Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બીજાથી જુદા તરી આવવા બેવકૂફી કે હલકાઈ પર ઊતરી જવાય?

બીજાથી જુદા તરી આવવા બેવકૂફી કે હલકાઈ પર ઊતરી જવાય?

19 August, 2019 03:50 PM IST | મુંબઈ
સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા

બીજાથી જુદા તરી આવવા બેવકૂફી કે હલકાઈ પર ઊતરી જવાય?

અધિર

અધિર


ઘણા માણસો પોતે બીજાથી વધુ હોશિયાર કે સ્માર્ટ હોવાનું જતાવવા કોઈ પણ હદ પાર કરી જતા હોય છે; જેમાં તેઓ પોતાની બેવકૂફીભરી, ગંદી કે હલકી વિચારધારાને જ લોકો સમક્ષ મૂકતા હોય છે. આપણી આસપાસ આવા ઘણા કિસ્સા આસાનીથી જોવા મળે છે. આમાંથી શીખવાનું એ જ હોય કે ક્યાંક આપણે પણ તો આવું નથી કરતાને!

ગુજરાતી રંગભૂમિ પર એક પ્રખ્યાત નાટક થઈ ગયું, જેનું નામ હતું કાકા ચાલે વાંકા. આ નાટકમાં એક એવા કાકાની વાત કરવામાં આવી હતી જેઓ બધાથી અલગ તરવા અથવા જાણે પોતાનો જન્મ જ સામાન્ય ધારાથી અવળા ચાલવા થયો હોય એવું વર્તન કરતા હતા. મોદી સરકારની બીજી ઇનિંગ્સમાં આવા વાંકા ચાલવાવાળા કાકાઓની સંખ્યા વધી ગઈ છે અને દેશના ભવિષ્ય માટે વિચારતા કરી મૂકે એવો પ્રસંગ હાલમાં જ થયો છે.



ઇંગ્લિશમાં કહેવાય છે કે The character of a man comes out in crisis. અર્થાત્ મુસીબતમાં જ માણસના સાચા ચરિત્રની પરખ થાય છે. હાલમાં જ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ હટાવવાના મુદ્દે કૉન્ગ્રેસ, રાહુલ ગાંધી તથા ઘણા વિપક્ષી દળોનું સાચું ચરિત્ર બહાર આવ્યું એટલું જ નહીં, મે ૨૦૧૯માં જાહેર થયેલાં ચૂંટણીનાં પરિણામો બાદ કેટલાક વિરોધ પક્ષોમાં ફેલાયેલી અરાજકતા પણ બહાર આવી.


વિરોધ કરવા પૂરતો વિરોધ કરવો અને દેશના હિતથી પણ અલગ ચાલીને પોતાની અડિયલ વાત પર ટકી રહેવું એ જાણે કેટલાક પક્ષોની ફિતરત થઈ ગઈ છે. ચાણક્યે પણ પોતાની રાજનીતિમાં કહ્યું છે કે નદીના પ્રવાહમાં અડીખમ ઊભું રહેવાનો પ્રયત્ન કરતું વૃક્ષ અંતે પ્રવાહમાં તણાઈ જાય છે, જ્યારે નમી જતું વૃક્ષ પ્રવાહ નીકળી ગયા પછી પાછું બેઠું થઈ જાય છે.

કાશ્મીરમાં મહદ્ અંશે શાંતિપૂર્ણ રીતે મોદીએ લીધેલા ઐતિહાસિક અને ક્રાન્તિકારી પગલા બાદ આવા પક્ષો માત્ર પોતાની આ અડિયલ ટટ્ટુની વૃત્તિમાં જ અટવાઈ ગયા છે. આખો દેશ જ્યારે એક સ્વરે મોદીને અભિનંદન આપી રહ્યો હતો ત્યારે સંસદમાં હાજર હોવા છતાં રાહુલ ગાંધીના સ્થાને કૉન્ગ્રેસનો મોરચો સંભાળ્યો લોકસભાના નેતા અધીર રંજન ચૌધરીએ. ત્યારથી કૉન્ગ્રેસના સેલ્ફ ગોલનો જે સિલસિલો શરૂ થયો છે એ આ લખાય છે ત્યાં સુધી અટક્યો નથી. એક તરફ જ્યોતિરાદિત્ય સિંધિયા, મિલિંદ દેવરાથી લઈને કૉન્ગ્રેસી નેતા કરણ સિંહે બીજેપીના આ પગલાનું સમર્થન કર્યું તો બીજી તરફ રાહુલ ગાંધી અધીર રંજન ચૌધરીના નેજા હેઠળ કાશ્મીરી હોવાના સેલ્ફ ગોલ બાદ પણ જાગી શક્યા નથી. અંગ્રેજીમાં આવી વૃત્તિ મેન્ટલ ઇનર્શિયા કહેવાય છે. સ્થિતિ પર પ્રતિભાવ આપવાની ક્ષમતા માણસ પોતાની આ અડિયલ વૃત્તિમાં ગુમાવી બેસે છે અને બીજેપી વર્ષોથી વિરોધ પક્ષની આ વૃત્તિનો ફાયદો ઉઠાવતી આવી છે. આ વખતે પણ મોદી સરકારનો આ માસ્ટર સ્ટ્રોક મહારાષ્ટ્ર, હરિયાણા જેવાં રાજ્યોમાં ચૂંટણીના કેટલાક મહિના અગાઉ આવ્યો છે. કાશ્મીરમાં ભલે મોદીએ લશ્કરનો ખડકલો કરી સ્થિતિ કાબૂમાં રાખી હોય, પરંતુ આખા દેશમાં આ ઐતિહાસિક નિર્ણય બાદ એકેય છમકલું પણ થયું નથી એ બાબત માટે તેમને જેટલી દાદ આપીએ એટલી ઓછી છે. તેમ છતાં કૉન્ગ્રેસ હજી પણ એ જ રાગ આલાપે છે કે કાશ્મીરમાં સામાન્ય માનવીનો અવાજ દબાઈ ગયો છે. તેમનો આવો વર્તાવ જોઈ પ્રશ્ન થાય કે શું તેમને સમજાતું નહીં હોય કે આવું બાલિશ વર્તન કરીને આખરે તો તેઓ પોતાનું જ નુકસાન કરી રહ્યા છે?


આ સમગ્ર ચિત્રને ધ્યાનમાં લઈએ તો રાહુલ ગાંધી કે અધીર રંજન ચૌધરી જેવા માણસોની બુદ્ધિપ્રતિભા પર પ્રશ્ન ઊભો થાય. શું તેઓ ગાંડા છે? શું તેમને પોતે શું બોલી રહ્યા છે એનું ભાન નથી? શું તેઓ પોતાની વાતો કે નિર્ણયોનું શું પરિણામ આવી શકે એનો જરાય વિચાર કરતા નથી કે પછી માત્ર પોતાની જાતને બુદ્ધિજીવીઓમાં ખપાવવા માટે કે પોતે અન્યો કરતાં જુદા છે એવું સ્થાપિત કરવા માટે જ તેઓ આવા અવિચારી વિધાનો કરતા રહે છે?

દરેક મનુષ્યની એવી ઇચ્છા હોય છે કે લોકો તેમને બીજા બધા કરતાં બહેતર સમજે. પોતાને અન્યો કરતાં વધુ સારા, સ્માર્ટ અને બુદ્ધિશાળી સમજે. અને જો એમાંનું કશું જ શક્ય ન હોય તો ઓછામાં ઓછું બીજા બધા કરતાં અલગ તો સમજે જ. આને તમે મનુષ્ય સહજ લાક્ષણિકતા કહો કે પછી નૅચરલ ઇન્સ્ટિક્ટ, પરંતુ વત્તેઓછે અંશે આપણે સૌકોઈ આ બીમારીના શિકાર હોઈએ છીએ. આ જ કારણ છે કે નાનું બાળક તમને જોઈને હસશે, કૂદશે કે નાચશે. તમારું પ્રિય બનવા તમને ગમતું કરવાનો પ્રયત્ન કરશે. સુપરમૅન કે સ્પાઇડરમૅન બનવા જેવાં જાતજાતનાં ગતકડાં કરશે. તેનો મૂળ ઉદ્દેશ તમારું ધ્યાન પોતાની તરફ ખેંચવાનું તથા પોતે બીજા બધા કરતાં બહેતર છે એ પુરવાર કરવાનો જ રહેશે. મોટાઓ પણ દેશના અર્થતંત્ર અને રાજકારણ પર લાંબી-લાંબી ચર્ચાઓ કરશે, વાત-વાતમાં શાયરીઓ, કવિતાની પંક્તિઓ કે ટૂચકાઓ ટાંકશે, જાતજાતની સ્પર્ધાઓ, સમ્મેલનો, સેમિનાર્સ તથા સમારંભોનું આયોજન કરશે. માની લઈએ કે આ બધા પાછળ કેટલાક ઉદ્દાત ઉદ્દેશ્યો પણ રહેલા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાને અન્યો કરતાં હટકે સ્થાપિત કરવાની છૂપી મહત્ત્વાકાંક્ષા પણ એમાં ભાગ ભજવતી જ હોય છે. તેથી જ જ્યારે આમાંનું કશું કરવું પોતાના માટે શક્ય ન હોય ત્યારે કેટલાક વાળમાં લાલ, ગુલાબી કે પીળા કલર્સ કરાવવા જેવી કે પછી હાથની પાંચે આંગળીઓમાં પાંચ અલગ અલગ રંગની નેઇલ-પૉલિશ લગાડવા જેવી તથા બન્ને પગમાં જુદા-જુદા ચંપલ પહેરવા વગેરે જેવી રમૂજો કરતા પણ જોવા મળે છે.

પરંતુ શું આ બધી બાબતો આપણને સાચા અર્થમાં બીજા બધા કરતાં નોખા પાડે છે ખરી? કદાચ હા, પરંતુ જ્યારે અન્યો કરતાં અલગ તરી આવવું જ એકમાત્ર ધ્યેય હોય ત્યારે જ. અજીબોગજીબ કપડાં પહેરો, વિચિત્ર રીતે બોલો, ચાલો કે વર્તો, સારા માણસોની વચ્ચે ખરાબ રીતે વર્તો, સમાજમાં રહીને અસામાજિક પ્રવૃત્તિઓ કરો અને પછી જુઓ, તમે બીજા બધા કરતાં નોખા પડી જાઓ છો કે નહીં? પરંતુ નોખા પડવાનો અર્થ હાસ્યાસ્પદ કે વિધ્વસંક તો ન જ હોવો જોઈએને?

તમારું નોખાપણું સાચું હોવું જોઈએ. એમાં પણ સચ્ચાઈનો રણકો હોવો જોઈએ. તમારા હેતુને પાર પાડનારું હોવું જોઈએ. ખુદ પોતે જ ઉદ્દેશ ન હોવો જોઈએ. આ માટે જરૂરી છે કે સૌથી પહેલાં તો આપણે આપણી જાતને સમજીએ. આપણા વિચારોને ઓળખીએ. આપણા અંતરાત્માને વફાદાર બનીએ. અન્યોના આકર્ષણનું કેન્દ્ર બનવા કે કોઈને રીઝવવા નહીં, પરંતુ આપણા વ્યક્તિત્વને વધુ ઉજાગર કરે, આપણી ખૂબીઓમાં વધારો કરે એવું કંઈક કરીએ. પછી એ તમને અન્યોથી અલગ પાડે એવો કોઈ શોખ હોય, ભાષાની સમૃદ્ધિ હોય, દેશ કે દુનિયાના વિકાસનું લક્ષ્ય હોય, જીવન પ્રત્યેનો અભિગમ હોય કે પછી ધર્મ માટેની સમજ. આપણું નોખાપણું આપણા વ્યક્તિત્વનો એક સહજ ભાગ હોવો જોઈએ. ઊડીને કોઈની આંખે, કાને કે હૃદયને સ્પર્શે એવો, વાગે એવો નહીં. અન્યથા એ માત્ર મુખવટો બની રહે છે, જે ફક્ત કદરૂપો અને અશ્લીલ જ લાગે છે.

નોખો માણસ એ છે જે નાનાઓ સાથે મોટાઓ જેવો વ્યવહાર કરે છે અને પોતાનાથી નિમ્ન વર્ગના લોકો સાથે પણ સમકક્ષ જેવું વર્તન રાખે છે. જે પોતાની ખામીઓ પ્રત્યે આંખ આડા કાન ન કરવાની સમજ ધરાવે છે અને પોતાના દુશ્મનોની ખૂબીઓની પણ પ્રશંસા કરવાની હિંમત રાખે છે. આવા નોખા માણસ બનવા માટે વ્યક્તિએ વિશિષ્ટ પ્રકારની આંતરસૂઝ કેળવવી પડે છે. પોતાની એક અલગ ઓળખ ઊભી કરવી પડે છે. પોતાની અંદર જે કંઈ અલગ છે, ખાસ છે એનું અત્યંત પ્રેમપૂર્વક ધ્યાન રાખવું પડે છે. એક છોડની જેમ એનું સીંચન કરવું પડે છે. ટૂંકમાં અન્યોને નીચા દેખાડવા નહીં, પરંતુ ખુદ પોતાની જાતને બહેતર બનાવવા રોજેરોજ મહેનત કરવી પડે છે. આ મહેનતના અંતે જે ઊગી નીકળે છે એ જ ખરા અર્થમાં નોખું અને અનોખું હોય છે. આશા રાખીએ કે આપણા દેશના વિરોધ પક્ષોના સભ્યોમાં આટલી સામાન્ય બુદ્ધિ જલદી પ્રગટે.

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 03:50 PM IST | મુંબઈ | સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK