Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હર તસવીર કુછ કહતી હૈ

હર તસવીર કુછ કહતી હૈ

27 May, 2019 01:49 PM IST |
ફાલ્ગુની જડિયા-ભટ્ટ - સોશ્યલ સાયન્સ

હર તસવીર કુછ કહતી હૈ

હર તસવીર કુછ કહતી હૈ


સોશ્યલ સાયન્સ

ક્યારેક જૂના ફોટા કાઢીને જોવા બેસીએ તો મોટા ભાગે સ્ત્રીઓને એમાં પોતાનું વધી ગયેલું વજન અને પુરુષોને પોતાની વધી ગયેલી ટાલ જ દેખાય છે, પરંતુ શું ફોટોમાં માત્ર આ જ બાબતો જોવાની હોય છે? આપણા ફોટો આપણને આપણા વિશે બીજું પણ ઘણું બધું કહેતા હોય છે. બસ, આપણને એ જોતાં અને સાંભળતાં આવડવું જોઈએ



સ્ત્રીઓ પોતાના વજન માટે જરૂર કરતાં વધારે પડતી જ ઑબ્સેસ્ડ હોય છે. જ્યાં ચાર બૈરાં મળ્યાં નથી કે એકબીજાના વજનની ચર્ચા શરૂ થઈ નથી. આ જ કારણ છે કે આપણી મમ્મીના જમાનાની મહિલાઓને ડાયેટિશ્યન નામના પણ ડૉક્ટરો હોય એનો ખ્યાલ સુધ્ધાં હતો નહીં, જ્યારે આ જ ડૉક્ટરોનો ધંધો આજે કદાચ સૌથી વધારે ધીકતો ચાલી રહ્યો છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી નોંધી રહી છું કે જેટલી ચિંતા આજની સ્ત્રીઓને પોતાના વધતા વજનની હોય છે તેટલી જ ચિંતા આજના પુરુષોને પોતાની વધતી ટાલની હોય છે. મહિલાઓની જેમ ચાર ભાઈબંધો ભેગા થયા નથી કે એકાદ વાર તો તેમની વચ્ચે માથે વધી રહેલા ચંદરવાની ચર્ચા થાય, થાય ને થાય જ. થૅન્ક ગૉડ કે દેશ અને દુનિયાની રાજનીતિ આજેય પુરુષોને ચર્ચા કરવા માટે નવા નવા વિષયો આપતી રહે છે અન્યથા જેમ ડાયેટિશ્યન્સ સ્ત્રીઓના ફેવરિટ ડૉક્ટર્સ બની ગયા છે તેમ જેમ ટ્રાઇકોલૉજિસ્ટ (વાળના ડૉક્ટર) પુરુષોમાં માનીતા બની ગયા હોત.


મારા ઘરમાં મેં મારાં લગ્ન સમયના ફોટા લગાડ્યા છે. ૨૫ વર્ષની ઉંમરે લગ્ન કર્યાં હોવા છતાં જેટલી વાર પોતાના એ ફોટાને જુએ ત્યારે મારા પતિદેવના મોઢે એક જ વાક્ય નીકળે કે મારાં તો બાળલગ્ન થઈ ગયાં હતાં. તેથી આ વખતે તો નક્કી કર્યું કે એ ફોટા બદલી જ કાઢું અને મેં ફ્રેમમાં મૂકવા માટે હાલના નવા ફોટા કાઢ્યા. અદલાબદલી કરતી વખતે જ્યારે જૂના અને નવા ફોટા બાજુબાજુમાં આવી ગયા ત્યારે એકાએક અહેસાસ થયો કે વ્યક્તિ તો એની એ જ રહે છે, પરંતુ વ્યક્તિત્વ કેટલાં બદલાઈ જાય છે!

રોજિંદા જીવનની ઘટમાળ ભલભલાને થકવી નાખતી હોય છે. ક્યારેક જૂના ફોટા કાઢીને જોઈએ તો એમ વિચારીને દુ:ખ પણ થાય કે આટલાં વર્ષેય જીવનમાં ક્યાં કશું બદલાયું છે? ત્યારે પણ આપણે હાલની જેમ જ ખભે ટિફિનની બૅગ લટકાવીને ઑફિસે કામ કરવા જતા હતા અને આજેય આપણે એ જ કરીએ છીએ. ત્યારે પણ આપણે પાઈની કમાણી નહીં અને ઘડીની ફુરસદ નહીં જેવાં ઘરનાં રોજિંદાં કામો અને વ્યવહારોમાં અટવાયેલા રહેતા હતા અને આજેય આપણે એ જ કરીએ છીએ. એમાંય જો એના એ જ બૅકગ્રાઉન્ડમાં એના એ જ લોકો વચ્ચે પડેલા અનેક વર્ષોના ફોટા એકસાથે હાથમાં આવી જાય તો આ અહેસાસ ઔર તીવ્ર બની જાય. વધુમાં વધુ સ્ત્રીઓ પોતાના વધેલા વજનને નોટિસ કરશે અને પુરુષો પોતાના માથે વધી ગયેલી ટાલનો ઉલ્લેખ કરશે. એ સિવાય બીજું જીવનમાં કશું જ બદલાયું ન હોવાનું આપણને લાગે તો તેમાં નવાઈ નહીં.


પણ થોભો. શું ફોટા આપણે ફક્ત આપણા વધતા જતા વજન કે માથે પડતી જતી ટાલના રેશિયોને માપવા માટે પડાવીએ છીએ? શું ફોટાઓને જોવાનો આ અત્યંત ભદ્દો દૃષ્ટિકોણ નથી? મોબાઇલ કૅમેરા અને સેલ્ફીનો ગાંડપણ જેવો ક્રેઝ ન હોય તેવા લોકો આજે પણ ફોટાઓમાં પોતાના જીવનના સીમાચિહ્નરૂપ દિવસોને જડી લેવાનો પ્રયાસ કરે છે અને તેમાં પણ સૌથી સારા હોય તેને ફ્રેમમાં મઢીને લટકાવે છે. ક્યારેક સમય મળે તો આવા ફોટાઓમાં વધેલા વજન કે વધેલી ટાલ ઉપરાંત આપણામાં આવેલાં અન્ય પરિવર્તનોને પણ નોટિસ કરવાં જોઈએ.

શું તમારા ચહેરા પરની કુમાશનું સ્થાન હવે પરિપક્વતાએ લઈ લીધું છે? શું તમારી આંખોમાં રહેલા ભોળપણનું સ્થાન આત્મવિશ્વાસે લઈ લીધું છે? શું પહેલાંની સરખામણીમાં તાજેતરના ફોટાઓમાં તમારા ખભા વધુ રિલૅક્સ્ડ લાગે છે? ભલેને ફોટામાં એના એ જ લોકો હોય, પરંતુ શું તેમની વચ્ચે બેઠેલા તમે વધુ કમ્ફર્ટેબલ લાગો છો? જો આ બધા સવાલોનો જવાબ હામાં હોય તો સમજી લેવું કે જીવન તેની યોગ્ય દિશા તરફ આગળ વધી રહ્યું છે.

માણસજાત તરીકે આપણી સમસ્યા એ છે કે આપણે હંમેશાં ફોટાઓમાં મોટો દેશ, મોટું શહેર, મોટું ઘર, મોટી ગાડી વગેરે જેવાં ધરખમ પરિવર્તનોની અપેક્ષા રાખીએ છીએ, પણ પાછા જ્યારે આવા કોઈ મોટાં પરિવર્તનો જીવનમાં આવે ત્યારે તેનો ભાર ખમી શકતા નથી, પરંતુ હકીકત તો એ છે કે જીવનમાં આવાં મોટાં પરિવર્તનોનો ભાર ખમવા માટે પણ આપણા વ્યક્તિત્વમાં આવાં નાનાં નાનાં પરિવર્તનો આવવા જરૂરી છે.

મોટાં પરિવર્તનો તો ક્યાં આવીને જતાં રહે છે ખબર પણ પડતી નથી, પરંતુ આપણા વ્યક્તિત્વમાં આવેલાં આવાં નાનાં નાનાં પરિવર્તનો જ આજીવન આપણી સાથે અને આપણી પડખે રહે છે. દુર્ભાગ્યે આ પરિવર્તનો એટલાં નાનાં અને આંતરિક હોય છે કે જ્યાં સુધી એકાદ ઢળતી સાંજે આવા જૂના ફોટા કાઢીને પોતાની જાતને આવી બારીકાઈથી જોઈએ નહીં ત્યાં સુધી આપણને તેમનો અહેસાસ સુધ્ધાં થતો નથી.

આ પણ વાંચો : કૉલમ : બધું હોવા છતાં ખાલીપાની લાગણી થાય તો શું કરવું?

પરિવર્તન એ જીવનનું બીજું નામ છે. તેથી ફોટાઓમાં જોવા મળે કે ન મળે, આંતરિક રીતે તો આપણે પરિવર્તિત થયા હોઈએ જ છીએ. આજથી પાંચ કે દસ વર્ષ પહેલાં આપણે જેવા હતા તેવા આજે રહ્યા નથી. ગઈ કાલનાં સપનાંઓનું સ્થાન આજની હકીકતોએ લઈ લીધું છે. ભૂતકાળમાં જે પામવા માટે આપણે કંઈ પણ કરવા તૈયાર હતા, આજે એ જ બાબતો આપણે મન ગૌણ બની ગઈ હોય છે. તો સાથે જ અનેક સાકાર થયેલાં સપનાંઓનો આપણને ખ્યાલ પણ આવતો નથી, કારણ કે તેનાથી અનેક વધુ સારી બાબતો જીવનમાં આકાર લઈ ચૂકી હોય છે. જો આ સમય દરમ્યાન આપણે આપણા પ્રત્યે વધુ હળવા બન્યા હોઈએ, પહેલાં ડગલે ને પગલે આક્રમક બની જનારા આપણે આજે વધુ શાંત અને ઠરેલ બન્યા હોઈએ, મુશ્કેલીઓમાં હસી શકતા હોઈએ અને અન્યોને સરળતાથી માફ કરી શકતા હોઈએ તો સમજવું જોઈએ કે ફક્ત જીવન જ નહીં, આત્મા પણ તેની ઉન્નતિ તરફ આગળ વધી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2019 01:49 PM IST | | ફાલ્ગુની જડિયા-ભટ્ટ - સોશ્યલ સાયન્સ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK