Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પરિવારથી લઈ રાષ્ટ્ર સુધી મતભેદ કે વિવાદ રહેવાના, પરંતુ મત કોને આપવાનો?

પરિવારથી લઈ રાષ્ટ્ર સુધી મતભેદ કે વિવાદ રહેવાના, પરંતુ મત કોને આપવાનો?

18 April, 2019 11:21 AM IST |
જયેશ ચિતલિયા

પરિવારથી લઈ રાષ્ટ્ર સુધી મતભેદ કે વિવાદ રહેવાના, પરંતુ મત કોને આપવાનો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

શું તમારા ઘરમાં - પરિવારમાં મતભેદ કે વિવાદ થાય છે? નાના - મોટા ઝઘડા થતા હશે. કમસે કમ ઝઘડા નહીં થતા હોય તો તમારા પરિવારના સભ્યો વચ્ચે ક્યાંક મતભેદ તો ચોક્કસ હશે. વાદ-વિવાદમાં કોનો પક્ષ લેવો, કોના પક્ષમાં ન રહેવું? કે કોણ સાચું, કોણ ખોટું? કોણ યોગ્ય, કોણ અયોગ્ય? કોના મુદ્દા ન્યાયી કે કોના અન્યાયી એવા સવાલો પણ થતા હોઈ શકે. ઘર હોય ને વાસણ ન ખખડે એવું તો બને જ નહીં. ઘરમાં બે, ચાર હોય કે દસ માણસ હોય, મતભેદ થાય નહીં એ શકય નથી. જ્યારે પણ પરિવારના સભ્યોમાં ચોક્કસ બાબતે મતભેદ કે વિવાદ થાય ત્યારે તમે શું કરો છો? આમ તો તમારા સ્વભાવ પર આ વાતનો આધાર રહે છે. જો તમે તકસાધુ હશો તો જેના પક્ષમાં રહેવાથી તમને લાભ થતો હોય છે કે થવાનો હોય છે તેના પક્ષમાં તમે રહેશો, પણ જો તમે એવું માનતા હશો કે મારો લાભ નહીં, પરિવારના હિતમાં શું છે તે બાબતે પક્ષ લેવો તો તમે આ બાબતના હિમાયતી વ્યક્તિનો પક્ષ લેશો.



હવે બીજો સવાલ, તમારાં સગાં-સંબંધીમાં ઝઘડા થાય તો તમે કોના પક્ષમાં ઊભા રહો છો? અહીં પણ તમારો કોઈનો પક્ષ લેવાનો આધાર તમારો સ્વભાવ અને અભિગમ રહેશે. જે તમને જ સારી રીતે ખબર છે. ત્રીજો સવાલ, આ જ મામલો તમારી ઑફિસ કે હાઉસિંગ સોસાયટીનો હોય અને તેમાં સભ્યો વચ્ચે વિવાદ થાય તો તમે શું કરો? અગેઇન, તમારો સ્વભાવ કે સ્વાર્થ અથવા સોસાયટી માટે કોણ ખરું અને સારું કામ કરે છે, કોણ સોસાયટીના હિતમાં સર્વિસ આપે છે, મુદા રજૂ કરે છે તેનો પક્ષ લેવાનું તમને ગમશે, પણ તમારું આમ કરવામાં નુકસાન થતું હશે યા તમારો તે વ્યક્તિ સાથે પંગો હશે તો તમે તે વ્યક્તિ સાચી હશે તો પણ તમે એના પક્ષમાં નહીં રહો, ઉપરથી તેની વિરુદ્ધ રહેશો. જોકે આ માનવસહજ સામાન્ય અભિગમ રહે છે, પરંતુ આમ કરતી વખતે તમને સાચું-સારું, હિતકારી ખરેખર શું છે એની ખબર હોય છે, પણ તમારો અહંકાર, પૂર્વગ્રહ કે માન્યતા કે સ્વાર્થ તમને સત્ય તરફ જતાં રોકશે અને તમે આપોઆપ અસત્યના સાથમાં ઊભા રહી જશો. તમારે અસત્યની સાથે નથી જવું છતાં, તમે સત્યને સાથ નહીં આપો તો આપોઆપ અસત્યની સાથે થઈ જશો.


હવે આ જ વાતને રાષ્ટ્રના સંદર્ભમાં વિચારીએ. લોકસભાની ચૂંટણીનો દોર શરૂ થઈ ગયો છે. આપણી સમક્ષ ઘણા સવાલો, વિવાદ, મતભેદ, સ્વાર્થ, નિ:સ્વાર્થ, માન્યતા, પૂર્વગ્રહ, ગમા-અણગમા વગેરે જેવા અનેક મુદ્દા છે, આપણે કોના સાથમાં ઊભા રહેવું? કોને મત આપવો? કોણ દેશનું ખરું હિત જોશે અને સાચવશે? જેવા સવાલો આપણા મનમા ઊભા થશે. જો આપણે આ બાબતને વ્યક્તિ કે પક્ષને ધ્યાનમાં રાખીને જ વિચારશું તો આપણો મત પણ એ મુજબ ઘડાશે, પણ જો આપણે માત્ર દેશને કેન્દ્રમાં રાખીને વિચારીશું તો મત એ પ્રમાણે પડશે. યાદ રહે, દેશ કરતાં મોટું કોઈ હોતું નથી અને કોઈ હોઈ પણ શકે નહીં.

આ સમજવા માટે શું કરવું?


પહેલાં તો આપણે જાત સાથે એ સ્પક્ટ કરી લેવું જોઈએ કે આ ચૂંટણીનો વિષય માત્ર મોદી કે રાહુલભક્તિ અથવા મોદી યા રાહુલવિરોધનો નથી તેમ જ બે-ચાર રાજકીય પક્ષોનો નથી. આ વિષય આપણા રાષ્ટ્રનો છે. અત્યાર સુધી આ વિષયમાં સોશ્યલ મીડિયામાં ભારેખમ અને વિવાદાસ્પદ ચર્ચા ચાલતી રહી છે, જેમાં આપણે ભાગ લેતાં રહી વાદ-વિવાદમાં પણ ઊતરી જઈએ છીએ. જોકે આપણે કોઈ પક્ષની વ્યક્તિ તરીકે નહીં, બલકે સ્વતંત્ર ભારતીય નાગરિક તરીકે ભાગ લઈએ એવી સજાગતા અને જાગૃતિ આપણામાં હોવાં જોઈએ.

ઉધાર વાતો અને વિચારો

આપણી મોટા ભાગની ચર્ચાનો આધાર મીડિયામાં જે જોયું, વાંચ્યું, ક્યાંકથી કાને પડયું તે હોય છે. ઘણા લોકોનું તો પોતાના ઘરમાંય કોઈ સાંભળતું નથી હોતું એ લોકો મોદી કે સરકારને યા કોઈ પક્ષને સલાહ આપવા બેસે છે. તેમની પાસે પોતાનો કહી શકાય એવો કોઈ કરતાં કોઈ અનુભવ હોતો નથી. મીડિયામાં શું ચાલે છે, કઈ રીતે ચાલે છે, શું કામ ચાલે છે એ નહીં સમજવા જેટલાં નાદાન હવે આપણે રહ્યા છીએ ખરા? આ જ બાબત સોશ્યલ મીડિયામાં પ્લાન્ટ થતી સ્ટોરી, વિડિયો કે કથાને પણ લાગુ પડે છે. આજના સમયમાં ફેક ન્યુઝ હૉટ કેકની જેમ વેચાઈ યા ખવાઈ જાય છે, જેથી તેનો પ્રવાહ અને પ્રમાણ સતત વધતાં રહ્યાં છે. આ ફેક ન્યુઝના ડુંગરોમાંથી સત્યની સંજીવીની શોધવી કઠિન છે. આ માટે આપણે ધીરજ અને વિવેક નામના આપણા બે મિત્રને જ કામે લગાડી શકાય. જે આપણને સત્યની નજીક લઈ જાય, તેનો પરિચય કરાવે અથવા કમસે કમ જૂઠથી દોરવાઈ જતાં અટકાવે.

આપણા વિરોધ અને વિરોધાભાસ

શા માટે આપણે હિન્દુ ધર્મની વાત કરીએ કે આપણે મુસ્લિમવિરોધી ચીતરાઈ જઈએ છીએ અને મુસ્લિમ ધર્મની વાત કરીએ તો હિન્દુવિરોધી લાગવા માંડીએ છીએ? જ્યારે કે આપણા મનમાં એવું ન પણ હોય. આ વિરોધ કે અભિગમ પણ આપણા સમાજને નુકસાન કરનારા જ ગણાય. આપણે જ દેશમાં - સમાજમાં નફરત ફેલાવીએ છીએ અને પછી કહીએ છીએ દેશમાં બહુ નફરતનું વાતાવરણ છે, ઇન્ટૉલરન્સ છે, લોકશાહી નથી. તાનાશાહી છે. આપણે અને આપણું મીડિયા વાહિયાત કક્ષાની વ્યક્તિઓને નેતા બનાવીએ છીએ, તેમનામાં નિવેદનોમાં રસ લઈએ છીએ, તેના પર ચર્ચા કે ટિપ્પણી કરીએ છીએ. આમ કરીને આપણે જેમની કોઈ લાયકાત જ નથી એવા લોકોને મહત્વ આપી દઈએ છીએ અને તેમનું મહત્વ (ન્યુસન્સ વૅલ્યુ) વધારી દઈએ છીએ. કોઈ મોદીનાં વખાણ કરે અને આપણે મોદી વિરુદ્ધ હોઈએ તો ભડકીને તેના પ્રતિભાવમાં કંઈ પણ નૉનસેન્સ કહી - લખી દઈએ છીએ. અરે ભાઈ, એ વ્યક્તિનો મોદી વિશે આ મત છે તો ભલે રહ્યો, આપણે તેની સાથે સહમત નથી એટલું કહી દઈએ તોય બસ. એ જ રીતે કોઈ રાહુલ વિશે એલફેલ લખે કે બોલે તો આપણે રાહુલઘેલા થઈ તે વ્યક્તિ વિશે આડેધડ શબ્દોમાં કમેન્ટ કરી દઈએ છીએ, અરે ભાઈ, તેમને રાહુલ યોગ્ય નથી લાગતો તો એ તેમનો મત છે. દરેકને પોતાનો મત વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે.

આ પણ વાંચો : કૉલમ : કેટલી જરૂરી કડવાશ?

મતદાતા જ દેશના નિર્માણ-વિકાસનો ખરો આધાર

આપણે એ યાદ કરવું જોઈએ કે આપણા દેશને અને સમાજને તોડવામાં આવી જ બાબતો કામ કરતી હોય છે, ઘણા સ્થાપિત હિતોને આમાં રસ હોય છે. અંગ્રેજો સહિત કોઈ પણ પરદેશી આપણા દેશ પર આ જ કારણસર રાજ કરતા રહ્યા હતા, કારણ કે આપણે પક્ષોમાં અને વ્યક્તિઓમાં વહેંચાઈ જઈએ છીએ, એ પણ કટ્ટર રીતે. આ કટ્ટરતામાં આપણે આપણા દેશ-સમાજને જ બાજુએ મૂકી દઈએ છીએ. આપણા મત વિશેનો આપણો અહંકાર મોટો થઈ જાય છે અને આપણો દેશ નાનો થઈ જાય છે. આ વખતની ચૂંટણીમાં આપણે મતદાન કરવાની જે ફરજ બજાવવાની છે તે રાષ્ટ્ર માટેની હોવી જોઈએ. મારો દેશ-આપણો દેશ કઈ રીતે, કોનાથી વધુ સમૃદ્ધ, સંપન્ન અને સફળ વિકાસલક્ષી બનશે એને આપણો મત જવો જોઈએ. એમ કરનાર વ્યક્તિ કે પક્ષ સાથે આપણે કે આપણી વિચારધારા સહમત હોઈએ કે ન હોઈએ, આપણા માટે કોઈ પણ વ્યક્તિ કે પક્ષ કરતાં દેશ મહત્વનો હોવો જોઈએ. વાસ્તવમાં સૌથી મહત્વની વ્યક્તિ મતદાતા જ છે, જે આ દેશની લોકશાહીનો આધાર છે અને તે જ સરકાર કોણ બનાવે એ નકકી કરે છે. કોઈ વ્યક્તિ કે પક્ષ પ્રત્યેના દ્વેષને બાજુએ મૂકીને રાષ્ટ્રના હિતમાં વિવેક અને સંયમ સાથે આપણા મતદાનના અધિકારનો સાચો ઉપયોગ કરવો જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

18 April, 2019 11:21 AM IST | | જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK