Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભૂલતા નહીં, ખુશી કોઈ આપી શકે, પણ સુખી તો તમારે જાતે જ થવું પડે

ભૂલતા નહીં, ખુશી કોઈ આપી શકે, પણ સુખી તો તમારે જાતે જ થવું પડે

12 April, 2019 11:22 AM IST |
રશ્મિન શાહ

ભૂલતા નહીં, ખુશી કોઈ આપી શકે, પણ સુખી તો તમારે જાતે જ થવું પડે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

મને આપો ઉછીનું સુખ થોડું.



કવિ જગદીશ જોષીની આ રચના આજે તો બહુ ઓછા લોકોને યાદ હશે, પણ રચનામાં કરવામાં આવેલી આ યાચના આજે પણ અકબંધ છે અને લગભગ દરેક વ્યક્તિમાં આ ભિક્ષુકવાદ જાગી રહ્યો છે. મને આપો ઉછીનું સુખ થોડું, હજુય ના એવડું તે થઈ ગયું મોડું. સુખ તમે ક્યારેય કોઈને આપી ન શકો. ક્યારેય નહીં, કદાપિ નહીં. કોઈ ખુશી આપી શકે, પણ સુખી તો તમારે જાતે જ થવું પડે અને એના માટેના પ્રયાસ પણ તમારે જાતે જ કરવા પડે. જો આ પ્રયાસમાં તમે નિષ્ફળ ગયા હો તો એ સુધારો પણ તમારે જાતે જ તમારામાં કરવાનો છે.


સુખ અને દુ:ખ શાશ્વત છે, એની અનુભૂતિ શક્ય છે, પણ એનું વર્ણન અશક્ય અને અસંભવ છે. જ્યાં સુધી લાગણીઓ છે, પ્રેમ છે અને સંવેદનાઓ છે ત્યાં સુધી સુખ અને દુ:ખ બન્ને અકબંધ રહેવાનાં છે. તમે ધારતા હશો તો પણ એ રહેશે અને તમે નહીં ધારો તો પણ એનું અસ્તિત્વ અકબંધ રહેશે. જેનો નાશ શક્ય નથી એનો સ્વીકાર સૌથી શ્રેષ્ઠ છે. પરિસ્થિતિના સ્વીકારમાં સુખ મળે કે ન મળે, પણ એનાથી તમને શાતા તો અચૂક મળશે. પરિસ્થિતિના સ્વીકારથી તમને કદાચ સુખ ન મળે એવું બને, પણ જો સ્વીકારવાની ભાવના આવશે તો એની સામે ટકવાની અને પરિસ્થિતિ કફોડી હશે તો એની સામે ઝઝૂમવાની ક્ષમતા આવશે અને એ ક્ષમતા આવ્યા પછી પસાર કરેલી એકેક ક્ષણ પણ સુખમાં પરિવર્તિત થશે. જ્યારે પણ જ્યાં સ્વીકાર કરવાની માનસિકતા નથી રહી ત્યાં દુ:ખે પોતાનું મોઢું ફાડ્યું છે, ફેણ ચડાવી છે અને જરૂર પડ્યે દંશ પણ માર્યો છે, પણ જો પરિસ્થિતિનો સ્વીકારભાવ આવી જાય તો મારવામાં આવેલા દંશ માટે માનસિકતા બંધાઈ જાય છે. અઘરી અને આકરી લાગતી આ વાતને એક ઉદાહરણ સાથે સમજશો તો શક્ય છે કે એમાં તમને સરળતા દેખાશે.

હૉસ્પિટલમાં ગયેલા નાના બાળકને ક્યારેય જોયું છે તમે? તેને ઇન્જેક્શન મારવામાં આવે એ પરિસ્થિતિ જોઈ છે? ઇન્જેક્શન હજુ તો હાથમાં હોય છે ત્યાં જ એનો ભેંકડો શરૂ થઈ જાય છે. ઇન્જેક્શન મારી દેવામાં આવે એ પછી પણ બાળકનું રડવાનું અકબંધ રહે છે. એંસી ટકા ઇન્જેક્શનની નિડલનો દુ:ખાવો છથી સાત મિનિટમાં ઓસરી જતો હોય છે, પણ એમ છતાં તેનું રડવાનું ચાલુ છે અને અમુક કિસ્સામાં તો કલાક પછી દાદી કે દાદા કે પપ્પા આવે એટલે તેમને જોઈને રડવાનું નવેસરથી શરૂ થઈ જાય છે. શું કામ, ક્યારેય વિચાર્યું છે ખરું?


પરિસ્થિતિનો અસ્વીકાર. સંજોગ જ્યારે સ્વીકારી નથી શકાતા હોતા ત્યારે હાલત એવી થતી હોય છે કે દુ:ખ સતત સાથે રહેતું થઈ જાય છે. દરેક ક્ષણે એ વાત બટકું ભરવા દોડે છે કે તમારે બાંધછોડ કરવી પડી, તમારે તમારો અહમ્ છોડવો પડ્યો, પણ સંજોગોને સ્વીકારી લેવાની તૈયારી રાખશો તો છોડી દેવામાં આવેલો અહમ્ પણ રાહત આપવાનું કામ કરશે. ભગવદ્ગીતામાં પણ કહેવાયું છે કે સ્થિતપ્રજ્ઞતા અપનાવીને જે અવસ્થા છે એ અવસ્થાને પ્રામાણિકતાથી સ્વીકારી લઈશ તો તકલીફ નહીં પડે અને આ તકલીફ ઊધઈ જેવી છે. ઊધઈને લાકડું મળે એટલે એ પોતાનો વ્યાપ વધારે એવી રીતે, ડિટ્ટો એવી જ રીતે ઊધઈને સુખ દેખાય અને એ પોતાનો વ્યાપ વધારે. તમારે જોવું હોય તો જોજો તમે, અઢળક સુખના વાતાવરણ વચ્ચે પણ ન ગમતા એક સમાચાર આવે અને તમારા ચહેરાની રોનક ઊડી જાય. આ ઊડતી રોનક એટલે પરિસ્થિતિનો અસ્વીકાર. માન્યું કે દરેક તબક્કે પરિસ્થિતિનો સ્વીકાર કરવાની ક્ષમતા કામ ન પણ, કરે પણ જો એનો અમલ શરૂ કરી દેશો તો એક તબક્કો એવો આવી જશે કે દરેક સંજોગને સ્વીકારવામાં પારંગત થઈ જશો.

પ્રશ્ન જન્મે કે સ્વીકાર શું કામ કરવાનો તો એનો જવાબ પણ તમે જ તમારી જાતને આપતાં પહેલાં પ્રતિપ્રશ્ન કરવો, સ્વીકાર શું કામ ન કરવો?

જવાબ આપોઆપ મળી જશે. સમજાશે કે પરિસ્થિતિ સામે લડવાનું કૌવત મેળવવાનું બાકી છે એટલે સ્વીકાર કરવો અને સંજોગો સામે ઝઝૂમવા માટે ધૈર્ય એકઠું કરવાનું બાકી છે એટલે સ્વીકાર કરવો. આંખ સામે આવી ગયેલી સિચુએશનનો તાગ મેળવવાનો બાકી છે એટલે અત્યારની આ પરિસ્થિતિનો સ્વીકાર કરવો અને નડવા માંડી છે એ અવસ્થામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા માટે મનને શાંત પાડવાના હેતુથી અવસ્થાનો સ્વીકાર કરવો. સ્વીકાર કરશો તો એટલું નક્કી છે કે સુખ વધશે નહીં, પણ હા, એ પણ એટલું જ સાચું છે કે સુખનો ક્ષય પણ નહીં થાય અને જો સુખનો ક્ષય નહીં થાય તો કોઈની પાસે હાથ ફેલાવીને કહેવાનો વારો પણ નહીં આવે, મને આપો ઉછીનું સુખ થોડું. સુખ ક્યારેય કોઈ આપી ન શકે, ક્યારેય નહીં, કદાપિ નહીં. સુખી તો તમારે જાતે જ થવું પડે અને જાતે સુખ શોધી લેનારાને દુ:ખ આપવા માટે મથનારાઓ વધી જાય તો પણ એને દુ:ખી નથી કરી શકાતા એ પણ એટલું જ સાચું છે.

આ પણ વાંચો : જામનગર: પહેલાં બળદગાડાંમાં અને હવે પૂનમબહેને કર્યો ઘોડા પર પ્રચાર

કરવાનું છે માત્ર એટલું જ, પરિસ્થિતિને સ્વીકારી લો. સ્વસ્થતા સાથે અને સભાનતા સાથે. એ સ્વીકારી લેશો તો એ પરિસ્થિતિ સામે નવેસરથી બથોડા ભરવાની ક્ષમતા પણ આવી જશે અને ન ગમતી અવસ્થાને તોડવાનું કૌવત પણ આપોઆપ આવી જશે.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2019 11:22 AM IST | | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK