સંબંધોમાં સુગંધ જળવાઈ રહે એ માટે ચોક્કસ અંતર જરૂરી

Published: Jun 03, 2019, 12:01 IST | ફાલ્ગુની જડિયા-ભટ્ટ - સોશ્યલ સાયન્સ

લવ મૅરેજ હોય કે અરેન્જ્ડ મૅરેજ, લગ્ન પહેલાં સ્ત્રી-પુરુષ વચ્ચે એકબીજા માટે જે પ્રેમ, લાગણી, ઉન્માદ વગેરે જેવી ભાવના હોય છે એ લગ્ન થયાનાં અમુક વર્ષો બાદ ધીમે-ધીમે ઓસરતી જાય છે. બન્ને પાત્રોને એકબીજાની ખૂબી કરતાં ખામીઓ વધુ દેખાવા લાગે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વાસ્તવમાં બન્ને એકબીજાથી એટલાં નજીક આવી જાય છે અથવા એમ કહો કે પરિચિત થઈ જાય છે કે સહજપણે એકબીજાને ટેકન ફૉર ગ્રાન્ટેડ માનવા લાગે છે. ખરેખર, આ સ્થિતિ બન્ને માટે સારી અને સ્વીકાર્ય નથી તો આનો ઉપાય શું?

સોશ્યલ સાયન્સ

વર્ષો પહેલાં ગાયક દેવાંગ પટેલનો ઇન્ટરવ્યુ લેવાનું થયું હતું. વિષય હતો અકેલે હૈં તો ક્યા ગમ હૈ. આ વિષય હેઠળ અમે જાણીતી ગુજરાતી હસ્તીઓને તેમની આટઆટલી લોકચાહના છતાં અપરિણીત રહેવા પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરતા હતા. ન પરણવા પાછળનાં પોતાનાં કારણો સમજાવતા દેવાંગભાઈએ એક બહુ સરસ વાત કરી, જે રીતસરની હૃદયની સોંસરવી ઊતરી ગઈ. તેમનું કહેવું હતું કે તમને ખબર છે આપણા દેશની અડધી છોકરીઓ કેમ શાહરુખ ખાનની દીવાની છે? કારણ તેની દરેક ફિલ્મમાં જે ક્ષણથી તે હિરોઇનને જુએ છે ત્યારથી લઈને ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી તે ફક્ત તેની પાછળ-પાછળ દોડ્યા કરવાનું અને તેને કોઈ ક્વીનની જેમ ટ્રીટ કરવાનું જ કામ કરે છે. દરેક સ્ત્રીને આવી ક્વીન જેવી ટ્રીટમેન્ટ ગમતી હોય છે, તેથી જ તેમને શાહરુખ ખાન ગમે છે.

ચોક્કસ, દરેક સ્ત્રીની એવી મનોકામના હોય છે કે તેનો પાર્ટનરને તેને કોઈ ક્વીનની જેમ ટ્રીટ કરે. તેને લાડ લડાવે, તેની કાળજી લે, તેની આગળ-પાછળ દોડે. પરંતુ શું પુરુષો પણ પોતાની પાર્ટનર પાસે ઑલમાઇટી જેવી સરભરાની અપેક્ષા નથી રાખતા? શું તેઓ એવું નથી ઇચ્છતા કે તેમની જીવનસંગિની તેમનું ધ્યાન રાખે, તેમનો પડ્યો બોલ ઝીલે અને તેમની દરેક વાતમાં હામાં હા પુરાવે? ફરક માત્ર એટલો જ છે કે સ્ત્રીઓની આ ઇચ્છા લગ્ન ન થાય ત્યાં સુધી જ પૂરી થાય છે અને પુરુષોની આ ઇચ્છા લગ્ન થાય પછી જ પૂરી થાય છે.

અલબત્ત, બન્નેમાંથી કોઈની આ ઇચ્છા આજીવન પૂરી થતી નથી. પરણ્યા હો તો દામ્પત્યજીવન અને ન પરણ્યા હો તો સહજીવનનાં થોડાં વર્ષો થાય એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જતું હોય છે. મહામહેનતે છુપાડેલા શરીર પરના ડાઘા, મસા, માથાના સફેદ વાળની જેમ મહામહેનતે છુપાડેલી કુટેવો, અપલક્ષણો, મનનો મેલ, દિલની કડવાશ, વૈચારિક નકારાત્મકતા વગેરે ધીરે-ધીરે બહાર આવવા જ લાગે છે. જ્યાં સુધી સાથે નહોતાં થયાં, એક નહોતાં થયાં ત્યાં સુધી બન્ને એકબીજાને ઇમ્પ્રેસ કરવા માગતાં હતાં, પોતાની તરફ આકર્ષવા માગતાં હતાં. તેથી બન્ને પ્રયત્નપૂર્વક પોતાનું શ્રેષ્ઠ આપતાં હતાં, પરંતુ હવે તો જે મેળવવું હતું એ પ્રાપ્ત થઈ ગયું છે, ઈનામ જિતાઈ ગયું છે. તો પછી મહેનત કરવાની શું જરૂર છે? બિન્ધાસ્ત અને બેફિકર બની જાઓ...

આ બેફિકરાઈનું પરિણામ એ આવે છે કે એક સમયે જે વ્યક્તિ માટે આપણે આભના ચાંદતારા તોડી લાવવા તૈયાર થઈ જતા હતા તેને જ આપણે ટેકન ફૉર ગ્રાન્ટેડ રાખવા લાગીએ છીએ, તેની ઉપેક્ષા કરવા માંડીએ છીએ. આ જ વાતને કેટલાંક વર્ષો પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં રહી ચૂકેલા એક મિત્રએ કંઈક આ રીતે રજૂ કરી હતી... લિવ-ઇન રિલેશનશિપમાં હો ત્યાં સુધી રાતના તમે ગમેતેટલા મોડા કે થાક્યા-પાક્યા જ ઘરે કેમ ન આવો; પરંતુ સૂતાં પહેલાં નહાવાનું, બૉડી સ્પþે લગાડવાનું અને બ્રશ કરવાનું તમે ક્યારેય ચૂકતા નથી, પરંતુ લગ્ન થઈ ગયા બાદ થાકીને ઘરે આવ્યા હો એ દિવસે નહાવાની વાત તો દૂર, હાથ-મોઢું ધોવા જેટલી પણ તસ્દી લીધા વિના તમે જે પહેલું હાથમાં આવે એ પહેરીને સીધું પથારીમાં લંબાવી દો છો.

ટૂંકમાં એક વાર વ્યક્તિને પામી લીધા બાદ આપણે તેમની સાથે સાવચેતીથી વર્તવાનું છોડી દઈએ છીએ. વળી આવું ફક્ત જીવનસાથી સાથે જ બને છે એવું પણ નથી. આપણાં બાળકો, મિત્રો, સહકર્મચારીઓ વગેરે બધા સાથેના વર્તનમાં આપણું આ અપલક્ષણ વચ્ચે આવ્યા કરે છે. તેથી જ તો જે બાળકના જન્મ પર આપણે ખુશીના માર્યા ફૂલ્યા સમાતા નહોતા તેમની જ બાળસહજ હરકતો પર આપણને ગુસ્સો આવી જાય છે, તેથી જ તો આપણા જિગરજાન દોસ્તોના અંગત જીવનમાં કારણ વગરનું માથું માર્યા કરીએ છીએ, તેથી જ તો બધાની વચ્ચે આપણા સહકર્મચારીઓની એટલી ફીરકી લઈ લઈએ છીએ કે અજાણતાં જ તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડી દઈએ છીએ. અભાનપણે આપણે એવું માની લઈએ છીએ કે લાંબા સમયના સંગાથ બાદ સંબંધમાં કોઈ પણ પ્રકારની ઔપચારિકતા જાળવવાની કોઈ આવશ્યકતા નથી.

એ વાત સાચી છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો દંભ કે ડોળ કરવો પડે એ સંબંધ ક્યારેય સાચો હોતો નથી; પરંતુ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે કોઈનું આત્મસન્માન ઘવાય, કોઈને સૂગ ચડે, કોઈને છેતરાયા હોવાની લાગણી થઈ આવે એ હદ સુધીની અનૌપચારિકતા પણ સારી નહીં. જીવનની અન્ય બાબતોની જેમ આ બાબતમાં પણ બૅલૅન્સ જાળવવું આવશ્યક છે. આપણા કારણે પત્નીનું કામ વધી પડે એ રીતે વસ્તુઓ આમતેમ મૂકીને ચાલતી પકડવી, રાતના હાથ-મોઢું ધોયા વિના શરીરમાં મસાલા અને વઘારની વાસ લઈને પતિની બાજુમાં સૂઈ જવું, ઑફિસનો ગુસ્સો ઘરે આવીને બાળકો પર કાઢવો, મિત્રો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવું કે આપણા હાથ નીચે કામ કરનારાઓને ઊતારી પાડવા જેવી અનૌપચારિકતા ક્યારેક બીજાના મનમાં આપણા માટે કડવાશ ઊભી કરી શકે છે. ભલે આપણા મનમાં કંઈ જ ન હોય તેમ છતાં આ પ્રકારનું વર્તન ક્યારેક સામેવાળાના મનમાં આપણને તેમની કદર નથી એવી લાગણીને જન્મ આપી શકે છે. તેથી જીવનના નાના-મોટા દરેક સંબંધમાં થોડું અંતર અને સામેવાળાનું માન જાળવવું આવશ્યક છે.

આ પણ વાંચો : કૉલમ : સંબંધોમાં પણ અનિવાર્ય છે રાજકારણ

અહીં એક અત્યંત નિકટના સ્વજને કહેલી વાત યાદ આવે છે. તેમનું કહેવું હતું કે મા હોય, બહેન હોય, ભાઈ હોય કે ભાભી હોય, આપણાથી ઉંમરમાં કે સંબંધમાં મોટા હોય તે સર્વેને કાયમ તમે કહીને જ સંબોધવા જોઈએ. તમે કહેવાથી સંબંધમાં એક પ્રકારની ઔપચારિકતા જળવાઈ રહે છે, જે તમને ગમેતેટલા ગુસ્સામાં પણ ભાન ભૂલવા દેતી નથી. બલકે પતિ-પત્નીના સંબંધમાં તો આ નિયમ ખાસ લાગુ કરવો જોઈએ, કારણ કે જે વ્યક્તિની સામે આપણે આપણાં દરેક બંધન છોડી દીધાં હોય તેની જ સાથે ગેરવર્તણૂક કરવાની શક્યતા હંમેશાં વધી જાય છે, પરંતુ સંબોધનમાં મર્યાદા જાળવી હોય તો બન્નેની એકબીજા પ્રત્યેની શિસ્ત જળવાઈ રહે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK