જવાનો સમય આવે ત્યારે કેવા જવું?

Published: Aug 16, 2019, 11:32 IST | રશ્મિન શાહ - સોશ્યલ સાયન્સ | મુંબઈ ડેસ્ક

પચાસ પછી જીવનમાં ઉતારવા જેવી અને અમલમાં મૂકવા જેવી આ સલાહનો અમલ કરજો, જીવન જીવવાલાયક બનશે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

પાંચમની છઠ થતી નથી. આયુષ્યનાં ૫૦ વર્ષ એટલે પાંચમનો સંધ્યાકાળ માની શકાય કે પછી કહો કે છઠનો સૂર્યોદય માની શકાય. ૫૦ પછી એટલું તો મહદંશે નક્કી થઈ જતું હોય છે કે જેટલો સમય રહ્યા એટલો સમય તો રહેવા નથી જ મળવાનું અને જો આ નક્કી થઈ જતું હોય તો પહેલો પ્રયાસ એ કરવો કે ૫૦ના થયા પછી નક્કી કરવું કે હવે મારે કોઈ પાસેથી કોઈ અપેક્ષા રાખવી નથી. બહુ રાખી લીધી અપેક્ષા અને બહુ બધાએ પૂરી પણ કરી લીધી. જો કોઈએ પૂરી નથી કરી આટલાં વર્ષ પછી તો હવે તમારી અપેક્ષા પૂરી કરે એવી ધારણા પણ ન રાખવી જોઈએ. અપેક્ષા નહીં, છોડી દો અપેક્ષા અને જ્યાં છો, જેમ છો અને જે રીતે રહો છો એને શાશ્વત સુખ માનીને એનો આનંદ લો. ૫૦ વર્ષે તો આ થવું જ જોઈએ. આ એવી ઉંમર છે જ્યારે તમને અવસાન-નોંધ વાંચવાની આદત પાડવાની છે. સાથે રહેલાં અને જેમને મામા-કાકા કે ફૈબા કહીને મોટા થયા છો એ લોકો જવા માંડ્યાં હોય છે અને તમને મામા-કાકા કહેનારાઓના જીવનમાં નવાં પાત્રો ઉમેરાવાનું શરૂ થવા માંડ્યું હોય છે. આવા સમયે અપેક્ષાઓનો ભાર રાખીને એ ભાર સામેવાળાના ખભા પર મૂકીને એનું વજન આપવું એના કરતાં અપેક્ષારહિત થઈને એ અવસ્થાનો આનંદ લો. આવે તો મોસ્ટ વેલકમનો ભાવ રાખો અને કોઈ જાય તો ‘જરૂર પડે ત્યારે કહેવડાવજો’નો સૂર આપવાની આદત કેળવો. હવે તમે નાના નથી રહ્યા. ભલે સાયન્સ આગળ વધ્યું અને ઓપન હાર્ટ સર્જરી પછી સાતમા દિવસે તમે ગૅલરીમાં બેસીને મગફળી ફોલીને ખાઈ શકતા હો. એ તમારી ખુમારી છે પણ હકીકત તો એ જ છે કે ઑલમોસ્ટ પોણી ઉંમર તમે પસાર કરી લીધી છે અને હવે ગમે ત્યારે ઉપરથી કહેણ આવી શકે છે. જો કહેણ કોઈ પણ તબક્કે આવી શકે એમ હોય તો થોડા તો ક્લીન થઈએ, થોડા તો સાફ થઈએ.

ઉપરવાળાએ મોકલ્યા ત્યારે તો એકદમ ક્રિસ્ટલ ક્લિયર મોકલ્યા હતા. તેણે ન તો શરીરમાં કોઈ બગાડ આપ્યો હતો કે ન તો મસ્તકમાં કોઈ જાતનું ભૂસું ભર્યું હતું. મમ્મીને નહોતી ગમતી એ દાદી તેડતી તો પણ આપણે તેની સામે મસ્તમજાનું સ્માઇલ આપી દેતા અને પપ્પાને નહોતા ગમતા એ મામા સાથે પણ રમવા માટે આપણે ભારોભાર ઉત્સુક રહેતા. કોઈ બગાડ ઉપરવાળાએ નહોતો આપ્યો, એ બધું આપણે નાખ્યું અંદર અને એને પાળી-પોષીને મોટું કર્યું પણ હવે, હવે જવાનો સમય આવ્યો છે. ૫૦ની ઉંમર થઈ સાહેબ, વનપ્રવેશને જોખમી કહેનારા ગુજરાતીઓનો તોટો નથી અને વાનપ્રસ્થ આશ્રમની વાતો પણ શાસ્ત્રોમાં અદ્ભુત રીતે લખવામાં આવી છે. વનપ્રવેશનું જોખમ પણ જાણીએ છીએ અને વાનપ્રસ્થ આશ્રમના લાભ પણ જાણીએ છીએ અને એ પછી પણ મનમાં, મસ્તકમાં ભરાયેલું ભૂસું કાઢવાની તૈયારી નથી. ઉપરવાળાએ કોઈ માનસિકતા નહોતી બાંધી આપી, એ પણ આપણે બાંધી છે અને ઉપરવાળાએ કોઈ સ્વભાવ પણ નહોતો આપ્યો એ પણ આપણે જ ઘડ્યો છે. તો હવે જ્યારે જવાનો સમય નજીક આવવાનું શરૂ થઈ રહ્યું છે ત્યારે શું કામ આપણે બાંધેલા સ્વભાવને અહીં જ મૂકી ન દેવો? શું કામ માનસિકતાને અહીં જ તોડી ન નાખવી?

કોઈ અપેક્ષા નહીં, કોઈ દ્વેષ નહીં. કોઈ ખૂન્નસ નહીં, કોઈ બંધન નહીં. કહ્યું એમ, આવે તો ‘મોસ્ટ વેલકમ’નો ભાવ રાખો અને કોઈ જાય તો ‘જરૂર પડે ત્યારે કહેવડાવજો’નો સૂર આપવાની આદત કેળવો. મળવાનું મન થાય તેને પ્રેમથી મળો, તે પ્રેમ ન દેખાડે તો એનો હરખશોક છોડી દો. તમને ગમે છે, તમને મજા આવે છે, તમને પ્રેમ છે. બસ, આ જ વાત મહત્ત્વની છે. એ વાત પણ ભૂલી જાઓ કે હવે જરૂર પડે ત્યારે તેને દેખાડી દઈશ. ના, નહીં, દેખાડી દેવાનો સમય ગયો. હવે સમય છે જોઈ લેવાનો, માણી લેવાનો. સમય ઓછો છે. રામ જાણે ક્યારે બૅકગ્રાઉન્ડમાં ગીત વાગવા માંડે, ‘ચલો બુલાવા આયા હૈ...’

દેખાડી દેવાની ભાવના કે મોઢું ચડાવવાની ગણતરીઓને તિલાંજલિ આપી દેશો તો બનશે એવું કે જતી વખતે વળાવવા આવનારાઓની ભીડ મોટી હશે. આ ભીડ તમે નથી જોવાના પણ એ ભીડ તમારા સ્વજનને સાચવી લેવાનું કામ કરશે એ નક્કી છે. આ ભીડથી તમારા જવાનું દુઃખ ઓછું નથી થવાનું, પણ આ ભીડ તમારા જેવું જીવવાની પ્રેરણા ચોક્કસ સેંકડોને આપશે. સીધી વાત, સીધો હિસાબ. સંબંધોમાં નવી કોઈ કળવાણી નથી ઉમેરવી, જે સંબંધો બંધાયેલા રહ્યા છે, જે સંબંધો ઉષ્માનું ભાથું આપી ચૂક્યા છે એ સંબંધોને આજીવન હવે જાળવી રાખવાના પ્રયાસ કરવા છે. અહમ્‍ને ઓગાળવો છે, ખાસ તો એ જગ્યાએ જે જગ્યાએ પ્રેમ અને લાગણી છે. અહમ્‍ને ઓગાળવો છે, ખાસ તો એ જગ્યાએ જે જગ્યાએ માથું મૂકીને રડી લેવાની અને પેટ ભરીને હસી લેવાની ક્ષણો વિતાવી છે. ખાલી થવાનું છે કડવાશથી અને ખાલી થઈ જવાનું છે ઘૃણાથી.

આ પણ વાંચો : આ રીતે ગુજરાતીઓ ઉજવે છે રક્ષાબંધનનું પર્વ

ખાલી થવાનું છે ઈર્ષ્યાથી અને ખાલી થઈ જવાનું છે મનમાં ઘર કરી ગયેલા હું-ત્વમાંથી. જવાબદારીઓમાંથી છૂટવાનું નથી, પણ જવાબદારીઓમાંથી બીજા સૌકોઈને છૂટા કરી દેવાના છે. જવાબદારીઓ જીવનની અંતિમ ક્ષણ સુધી અકબંધ રાખવાની છે, પણ કોઈ જવાબદારી ચૂકે તો એ વાતને ગાંઠે નથી બાંધવાની, એ વાતમાં આંતરિક કડવાશ નથી ઉમેરવાની. યાદ એક જ વાત રાખવાની છે કે હવે જવાનું છે. જવાનો સમય આવે ત્યારે છો, મોકલ્યા હતા એવા થઈને ન જઈ શકીએ પણ ઍટ લીસ્ટ આપણે જાતે જ ઊભા કરેલા કાદવ અને કીચડનો ભાર તો હળવો કરી નાખીએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK