દેશ બદલ રહા હૈ, મગર હમ?

Published: Aug 15, 2019, 13:06 IST | જયેશ ‍ચિતિ‍લયા - સોશિયલ સાયન્સ | મુંબઈ ડેસ્ક

તાજેતરમાં જમ્મુ-કાશ્મીરની આઝાદી માટે આપણી સરકારે જે ઐતિહાસિક કદમ ભર્યું એની સરાહના ખૂબ થઈ, દેશ-વિદેશમાં વસતા ભારતીયોએ એને એક નવી અને મહત્ત્વની આઝાદી પણ ગણાવી

રાષ્ટ્ર ધ્વજ
રાષ્ટ્ર ધ્વજ

સોશ્યલ સાયન્સ

આપણા દેશની વસ્તીમાં હાલ પચાસ ટકાથી વધુ લોકો એવા છે જેમની ઉંમર ૨૫થી ૩૫ વચ્ચેની છે તેમણે તો શું, જેઓ હાલ ૬૦ કે ૭૦ના વરિષ્ઠ નાગરિક થઈ ગયા છે તેમણે પણ આઝાદીની લડતને જોઈ નથી કે એમાં ભાગ પણ લીધો નથી. આમ હાલની મોટા ભાગની પ્રજાએ દેશની આઝાદી માટેના સંઘર્ષને જોયો નથી. તેમ છતાં પરંપરા મુજબ આપણે આજે વધુ એક આઝાદી દિન ઊજવીશું, ધ્વજવંદન કરીશું, દેશના નામે વંદે માતરમ, જન ગણ મન અધિનાયક ગાઈશું. લાઉડસ્પીકર પર દેશભક્તિનાં ગીતો સાંભળીશું. હાઉસિંગ સોસાયટીઝમાં, શાળાઓમાં, મંત્રાલયોમાં, સરકારી સંસ્થાઓની કચેરીઓમાં તિરંગો લહેરાશે. વિવિધ મનોરંજન-સ્પર્ધાના કાર્યક્રમો યોજાશે. જોકે આમ કરવું પણ જોઈએ, પરંતુ પછી આખું વરસ શું કરીશું? શું આને જ વરસો સુધી દેશપ્રેમ ગણીને ચલાવતા રહીશું?

યુવા પેઢી બદલી શકે દેશને
છેલ્લાં કેટલાંક વરસોથી આપણને સાંભળવા મળી રહ્યું છે કે દેશ બદલ રહા હૈ, ક્યાંક-કેટલુંક સાચું પણ લાગે છે. ખરેખર આપણે બદલાવાની જરૂર છે. આપણી યુવા પેઢી આ બદલાવમાં બહુ મોટી આશા છે, કારણ કે આમાંથી મોટા ભાગના લોકોને ધાર્મિક કટ્ટરતામાં રસ નથી. તેમને જાત-નાત, ગરીબી-અમીરી, ઊંચ-નીચમાં રસ નથી; તેમને મંદિર કે મસ્જિદના નામે રમાતા રાજકારણમાં રસ નથી. તેમને જીવનમાં રસ છે, તેમને દોસ્તીમાં-પ્રેમમાં રસ છે. જોકે તેમને ગેરમાર્ગે દોરનારો વર્ગ પણ બહુ મોટો છે જે ચાલાકીપૂર્વક તેમની સંવેદનાને ઢંઢોળે છે અને ઘણી વાર સફળ થઈ જાય છે. હવે આ યુવા વર્ગે બદલાવમાં એ કરવાનું છે કે સ્થાપિત હિતોના હાથે ગેરમાર્ગે દોરાવાનું નથી. યુવા વર્ગે વધુ સાવચેત એ માટે રહેવાનું છે કે તેમને ગેરમાર્ગે દોરનારા પણ શિક્ષિત લોકો -બુદ્ધિજીવીઓ (ઇન્ટેકચ્યુઅલ્સ) છે. ઘણી વાર તો એવું લાગે કે આપણને દેશની બહાર કરતાં દેશની અંદરના દુશ્મનોથી વધુ સાવચેત રહેવાની આવશ્યકતા છે.

રાષ્ટ્રપ્રેમ-દેશસેવાની નવી વ્યાખ્યા
આઝાદીના સમયના સંઘર્ષ, સંજોગ, દેશપ્રેમ, દેશસેવા કે દેશાભિમાનની વ્યાખ્યા હવે જુદી ગણાય, હવે કંઈ દેશને કોઈ અન્ય દેશોની ગુલામીમાંથી મુક્ત કરવાની જરૂર રહી નથી, સંજોગો બદલાતાં દેશપ્રેમ, દેશસેવાની વ્યાખ્યા પણ બદલાય. અર્થાત્ આપણે દેશ માટે નવું વિચારવાની-નવું કરવાની જરૂર છે.

આ ગુલામી પણ દૂર થવી જોઈએ
હવે આપણી ખુદની માનસિકતાની ગુલામીમાંથી મુક્ત થવાનો સમય છે. હવે આપણા જ લોકો દેશને ખાઈ રહ્યા છે એની સામે થવાનો સમય છે. આજે પણ કાળાં નાણાં, કરપ્શન, જાત-પાતની સમસ્યા, નિરક્ષરતા, ગરીબી, બેકારી વગેરે જેવી સમસ્યાઓ આપણી ગુલામી બનીને બેઠી છે. આ ગુલામીમાંથી દેશને મુક્ત કરીને સમર્થ બનાવવાનો છે. આવો માહોલ દેશમાં તૈયાર થઈ રહ્યો હોવાનું ક્યાંક-ક્યાંક લાગવાનું શરૂ થયું છે. છેલ્લા અમુક વરસમાં દેશમાં જે બન્યું છે એમાં ઘણું ખોટું અને અયોગ્ય થયું છે, પણ સાથે-સાથે ઘણું સારું અને યોગ્ય પણ થયું છે. હવે જે સારું અને સાચું છે એને આગળ વધારવાનું છે. દેશની સરકાર સામે વિરોધ પક્ષ ભલે નબળા હોય યા ન પણ હોય, પરંતુ જો સરકાર કોઈ પણ સ્તરે ખોટું કરતી હોય તો પ્રજા સરકાર સામે અવાજ ઉઠાવવા શક્તિમાન બને એવા બદલાવની જરૂર છે.

હવે લડવાની જવાબદારી આપણી
જે ફાઇનૅન્શિયલ પ્લાનિંગની બાબતમાં એક પાયાનું કાયમી વિધાન છે, ઇટ ઇઝ ઈઝી ટુ મેક મની, બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મૅનેજ મની. આઝાદી મળી ગયા બાદ એને સાચવવાની જવાબદારી બધાની રહે છે. એનો સદુપયોગ થાય એ જોવાની જવાબદારી પણ સૌની રહે છે અને જરૂર પડે તો અન્યાય સામે લડવાની જવાબદારી પણ સૌની રહે છે. સવાલ માત્ર આઝાદી પૂરતો રહેતો નથી, દેશ સમૃદ્ધ પણ થવો જોઈએ, વિકાસમાં પણ આગળ વધવો જોઈએ. જો આપણે દેશની મહાકાય સમસ્યાઓમાં ગરીબી, મોંઘવારી, બેકારી, નિરક્ષરતા, અસમાનતા, કરપ્શન, ધર્મના નામે થતા વિવાદો, કામચોરી, કરચોરી, કાળાં બજાર, અંધશ્રદ્ધાનો પ્રસાર, સામાજિક દૂષણો, શોષણો વગેરેને ગણતા હોઈએ તો એની સામે લડવાની જવાબદારી માત્ર સરકારની નથી, આપણી પણ છે. આપણે આ દિશામાં સક્રિય થઈએ તો એ બદલાવ કહેવાય.

આપણે શું કરી શકીએ?
સૌપ્રથમ આપણે જાતને એ સવાલ કરવો જોઈએ કે શું હું આમાંની કોઈ પણ સમસ્યા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર છું? એકેક સમસ્યાનું નામ નજર સામે મૂકી દિલથી અને ઊંડાણથી આ સવાલ થવો જોઈએ. શું હું કોઈ એવું કાર્ય કરું છું જેને લીધે દેશમાં ઉપરમાંની કોઈ પણ સમસ્યા વધે? એને વેગ મળે? આ માટે આપણી જાતની ઊલટતપાસ સુધ્ધાં કરવી જોઈએ. બહુ અઘરું છે આ કામ, પણ કરવા જેવું ખરું.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

પ્રજામાં નવી આઝાદીની આગ જરૂરી
જો આ તમામ સવાલ જાતને કર્યા પછી જવાબમાં જ્યાં આપણે જવાબદાર નીકળીએ ત્યાં આપણે જ એમાંથી મુક્ત થવાની અને આપણા તરફથી દેશ-સમાજને મુક્ત કરવાની ભૂમિકા ભજવવાની રહેશે અને જો જવાબ એવો આવે કે આપણે આ સમસ્યા માટે ક્યાંય જવાબદાર બનતા નથી તો આપણે એક ઊંડો સંતોષ જરૂર લઈ શકીએ. પરંતુ એ પછી આપણે જાતને બીજો સવાલ કરવાનો થાય કે આ સમસ્યાઓના સર્જનમાં હું કોઈ ભૂમિકા ભજવતો ભલે નથી, પરંતુ આ સમસ્યાઓના ઉપાય માટે કે એને ડામવા માટે શું હું કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ આપી રહ્યો છું ખરો? મારા જીવનમાં ક્યાંય પણ એવી કોઈ પ્રવૃત્તિ છે જે આ સમસ્યાના ઉપાય માટે કામ કરતી હોય? હું ભલે એક સામાન્ય માનવી તરીકે આ બધાની સામે કોઈ ઉગ્ર લડત ચલાવી શકું નહીં, પરંતુ કમ સે કમ હું મારા જીવનને એવું તો જરૂર બનાવી શકું કે મારી આસપાસ કોઈ એકાદ જણની પણ ગરીબી ઓછી કરી શકું, મારી આસપાસ એકાદ-બેને શિક્ષિત કરી શકું, અંધશ્રદ્ધાનો ભોગ બનતાં અમુક લોકોને રોકી શકું, જાતિવાદ કે ધર્મવાદમાં તણાતાં અટકાવી શકું, કોઈ એકાદ-બે જણને નોકરી માટે સહાય કરી શકું, કોઈનું શોષણ અટકાવી શકું, સમાજનાં કમ સે કમ એક-બે દૂષણ ડામી શકું. મોટી-મોટી વાતો કરવાને બદલે નાનાં-નાનાં નક્કર વ્યવહારુ કામ કરી શકું. જેમ શ્રી રામને વિશાળ સેતુ બાંધવા માટે સહયોગ આપવામાં ખિસકોલી જેવો નાનો જીવ પણ પોતાનો ફાળો આપી શકે છે એમ આપણે એક આમ આદમી તરીકે નાનું–નાનું પણ ઘણું પ્રદાન કરી શકીએ છીએ. કચરો નહીં ફેંકીને જેમ માર્ગને સ્વચ્છ રાખી શકાય એમ પડેલો કચરો દૂર કરીને પણ શહેર સ્વચ્છ બનાવી શકાય. ૧૫મી ઑગસ્ટ ઊજવવા સાથે આવું કંઈક ઊજવવું વધુ સાર્થક બની શકે, કેમ કે એ દેશસેવા-સમાજસેવા અને માનવસેવા પણ ગણાય. યાદ રાખો, દેશ માત્ર નેતાઓથી કે સરકારથી ચાલતો નથી બલકે વાસ્તવમાં દેશ ચાલે છે એની પ્રજાના ખમીરથી, મહેનતથી, ધગશથી, સપનાંઓથી, સંઘર્ષોથી અને આ પ્રજામાં દેશના સામાન્ય નાગરિકોનો બહુ મોટો ફાળો હોય છે, જે તેના અધિકાર વાપરીને શાસનને ઊથલાવી પણ શકે છે અને સ્થાપી પણ શકે છે. આ બદલાવ આપણી પ્રજામાં આવે તો આપણે ગર્વથી કહી શકીએ કે દેશ બદલ રહા હૈ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK