કહો જોઈએ, તમને તમારી કંપની કેવી લાગે છે?

Published: Oct 11, 2019, 15:51 IST | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ | મુંબઈ

યક્ષપ્રશ્ન છે આ. જો તમને તમારી જ કંપની ન ગમતી હોય તો જગતને કેવી રીતે તમારી સાથે રહેવું ગમે? બીજો જવાબ, ધારો કે તમને તમારી કંપની ગમે છે તો પછી તમને બીજા કોઈની કંપનીની આવશ્યકતા જ ક્યાં રહે છે?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

યક્ષપ્રશ્ન છે આ. જો તમને તમારી જ કંપની ન ગમતી હોય તો જગતને કેવી રીતે તમારી સાથે રહેવું ગમે? બીજો જવાબ, ધારો કે તમને તમારી કંપની ગમે છે તો પછી તમને બીજા કોઈની કંપનીની આવશ્યકતા જ ક્યાં રહે છે?

એક વાર, માત્ર એક વાર શાંતિથી વિચારજો અને તટસ્થભાવ સાથે વિચારજો. તમને તમારી કંપની ગમે છે કે નહીં? તમને તમારો સાથ ગમે કે ન ગમે? એકલા હો તમે, તમારી પાસે ટીવી પણ નથી અને મોબાઇલ નામનું હરતુંફરતું એન્ટરટેઇનમેન્ટનું સાધન પણ નથી તો તમને તમારી સાથે રહેવું ગમે કે નહીં? તમે તમને જ સહન કરી શકો કે નહીં? તમે તમારા સાથને માણી શકો કે નહીં?

જો જવાબ તમારો હા હોય તો અહીં પ્રશ્નાવલી પૂરી થાય છે અને એક જ વાત કહેવાની રહે છે તમને. તમને જો તમારી કંપની ગમતી હોય તો બીજી કોઈ ચ‌િંતા કરવાની જરૂર નથી, બીજા કોઈની ચિંતા કરવાની જરૂર નથી; કારણ કે તમને બીજા કોઈની કંપનીની આવશ્યકતા રહેતી જ નથી. જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ જો કોઈ હોય તો એ કે તમે તમારાથી ખુશ હો. જીવનની કોઈ ઉત્તમ ક્ષણ હોય તો એક જ, તમે તમારી કંપનીમાં પણ ખુશ રહી શકતા હોવા જોઈએ. કશું નહીં હોય, કંઈ નહીં હોય અને કોઈ ન હોય એવા તબક્કે પણ તમે તમારી જાતની સાથે ખુશ રહી શકતા હો તો તમે જીવનને સાચી રીતે માણ્યું ગણાશે, પણ આ સિક્કાની એક બાજુ થઈ અને આ પ્રશ્નમાં સિક્કાની બીજી બાજુ વધારે મહત્વની છે.

તમે તમારી કંપનીથી ખુશ છો કે નહીં?

આ સવાલનો જવાબ ધારો કે નકારાત્મક હોય, તમારો અંતરાત્મા જો આ સવાલના જવાબમાં નકાર ભણવાનો હોય તો પ્લીઝ, જાગી જજો. જો તમને પોતાને જ તમારી કંપની ન ગમતી હોય તો પછી દુનિયા કેવી રીતે તમારી કંપની માણી શકવાની? જગત કેવી રીતે તમારી કંપનીને સ્વીકારી શકે? કેવી રીતે તમારી કંપનીને માણી શકે? કેવી રીતે તમારી સાથે હોય અને હળવાશ અનુભવી શકે? તમે જ તમારી જાતને કંપની આપવા લાયક નહીં બનાવો તો દુનિયા તમને એ લાયકાત નહીં જ આપે. જો તમે પોતે જ તમારી જાતને કોઈની સાથે જોડાવા યોગ્ય નહીં બનાવો તો જગત તો એ માટેની ટ્રેઇનિંગ જ નહીં આપે તમને. આ પ્રક્રિયા તમારે જ કરવી પડશે અને તમારા દ્વારા જ થવી જોઈશે. જો તમે ઇચ્છતા હો કે જગત તમારી સાથે ખુશ રહે તો પહેલાં જાતને ખુશ રાખવી પડશે. જો તમે ચાહતા હો કે તમારી સાથે જગતને આનંદ આવે, તમારી સાથે જોડાયેલા સૌકોઈને તમને મળીને ખુશી થાય તો તમારે જાતને પહેલી ખુશ રાખવી પડશે અને એ કામ બીજું કોઈ નહીં કરી શકે, એ કામ પણ તમારે જાતે જ કરવું પડશે.

તમને તમારી કંપનીને ગમાડતાં શીખવું પડશે. તમારામાં રહેલી નબળાઈઓને પણ સ્વીકારતાં શીખશો તો તમને તમારી કંપની ગમશે અને જો તમે તમારામાં રહેલા અવગુણોને પણ સ્વીકારતાં શીખશો તો જ તમને તમારી કંપની ગમશે. કહેવાનો ભાવાર્થ બિલકુલ એવો નથી કે અવગુણોના કીડાને પાળી-પોષીને મોટા કરો. ના, જરાય નહીં. એવી ભૂલ તો બિલકુલ નહીં કરતા. પણ હા, વારંવાર જાગી જતા એ કીડાને ઉપરની સપાટી પર આવતા રોકવાની કળા હસ્તગત કરવી પડશે. જે વાતનો સૌકોઈને અણગમો છે એ સ્વભાવગત થઈ ગયેલી એ વાતને તમારે ધીમે-ધીમે હાંકી કાઢવી પડશે. સૌકોઈની સાથે રહેવાની, સૌકોઈની સાથે કોઈ જાતના વિખવાદ વિના રહેવાની પહેલી શરત એ છે કે તમારી જાતને પાણી બનાવવાની તૈયારી રાખો. જો તમે તમારી જાતને પાણી સમાન બનાવી શક્યા તો અને તો જ તમે એ નવા રંગને સ્વીકારી શકશો.

પાણીનો સ્વભાવ છે રંગને આવકારવો. જરા વિચારો, પાણી રંગ સ્વીકારવાની ના પાડી દે શું હાલત થાય? જરા કલ્પના કરો, પાણી ભળવાની ના પાડી દે તો કેવી હાલત થાય? શરીરમાં પણ પાણી ભળે નહીં સાહેબ અને પાણીનો સ્વભાવ છે ભળવાનો. લોહી સાથે ભળીને એ લાલ થાય છે અને શાહી સાથે એકરસ થઈને એ બ્લુ રંગ પણ અપનાવે છે. કોલસો એને કાળો કરી શકે છે અને હળદર પાણીને પીળું કરી શકે છે. સ્વભાવ પાણી જેવો રાખશો તો તમને પણ તમારી કંપની ગમશે. ન ગમતી અવસ્થાને પણ માણતાં શીખી શકશો અને ગમતીલી ક્ષણોનો ભરપેટ આનંદ લેવાનું કૌવત પણ તમારામાં આવશે.

કંપનીને ગમતી કરો અને આ પ્રક્રિયાની શરૂઆત તમારા પોતાનાથી કરો. જો તમને જ તમે નહીં ગમો તો દુનિયાને તમે નથી જ ગમવાના. ગૅરન્ટી. જગતને તમે ગમો, જગત તમને સ્વીકારે અને જગતની શરૂઆત તમારાથી થાય એવું ઇચ્છતા હો તો તમારે આ એક જ કામ કરવાનું છે. તમારે તમારી જાતને ગમતી કરવાની છે અને એની માટે જરૂર પડે એ તમામ રસ્તાઓ અપનાવવાના છે. સારા દેખાવાથી તમે તમને ગમવાના હો તો એ પ્રક્રિયા કરો અને સઘળું સ્વીકારી લેવાની માનસ‌િકતા કેળવ્યા પછી તમે તમારી નજરમાં મોટા થઈ જવાના હો તો સઘળું સ્વીકારવાની તૈયારી રાખીને જાતને ગમતી કરો. મકરંદ દવેએ કહ્યું છે : ગમતાંને ન ગુંજે ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ આ પંક્તિમાં ગમતું ગજવે નહીં ભરવાનું કહેવાયું છે. તમે જ તમને નથી ગમતા એટલે તમે પણ તમારી જાતને હાંસિયા બહાર કરી છે અને તમારુ વર્તુળ પણ એ જ પ્રક્રિયા કરી રહ્યું છે. કશું ખોટું નથી કરતા એ લોકો. ‌તેમનો કોઈ દોષ છે જ નહીં, તેમનો વાંક કાઢવાની જરૂર જ નથી. તમે જ તમને મહત્વ નથી આપતા, તમે જ તમને સંઘરવા રાજી નથી અને એ જ કામ એ લોકો પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : A ફૉર અમિતાભ B ફૉર બચ્ચન

પૂછજો આજે એક વાર તમારી જાતને, રાતે સૂતી વખતે કે પછી મોડી સાંજે જુહુ બીચ પર ઊભા રહીને. તમને તમારી કંપની કેવી લાગે છે? જવાબ હકારમાં આવે તો કોઈની કંપની માટે ભાગવાની જરૂર નથી અને જવાબ નકારમાં આવે તો સુધારો કરવાની શરૂઆત પણ એ જ સમયથી કરી દેજો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK