કૉલમ: સંબંધોમાં અધિક માસ

Published: May 01, 2019, 12:50 IST | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા | મુંબઈ

સંબંધનો અધિક માસ એટલે સંબંધોને ઑબ્ઝર્વ કરવાનો મહિનો. રોજેરોજ જે વ્યક્તિ સાથે આપણો વ્યવહાર ચાલતો હોય એ વ્યક્તિ સાથેના સંબંધોને બારીકાઈથી નિહાળતા રહેવાનો મહિનો. મોટા ભાગે આપણે સંબંધોને જજ કરતા હોઈએ છીએ.

રિલેશનશિપ
રિલેશનશિપ

અધિક માસ વિશે આપણે બધા જાણીએ છીએ. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. આ અધિક મહિનામાં પૂજા, પાઠ, દાન અને ધર્મ-ધ્યાનનું ખૂબ મહત્વ હોય છે. અધિક મહિનામાં શ્રાદ્ધ, સ્નાન અને દાન કરવાથી કલ્યાણ થાય છે એવું માનવામાં આવે છે. આ મહિનો ભગવાનની ભક્તિમાં લીન થવાનો હોય છે.

રોજબરોજ જિવાતા સંબંધોમાં આવો અધિક માસ હોય તો! કૅલેન્ડરમાં સંબંધો માટેના અધિક માસની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. સંબંધોના અધિક માસનાં એવાં કોઈ પુસ્તકો પણ ઉપલબ્ધ નથી. ના તો કોઈ ડિક્શનરીમાં આવા કોઈ માસનો ઉલ્લેખ છે.

સંબંધોનો અધિક માસ એટલે શું? આપણી પર્સનલ કે પ્રોફેશ્નલ લાઇફમાં આપણે જે સંબંધો સાથે જીવીએ છીએ, ઝૂરીએ છીએ, સંપર્કમાં રહીએ છીએ એ દરેક સંબંધમાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક આપણને વાંધાવચકા પડે છે અથવા તો મનદુ:ખ થાય છે. મતભેદ થાય છે. કોઈ પણ સંબંધમાં આપણે સો ટકા આપવા જઈએ તો પણ સરવાળો નવ્વાણું જ આવે છે. ક્યાંક ને ક્યાંક તો કચાશ રહી જ જાય છે. સંબંધમાં આપણું ધાર્યું ના થાય તો કોઈક વખત બીજાની ધારણા પ્રમાણે આપણે વર્તી શકતા ના હોઈએ.

કહેવત છે ને કે ઘરમાં બે વાસણ હોય તો ખખડે પણ ખરાં. એનો સરળ અર્થ એ જ છે કે બે વ્યક્તિઓ વચ્ચે હરહંમેશ સંપૂર્ણ સહમતી ક્યારેય સંભવી શકતી નથી. અને આ તફાવતનો આદર કરતાં જો આવડી જાય તો એનો અર્થ એ છે કે તમે સંબંધને સમજી શક્યા છો.

સંબંધનો અધિક માસ એટલે સંબંધોને ઑબ્ઝર્વજ કરવાનો મહિનો. રોજેરોજ જે વ્યક્તિ સાથે આપણો વ્યવહાર ચાલતો હોય એ વ્યક્તિ સાથેના સંબંધોને બારીકાઈથી નિહાળતા રહેવાનો મહિનો. મોટા ભાગે આપણે સંબંધોને જજ કરતા હોઈએ છીએ. વ્યક્તિ માટે અભિપ્રાય બાંધતા હોઈએ છીએ એની જગ્યાએ એક મહિનો જેટલા પણ સંબંધો સાથે આપણે જીવતા હોઈએ એને આપણે પ્રેક્ષક બની નિરીક્ષણ કરીએ.

જ્યારે આપણે બે કલાકની ફિલ્મ જોવા જઈએ ત્યારે આપણે મોટા પડદે જે ચાલતું હોય એ જેવું પણ હોય એને જોતાં રહીએ છીએ, માણતાં રહીએ છીએ અને ફિલ્મ પૂરી થાય પછી આપણે અભિપ્રાય આપીએ કે ફિલ્મ કેવી હતી! પણ એ બે કલાક આપણે સંપૂર્ણ રીતે દર્શક બની જતા હોઈએ છીએ. પડદા પર ચાલતી કથા, એનાં પાત્રોમાં ઓતપ્રોત થઈ જતા હોઈએ છીએ.

સંબંધોમાં પણ દર્શક બની એને નિહાળતાં રહીએ તો સૌથી પહેલાં તો આપણી જાતને વધુ સારી રીતે સમજવાનો મોકો મળે છે. દર્શક બની સંબંધોને નિહાળવાની પ્રવૃત્તિ એટલે સંબંધનો અધિક માસ. આખા વર્ષમાંથી કોઈ પણ એક મહિનો પકડી લો. એ મહિનામાં એવું નક્કી કરો કે આ આખો મહિનો સાથે જિવાતા ગમતા અણગમતા સંબંધોમાં કશું જ રીઍક્ટ કરવું નથી. ના તો કોઈ આરગ્યુમેન્ટ કરવી છે. ના તો કોઈને જજ કરવા છે. બસ ચૂપચાપ દરેક વ્યક્તિ સાથેના સંબંધોને નિહાળતાં રહેવું છે. જેને જેમ બિહેવ કરવું હોય કરે. આપણે કોઈ જ પ્રતિક્રિયા નહીં આપવાની. આપણા ચહેરા પર સ્માઇલ લઈ ફરવાનું નક્કી કરવાનું.

જ્યારે આપણે દરેક સંબંધને મૂક પ્રેક્ષક બની નિહાળીએ છીએ ત્યારે સંબંધને જુદી રીતે જોતા અને સમજતા થઈએ છીએ. કોઈ વ્યક્તિ અમુક ચોક્કસ પ્રકારે કેમ બિહેવ કરતી હોય એની પાછળ પણ ચોક્કસ કારણ હોય છે. આપણે વર્તન પર રીઍક્ટ કરીએ છીએ. એવું વર્તન કેમ થયું હશે એના કારણમાં પડતા નથી. અને એટલે જ વ્યક્તિને આપણે વર્તનથી મૂલવીએ છીએ. કોઈ સારું વર્તન કરે તો આપણે તેને સારી વ્યક્તિ કહીએ છીએ. કોઈ ખરાબ વર્તન કરે તો આપણે તેને ખરાબ વ્યક્તિ કહીએ છીએ. વર્ષોનાં વર્ષો આપણે આ જ વિચારધારા સાથે જીવીએ છીએ.

સંબંધને ચૂપચાપ નિહાળતાં રહેવું પણ પૂજા સમાન જ છે. નિહાળતાં નિહાળતાં આપણને સમજાશે કે જે સંબંધને આપણે સૌથી વધુ વહાલ કરતા હતા એ જ સંબંધ માટેનો આપણો આદર ખોવાઈ ગયો છે. બીજી વ્યક્તિ માટેનો આદર જ્યારે ખોવાઈ જાય છે ત્યારે સૌથી પહેલાં આપણી સમજણને કાટ લાગે છે. એ પછી આપણા શબ્દો અને એ પછી આપણા વર્તનને કાટ લાગે છે. સંબંધમાં આદર અને ભરોસો બંને એકસાથે ચાલવા જોઈએ. એ પછી સમજણ અને સ્વતંત્રતા સાથે ચાલવી જોઈએ. આદર અને ભરોસો ટકાવવો આપણા હાથમાં છે. એ ટકાવી શકીએ તો સંબંધમાં એવું બોન્ડિંગ ફીલ થશે જેને કોઈ પણ સંજોગો, કોઈ પણ વ્યક્તિ ક્યારેય તોડી નહીં શકે.

એટલે મૂળમાં બીજાને જજ કરતાં પહેલાં આપણી દૃષ્ટિને બદલવાની જરૂર છે. બીજી વ્યક્તિની ન ગમતી આદતનો સ્વીકારભાવ પણ હોવો જોઈએ. ભલે એની માત્રા ઓછીવધતી હોઈ શકે.

આ પણ વાંચો : 89 વર્ષનાં આ બહેન હૅરી પૉટરનાં ચિત્રોવાળી બૅડશીટ શું કામ બનાવે છે?

માત્ર એક મહિનો સંબંધને દર્શક બની નિહાળવાનો પ્રયોગ કરી જુઓ. જાતની સાથે જગત માટેની દૃષ્ટિમાં અપ્રતિમ પરિવર્તન આવી જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK