Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તેલ લેવા જાય જીડીપી! શું જીડીપી વધે તો જ વિકાસ થયો ગણાય?

તેલ લેવા જાય જીડીપી! શું જીડીપી વધે તો જ વિકાસ થયો ગણાય?

11 July, 2019 10:55 AM IST | મુંબઈ ડેસ્ક
જયેશ ‍ચિતિ‍લયા - સોશિયલ સાયન્સ

તેલ લેવા જાય જીડીપી! શું જીડીપી વધે તો જ વિકાસ થયો ગણાય?

જીડિપી

જીડિપી


આઝાદીનાં ૭૦ વરસ બાદ પણ જો દેશના લોકોને હજી રોટી, કપડાં અને મકાન માટે ફાંફાં હોય, લોકોને પાણી જેવી જીવનજરૂરી ચીજ પણ ન મળતી હોય અથવા માંડ-માંડ મળતી હોય,એક માટલા પાણી માટે ક્યાંયને ક્યાંય સુધી જવું પડતું હોય તો દેશના જીડીપીનો દર ગમેતટલો વધે તોય શું કામનો? કોના કામનો? એનો અર્થ શું? આવા માત્ર સવાલ જ નહીં, આક્રોશ પણ થાય છે

સોશ્યલ સાયન્સ



વરસ 2014માં પહેલી ટર્મમાં વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે દેશમાં શૌચાલયની જરૂરિયાતની વાત ભારપૂર્વક કરી ત્યારે અનેક લોકોને નવાઈ લાગી હતી. વડા પ્રધાન અહીં આવી વાત કરે છે, શૌચાલયની? પરંતુ આ વાત કરવાની તેમની હિંમતને દાદ આપવી પડે. આ સમસ્યાને સમાજની કે દેશની નાની યા ગૌણ સમસ્યા ન ગણાય. મોદી સરકારની આ માટેની યોજના બાદ સુધારા શરૂ થયા છે, પરંતુ કમનસીબે હજી આ મામલે સફળતા બહુ જ દૂર છે. શૌચાલય જેવી બાબતને આપણે સ્વાસ્થ્યની દૃષ્ટિએ અને સ્વચ્છતાની દૃષ્ટિએ આજ સુધી મહત્ત્વ આપ્યું નથી. ચોખ્ખાં-સ્વચ્છ (ખાસ કરીને જાહેર) શૌચાલય આપણા દેશમાં રૅર ઘટના ગણાય છે. હજી પણ આપણે પર્યટન સ્થળે જઈએ કે ક્યાંય પણ જઈએ, બાકી બધી સગવડ કદાચ સારી મળી રહેશે; પરંતુ જાહેર સ્થળોનાં શૌચાલયની સ્વચ્છતાની ભાગ્યે જ ક્યાંય કાળજી કરાતી જોવા મળશે.


પાણી માટે યુદ્ધ થશે

વડા પ્રધાને આ બીજી ટર્મમાં તાજેતરમાં જ દેશની પાણીની સમસ્યા માટે વાત કરી અને આ માટે નક્કર કદમ ભરવાની અપીલ કરી તેમ જ સરકાર કોઈ નીતિ લાવશે એવો સંકેત પણ આપ્યો. ઘણી વાર પાણીની તીવ્ર સમસ્યાના સમાચાર જાણી-જોઈ, લોકોને પાણી માટે વલખાં મારતા નિહાળીને થાય છે કે શું આપણી પ્રજાને શુદ્ધ પાણી પણ મળી શકે નહીં? શુદ્ધ તો શું ઘણી જગ્યાએ પાણીના જ દુકાળ જોવા મળે છે. નાની બાળાઓ કે સ્ત્રીઓ યા પુરુષો પાણી માટે લાંબી લાઇનમાં ઊભા રહે છે, દૂર-દૂર સુધી પાણી ભરવા જાય છે એ દૃશ્ય દેશમાં જોવું પડે ત્યારે આઘાત લાગે છે. જ્યારે કે બીજી બાજુ પાણીનો બિઝનેસ ધમધોકાર ચાલે છે. પાણીની પરબોના દેશમાં આજે પાણી પ્લાસ્ટિકની થેલીમાં યા બૉટલમાં વેચાય છે. ઘણી જગ્યાએ વૉટર ટૅન્કરોના કરોડોના વેપાર થાય છે. શું આપણે આટલાં વરસોમાં પાણી જેવી જીવન જરૂરિયાત પર ગંભીરપણે ધ્યાન જ આપ્યું નથી કે ધ્યાન આપવા જેવું લાગ્યું નથી? સ્વચ્છતાના પાઠ તો આજે પણ આપણે મોટાં-મોટાં બોર્ડ લગાવી, જાહેરખબરો મારફત, જાહેર અપીલ કરીને, દંડ લગાવીને શીખવવા પડે છે. આટલી સાધારણ સમજ કે વિવેક પણ આપણામાં નથી? હવે છેલ્લા કેટલાક સમયથી પાણી બચાવો, પાણીને કાળજીથી વાપરો જેવા પાઠ શીખવવાનું શરૂ થયું છે. અલબત્ત, ભવિષ્યમાં પાણી માટે યુદ્ધ થશે એવી સાચી લાગે એવી આગાહી ઘણી વાર થતી રહી છે.


જીવનજરૂરી ચીજો શું?

કરુણતા તો જુઓ, હજી પાણીનાં ઠેકાણાં નથી, ખોરાકનાં, કપડાંનાં અને રહેવાનાં ઠેકાણાં નથી ત્યાં લોકો ઇન્ટરનેટ, ડેટા, ટેક્નૉલૉજી, નેટવર્ક, વાઇફાઇ વગેરેને જીવનજરૂરી ચીજો ગણવા લાગ્યા છે. આવા લોકો માટે શું કહેવાનું, શું માનવાનું? એક જ દેશમાં કેટલા માનવ સમાજ છે? ધર્મ, જ્ઞાતિ, જાતિ, ભાષા, વર્ણ, અમીર, ગરીબ, મધ્યમ વર્ગ વગેરે તો જુદા ખરા; પરંતુ આ સમાજમાં મૂળભૂત જરૂરિયાતના ભેદ શા માટે, ક્યાં સુધી? આપણે અહીં મોટી સમસ્યાની તો વાત જ કરતા નથી બલકે નાની-નાની સમસ્યા તરફ જોઈએ તો એ પણ કેટલાંય વરસોથી ઊભી છે. તેમાં ક્યાંક સુધારો થયો હશે તો માત્ર એને પ્રગતિ કરી કહેવાય એવું તો નથી જ. વિકાસની વ્યાખ્યા શું? જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટસ-કુલ રાષ્ટ્રિય ઉત્પાદન) વધે એ જ વિકાસ છે? દેશમાં નવી-નવી ટેક્નૉલૉજી કે સુવિધા આવે એ જ વિકાસ છે? સતત સ્ટ્રેસમાં રહી આગળ વધવા ઝઝૂમતા સમાજને આપણે વિકસિત સમાજ કહીશું? દેશમાં સતત અસમાનતા વધતી રહે એ આદર્શ સ્થિિત છે?

ઢગલાબંધ સમસ્યાથી ઘેરાયેલા

રોટી, કપડાં, મકાન તો હજી દૂર છે; પરંતુ આ સાથે કેટલાંય નાનાં-મોટાં શહેરોમાં-મહાનગરોમાં સ્લમ, શૌચાલય, ટ્રેનોની સમસ્યા, રોડની સમસ્યા, ખાડા, અતિ વરસાદમાં થતું પારાવાર નુકસાન –જાનહાનિ, ટ્રાફિક, સાંકડા રસ્તા-ગલીઓ, પાર્કિંગની સમસ્યા, દેશી દારૂ, બાળમજૂરી, ટ્રેનોના રિઝર્વેશન, બસ-સર્વિસ, રિક્ષા-સર્વિસ, ભાડાની જગ્યા, સ્ત્રીશોષણની સમસ્યા વગેરે જેવી ઢગલાબંધ સમસ્યાથી આપણો દેશ વરસોથી ઘેરાયેલો અને ટેવાયેલો રહ્યો છે. આપણી સરકારો માત્ર એના સુધારા માટે વાયદા અને વચનો આપતી રહી છે જયારે કે આપણે માત્ર એ સાંભળી આશા રાખી બેઠા રહીએ છીએ. હા, થોડા-થોડા વરસે કંઈક સુધારો થાય છે એટલે કંઈક થયું હોવાનું આશ્વાસન મળતું રહે છે, પણ બીજી બાજુ નવી સમસ્યા આવી ઊભી હોય અને જૂની સમસ્યા વધતી ગઈ હોય તો આપણને ખયાલ આવતો નથી અથવા ઉદાર દિલના તેમ જ સહનશીલતાની મૂર્તિ સમાન આપણે લોકો એ બધું સ્વીકારી લઈએ છીએ. સરકાર તરફથી ઉપાયના નામે સાવ નજીવું પરિણામ જોવા મળે છે. હા, માણસ પોતે લડીને કંઈક પરિવર્તન લાવે તો વાત જુદી છે. બાકી સર્વ સામાન્ય જનતાએ આ તમામ બાબતોની સમસ્યાને સ્વીકારી લીધી છે. આટલું તો હોય જ, આમાં વળી શું ફરિયાદ કરવાની, બધે આવું છે, આપણે આપણી જાતને પછાત તરીકે અથવા પછી સહનશીલ પ્રજા તરીકે સ્વીકારી લીધી છે. સંભવતઃ આપણી માનસિકતા જ આવી થઈ ગઈ છે. આજે પણ મુંબઈ શહેરમાં ભારે વરસાદને લીધે લોકો કમોતે મરે છે, હેરાન-પરેશાન થાય છે. જનજીવન કેવું ખોરવાય છે એ દૃશ્યો આપણી સામે દર વરસે આવે છે. નગરપાલિકા સજજ હોવાના માત્ર દાવા કરે છે અને મુંબઈગરા ઉદાર દિલે સ્વીકારી લે છે, કરે પણ શું?

હૅપિનેસ ઇન્ડેકસનું શું?

આ તો આપણે માત્ર માળખાકીય સુવિધાઓની તેમ જ જીવનજરૂરી સમસ્યાઓની વાત કરી, પરંતુ આપણી પ્રજાની માનસિક દશા કે વ્યથાનું શું? આપણે ધીમે-ધીમે એ માર્ગે આગળ વધી રહ્યા છીએ જ્યાં ભૌતિક સુખ કે સુવિધા ભલે વધતી હોય, પણ માનસિક શાંતિ અને સુખ ઓછાં થતાં જાય છે. આપણે શું ગુમાવીને શું પામીએ છીએ એ સવાલ આપણે જાતને રોજ કરવા જેવો છે, હા રોજેરોજ! તો કદાચ એક દિવસ જવાબ મળી શકે. બાકી જીવનની ભાગદોડમાં, રેસમાં, સ્પર્ધામાં આપણે મહત્તમ સ્ટ્રેસ જમા કરતા જઈએ છીએ જે આપણને શાંતિથી જીવવા દેતું નથી અને શાંતિથી મરવા પણ દેશે નહીં. આ બધા વચ્ચે દેશના જીડીપીમાં વૃદ્ધિ થાય તો શું? આપણા જીવનની કેવી વૃદ્ધિ થશે? જયાં આપણો હૅપિનેસ ઇન્ડેક્સ નીચો હશે ત્યાં ભૌતિક સુખ-સગવડોના કે શૅરબજારના ઊંચા ઇન્ડેક્સનો અર્થ શું? આ સવાલ સરકાર અને પ્રજા બન્નેએ વિચારવા જેવો છે. પ્રજાએ પોતે મોબાઇલમાંથી માથું બહાર કાઢીને વિચારવાની જરૂર છે, જીવનમાં માત્ર મોબાઇલ નેટવર્ક, વાઇફાઇ, મોબાઇલ ડેટા, ફેસબુક, સોશ્યલ મીડિયા, ફિલ્મો, ટીવી ચૅનલ્સનું જ મહત્ત્વ નથી; રોટી, કપડાં, મકાન અને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને શાંતિનું અદકેરું મહત્ત્વ છે. પ્રજા આ વિષયમાં સજાગ અને જાગ્રત થશે તો સરકારે વધુ સજાગ બનવું પડશે. હું એકલો શું કરી શકું એવા વિચાર માત્રથી અટકી જવાય નહીં. એકેક વ્યક્તિ પોતાની રીતે કંઈક તો સુધારો કરી શકે છે. કમ સે કમ હું મારા ઘરનું આંગણું સાફ કરી લઉં, કમ સે કમ હું ગંદકી ન ફેલાવું, કમ સે કમ હું આ સમસ્યા વધે નહીં એ માટે સજાગ બનું.

આ પણ વાંચો : અરીસા સામે ઊભા રહી આપણે કોને અને કેટલું જોઈ શકીએ છીએ?

આ જવાબદારી આપણી પણ ખરી

આપણે ધર્મ, જ્ઞાતિ, જાતિ, અનામત, રાજકરણ, પ્રદેશવાદ વગેરે જેવી સમસ્યા ન હોય ત્યાંથી ઊભી કરી અથવા તેમાં દોરવાઈને એના માટે આંદોલન કરી શકીએ છીએ, એક થઈ લડી શકીએ છીએ; કારણ કે એમાં આપણા દરેકનાં સ્થાપિત હિત છે, પણ સર્વાંગી દેશના-પ્રજાના હિતની વાત આવે ત્યાં આપણે કેમ એક થઈ જતા નથી? શું આપણા દેશમાં પાણીની, ઘરની, ખોરાકની, ગરીબીની સમસ્યા સહિત કેટલીય પાયાની જરૂરિયાતની સમસ્યા ન હોય એવું આપણે ઇચ્છતા નથી? પ્રજા તરીકે આપણો વિકાસ ક્યારે થશે? આપણો સાથ ક્યારે સાર્થક થશે અને આપણો વિશ્વાસ ક્યારે સ્થપાશે? સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસની જવાબદારી માત્ર સરકારની જ નહીં, આપણી પણ ખરી!

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2019 10:55 AM IST | મુંબઈ ડેસ્ક | જયેશ ‍ચિતિ‍લયા - સોશિયલ સાયન્સ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK