઈએ. પણ સત્ય ઉઘાડું પડતા એ માણસની કિંમત બે કોડીની થઈ જાય છે.

જેની સાથે તમારો વ્યવહાર ચોખ્ખો છે, જેની સાથે તમારો નજીકનો સંબંધ છે એનાથી એવી વાત ન છુપાવવી કે સંબંધ વણસી જાય. આપણા દોષ પણ છુપાવવા કરતાં ઊઘાડા પાડી દેવા જેવી પારદર્શકતા કેળવવી જોઈએ. બીજાના એરિયામાં જાણ બહાર કરાયેલો અનિવાર્ય હુમલો સર્જિકલ સ્ટ્રાઈક કહેવાય. તો રોજ બરોજના વ્યવહારમાં ખોટી નિયતથી ...જાણ બહાર બોલાયેલું જુઠ્ઠું સંબંધની સર્જિકલ સ્ટ્રાઈક કહેવાય.

આ પણ વાંચો : લિખે જો ખત તુઝે

સત્ય બોલવું જ્યારે નુકસાનકર્તા બનતું હોય ત્યારે ખોટું બોલી નુકસાનને ટાળી લઈએ તો એ ખોટું ખરા અર્થમાં ખટકશે નહીં. પણ એ સિવાય જુઠ્ઠાણાને દૂરથી જ રામ રામ કરી દેવા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK