Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અનુભવોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં માનતી આજની પેઢી જીવનને કઈ રીતે જુએ છે?

અનુભવોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં માનતી આજની પેઢી જીવનને કઈ રીતે જુએ છે?

25 March, 2019 11:57 AM IST |
ફાલ્ગુની જડિયા-ભટ્ટ

અનુભવોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં માનતી આજની પેઢી જીવનને કઈ રીતે જુએ છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

મિલેનિયમ જનરેશન શબ્દ આજકાલ બહુ પ્રચલિત થયો છે. મિલેનિયમ જનરેશન એટલે એવા લોકો જે નવા મિલેનિયમ અર્થાત્ ૨૦૦૦ પછીની સાલમાં પેદા થયા છે. આ બધા લોકો અથવા પેઢી હવે પુખ્ત વયની થઈ રહી છે. હવે જ્યારે દેશમાં ઇલેક્શનનો અવાજ ચરમસીમા પર છે ત્યારે આ મિલેનિયમ વોટર્સની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. વડા પ્રધાન મોદીએ પણ આ પેઢીને અનુલક્ષીને સંબોધન કરવાનું શરૂ કરી દીધું છે અને ઇલેક્શનની તારીખોની ઘોષણા થયા બાદ પણ તેમણે આ પેઢીના યુવાઓને વોટ કરવાની અપીલ કરી છે.



આ પેઢીના લોકોમાં ઘણી બાબતો અનોખી છે. વિચારોની સ્પક્ટતા, નિર્ણયો લઈ શકવાની સ્વતંત્રતા, સફળતા માટેની મહત્વાકાંક્ષા વગેરે જેવી બાબતોમાં આ પેઢી અગાઉની પેઢીઓ કરતાં ઘણી આગળ છે. આ બધાની સાથે જ આ પેઢીની બીજી પણ એક વિશેષતા છે, જેની આજે આપણે ચર્ચા કરીએ.


આજથી બે પેઢી અગાઉના લોકો સાથે વાત કરો તો એ સમયે તેમના જીવનનાં ધ્યેય હતાં. સારી નોકરી મેળવી પોતાનું ઘર ખરીદવું, પોતાની ગાડી ખરીદવી, એકાદ-બે વિદેશયાત્રા કરવી તથા પોતાના રિટાયરમેન્ટ માટે સારી બચત કરવી. આટલું થઈ જાય તો તેમનું જીવન ધન્ય થઈ જતું. ત્યાર પછીની પેઢીમાં જાઓ તો સારી ઍડવાન્સ્ડ ડિગ્રી મેળવી, કૉર્પોરેટ વાઇટ કૉલર જૉબ મેળવી આગળ વધવાની લાલસા એ પેઢીમાં જોવા મળતી હતી. તેમનું મોટા ભાગનું જીવન આર્થિક સુરક્ષા તથા ભવિષ્યની ચિંતાથી જ દોરવાયેલું રહેતું હતું. ત્યાર બાદ સમય આવ્યો મિલેનિયલ જનરેશનનો. ડૉટકૉમ તથા મોબાઇલ જનરેશનમાં જન્મેલી આ પેઢીની મહત્વાકાંક્ષામાં આઇફોન, એસયુવી, ગૂગલ ડ્રાઇવ જેવા શબ્દો જોડાયા. ભવિષ્યની ચિંતાની જગ્યા ધીરે-ધીરે વર્તમાન ઇચ્છાઓએ લેવા માંડી. આ પેઢીની બીજી એક બાબત જે કદાચ અન્ય પેઢીઓ પાસે નહોતી અને તમામ પેઢીઓએ કદાચ શીખવા જેવી પણ છે તે છે ઇન્વેસ્ટ ઇન એક્સપિરિયન્સની ફિલોસૉફી.

એક તરફ આ પેઢી ભૌતિક બાબતોમાં ભારે ખર્ચ કરવામાં માને છે. સારાં કપડાં, સારો મોબાઇલ ફોન, સારી ગાડી જેવી મહત્વાકાંક્ષા આ પેઢીમાં ઘણી તીવ્ર છે, પરંતુ એ બધાની સાથે જ આ પેઢી એક નવા સિદ્ધાંતને પણ અનુસરે છે, જે છે ઇન્વેસ્ટિંગ ઇન એક્સપિરિયન્સ. કોર્હેલ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. થોમસ ગિલોવિકના ૨૦ વર્ષના અભ્યાસનો સાર આ પેઢીએ સૌથી વધુ આત્મસાત્ કર્યો છે. આ પ્રોફેસરની થિયરી બહુ પ્રચલિત છે કે માનવજાતે ભૌતિક વસ્તુઓમાં પોતાનું રોકાણ કરવાને સ્થાને અનુભવોમાં રોકાણ કરવું જોઈએ. ચાલો જરા તેમની આ થિયરીને થોડી બારીકાઈથી સમજવાનો પ્રયાસ કરી જોઈએ.


ડૉ. થોમસ ગિલોવિકનું કહેવું છે કે જ્યારે તમે ભૌતિક વસ્તુઓ પર પૈસા ખર્ચો છો ત્યારે એમાંથી તમને જે આનંદ અથવા સંતોષની અનુભૂતિ થાય છે તે ક્ષણિક હોય છે અથવા બહુ જલદી પસાર થઈ જાય છે. આવું થવા પાછળનાં મુખ્યત્વે ત્રણ કારણો છે. પહેલું, માનવ માત્રનો સ્વભાવ છે કે તે નવી ખરીદેલી વસ્તુથી બહુ ઝડપથી ટેવાઈ જાય છે, જેના પરિણામે તે તેના માટે થોડા જ દિવસમાં સામાન્ય થઈ જાય છે. બીજું, જ્યારે તમે નવી વસ્તુ ખરીદો ત્યારે તમારી મહત્વાકાંક્ષા નવા ઊંચા સ્તરે પહોંચી જાય છે. એટલે કે નવી વસ્તુ ખરીદતાંની સાથે જ તમારું મન તેનાથી વધુ બહેતર, વધુ ચડિયાતી વસ્તુ પામવા માટે તલપાપડ બની જાય છે. ત્રીજું, નવી વસ્તુઓ નવી સરખામણીને જન્મ આપે છે.

ડૉ. થોમસ આ બાબત પર વધુ પ્રકાશ પાડતાં સમજાવે છે કે માણસનો સ્વભાવ જ એવો છે કે તેને નવી વ્યક્તિ, નવી વસ્તુ, નવી સ્થિતિની ધીરે-ધીરે આદત પડી જાય છે. પછી તે આ સ્થિતિમાં વધુ સારી વસ્તુની લાલસા ધરાવતો થઈ જાય છે. મોટી-મોટી મલ્ટિનેશનલ કંપનીઓ પોતાના ગ્રાહકોની આ માનસિકતાથી સુપેરે પરિચિત હોવાથી જ સતત પોતાની પ્રોડક્ટ્સને અપડેટ કરતી રહે છે અને સતત તેને વધુ બહેતર અને ઍડવાન્સ બનાવવાનો પ્રયાસ કરતી રહે છે. દા. ત. ઍપલ કંપની દર વર્ષે-બે વર્ષે પોતાના આઇફોનને અપગ્રેડ કરતી રહે છે અને તેને વધુ બહેતર ફીચર્સ સાથે નવેસરથી લૉન્ચ કરતી રહે છે. અલબત્ત, તેનું પરિણામ એ આવે છે કે જેવો બજારમાં નવો આઇફોન આવે કે તેના ગ્રાહકોને પોતાની પાસે રહેલો આઇફોન જૂનો લાગવા માંડે છે. આવી નવી વસ્તુઓ નવી સરખામણીને જન્મ આપે છે, જેને પગલે જેની પાસે આઇફોન હોય તેને તેનો ઉત્સાહ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી બજારમાં નવો આઇફોન આવતો નથી. જેવો બજારમાં નવો આઇફોન આવ્યો અને તમારા ઓળખીતામાંથી કોઈએ એ ખરીદ્યો કે તરત જ તમને પોતાનો આઇફોન જૂનો અને નક્કામો લાગવા માંડે છે.

પરંતુ ડૉ. થોમસનો દાવો છે કે આવી ભૌતિક વસ્તુઓ પાછળ પોતાના પૈસા ખર્ચવાને સ્થાને જો વ્યક્તિ સારા અનુભવોમાં રોકાણ કરતાં શીખે તો એ ખુશી તેને વધુ લાંબો સાથ આપે છે. તમારા અનુભવો તમારી ઓળખનો એક હિસ્સો બની જાય છે. ઉદાહરણ તરીકે તમે ખરીદેલો નવો આઇફોન-એક્સ વ્યક્તિ તરીકે તમને બદલી નહીં શકે, પરંતુ જો એટલા જ પૈસામાં તમે સ્કુલા ડાઇવિંગ કે પહાડ પર ચઢવાના કોઈ કૅમ્પમાં જાઓ તો પાણીની નીચે જોયેલી નવી દુનિયા કે પહાડ પર બરફની વચ્ચે કુદરતી શાંતિનો અનુભવ તમારા વ્યક્તિત્વ પર લાંબી અસર પાડે છે અને તમારી ઓળખનો એક હિસ્સો બની જાય છે. તમારી ભૌતિક વસ્તુઓ કદાચ તમારી સાથે જોડાય તો પણ અતડી જ રહે છે, પરંતુ તમારા અનુભવો તમારા જીવનનો હિસ્સો બની તમારા વ્યક્તિત્વને વધુ ઉજાગર કરે છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસમાં મિલેનિયલ જનરેશનના લોકોને પૂછવામાં આવ્યું કે વધુ પગાર અને વધુ વેકેશનમાંથી જો તેમણે કોઈ એક પસંદ કરવાનું આવે તો તેઓ શું કરશે? મોટા ભાગના લોકોએ તેના જવાબમાં વધુ લાંબા વેકેશનને પસંદ કર્યું હતું.

મનોવૈજ્ઞાનિકો એમ પણ માને છે કે જ્યારે તમે કોઈ નવો અનુભવ લેવાના હો તો ત્યારે તેની તૈયારીમાં તમારી માનસિક સ્થિતિ ઉત્તેજનાભરી હોય છે, પરંતુ નવી ભૌતિક વસ્તુ ખરીદતાં પહેલાંની માનસિક સ્થિતિ તનાવભરી તથા ઉતાવળી હોય છે. આ બન્ને માનસિક સ્થિતિમાં ઉત્તેજનાભરી સ્થિતિ સૌને વધુ ગમે છે. બીજી બાજુ જ્યારે તમે કોઈ એવી વસ્તુ ખરીદો જે તમારી ધારણા મુજબની ન નીકળે ત્યારે તમને એ વસ્તુથી સતત અસંતોષ રહે છે અને એ પણ ત્યાં સુધી જ્યાં સુધી એ વસ્તુ તમારી સાથે રહે છે, પરંતુ તમે ખરીદેલો અનુભવ જો તમારી ધારણા મુજબ ન હોય તો પણ ધીરે-ધીરે એ તમારી યાદોમાંથી ભૂંસાઈ જાય છે.

આજથી બે પેઢી અગાઉ કેટલા લોકો એવા હતા જે રશિયા, આફ્રિકા કે નૉર્થ પોલમાં વેકેશન ગાળવા જવાનું વિચારતા હતા? મોટા ભાગના લોકો વિદેશયાત્રામાં દુબઈ, લંડન તથા અમેરિકા જવાની જ ઇચ્છા ધરાવતા હતા, પરંતુ આજે લોકો ક્રોએશિયા તથા ભૂતાન જેવા તદ્દન ઑફ-બીટ સ્થળોએ જવાનાં સપનાં જોવા માંડ્યા છે. આ જ કારણ છે કે હવે ભારતમાંથી આવા દેશોની પણ પૅકેજ ટૂર્સ ઑપરેટ થવા માંડી છે અને એ પણ પાછી મુંબઈ કે દિલ્હી જેવાં શહેરોમાંથી જ નહીં, બલકે અમદાવાદ તથા અમૃતસર જેવાં શહેરોમાંથી પણ.

પેઢીઓના આ બદલાયેલા વર્તન તથા ટેસ્ટને મિલેનિયલ શિફ્ટ કહેવામાં આવે છે. એ વાત અલગ છે કે આ મિલેનિયલ શિફ્ટના ફાયદા તથા નુકસાન બંને છે. ઘણી વખત તેજ ગતિથી ભાગતી આજની પેઢી અકસ્માતનો ભોગ બની જતી હોય છે, પરંતુ ખાસ વાત એ છે કે આજની પેઢી સતત ભવિષ્યના ડરમાં રહેવા કરતાં વર્તમાનમાં વધુ જિંદાદિલીથી જીવે છે અને જીવનને માણી તેનો અનુભવ કરે છે. વળી આ મિલેનિયલ શિફ્ટ કોઈ એકાદ પેઢીની શિફ્ટ નથી. આ શિફ્ટ વાસ્તવમાં લાખો વર્ષોની માનવ ઉત્ક્રાંતિનો ભાગ છે, જે હવેની ટેક્નૉલૉજીને પગલે વધુ તેજ થઈ ગયો છે.

એવું માનવામાં આવે છે કે દરેક નવી પેઢી પોતાની આગલી પેઢીની તુલનામાં વધુ તેજ ગતિથી માનસિક વિકાસ પામે છે. કંઈક

આ પણ વાંચો : રાજા જ્યારે પ્રજાનો સાચો અવાજ બને

આવું જ અત્યારની મિલેનિયલ પેઢીનું પણ છે. સ્વાભાવિક છે કે તેનાં દુષ્પરિણામો પણ આ પેઢીએ જ ભોગવવા પડે, પરંતુ મિલેનિયલ જનરેશનની આ પણ એક ખૂબી છે. તેઓ બિન્દાસ આવું જોખમ ઉઠાવી પોતાનું ધારેલું કરવા તત્પર પણ હોય છે અને તૈયાર પણ.

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2019 11:57 AM IST | | ફાલ્ગુની જડિયા-ભટ્ટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK