Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એ લોકો દેશ માટે શહીદ થઈ મૃત્યુ પામ્યા, પરંતુ આપણે દેશ માટે જીવીએ છીએ?

એ લોકો દેશ માટે શહીદ થઈ મૃત્યુ પામ્યા, પરંતુ આપણે દેશ માટે જીવીએ છીએ?

14 March, 2019 12:47 PM IST |
જયેશ ચિતલિયા

એ લોકો દેશ માટે શહીદ થઈ મૃત્યુ પામ્યા, પરંતુ આપણે દેશ માટે જીવીએ છીએ?

શ્રદ્ધાંજલિ

શ્રદ્ધાંજલિ


સોશ્યલ સાયન્સ

થોડા વખત પહેલાં અક્ષય કુમારની એક થ્રિલર ફિલ્મ આવી હતી, જેનું નામ હતું બેબી. આ એક આંતકવાદી પ્રવૃત્તિ વિરુદ્ધની ફિલ્મ હતી. આ ફિલ્મ વિશે વધુ વાત કે વાર્તા કરવાની જરૂર નથી, કિંતુ એના એક સંવાદ વિશે વાત કરવી વર્તમાન સમયમાં બહુ જરૂરી લાગે છે. આ સંવાદમાં દેશના સંબંધિત ખાતાના મિનિસ્ટર સાથે આપણા એ જવાનોના, જેઓ ગુપ્ત સ્વરૂપે દેશના ગદ્દારો અને આંતકવાદીઓ સામે લડતા હોય છે, તેમના હોસલા અને બહાદુરીની વાત ચાલતી હોય છે, ત્યારે તે વીરો વિશેની વાત સાંભળી મિનિસ્ટર પૂછે છે કે, શું સરકાર તેમના માટે પૂરતું કરે છે કે કેમ? ત્યારે એ જવાન વીરોના હેડ તરીકે અભિનેતા ડૅની જવાબ આપે છે, નહીં સર! તેઓ જે કામ કરે છે એના માટે તેમને તો સરકાર પાસે કોઈ અપેક્ષા પણ હોતી નથી. આવા કેટલાક જવાનો દેશ માટે મરવા નહીં, પરંતુ જીવવા માગતા હોય છે. યસ! દેશ માટે મરવા નહીં, પણ જીવવા માગે છે. આ વિધાન સૌથી મહત્વનું અને ચોટદાર, ધારદાર અને વિચારપ્રેરક છે.



આક્રોશ અને લાગણી પછી શું?


તાજેતરમાં આપણા દેશમાં કાશ્મીરમાં પુલવામામાં જે બન્યું એની ચર્ચાઓ થઈ અને આક્રોશ બહુ ઠલવાયા, બહુ ફેલાયા. આપણા ઍર કમાન્ડ ઑફિસર અભિનંદનની પાકમાં ધરપકડ થઈ અને પાકિસ્તાને આપણા દેશના આ બહાદુર જવાનને પરત પણ કરી દેવો પડયો, એની ચર્ચા-ટિપ્પણી પણ ચાલી અને સંભવત: હજી થોડા દિવસ ચાલશે, કિંતુ પછી શું? હુમલા બાદ આપણા દેશમાં જનઆક્રોશમાં ટ્રેનો, દુકાનો બંધ કરાવાયાં, એમાં નુકસાન કોનું થયું? ખેર, આપણે પ્રજા તરીકે ગુસ્સો અને આક્રોશ ઠાલવવાં જોઈએ જ, અન્યથા આ આક્રોશ આપણે કયાં કાઢીએ, કઈ રીતે કાઢીએ? વળી આમાં તો રાજકારણની રમત પણ ચાલતી રહી છે. આપણે શહીદ જવાનો માટે મીણબત્તીઓ પેટાવી, ઘણાં સ્થળોએ - સભામાં બે મિનિટનું મૌન રાખ્યું. કાળી પટ્ટી પહેરી. વિવિધ સ્વરૂપે આપણો વિરોધ, આપણી દુભાયેલી લાગણી અને આપણો આકરો (આ વખતે જરા વધુ) આક્રોશ વ્યક્ત કર્યો. શહીદોના પરિવાર માટે લાખો રૂપિયાનું ભંડોળ ભેગું કરવા લાગ્યા, કરોડો રૂપિયા જમા થયા, હજી આવશે. પણ પછી શું? સેલિબ્રિટીઝ, ટોચની હસ્તીઓએ પોતાની દુ:ખ વ્યક્ત કરતી લાગણી દર્શાવી, મોટું-મોટું દાન પણ કર્યું. શહીદોના પરિવારને સાંત્વના પણ પાઠવી. કેટલાય લોકોએ સરકારને સલાહો આપી, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, પરંતુ હવે શું? હજી કેટલા દિવસ આ ચાલશે? આવી ઘટના બને ત્યારે આ પ્રકારના પ્રતિભાવ આવે એ સહજ છે. આપણે આપણી લાગણી, ગુસ્સો-જુસ્સો અને આક્રોશ વ્યક્ત કરી દીધાં એટલે પતી ગયું? આ ઘટના બાદ તો જાણે જવાનોના નામે કેટલાય કાર્યક્રમોનાં આયોજન થવા લાગ્યાં છે. કિંતુ શું જવાનોને સલામી આપો યા જવાનો શહીદ થાય ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપો એટલે આપણું કામ પૂરું!?

આપણે દેશ માટે શું કરી શકીએ?


તો આપણે શું કરીએ યા શું કરી શકીએ? આપણે તો યુદ્ધના મેદાન પર કે સરહદ પર લડવા જઈ શકતા નથી. લડવાની વાત તો બાજુએ રહી, આપણે ત્યાં જઈ ઊભા રહેવા પણ સક્ષમ નથી. આપણે બસ દૂર બેઠાં વાતો અને વાતોનું વતેસર કરી શકીએ, પણ ખરેખર તો આપણે શું કરીએ એ સવાલ થવો જોઈએ, જેનો જવાબ સહજ અને સરળ છે. અલબત્ત, એનો અમલ મુશ્કેલ છે, અસંભવ નથી. આપણને જો ખરેખર દેશ માટે કંઈક કરવું હોય તો સૌપ્રથમ આપણે વર્તમાનમાં દેશ સાથે જો આપણે પોતે કંઈ પણ ખોટું કરતા હોઈએ તો એ પહેલાં બંધ કરી દેવું જોઈએ. આપણે માત્ર અને માત્ર સાચા-પ્રામાણિક નાગરિક બનીએ તો પણ પર્યાપ્ત છે. આપણે દેશની અલગથી સેવા ન કરી શકીએ યા પ્રાણ ન આપી શકીએ, લડવા ન જઈ શકીએ તો કમસે કમ સાચા નાગરિક બનીને તો રહીએ!

આપણે શું કરીએ છીએ?

આમ કરવા માટે આપણે શું કરવું જોઈશે? યસ, હવેના જવાબ પડકારજનક છે, કારણ કે અહીં જ આપણી કથિત દેશભક્તિ કે ભાવના સામે પરીક્ષા આવે છે. આપણે આપણી જાતને કેટલાક આવા સવાલો કરવા જોઈએ. શું આપણે કરચોરી કરીએ છીએ કે પ્રામાણિકતાથી ટૅક્સ ભરીએ છીએ? શું આપણે ધંધામાં મિલાવટ, રુશ્વતખોરી, કાળાં બજાર કરીએ છીએ કે પછી ઈમાનદારીથી ધંધો કરીએ છીએ? જ્યાં જઈએ ત્યાં ગંદકી કરીએ કે ફેલાવીએ છીએ કે સ્વચ્છતાને સાથ આપીએ છીએ? કાર ચલાવતી વખતે સિગ્નલથી માંડી અન્ય નિયમોનું પાલન કરીએ છીએ કે બેફામ ઉલ્લંધન કરીએ છીએ? પોતાનાં કામ કઢાવવા યા સ્વાર્થ માટે સત્તાનો ઉપયોગ, વગનો ઉપયોગ, પૈસાનો ઉપયોગ કરીએ છીએ કે પછી બીજાનું જે થવાનું હોય તે થાય, મારું કામ થઈ જવું જોઈએ એવો અભિગમ પાળીએ છીએ? આપણે આપણી જાતને જ પૂછવું જોઈએ કે આપણે એ કયાં કામ કરીએ છીએ, જેમાં દેશ અને સમાજનું કે માનવજાતનું હિત હોય અને એવાં કયાં કામ કરીએ છીએ, જેમાં દેશ, સમાજ અને માનવજાતનું અહિત હોય? શું આપણે ધર્મના નામે લોકોને છેતરીએ કે ગેરમાર્ગે દોરીએ છીએ? શું આપણે માલિક બની બીજાઓનું શોષણ કરીએ છીએ કે બીજા સાથે અન્યાય કરીએ છીએ? આપણે બસ સરકારને ગાળો ભાંડવાનું કામ કરીએ છીએ કે આપણા તરફથી પણ કોઈ નક્કર પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ?

ટીકા કરવી સહેલી છે

આ વિધાન તો આપણને બધાને યાદ જ હશે ને કે મારા માટે દેશે શું કયુર્ંદ, એના કરતાં એ પૂછવું જોઈએ કે મેં દેશ માટે શું કર્યું? આ દેશ કોઈ વ્યક્તિ કે સરકારનો ક્યારેય હોતો નથી, આપણા બધાનો હોય છે, જે ધરતી પર આપણે જન્મ લીધો હોય છે એ ધરતી આપણી બધાની માતા ગણાય. તેથી જ આ ધરતી સુંદર અને શાંત રહે, આનંદમય રહે એ જોવાની - સમજવાની જવાબદારી આપણી પણ કહેવાય. ટીકા કરવી સહેલી છે, સલાહ આપવી પણ સહેલી છે, સમસ્યા બતાવવી અને એના નામે બૂમો પાડવી પણ આસાન છે, જયારે કે સમસ્યાના ઉપાય કરવામાં જ સાર્થકતા ગણાય. ‘રંગ દે બસંતી’ ફિલ્મનો પેલો સંવાદ યાદ છે ને? કોઈ ભી દેશ અપને આપમેં પરફેક્ટ નહીં હોતા, ઉસે પરફેક્ટ બનાના પડતા હૈ. અને હા, આ પરફેક્શનમાં દરેક જણ ફાળો આપી શકે છે, શું આપણે આ ફાળો આપીએ છીએ ખરા? યુદ્ધના મેદાન સિવાય દેશના વિકાસના મેદાનમાં સારો ફાળો આપવો એ પણ દેશભકિત અને દેશપ્રેમ જ ગણાય.

આ પણ વાંચો : સ્ત્રી : દીકરી અને પુત્રવધૂ

રક્ષા જવાનો સાથે આવો અન્યાય કેમ?

શહીદો અને દેશના રક્ષક જવાનોની વાત નીકળી છે તો એક હકકીત આ પણ વિચારવી- સમજવી જોઈએ. જ્યારે કોઈ આંતકવાદી આક્રમણમાં મોટી સંખ્યામાં આપણા જવાનોનાં મૃત્યુ થાય ત્યારે જ મોટા પાયે આક્રોશ અને લાગણી વ્યક્ત કરવાનાં? એકલ-દોકલ જવાન શહીદ થઈ જાય ત્યારે કંઈ નહીં? મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા હોય તો તેમને વળતર પણ વધુ મળે અને એક-બે છૂટાછવાયા કેસમાં જવાન શહીદ થયા હોય તો તેમને વળતર પણ ઓછું મળે એ અને એની નોંધ પણ લેવાય નહીં, આ વળી કેવો ન્યાય? જેઓ પેરા-મિલિટરીમાં છે એવા જવાનો સહિત બીજા કેટલાય એવા જવાન રક્ષકો છે, જેઓ જીવે કે મરે તેમને કોઈ યોગ્ય પેન્શન મળતું નથી. આ જવાનો પણ દેશ અને પ્રજાની રક્ષા માટે સતત ફરજ પર હોય છે, તેમના કે તેમના પરિવાર માટે આપણા કે સરકારના ટેકાની શું કોઈ આવશ્યકતા નથી? સરકારે આ જવાનોને પણ એવો જ શહીદનો દરજજો આપી તેમના માટે પણ વળતરનાં ઊંચાં ધોરણ રાખવાં જોઈએ. તેમની સારવાર માટે પણ વ્યાપક અને સારી સુવિધા સહિત દેશના તમામ રક્ષક જવાનો સૌથી વધુ પ્રાયોરિટીની યાદીમાં હોવા જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

14 March, 2019 12:47 PM IST | | જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK