Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભગવાન સાથેની તમારી ટ્રિપ કેવી રહી?

ભગવાન સાથેની તમારી ટ્રિપ કેવી રહી?

04 March, 2020 05:16 PM IST | Mumbai
Sejal Ponda

ભગવાન સાથેની તમારી ટ્રિપ કેવી રહી?

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


એક જગ્યાએ જવા માટે મેં કૅબ બુક કરાવી. કૅબમાં લોકેશન નાખવાનું અને જે સ્થળે પહોંચવું છે ત્યાં ડ્રાઇવર બરાબર પહોંચાડી દે. ખૂબ સારી સુવિધા છે આ. એકલા હો કે પરિવાર સાથે હો, ટૅક્સીની આ સુવિધા હવે બધાને માફક આવવા લાગી છે. મુંબઈગરાના જીવનમાં ટ્રેન, બસ, રિક્ષાની હાડમારી તો ભોગવવાની છે જ. એવામાં આવી સુવિધા આશીર્વાદ સમાન સાબિત થાય છે.

આ જર્ની દરમિયાન ઘેરબેઠાં આપણા પરિવાજનો કે મિત્રો જાણી શકે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. એટલે એ રીતે આ જર્ની સેફ જર્ની છે. આપણું ડેસ્ટિનેશન આવી જાય એટલે પૈસા આપી આપણે ઊતરી જવાનું હોય. એ પછી આપણને મોબાઇલમાં મેસેજ દ્વારા પૂછવામાં આવે કે ફલાણા-ફલાણા ડ્રાઇવર સાથેની તમારી ટ્રિપ કેવી રહી. કૅબ ચલાવતી કંપની ડ્રાઇવર સાથેના આપણા અનુભવની જાણકારી મેળવે જેથી કોઈ ડ્રાઇવરે ગેરવર્તન તો નથી કર્યુંને એ કંપની જાણી શકે.



મારે જે ડેસ્ટિનેશન પર પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા પછી પૈસા આપી હું કૅબમાંથી ઊતરી અને તરત મને મેસેજ આવ્યો કે ભગવાન સાથેની તમારી ટ્રિપ કેવી રહી? એ ડ્રાઇવરનું નામ ભગવાન હતું અને આ મેસેજ જોઈને મારા ચહેરા પર સ્માઇલ આવી ગઈ. ડ્રાઇવર ભગવાન તો બાજુ પર રહ્યો, પણ મને તરત વિચાર આવ્યો કે જો કોઈ મને પૂછે કે જીવનની આ મુસાફરીમાં ભગવાન એટલે કે ઈશ્વર સાથેની તમારી ટ્રિપ કેવી રહી? જવાબ આપતાં પહેલાં વિચારવું પડે, અટકી જવાય એવો સવાલ છે આ. ખરેખર અમુક પ્રશ્નો આપણને આપણી જાત સાથે જોડે છે. આપણને વિચારતા કરી દે છે કે જીવનની મુસાફરીમાં આપણે કેટલા ખુશ છીએ.


જે લોકો ભગવાનમાં માને છે એ દરેક માટે આ સવાલ છે કે જીવનની મુસાફરીમાં ભગવાન સાથેની તમારી ટ્રિપ કેવી રહી? આપણે દરેકને રોજેરોજ ક્યાંક ને ક્યાંક પહોંચવું છે. રોજેરોજની આ મુસાફરીમાં હાડમારી છે, થાક છે, સંઘર્ષ છે, હેત અને હૂંફ પણ છે. આપણે ટ્રેન, બસ, રિક્ષા, પ્લેનમાં ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે ડ્રાઇવર કોણ છે એ જાણવાની આપણને દરકાર હોતી નથી. આપણે જે-તે સાધનમાં બેસી જઈએ છીએ અને ડ્રાઇવર બરાબર પહોંચાડી દેશે એ વિશ્વાસ આપણને હોય છે. પણ વાત જ્યારે ભગવાનની આવે ત્યારે આપણે જરા શંકાશીલ બની જઈએ છીએ. આપણા જીવનને હંકારતા ભગવાન સામે અસંતોષ, ફરિયાદ વ્યક્ત કરીએ છીએ. ક્યારેક તો તેની સાથે લડીએ છીએ, ઝઘડીએ છીએ કે મને આવી જિંદગી કેમ આપી જેમાં મારી ઇચ્છા મુજબનું કંઈ થતું નથી.

જીવનની મુસાફરી શરૂ થાય એ પછીથી આપણા બધાના રસ્તા જુદા-જુદા હોય છે. પણ જ્યાં પહોંચવાનું છે એ ડેસ્ટિનેશન એક જ છે અને એ છે મૃત્યુ. જીવન નામની ગાડીમાં બેઠા પછી છેલ્લું સ્ટૉપ મૃત્યુ છે અને દરેક માટે આ સ્ટૉપ નિર્ધારિત છે. માત્ર સમય, સ્થળ જુદાં-જુદાં હોય છે. મૃત્યુ સુધીની આ મુસાફરીમાં આપણી ગાડીને હાંકતો ભગવાન આપણો કેટલોબધો ભાર પોતાની ઉપર લઈ લે છે એ જેને ભગવાનમાં શ્રદ્ધા હોય તે જ સમજી શકે. જીવનગાડી ચાલતી હોય ત્યારે રસ્તામાં ખાડાટેકરા પણ આવે. જુદી-જુદી મોસમનો સામનો પણ કરવો પડે. ક્યારેક તોફાન આવે તો ક્યારેક વરસાદ આપણને તરબતર કરી દે. ક્યારેક આકરો તાપ લાગે અને ક્યારેક જોરદાર ઠંડી. મુસાફરીમાં આપણી ગાડી દરેક વખતે સડસડાટ નીકળી જાય એવું બનતું નથી હોતું. માર્ગમાં આવતી અડચણો વખતે આપણે કેટલી ધીરજ રાખી શકીએ છીએ એ બહુ મહત્ત્વનું છે. આ અડચણોમાં આપણી ગાડી હંકારતા ભગવાનનું ઇન્વૉલ્વમેન્ટ તો હોય જ છે, કારણ કે તે આપણો માર્ગદર્શક બની આપણને મુસાફરીના અંત સુધી પહોંચાડવા કટિબદ્ધ છે. આપણને અંત સુધી પહોંચાડવાની તેની જવાબદારી છે. આ જવાબદારીની વચ્ચે અડચણોમાંથી આપણને ઉગારી લેવાની પણ તેની જવાબદારી છે અને આ જવાબદારી ભગવાન બખૂબી નિભાવે છે.


મુસાફરી દરમ્યાન આવતી મુશ્કેલીઓ આપણને ઘણુંબધું શીખવે છે. માત્ર ઇચ્છાપૂર્તિ જીવન મુસાફરીનું કેન્દ્રબિન્દુ નથી. મુસાફરી દરમ્યાન આવતી તકલીફો અને એમાંથી આપણે શું શીખીએ છીએ, કેવા માણસ બનીએ છીએ, કેટલી ધીરજ રાખીએ છીએ એ બહુ અગત્યનું છે. બધી ઇચ્છા પૂરી થઈ ગયા પછી આપણને ઘણુંબધું અધૂરું રહી ગયું હોય એવું લાગે છે. રોજેરોજ નવું શીખવાનું નામ જીવન છે. સંઘર્ષો, અડચણો, મુશ્કેલીઓ આપણને માણસ બની રહેવાનું શીખવે છે. જીવનના છેલ્લા ડેસ્ટિનેશન મૃત્યુ સુધી પહોંચીએ ત્યાં સુધી આપણે માણસ બની રહીએ એવી મુસાફરી કરીએ. આપણી જીવન ગાડી હંકારતા ભગવાન પર ભરોસો રાખીએ. જ્યારે પણ આપણી અંદરની માણસાઈ ઓછી થવા લાગે, જીવન પ્રત્યે નફરત થવા લાગે, આક્રોશ થવા લાગે, ભગવાન પર ધિક્કાર ઊપજે ત્યારે જાતને એક વાર પૂછી લેવું કે અત્યાર સુધીની ભગવાન સાથેની આપણી ટ્રિપ કેવી રહી? રોજ સવારે આપણા શ્વાસની હયાતીનો અહેસાસ થાય ત્યારથી લઈ દિવસના અંત સુધી ભગવાન નામનો માર્ગદર્શક આપણી સાથે છે અને તે યોગ્ય ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે અને આ મુસાફરીમાં આપણો માર્ગદર્શક બની સતત આપણી સાથે રહેશે એ ભરોસો અને શ્રદ્ધા આપણા મનમાં જીવન માટેનો પ્રેમ નિર્માણ કરે છે.

જ્યારે પણ હતાશા-નિરાશાની ગર્તામાં ધકેલાઓ ત્યારે જાતને પૂછી લેવાનું કે ભગવાન સાથેની ટ્રિપ કેવી રહી? વિશ્વાસ કરો, ભગવાનનો આભાર માનવાનું દિલ જરૂર કરશે.

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2020 05:16 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK