Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અરીસા સામે ઊભા રહી આપણે કોને અને કેટલું જોઈ શકીએ છીએ?

અરીસા સામે ઊભા રહી આપણે કોને અને કેટલું જોઈ શકીએ છીએ?

04 July, 2019 09:10 AM IST | મુંબઈ ડેસ્ક
જયેશ ચિતલિયા - સોશ્યલ સાયન્સ

અરીસા સામે ઊભા રહી આપણે કોને અને કેટલું જોઈ શકીએ છીએ?

કરીના (ફાઇલ ફોટો)

કરીના (ફાઇલ ફોટો)


સોશ્યલ સાયન્સ

એક સરદાર અરીસા સામે બેસીને વાંચતો હતો. લોકોને બહુ નવાઈ લાગી. લોકોમાંથી એક જણે પૂછી લીધું, તમે કેમ અરીસા સામે બેસીને વાંચો છો? સરદારે જવાબમાં કહ્યું, આમ કરવાના ત્રણ લાભ છે. એક, વાંચતાં-વાંચતાં રિવિઝન થયા કરે છે. બીજો, પોતાની ઉપર નજર પણ રહે છે અને ત્રીજો લાભ, સાથે વાંચવા માટે કંપની પણ મળી જાય છે...



આમ તો આ એક જોક છે, પરંતુ આના વિશે થોડું ગહન વિચારીએ તો બહુ મોટા સબક પણ મળી શકે. ઘણા કહેશે, બધે ફિલોસૉફી શોધવા ન બેસી જવાય. જોક કો જોક હી રહને દો, કોઈ ઔર નામ ન દો! ખેર, જૈસી જિસકી સોચ. આપણે આ જોકના કેટલાક અર્થ સમજીને એના થોડા વધુ લાભ લઈએ તો કેવું? દોસ્તો, જીવનની મસ્તીમાંથી ઘણી વાર તરવાની (જીવવાની) કશ્તી પણ મળી જતી હોય છે.


આપણે અરીસા સામે ઊભા હોઈએ કે બેઠા હોઈએ ત્યારે જ લગભગ આપણે આપણને જોતા હોઈએ છીએ. આપણને જોવાનો આ એક જ માર્ગ આપણને ખબર છે. બીજા માર્ગ તરીકે આપણે આપણને ફોટોમાં કે વિડિયોમાં જોતા હોઈએ છીએ, પરંતુ અરીસા સામે હોવું અને ફોટો કે વિડિયોમાં હોવું એ વચ્ચે બહુ ફરક છે. અરીસા સામે આપણે સાક્ષાત કે પ્રત્યક્ષ હાજર હોઈએ છીએ. પેલા સરદાર ભાઈ કહે છે કે અરીસા સામે વાંચવાથી રિવિઝન થઈ જાય છે, પણ તેમની વાત હસી કાઢવા જેવી નથી. તેમની વાતનો અર્થ એ થઈ શકે કે આપણે આપણી જાતને માત્ર અરીસા સામે ઊભી રાખીને કેવળ આપણે કેવા સરસ તૈયાર થયા છીએ, કેવાં વસ્ત્રો પહેર્યાં છે, કેવા સુંદર લાગીએ છીએ માત્ર એ જોવાનું નથી બલકે એ ઉપરાંત ખરેખર આપણે જે છીએ તે જ અરીસામાં દેખાઈએ છીએ ખરા? અરીસા સામે તૈયાર થઈ, સારાં વસ્ત્રો કે સારો મેકઅપ કરી સુંદર લાગતા આપણે ભીતરથી અને સ્વભાવથી સુંદર છીએ ખરા? માનવી તરીકેની ખરી સુંદરતા તો આપણી ભીતર રહેલી છે, એને આપણે કઈ રીતે અને કેવું જોઈ શકીએ છીએ એવા સવાલોનું રિવિઝન થતું રહેવું જોઈએ.

આમ અરીસા સામે માણસ સતત પોતાનું રિિવઝન કરવા ઉપરાંત પોતાની ઉપર નજર પણ રાખી શકે છે. ક્યાંક અને કયારેક પોતાને જોતાં-જોતાં અંદર પણ જોવાઈ જાય તો જીવનનાં દ્વાર ખૂલી જાય એવું પણ બને. અરીસા સામે આપણે શરીર જ નહીં, મનને પણ જોડીએ છીએ અને એને કારણે આપણે દેખાવે કેવા પણ હોઈએ, આપણા મનથી આપણે આપણને તો સુંદર જ લાગીએ છીએ; કારણ કે આપણી ભીતર બેઠેલો આપણો ‘હું’ આપણને પોતાને સુંદર જ દેખાડે છે. પરંતુ મન જો ખરેખર સુંદર હોય તો વાત કંઈક આપમેળે જુદી થઈ જાય છે, આપણો હું બાજુએ ચાલ્યો જાય છે અને મનથી જ આપણી સુંદરતા છલકાઈને અરીસામાં દેખાય છે. એટલે જ એક ગીતમાં એમ પણ કહ્યું છે કે તન ભી સુંદર, મન ભી સુંદર, તુમ સુંદરતા કી મુરત હો.. આ પંક્તિ માત્ર પ્રેમિકા માટે ગવાય એ જરૂરી નથી, આ વાત પરમાત્મા અને પોતાની જાતને પણ લાગુ પડે છે.


તેથી જ ક્યારેક આવું પણ લખાયું છે,

ચહેરાની સુંદરતા જે જુએ છે ફક્ત
માણે છે મોજ એ માનવી બસ થોડો વખત
કરમાયા પછીની દાસ્તાન પૂછો ફૂલોને
રાખતો નથી માળી પણ તેને લાંબો વખત - જ. ચિ.

અરીસા સામે હોવાના લાભમાં એક મહત્ત્વનો લાભ પોતાને કંપની મળી જવાનો પણ છે. હા, આ વાત મજાક લાગી શકે યા તઘલખી વિચાર લાગી શકે, પરંતુ ખરો અર્થ કરાય તો માણસની સૌથી મોટી, ખરી અને પાકી દોસ્તી પોતાની સાથે જ હોય છે. પોતાની કંપનીથી એ જ લોકો દૂર ભાગે છે જેઓ બહાર આનંદને શોધતા હોય છે, જેઓ પોતાના આનંદ-સુખ માટે બીજાઓ પર નિર્ભર હોય છે. જે ભીતરથી આનંદમાં છે, સંતોષી છે, જે પોતાનાથી ખુશ છે તેને પોતાની કંપની પણ એટલી જ ગમે છે. પરંતુ કરુણતા એ છે કે આપણે પોતાને કંપની જ ગણતા નથી. દરેક માણસને આજે યોગ અને ધ્યાન કરવાનું વિશ્વભરમાં કહેવામાં આવે છે, જ્યારે કે પોતાની જાત સાથે બેસવું પણ ધ્યાન જ છે. પોતાની જાત સાથે બેસવું કે પોતાની નજીક બેસવું એને ઉપવાસ પણ કહે છે. પોતાની જાત સાથે બેસવાનો એક અર્થ ઈશ્વર સાથે બેસવાનો પણ થઈ શકે.

અરીસો આપણને એટલુંબધું શીખવવાની ક્ષમતા ધરાવે છે કે જે નથી લખ્યું એ પણ આપણે વાંચી શકતા થઈએ છીએ. જે દેખાતું નથી એ પણ જોતા થઈ જઈએ છીએ. ક્યારેક વિચાર કરો કે અરીસો શોધાયો જ ન હોત તો? આપણે રોજ પોતાને ક્યાં જોવા જાત? ઇન શૉર્ટ, અરીસાને અધ્યાત્મના સ્વરૂપની દૃષ્ટિએ પણ જોઈ શકાય.

રંજ એ વાતનો છે કે ઘણી વાર આપણે અરીસાને પણ છેતરતા હોઈએ છીએ (કોઈ કહી શકે કે ઘણી વાર નહીં, કાયમ છેતરતા હોઈએ છીએ). આપણે જે નથી એ જ આપણે પોતાને અરીસાને બતાવતા હોઈએ છીએ. આમ તો અરીસો આપણને ઓળખી લે છે, અરીસાનો મૂળભૂત સ્વભાવ સાવ સાચું કહેવાનો અને જે સામે છે એ બતાવી દેવાનો છે. એક હિન્દી ફિલ્મનું ગીત કંઈક આવું કહે છે, દર્પણ જૂઠ ના બોલે, દર્પણ જૂઠ ના બોલે. તો વળી ક્યારેક અન્ય ગીત આવો પણ સવાલ ઉઠાવે છે, કયા કોઈ નયી બાત નજર આતી હૈ હમ મેં, આઇના હમેં દેખકે હૈરાન સા કુછ હૈ!

તેમ છતાં આપણે ચહેરો બદલી-બદલીને એને પણ ગેરમાર્ગે દોરતા હોઈએ છીએ. જોકે ખરેખર તો આપણે અરીસાને નહીં બલકે ખુદને જ છેતરતા રહીએ છીએ. વાસ્તવમાં અરીસા સામે બેસવાના ઘણા લાભ છે; માત્ર એ સમજવા માટેની દૃષ્ટિ અને અભિગમ, નિખાલસતા જોઈએ. ચાલો, હવે પછી અરીસાને મળીએ ત્યારે જાતને, નિખાલસતાને સાથે લઈ હૃદય ખોલીને મળીએ.

આ પણ વાંચો : મોબાઇલ-વૉટ્સએપના ઉપયોગ વિશેના ક્લાસ ભરવા છે તમારે?

બાકી તો ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની આ એક પંક્તિ પણ અરીસા માટે ઘણું ગહન કહી દે છે,

દેહથી આગળ કંઈ દેખાડે નહીં,
કામ શું લાગે આ દર્પણ બધાં?

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2019 09:10 AM IST | મુંબઈ ડેસ્ક | જયેશ ચિતલિયા - સોશ્યલ સાયન્સ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK