Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > થોડું વધારે

થોડું વધારે

01 November, 2019 03:36 PM IST | મુંબઈ
સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

થોડું વધારે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હા, થોડું વધારે. બીજું કંઈ નથી કરવાનું તમારે, જો તમે સંબંધોને ઉષ્માસભર બનાવવા માગતા હો તો પણ અને જો તમે તમારા કાર્યક્ષેત્રમાં પણ અવ્વલ સ્થાન હાંસિલ કરવા માગતા હો તો પણ. જો તમે સૌકોઈના પ્રિય બનવા માગતા હો તો પણ અને ધારો કે તમે પ્રિય હો અને તમારું આ પ્રિયપણું તમારે અકબંધ રાખવું હોય તો પણ. થોડું વધારે. જે કંઈ કરો છો એમાં થોડો વધારો કરી દો. તમને પ્રિય બનતાં, વહાલા બનાવતાં કે પછી શ્રેષ્ઠ બનતાં કોઈ અટકાવી નહીં શકે. દરરોજ આઠ કલાક કામ કરો છો તો આઠને બદલે દસ કલાક કામ કરો, તમારું શ્રેષ્ઠ રિઝલ્ટ તમને મળશે જ મળશે. થોડું વધારે. ઘરમાં પતિ દાખલ થાય ત્યારે તમે પાણી આપો છો તો એ પાણીના ગ્લાસની સાથે વહાલ સાથે એક સ્માઇલ કરો. થોડું વધારે. ન ગમતી વ્યક્તિ સાથે એક લાઇનનો સંવાદ કરો છો તો એ સંવાદ વધારો, થોડો વધારે અને પછી એનું પરિણામ જુઓ. કડવાશનો ક્ષય થશે, ગૅરન્ટી.

થોડું વધારે.



આ બે શબ્દો લોકપ્રિય બનાવવા માટે કારગત છે તો આ જ બે શબ્દો તમને મહાન બનાવવાની દિશામાં પણ લઈ જનારા છે. મહાન બનનારા સૌકોઈને જોઈ લેશો તો તમને આ જ રસ્તો અપનાવેલો દેખાશે. જે કરવાનું છે એનાથી થોડું વધારે તેમણે કર્યું છે અને એનું રિઝલ્ટ તેમને મળ્યું છે. પરિવાર હોય કે બિઝનેસ પ્લેસ હોય, સંબંધો હોય કે વ્યવહાર હોય. કરવાનું છે એનાથી થોડું વધારે કરવાનું છે તમારે. બાજુમાં રહેતાં આન્ટીને તાવ હોય અને તે ઘરે આવીને મેડિસિન માગી જાય છે, તમે આપી પણ દો છો પણ અહીંથી થોડા વધારેની સીમાઓ ખૂલે છે. એ મેડિસિન આપી દીધા પછી જો કલાક પછી તેમને તબિયત પૂછવા જવાનો સ્વભાવ હોય તો તમારે એનાથી થોડું વધારે કરવાનું છે. કલાક પછી જતી વખતે તમારે હાથમાં તેમને ભાવે એવું કશું સાથે લેતાં જવાનું છે. ધારો કે એ જ તમારો સ્વભાવ છે તો એનાથી થોડું વધારે કરવાનું છે તમારે. જે કરો છો એનાથી થોડું વધારે. બસ, આ જ નીતિ અને આ જ પ્રથા. પ્રેમ કરવાનો, પણ થોડો વધારે. સ્નેહ વરસાવવાનો, પણ થોડો વધારે. લાગણી અને ઉષ્મા વ્યક્ત કરો છો તો એની પણ માત્રા વધારી દો અને જવાબદારીનું વહન કરો છો તો એ પણ થોડી વધારે.


clock

પહેલી તારીખે ઘરે સમયસર પૈસા હાથમાં મૂકી દેતા હો તો આ વખતે એ પૈસાની સાથે માના હાથમાં તેને ભાવતી વરાઇટી પણ લઈ જજો. વાઇફના હાથમાં ઘરની જવાબદારી હોય તો તેના માટે કશું લઈ જજો અને ધારો કે હજી બધું પપ્પા સંભાળતા હોય તો પપ્પા માટે કંઈ લેતા જજો. એ ખુશી તેમની આંખમાં ઝળકતી દેખાશે. અરે, રૂમાલ પણ લઈ ગયા હશો તો પણ તમને ટુવાલ સાઇઝનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાશે. થોડું વધારે. ખુશ કરવાનો, લાગણી વધારવાનો, સ્નેહને દિશા આપવાનો કે પછી ઉષ્માને નવેસરથી તાજગી આપવાનો બીજો કોઈ મંત્ર છે જ નહીં. બસ, થોડું વધારે.


વાત જવાબદારીની હોય તો એમાં પણ આ જ મંત્ર કામ લાગશે. ઑફિસમાં પણ આ જ વાત લાગુ પડે છે અને ઘરની જવાબદારીમાં પણ આ જ વાત લાગુ પડે છે. કરો છો એના કરતાં થોડું વધારે કરતાં થઈ જાઓ. જગત તમારી સામે ઝૂકશે અને એ ઝૂકશે ત્યારે પણ તમને એનાથી વધારે ઝૂકવાનું મન થઈ આવશે. સહન કરો છો તો એમાં પણ આ જ વાતને અસરકારક બનાવવાની છે અને જો જતું કરવાની ભાવના રાખતા હો તો એ વાતને પણ આ ‘થોડું વધારે’ સાથે જોડી દેવાની છે. સુખી કરો છો તો હવે થોડા વધારે સુખી કરવાના છે અને દુઃખી થતા હો તો તૈયારી રાખવાની છે કે થોડા વધારે દુઃખી થઈશું, પણ લાગણીઓને એના નવા સ્તર પર લઈ જઈશું. આગળ કહ્યું એમ, તમામેતમામ મહાનુભાવોને જોઈ લેશો તો સમજાશે કે તેમણે કશું નવું નથી કરવું, ક્યાંય કોઈ રૉકેટ સાયન્સનો ઉપયોગ નથી કર્યો. બસ, આ જ નીતિ રાખી છે. થોડું વધારે. મહાત્મા ગાંધી જે કંઈ કરી ગયા એમાં પણ આ જ નીતિ હતી અને કસ્તુરબા પણ જે કંઈ સહન કરી ગયાં એમાં પણ આ જ નીતિ હતી. તાતા અને બિરલાઓએ પણ કંઈ નવું નથી કર્યું, તેમણે પણ મહેનતને આ જ દિશા આપી અને સિતોતેર વર્ષની ઉંમરે પણ પોતાના સમકાલીન ઍક્ટરો કરતાં વધારે બિઝી એવા અમિતાભ બચ્ચને પણ આ જ નીતિ અકબંધ રાખી હતી, રાખી છે. બોર્ડનો ટૉપર પણ આ જ કામ કરે છે અને ISROનો સાયન્ટિસ્ટ પણ આ જ ભાવ મનમાં રાખીને સતત કાર્યરત રહે છે. થોડું વધારે. જો નવી ઊંચાઈઓ મેળવવી હોય તો આ ભાવના મનમાં જોઈશે. જો સફળતાને નવા મુકામ પર લઈ જવી હશે તો પણ આ જ ભાવના જોઈશે અને સૌકોઈને સાથે રાખવા હશે, એક કરીને રાખવા હશે તો પણ મનમાં આ જ ભાવ જોઈશે. થોડું વધારે. જ્ઞાન મેળવવું હશે તો પણ જાતને આ જ હૈયાધારણા આપવી પડશે અને મેળવેલું જ્ઞાન સામેવાળી વ્યક્તિના મનમાં રોપવું હશે તો પણ એમાં આ જ સિદ્ધાંતને કામે લગાડવો પડશે. થોડું વધારે. મીડિયોકર તમે છો, જે કરવાનું છે એ તમે કરો જ છો અને એમાં કશું નવું નથી, પ્રવાહ એક જ દિશામાં એક તાલમાં વહી રહ્યો છે પણ વહી રહેલા એ પ્રવાહમાં ઉષ્માને ઉમેરવી હશે તો કરવું પડશે થોડું વધારે.

શાંત વહેતા જળને પણ ખબર છે પથ્થરને નેસ્તનાબૂદ કરવા માટે થોડા વધારે વેગથી વહેવું પડશે, વરસતો વરસાદ પણ જાણે છે નદી ભરવી હશે તો થોડા વધારે તેજથી વરસવું પડશે, પ્રકોપ વરસાવતા સૂર્યદેવને પણ ખબર છે વાદળ બનાવવાં હશે તો વધારે કોપ વરસાવો પડશે. કુદરતનો આ સિદ્ધાંત માત્ર આપણે ભૂલ્યા છીએ. ફરી એક વાર એને તાજો કરી લઈએ, ફરી એક વાર એને જીવનમાં સામેલ કરી લઈએ. જે કંઈ કરીએ એ રાબેતા મુજબનું ન હોય, કરવાનું છે રાબેતા મુજબથી થોડું વધારે.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2019 03:36 PM IST | મુંબઈ | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK