Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કહો જોઈએ, તમે દુ:ખને શોધો છો કે દુ:ખ તમને શોધી લે છે?

કહો જોઈએ, તમે દુ:ખને શોધો છો કે દુ:ખ તમને શોધી લે છે?

22 February, 2019 01:22 PM IST |
રશ્મિન શાહ

કહો જોઈએ, તમે દુ:ખને શોધો છો કે દુ:ખ તમને શોધી લે છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

દુ:ખી થવું અને દુ:ખી હોવું. બહુ મોટો તફાવત છે આ બન્ને વચ્ચે અને એ તફાવતને આપણે ઘોળીને પી ગયા છીએ. નથી દરકાર કરી તેને સમજવાની કે નથી આપણે એ પ્રયાસ કર્યો કે હકીકત શું છે. દુ:ખી થઈએ છીએ કે પછી દુ:ખી હોઈએ છીએ. બહુ મોટી ભેદરેખા છે આ બન્ને વચ્ચે. યાદ રાખજો, દુ:ખી થવું તમારા હાથમાં ક્યારેય હોતું નથી, એ સંજોગોને આધીન છે. પણ દુ:ખી હોવું એ માત્ર અને માત્ર તમારા હાથમાં છે, તમારા વર્તન અને તમારા સ્વભાવની પ્રક્રિયા છે. દુ:ખી થવું પણ પડે, સંસારનો આ નિયમ છે. પણ દુ:ખી હોવું એ સ્વભાવની મજબૂરી છે. કૅન્સરની બીમારી વચ્ચે પણ માણસ ખુશ રહી શકે છે અને દર મહિને પાંચ દિવસ માટે આવતી અને નિયમિત દેખા દેતી મેન્સ્ટ્રુઅલ સાઇકલ પણ જાણે કે જગતનું સૌથી મોટું સંકટ છે એવું માનનારાઓનો પણ તૂટો નથી. કૅન્સરની બીમારી વચ્ચે પણ બોતેર વર્ષની ઉંમરે ફરવા માટે ક્યાં જવું એનાં સપનાં જોનારા બનજો, પણ ક્યારેય દુ:ખને રાઈનો પહાડ બનાવવાનું કૃત્ય કરતા નહીં અને ધારો કે કરી પણ લેશો તો એ હેરાનગતિ પણ તમારા જ પક્ષમાં ઉધારાવાની છે.



દુ:ખી થવાની કળામાં મોટા ભાગના લોકો માહેર થઈ ગયા છે. કોઈ પણ વાતમાં દુ:ખ જોઈએ છે અને સુખની ક્ષણમાં પણ દુ:ખને પામી લેવું છે. આ સ્વભાવ છે અને આ સ્વભાવ સતત દોડતા-ભાગતા રહેવાની આદત વચ્ચે આવ્યો છે. જ્યારે શાંતિથી બેસવાનું હોય, જ્યારે શાંત ચિત્તે આત્મમંથન કરવાનું હોય એવા સમયે સતત ભાગી રહેલું શરીર પણ સ્વસ્થતા સાથે મંથન કરવા માટે રાજી નથી હોતું. એ પણ ખોટા સંદેશાઓ આપે છે અને એ પણ ભળતી જ દિશાઓ ખોલી નાખે છે, અયોગ્ય સંકેત વચ્ચે એ દિશામાં આગળ વધી જવું એનું નામ દુ:ખને પ્રસ્થાપિત કરવું. શુભ પ્રસંગે વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવે છે, જેથી પ્રસંગમાં કોઈ સંકટ ન આવે. પણ અંગત જીવનમાં ઊલટું બને છે. અંગત જીવનમાં દુ:ખનું સ્થાપન કરવામાં આવે છે અને પછી એની ફરતે રાસડાઓ કૂટવાનું શરૂ થાય છે. દુ:ખી થવું છે. વાત રાજી થવાની હોય તો પણ દુ:ખી થવું છે અને દુ:ખી થયા પછી પણ સિગ્નલ હકારાત્મકતાનાં આપતાં રહેવાં છે. તમે જુઓ તો ખરા, તમે પોતે જ તમારી જાતને કેટલી જાતનાં સિગ્નલ આપી દો છો. કૉકટેલ થયેલાં આ સિગ્નલ પણ તમને અશાંતિ આપવાનું કામ કરે છે. જો એ ન કરવું હોય તો સૌથી પહેલું કામ એક કરવાનું છે. દુ:ખી થવાની જે કળામાં પારંગત થઈ ગયા છો એ કળાને છોડી દો.


દરેક વાતમાં તમે કંગાળ છો એ જોવાનું પણ છોડો અને દરેક મુદ્દે તમે અવ્વલ છો એવું દર્શાવવાનું પણ છોડી દો. કંગાળ છો એવું ધાર્યા કરશો તો પણ દુ:ખી થવાની અવસ્થા આવશે અને અવ્વલ હોવાનો તોર પણ તમને દુ:ખી કરવાની એક પણ તક જતી નહીં કરે. તમે તમારી જાતને પ્રાધાન્ય આપવાનું પણ છોડો. જાતને અપાતું પ્રાધાન્ય પણ છોડવાની જરૂર છે. સમય અને સંજોગ મુજબ પ્રાધાન્યની વ્યાખ્યા બદલાતી હોય છે. આપણે ત્યાં એક ઉક્તિ બહુ પૉપ્યુલર છે. લગ્ન હોય તેનાં ગીતો ગવાય. લગ્ન પૂરતી જ આ વાતને સીમિત રાખીને આપણે બહુ મોટી ભૂલ કરી છે. હકીકત તો એ છે કે જેનો દિવસ હોય તેને જ દિલ આપવાનું હોય. પ્રાધાન્ય મેળવવાની એક વખત આદત પડશે તો જીવનની એક પણ મહત્વની ક્ષણ એવી નહીં હોય કે જેમાં તમે દુ:ખી થયા વિના નહીં રહો. પ્રાધાન્ય મેળવવાનું ન હોય, પ્રાધાન્ય મળે એ પ્રકારનું કાર્ય કરવાનું હોય અને એ મુજબનો સ્વભાવ રાખવાનો હોય. જો તમે હડકાયા કૂતરાની જેમ ભસ્યા કરતા હો, બીજાની નુક્તેચીની કરવામાંથી તમને નવરાશ ન સાંપડતી હોય તો સ્વાભાવિક રીતે તમને પ્રાધાન્ય મળવાનું નથી અને પ્રાધાન્ય ન મળે એ સમજી પણ શકાય. ધારો કે એ પછી, એ પછી પણ પ્રાધાન્ય મળે છે તો એ પ્રાધાન્ય તમારી અવસ્થાને મળી રહ્યું છે અને મજબૂરીથી મળી રહ્યું છે એ તમારે સમજવું જોઈશે. પ્રાધાન્ય જોઈતું નથી અને માગવું તો બિલકુલ નથી. સુખી થવાની કળામાં પારંગત બનવાની દિશાનું આ મહત્વનું પગલું છે અને આ પગલું જો એક વખત ઊંચકી લીધું તો તમને પણ એવી અનુભૂતિ થશે કે જાણે કે આખા શરીરનો ભાર હળવો થઈ ગયો. ભાર વિનાના ભણતરની વાતો આપણે ત્યાં કરવી એક ફૅશન થઈ ગઈ છે, પણ કોઈએ આવીને આજ સુધી એવું નથી કહ્યું કે ભાર વિનાનું ભણતર ન લાવી શકીએ તો કંઈ નહીં, પણ ભાર વિનાનું વ્યક્તિત્વ તો લાવીએ.

આ પણ વાંચો : સફળની ઠેકડી અને નિષ્ફળનાં ઓવારણાં: પુલવામામાં ગોધરા આકાર લઈ રહ્યું છે


ત્રીજી અને મહત્વની શીખ. જે સ્વરૂપમાં જે કંઈ આવી રહ્યું છે એ જ સ્વરૂપમાં એને સ્વીકારવાની આદત કેળવી લો. જો દુ:ખને શોધવા ન જવું હોય તો આ રસ્તો અપનાવી લેજો. વાત, ઘટના કે વ્યવહાર, જે હોય એ; પણ એનું જે સ્વરૂપ હોય એ જ સ્વરૂપમાં સ્વીકારી લેશો તો એનો સૌથી મોટો ફાયદો એ થશે કે તમારે એ ઘટના મુજબનો આકાર કે સ્વભાવ કેળવવો નહીં પડે, એના માટે જાત પર કોઈ જોર નહીં કરવું પડે અને જ્યારે જાત પર જોર કરવામાં નથી આવતું ત્યારે ક્યારેય કોઈ દુર્ઘટના ઘટતી નથી. દુ:ખ શું છે એ સમજવાની એક વખત કોશિશ કરી જુઓ. ગમતી કે પછી ઇચ્છેલી વાતની દુર્ઘટના એટલે દુ:ખ. ધાર્યું ન થાય એનું નામ દુ:ખ. જો ધાર્યું થાય એવો દુરાગ્રહ મૂકી દેશો તો પણ દુ:ખી થવાની જે કળા હસ્તગત કરી લીધી છે એનાથી છુટકારો પામી લેશો એ પણ નક્કી છે.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2019 01:22 PM IST | | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK