Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચાલો, સમય વિશે કંઈક નવું વિચારીએ

ચાલો, સમય વિશે કંઈક નવું વિચારીએ

24 October, 2019 05:20 PM IST | મુંબઈ
સોશ્યલ સાયન્સ - જયેશ ચિતિ‍લયા

ચાલો, સમય વિશે કંઈક નવું વિચારીએ

ઘડિયાળ

ઘડિયાળ


આપણે કેટલા પણ ધમપછાડા કરીએ એક મિનિટમાં ૬૦ સેકન્ડ જ રહેવાની છે, એક કલાકમાં ૬૦ મિનિટ જ અને એક દિવસમાં ૨૪ કલાક જ રહેવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોય કે અમેરિકન પ્રેસિડન્ટ ડૉનલ્ડ ટ્રમ્પ હોય કે પછી મંદિરની બહાર બેસતા ભિક્ષુક હોય યા અંદર બેસતા પૂજારી હોય, નોકરીએ જતા કર્મચારી હોય કે કંપનીનો માલિક હોય, સ્કૂલ જતું નાનું બાળક હોય કે કૉલેજ જતા યુવાનો હોય, મહાનાયક અમિતાભ બચ્ચન હોય કે નાના સાઇડ રોલ કરતા સામાન્ય કલાકાર હોય, અંબાણી, અઝીમ પ્રેમજી, અદાણી, ગોદેરજ, તાતા, બિરલામાંથીય કોઈ પણ હોય; દરેકને કુદરતના આ સમયનો નિયમ એકસરખો લાગુ પડે છે. ફરક માત્ર આ સમયને કોણ કઈ રીતે વાપરે છે એમાં પડે છે.

૮૬,૪૦૦ સેકન્ડનો દિવસ



તાજેતરમાં જીવનની એક ગંભીર વાત બહુ સરસ અને સરળ રીતે વાંચવામાં આવી. એક સુજ્ઞ પ્રોફેસરે પોતાના વિદ્યાર્થીઓને એક સવાલ કર્યો, જેમાં તેમણે પૂછ્યું કે જો તમારી પાસે ૮૬,૪૦૦ રૂપિયા હોય અને કોઈ ચોર એમાંથી દસ રૂપિયા લઈ ભાગવા લાગે તો તમે શું કરો? એ દસ રૂપિયા જવા દો કે એ દસ રૂપિયા માટે તે ચોરની પાછળ ભાગો? વિદ્યાર્થીઓએ જવાબમાં કહ્યું, દસ રૂપિયા માટે ક્યાં કોઈ ચોરની પાછળ ભાગવાની ઝંઝટ કરે? અમે તો એ જવા દઈએ. અમે બાકીના ૮૬,૩૯૦ રૂપિયા બચાવીને આગળ જતા રહીએ. એ સામે પ્રોફેસરે કહ્યું, મેં તો મોટા ભાગે જોયું છે કે માણસ દસ રૂપિયા માટે પણ ચોરની પાછળ દોડે છે અને એમ કરવામાં તે પોતાના ૮૬,૩૯૦ રૂપિયા પણ ખોઈ નાખે છે. આ સાંભળી વિદ્યાર્થીઓએ કહ્યું, આવું કોણ કરે? આમ સંભવ જ નથી. તેથી પ્રોફેસરે કહ્યું, માણસોને દરરોજ ૮૬,૪૦૦ સેકન્ડ મળે છે. એમાં જો કોઈ કારણસર દસ સેકન્ડમાં પણ માણસને કોઈ વાતે ખોટું લાગ્યું, કોઈએ કંઈ સંભળાવી  દીધું, કોઈ ઘટના બની ગઈ, કોઈ તકલીફ આવી ગઈ તો એ દસ સેકન્ડની ઘટના વિશે માણસ સતત વિચાર કર્યા કરી એના પર ક્રોધ યા નકારાત્મક પ્રતિભાવ આપ્યા કરી કે પછી બિનજરૂરી ચિંતા કર્યા કરી પોતાના આખા દિવસની બાકીની ૮૬,૩૯૦ સેકન્ડ ખરાબ કરી નાખે છે.


સમયની કિંમત આપણે કરતા નથી

વાસ્તવમાં આપણે સમયનો હિસાબ રાખતા નથી, કારણ કે આપણે એને ફ્રી મળેલો માનીએ છીએ. એને આપણે મૂલ્યવાન ગણીએ ખરા, પરંતુ એની કિંમત સમજતા નથી. પૈસા તો ગુમાવીને પાછા કમાઈ શકાય, પણ સમય ગયો તે ગયો; એ પાછો મેળવી શકાતો નથી. નવાઈની વાત એ છે કે આપણે જાણતાં-અજાણતાં પણ સમયને વેડફી નાખતા હોઈએ છીએ. દુઃખદ વાત તો એ છે કે આપણે નાની–નાની ઘટના કે વાતમાં એવા ડિસ્ટર્બ થઈ જતા હોઈએ છીએ કે એ ડિસ્ટર્બન્સની પાંચ-દસ સેકન્ડ યા પાંચ-દસ મિનિટ આપણા આખા દિવસને ડિસ્ટર્બ કે ડિસ્ટ્રૉય કરી નાખે છે. આમ ૮૬,૪૦૦ સેકન્ડમાંથી માત્ર ૩૦૦થી ૫૦૦ સેકન્ડ પણ ખરાબ જાય તો આપણે એની પાછળ બાકીની ૮૬,૦૦૦ સેકન્ડ બગાડી નાખીએ યા ગુમાવી  દઈએ છીએ. આમ આખરે તો ખોટમાં આપણે જ રહીએ છીએ.


નોકરીમાં બૉસે કે ઉચ્ચ અધિકારીએ કંઈક ગુસ્સામાં સંભળાવી દીધું કે આપણો દિવસ ગયો! આ ઘટના પાંચ મિનિટની માંડ હશે, પણ નોકરીનો આખો દિવસ જ નહીં; નોકરીથી ઘરે ગયા પછીનો સમય પણ આપણો એને વાગોળતા રહી ગુસ્સામાં કે નિરાશામાં-ઉદાસીમાં જાય છે. આનાથી વિપરીત ઘરે પત્ની સાથે ઝઘડો થઈ જાય અથવા અન્ય કોઈ પારિવારિક વિવાદ લઈને વ્યક્તિ ઑફિસમાં જાય તો ત્યાં તે કામ કરતાં-કરતાં ઘરના-પરિવારના વિવાદનો વિચાર કર્યા કરીને સમય બગાડતો રહે છે.

આપણે જ સહન કરીએ છીએ

વાસ્તવમાં આવા વિચારો યા ઘટનાને પકડી કે જકડી રાખવાની આપણી આદત આપણને જ ભારે પડતી હોય છે અને મહત્તમ એમાં આપણે જ સહન કરતા હોઈએ છીએ અથવા પછી આપણા પ્રિયજને ભોગવવાનું આવતું હોય છે. પરંતુ શું કરીએ? આ બાબત ભલે પાંચ સેકન્ડની હોય કે પાંચ મિનિટની હોય; એ આપણા હૃદયને, આપણા અહંકારને ઢંઢોળે છે. આથી આપણી સાથે બનેલી એક ટૂંક સમયની નેગેટિવ ઘટના આપણા કેટલાય લાંબા સમયને ખાઈ જાય છે, એના પર સવાર થઈ જાય છે એટલું જ નહીં, આપણી શક્તિને નકારાત્મક દિશામાં લઈ જાય છે. તો આનો ઉપાય શું કરવો?

કમ્પ્યુટરના ફંક્શનમાંથી મળતા ઉપાય

યસ, આનો ઉપાય તમારી સામે જ છે. જો તમારી સામે લૅપટૉપ યા પર્સનલ કમ્પ્યુટર હશે તો એ જ તમને ઉપાય બતાવી દેશે અને ન હોય તો એની કામગીરીથી સમજી શકાશે. હાલના સમયમાં આટલી પાયાની સમજ તો મોટા ભાગના લોકો પાસે હોય જ છે. કમ્પ્યુટર કામ કરતી વખતે સ્ટાર્ટ, સેવ, સેવ ઍઝ, ફાઇલ, ફોલ્ડર, રિફ્રેશ, રીસ્ટાર્ટ, ડિલીટ અને લૉગ આઉટ જેવા માર્ગ હોય છે. આ દરેકનો ઉપયોગ મહત્વનો હોય છે. આટલી બેઝ‌િક સમજ પણ આપણી પાસે આવી જાય અને એને કમ્પ્યુટરની સાથે જીવનમાં પણ સમાવી લઈએ તો ઉપાય થઈ જાય. આ એકેક શબ્દને સમજવા જેવા છે. સ્ટાર્ટ અર્થાત્ કોઈ પણ વાત કે કામને શરૂ કરો ત્યારે એને કેટલો સમય આપવો છે એ માઇન્ડમાં સ્પષ્ટ રાખી શકાય તો રાખો. સમય આપણો છે, કોને કેટલો આપવો એ નિર્ણય પણ આપણો હોવો જોઈએ. જીવનમાં બનતી ઘટનામાંથી કઈ ઘટનાને યાદ રાખી સેવ કરવી (સાચવી રાખવી) એ પણ આપણે નક્કી કરવાનું હોવું જોઈએ. આ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે શું સેવ કરવું અને કેટલું સેવ કરવું એનો વિવેક પણ જરૂરી છે. કઈ બાબતોની ફાઇલ બનાવી રાખવી અને કઈ બાબતો માટે ફોલ્ડર બનાવવાં એ પણ સમજવાની વાત છે. દિવસમાં બનેલી કે જીવનમાં ઘટેલી કઈ ઘટનાને સેવ કરવી, ફોલ્ડરમાં (દિમાગમાં) સાચવી રાખવી કે ડિલીટ કરી દેવી એનો વિવેક રાખવો જોઈએ. જીવનમાંથી ખરેખર તો ઘણી બાબતો ડિલીટ કરી નાખવા જેવી હોય છે તેમ છતાં આપણે એને પકડી રાખીને દુઃખી થયા કરતા હોઈએ છીએ. ઘણા પ્રસંગોમાં આપણે જાતને રિફ્રેશ કરવાની હોય અથવા રીસ્ટાર્ટ કરવાની બને છે. કેટલીય વાતો, કેટલાય સંબંધો કે ઘટનાઓમાંથી લૉગ આઉટ થઈ જવાની જરૂર હોય છે. એને ખેંચવાનો કોઈ અર્થ હોતો નથી.

આપણા સમયને બીજા નહીં સમજે

આપણે સમય મૂલ્યવાન છે, એનું મૂલ્ય આપણે નહીં સમજીએ તો બીજા ક્યાંથી સમજશે? સવાલ માત્ર દસ સેકન્ડનો નથી, સવાલ દસ સેકન્ડની પાછળ હજારો સેકન્ડો ગુમાવતા રહેવાની ભૂલનો હોય છે.  જીવનમાં વધુ એક નવી દિવાળી અને નવું વરસ આવી રહ્યાં છે. સમયને નવા સંદર્ભમાં સમજવાનો સમય પણ આવી ગયો છે. આપણો સમય કેટલો (કાળી ચૌદશ) કકળાટમાં, કેટલો  અહમના અંધકારમાં અને કેટલો (ધનતેરસ) ધન (લક્ષ્મી)ની ખરી પૂજાને બદલે એની પાછળની  આંધળી દોટમાં જાય છે એ આપણે વિચારવાનું છે. નવું વરસ માત્ર કૅલેન્ડરમાં નવું રહી જાય એ પર્યાપ્ત નથી, એ જીવનમાં પણ નવું બનવું જોઈએ. સમયથી વધુ બળવાન, સમયથી વધુ મૂલ્યવાન કોઈ હોતું નથી. સમયને પ્રેમ કરો, માન આપો. આપનો સમય સમૃદ્ધ અને મૂલ્યવાન બની રહે એવી શુભકામના સાથે નૂતન વર્ષાભિનંદન.

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2019 05:20 PM IST | મુંબઈ | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતિ‍લયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK