કૉલમ : તમે ક્યાં સુધી લડી શકો છો?

સેજલ પોન્દા | Mar 13, 2019, 11:16 IST

હારીને છોડી દેવું બહુ સહેલું છે. અઘરું છે સતત ટકી રહેવું. પડકાર ઝીલતાં રહેવું. કોઈ પણ સંજોગોમાં ઝીલવાનો અને જીતવાનો જુસ્સો ઓછો ન થવો જોઈએ. આપણે જ્યારે આપણી જાતને વિશ્વાસ અપાવીએ છીએ કે યસ, હું આ લડાઈ લડી લઈશ, ત્યારે દુનિયા પણ આપણા પર વિશ્વાસ મૂકતી થઈ

કૉલમ : તમે ક્યાં સુધી લડી શકો છો?
પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

લડવું એટલે શું? લડવું એટલે હારી જઈશું એની ખાતરી થઈ જાય એ પછી પણ જીતવા માટે ઝઝૂમતાં રહેવું. ઝઝૂમવું બહુ ઓછાને માફક આવે છે. આપણે દરેક આપણી શક્તિ પ્રમાણે જીવનની લડાઈ લડતાં જ હોઈએ છીએ. અને લડતાં લડતાં ઘણી વાર એ લડાઈથી ભાગી જવાનું મન થતું હોય છે.

જીવનની લડાઈનું અંતર કિલોમીટરમાં માપી શકાતું નથી. અમુક કિલોમીટર દોડ્યા પછી આપણે એમ ના કહી શકીએ બસ હવે દોડાશે નહીં. લડાશે નહીં. ટકવું અને અટકવું આ બે શબ્દોનો ભેદ બહુ મોટો છે. ટકી રહેવાની વૃત્તિમાં જુસ્સો હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાં લડી લેવાનો જુવાળ હોય છે. અટકી જવામાં જુસ્સા પર પ્રહાર હોય છે.

વિંગ કમાન્ડર અભિનંદનના જુવાળ પર બધા ફિદા થઈ ગયા. લોકોએ તેમના જેવી મૂછો રાખવાનું શરૂ કરી દીધું. નવા જન્મેલા બાળકનાં નામ અભિનંદન રાખવામાં આવી રહ્યાં છે. આ બધું તો સમજ્યા, પણ આપણે શીખ્યા શું? અભિનંદનને જ્યારે ખબર પડી કે એ દુશ્મનની ધરતી પર છે ત્યારે તેની પાસે રહેલી બંદૂકથી લોકોને દૂર હટાવવા તેણે હવામાં ગોળીબાર કર્યો. તે ભાગ્યો. તે તળાવમાં કૂદ્યો. ડૉક્યુમેન્ટ્સ ચાવી ગયો તો અમુક ડૉક્યુમેન્ટ્સ તેણે તળાવમાં ડુબાડી દીધા. પોતાને બચાવવા તે છેલ્લે સુધી ઝઝૂમતો રહ્યો. તેને બરાબર ખબર હતી કે જો તે પકડાઈ જશે તો કોઈ પણ હદ સુધીનું ટૉર્ચર થઈ શકે છે. કદાચ તે ક્યારેય ભારત પાછો નહીં ફરી શકે, પણ આ બધી શક્યતાઓને તેણે ડરમાં ટ્રાન્સફર ન કરી. અભિનંદન ધારત તો પોતાની પાસે રહેલી બંદૂકથી પોતાને જ ખતમ કરી દેત. દુશ્મન દેશનું ટૉર્ચર કેટલું ખતરનાક હોય છે એની અભિનંદનને જાણ હતી, પણ તેનો જુવાળ, જીવવાની જિજીવિષા, ભારત પરત ફરશે એ વિશ્વાસે તેને લડતો રાખ્યો. જીતવાની, બચવાની શક્યતા નહીંવત્ દેખાતી હોય એવા સમયમાં જે ડરથી પર થઈ શકે છે એના જીતવાની શક્યતાઓ વધી જાય છે.

સૈનિકોની ટ્રેનિંગ એટલી જબરદસ્ત હોય છે કે એ લોકો છેલ્લા શ્વાસ સુધી લડત આપે છે. આપણે સામાન્ય જીવનમાં આવું જીવી શકતા નથી. જે જીવી જાય છે એ પોતાની અલગ ઓળખ બનાવી શકે છે. અમુક જીવલેણ બીમારી સામે ઝઝૂમનારા લોકો પણ છે અને બીમારીથી હારી જઈ જાતને ખતમ કરનારા લોકો પણ છે. આપણી અંદર એવું શું નિર્માણ થવું જોઈએ જે આપણને સતત જીવવા માટે પ્રેરત કરે? જવાબ છે મનોબળ. એ માટે આપણે કઈ રીતે જીવીએ છીએ એનું ચેકિંગ કરવું પડે. આપણી અંદર ઇન્ટર્નલ સ્ટોરેજમાં હતાશા પણ છે અને જુસ્સો પણ છે. આપણે ઇન્ટર્નલ સ્ટોરેજમાંથી શું બહાર કાઢીએ છીએ એની પર બધું નિર્ભર છે. જો બીજા લડી શકે તો હું કેમ નહીં? આ પ્રશ્ન જ્યારે જાતને પૂછી લઈએ છીએ ત્યારે લડવાની હિંમત મળે છે.

સતત જાતને ટપાર્યા કરવાની કે બૉસ હું આ લડાઈ લઈ લડીશ. મારે લડવું છે, હારવું છે, જીતવું છે. જાતને પારખવી છે કે કેટલું લડી શકું છું. હારીને છોડી દેવું બહુ સહેલું છે. અઘરું છે સતત ટકી રહેવું. પડકાર ઝીલતાં રહેવું. કોઈ પણ સંજોગોમાં ઝીલવાનો અને જીતવાનો જુસ્સો ઓછો ન થવો જોઈએ. આપણે જ્યારે આપણી જાતને વિશ્વાસ અપાવીએ છીએ કે યસ, હું આ લડાઈ લડી લઈશ, ત્યારે દુનિયા પણ આપણા પર વિશ્વાસ મૂકતી થઈ જાય છે. જાત પર ભરોસો મૂકીશું તો જગત આપણા પર ભરોસો મૂકશે.

ખરેખર જો કમ્પેરિઝન કરવી હોય તો એવી વ્યક્તિ સાથે કરો, જે સૌથી ખરાબ સંજોગોમાં લડી રહી હોય, પણ આપણી કમ્પેરિઝનમાં ઉસકી સફેદી મેરી સફેદી સે જ્યાદા કૈસેની માનસિકતા હોય છે.

પ્યુનનો છોકરો એન્જિનિયર બની જાય. રિક્ષાવાળાનો છોકરો એમબીએ થઈ જાય આવા કિસ્સાઓ વાંચીને સાંભળીને ખંખેરી નાખવાના ન હોય. એમાંથી પ્રેરણા લેવાની હોય. જાતની અંદર જુસ્સો નિર્માણ કરવાનો હોય.

આ પણ વાંચો : ટીનેજર્સ માટે ફૅમિલી બોન્ડિંગ એક મજબૂત સપોર્ટ સિસ્ટમ

જીવનની સાથે સંબંધોની લડાઈ પણ આપણે લડતાં હોઈએ છીએ. જે સંબંધમાં એવું લાગે કે આ વ્યક્તિ વગર નહીં જિવાય એ સંબંધ સૌથી વધારે પાંગળો હોય છે. જ્યાં ખરેખર લાગણી છે એ સંબંધમાં ઇનસિક્યૉરિટી હોય જ નહીં. લાગણી હશે ત્યાં સ્પેસ હશે, સ્વતંત્રતા હશે. એકબીજાનો ગ્રોથ કઈ રીતે થાય એનું માર્ગદર્શન જ્યારે પ્રેમ કરતી બે વ્યક્તિ એકબીજાને આપે છે ત્યારે એ સંબંધ વધુ ચમકીલો બને છે. સંબંધ હોય ત્યાં લડાઈ પણ હોય. સંબંધની લડાઈમાં શબ્દોના હથિયારનો એટલો ઓવરડોઝ થઈ જાય કે ગમતીલો સંબંધ અણગમતો બની જતાં વાર લાગતી નથી. સંબંધની લડાઈમાં અહંકાર છોડી દેવો મહત્વનું છે, અને કોઈ પણ સંજોગોમાં સાથે રહીશું એ જુસ્સો ટકાવી રાખવો અગત્યનો છે.

જ્યારે પણ એવું લાગે કે હવે નહીં લડી શકાય, થાકી ગયા છીએ ત્યારે લડવાની હિંમત ફરી ભેગી કરવા માટે જાતને કહેતાં રહેવું કે હું અંત સુધી લડીશ અને ઝઝૂમીશ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK