કૉલમ : જીતવાનું આવું ઝનૂન શું કામ?

Published: May 10, 2019, 10:24 IST | રશ્મિન શાહ - સોશ્યલ સાયન્સ

હારવા નીકળેલાને ક્યારેય કોઈ હરાવી નથી શકતું, પણ મોટો પ્રૉબ્લેમ પાયામાં છે અને એ છે, બધાને જીતવું છે, બધાને કૉલર ટાઇટ જોઈએ છે, બધાને એકમેકને ઉતારી પાડવા છે અને બધાને પહેલી પંક્તિમાં બેસવું છે,

વિરાટ કોહલી (ફાઇલ ફોટો)
વિરાટ કોહલી (ફાઇલ ફોટો)

સોશ્યલ સાયન્સ

જીતવું છે બધાને, બધાને સિકંદર બનીને રહેવું છે અને બધાને તાજ પોતાના શિરે બાંધી લેવો છે, પણ કોઈએ એવું ક્યારેય વિચારવાની કોશિશ નથી કરી કે જો બધા જ જીતની રેસમાં હશે તો પછી હારવાની પંગતમાં કોણ બેસશે. સાહેબ, એક વાત યાદ રાખજો કે જીતવાનો પ્રયાસ ક્યારેય કરવો નથી. જો જીતવાનો પ્રયાસ કરતા રહેશો તો ચોક્કસપણે કોઈ ને કોઈ હરાવી જશે અને હરાવી જશે તો ક્યાંક અને ક્યાંક દુ:ખ થશે, પણ એનાથી ઊલટું કરશો તો કોઈના બાપની ત્રેવડ નથી કે તમને રોકી શકે. નીકળો તો હારવા નીકળજો. હારવા નીકળનારાને જગતનું કોઈ માણસ હરાવી નથી શકતું. જીતવું જ નથી. જીતવાની માનસિકતા પણ રાખવી નથી અને જીતને ક્યાંય ધ્યેય બનાવવું નથી. જો આટલું જ, માત્ર આટલું જ કામ કરશો તો પણ ખરેખર શાંતિનો અનુભવ થશે. અંગત જિંદગીમાં પણ અને પ્રોફેશનલ લાઇફમાં પણ. હારવાની પૂરી તૈયારી છે અને એટલે જ કોઈ હરાવી જાય તો જરા પણ તકલીફ પડતી નથી અને હારવાની પૂરી તૈયારી છે એટલે જ જ્યારે જીત મળે છે ત્યારે એ જીતથી નવું ધ્યેય અને નવો માઈલસ્ટોન જીવનમાં ઘડાતો નથી.

જ્યાં જોશો ત્યાં એક જ ઝનૂન છે. મોટિવેશનલ વિડિયો પણ એ જ કહે છે કે જીતના સંકલ્પ સાથે જ નીકળો અને ફિલોસૉફીની ફજર ચલાવનારાઓ પણ એ જ કહે છે કે જીતથી ઓછું કંઈ ખપતું નથી, પણ ક્યારેય કોઈએ એવું કહ્યું નથી કે હારવાની પૂરી તૈયારી છે એટલે હારવા માટે જ સવારનો સૂર્યોદય જોજે તું. હસબન્ડને વાઇફ પાસે જીતવું છે અને વાઇફને હસબન્ડ સામે જીતવું છે. બાપને દીકરા સામે જીતવું છે, નણંદને ભાભીની સામે જીતવું છે, દેરાણીને જેઠાણીની સામે જીતી લેવું છે તો સાળાને બનેવીને નીચો દેખાડીને જીતી લેવું છે. સ્કૂલમાં પણ આ જ માહોલ છે. પ્લેગ્રાઉન્ડમાં પણ આ જ ઝનૂન છે. જીત, જીત અને જીત સિવાય બીજું કંઈ ખપે નહીં. ઑફિસમાં પણ આ જ ઍટમોસ્ફિયર છે. જુનિયરને સિનિયર સામે જીતીને દેખાડી દેવું છે અને સિનિયરને મૅનેજમેન્ટ સામે પોતાની જીતની રૂપરેખા આંકવી છે. કલિગ અંગત રીતે બેસ્ટ ફ્રેન્ડ છે, પણ ડેસ્ક પર જીતની જંગ અકબંધ છે અને અકબંધ એવી એ જંગ જે ઘડીએ શરૂ થાય છે એ ઘડીથી આંખોમાં લોહીની રેખા અંકિત થઈ જાય છે. બસ, જીતવું છે અને જીતથી ઓછું કંઈ જોઈતું નથી. જીત માટે રીતસર દુનિયા રઘવાઈ થઈ છે અને જીત માટે રીતસર સંબંધોનો, લાગણીનો, સંવેદનાનો દોથ વાળવામાં આવી રહ્યો છે. નારીવાદી વિચારધારાને બળવત્તર બનાવવા માટે પારિવારિક સંબંધોની ઘોર ખોદી નાખવામાં આવે છે તો દીકરીનાં માબાપને નીચાં દેખાડવા માટે સાસરા પક્ષને જરાય શરમ નથી આવતી. જીતનો નશો છે સાહેબ આ. આલ્કોહોલ અને નિકોટિન તો એની સામે પાણી ભરે. તમે આલ્કોહોલ અને નિકોટિનનો નશો છોડવા માટે મહેનત કરી શકો અને એના માટે તમે જહેમત પણ ઉઠાવી શકો, પણ ના, જીતનો નશો છોડવા માટે તમારો એક પણ પ્રયાસ કામ નથી લાગતો અને એનું કારણ પણ છે.

અહમ્ અને અહમ્ની બાયપ્રોડક્ટ એવો ઘમંડ.

આમ તો આ બન્ને પ્રોડક્ટ ક્યાંક અને ક્યાંક તમને પેલા જીતના નશાને લીધે જ મળે છે, પણ એમ છતાં પણ એવું કહી શકાય ખરું કે જો તમે આ બન્નેને, અહમ્ અને ઘમંડને છોડી શકો તો આપોઆપ જીતની તલબ પણ ઓછી થવી શરૂ થાય છે. ભાત કેવી રીતે બનાવવા કે પછી દાળમાં લવિંગ નાખવાનાં કે નહીં એવી વાતોમાં પણ જીતનું ગૌરવ લેનારાઓનો તૂટો નથી. વહુ આવી ગયા પછી પણ દીકરાને કંઈ આવડતું નથી એવું કહેવામાં પણ જીતનો લહાવો લેનારા પપ્પાઓની પણ કમી નથી અને બધાની હાજરીમાં વાઇફને ઉતારી પાડીને પોતાનો રોફ દેખાડવાની તક જતી કરીને જીતનો આનંદ લેનારા પતિદેવોની સંખ્યા પણ અઢળક છે. પોરસ નામના યોદ્ધા પરથી જ એક ઉક્તિ ગુજરાતી ભાષામાં બહુ પૉપ્યુલર થઈ છે.

આ પણ વાંચો : કૉલમ: તમેય પારકી પંચાતમાં જ રચ્યા-પચ્યા નથીને?

જવું પાયખાને ને પછીયે પાછું પોરસ રાખવું.

વાત જરા પણ ખોટી નથી. પોરસ રાખો, પણ એ યોદ્ધો પોરસ પણ ઈર્ષ્યા કરે એ સ્તરનું હોવું જોઈએ, પણ આ વાત સમજાય છે એકને અને એ જેને સમજાય છે એને પણ એ તો ખબર જ છે કે હારવા નીકળેલાને કોઈ હરાવી શકતું નથી. નથી જીતવું, નથી પહેલાં અને બીજા નંબરે રહેવું કે પછી નથી કોઈ જાતની પ્રથમ હરોળમાં જગ્યા મેળવવી. કારણ કે એ નંબરની અને એ પહેલી પંક્તિની દોટ વચ્ચે પાછળ જો કોઈ છૂટી જતું હોય છે તો એ તમારા પોતાના હોય છે. બને કે આ ફિલોસૉફી લાગે અને એ હોઈ પણ શકે છે, પણ ઍટ ધ એન્ડ ઑફ ડે, તમે કેટલું જીવ્યા એ નહીં, પણ તમે કેવું જીવ્યા એ જ જોવાતું હોય છે અને વૉટ્સઍપમાં રહેલા કૉન્ટૅક્ટસમાંથી કેટલા લોકો હૉસ્પિટલના આઇસીયુની બહાર ઊભા રહ્યા એ જ સાંત્વના આપતું હોય છે. જો જીવનને સાંત્વના આપવી હોય અને જો જીવનને ધીરજનો શ્વાસ લેવા દેવો હોય તો આજથી, અત્યારથી જ જીવનને હારની દિશામાં વાળી દેજો. હારની દિશામાં વળેલી જિંદગી અનેકને જીતની તક આપશે અને જીતની તક પામી લીધા પછી જ્યારે એ રાતના આંખ બંધ કરી પોતાના માંહ્યલાને જોશે ત્યારે એને પણ સમજાશે, સાલ્લો જિતાડીને પણ હરાવી તો એ જ ગયો આપણને.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK