Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું તમારા જીવનમાં કોઈ રુરેકા મોમેન્ટ આવી છે?

શું તમારા જીવનમાં કોઈ રુરેકા મોમેન્ટ આવી છે?

08 July, 2019 01:03 PM IST | મુંબઈ
સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા

શું તમારા જીવનમાં કોઈ રુરેકા મોમેન્ટ આવી છે?

રુરેકા મોમેન્ટ

રુરેકા મોમેન્ટ


કહેવાતી નાનીસરખી વાત યા બાબત જીવનમાં જબરદસ્ત ટર્નિંગ પૉઇન્ટ લાવી શકે છે આવા નેક કિસ્સા આપણે વાંચ્યા-સાંભળ્યા હશે. અંગત જીવન હોય કે સમાજ એમાં જબ્બર પરિવર્તન લાવનારી ઘટનાઓની શરૂઆત આવી નાનીસરખી બાબતોથી જ થાય છે, જે રુરેકા મોમેન્ટ તરીકે ઓળખાય છે. વાસ્તવમાં આવી ઘટના આપણી આસપાસ સતત બનતી હોય છે, પણ આપણું એની તરફ સજાગતાપૂર્વક ધ્યાન જવું અને એને એક તક તરીકે ઝડપી લેવાની તૈયારી હોવી જરૂરી છે

તાજેતરમાં ‘મિડ-ડે’ના ફૅમિલી રૂમ વિભાગમાં એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં પોતાના એક મિત્રે સ્થૂળ શરીરને કારણે તું ઉંમર કરતાં ૧૦ વર્ષ મોટો દેખાય છે એવો ટોણો મારતાં કાંદિવલીમાં રહેતા પ્રશાંત મહેતા નામના ભાઈને વજન ઉતારવાની એવી કિક લાગી કે એક વર્ષથી પણ ઓછા સમયમાં તેમણે ૧૨૯ કિલોમાંથી પોતાનું વજન ૯૩ કિલો કરીને બતાવ્યું. એકાએક તેઓ પોતાની ખાવાપીવાની આદત પ્રત્યે એટલા સભાન બની ગયા કે રોટલી અને ભાત જેવું સાવ સામાન્ય અનાજ પણ છોડીને માત્ર ફ્રૂટ્સ અને સૅલડ પર જીવવા લાગ્યા તથા વૉકિંગ અને સાઇક્લિંગ જેવી સામાન્ય કસરતો દ્વારા પોતાના ધ્યેયની અત્યંત નજીક પહોંચી ગયા. એક રીતે જોવા જઈએ તો મિત્રનો એ ટોણો પ્રશાંતભાઈના જીવનની રુરેકા મોમેન્ટ હતી, જેણે તેમના જીવનની દિશા જ બદલી નાખી.



આ રુરેકા શબ્દની ઉત્પત્તિનું શ્રેય પ્રાચીન ગ્રીક સ્કૉલર આર્કિમિડિસને જાય છે. કહેવાય છે કે એક દિવસ આર્કિમિડિસ પોતાના બાથટબમાં નાહવા ઊતર્યા હતા અને તેમને અહેસાસ થયો કે જેમ-જેમ તેઓ બાથટબમાં ઊંડા ઊતરતા જાય છે એમ પાણીનું સ્તર વધુ ને વધુ ઉપર જતું જાય છે. અર્થાત્ પાણીનું વધેલું વૉલ્યુમ તેમના શરીરનો જેટલો ભાગ પાણીની અંદર છે એના વૉલ્યુમની બરાબર વધ્યો છે. લોકવાયકા અનુસાર ગણિતના આ નવા સિદ્ધાંતની પોતે કરેલી આ શોધથી તેઓ એટલા ઉત્સુક થઈ ગયા કે તદ્દન નિર્વસ્ત્ર અવસ્થામાં રુરેકા, રુરેકા એટલે કે મને મળી ગયો, મને મળી ગયો જેવી બૂમો પાડતા રસ્તે દોડી ગયા. આગળ જતાં આર્કિમિડિસનો આ સિદ્ધાંત થિયરી ઑફ ડિસપ્લેસમેન્ટ તરીકે જાણીતો બન્યો.


વાસ્તવમાં આવી મોમેન્ટ્સ આપણા બધાના જીવનમાં અવારનવાર આવ્યા કરતી હોય છે. ફરક માત્ર એટલો છે કે આપણે બધા પ્રશાંતભાઈ કે આર્કિમિડિસ જેટલા સજાગ નથી કે પોતાની રુરેકા મોમેન્ટમાંથી પ્રેરણા લઈ એનો કોઈ સારો ઉપયોગ કરી શકીએ કે પછી આપણે બધા ન્યુટન જેટલા સભાન પણ નથી કે માથે સફરજન પડતાં લૉ ઑફ ગ્રૅવિટી શોધી કાઢીએ.

પરંતુ હકીકત તો એ છે કે દુનિયાની અનેક મહાનતમ શોધ કે ઘટનાઓ આવી જ કોઈ રુરેકા મોમેન્ટ દરમ્યાન થઈ છે. રતન તાતાને વરસાદમાં એક છત્રીની નીચે પલળતાં પોતાના માટે રિક્ષા શોધી રહેલા ગરીબ પરિવારને જોઈને તેમના જેવા લોકોને પોસાય એવી નૅનો ગાડી બનાવવાનો વિચાર આવ્યો હતો. ૧૮૭૧માં રતન તાતાના જ દાદાજી જમશેદજી તાતાને માત્ર વિદેશીઓ માટે જ બનેલી વૉટ્સન હોટેલમાં પ્રવેશ ન મળતાં તેમને એ જ રસ્તા પર તાજમહલ હોટેલ બનાવવાનો વિચાર આવ્યો હતો. માર્ક ઝુકરબર્ગને માત્ર હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને


એકબીજા સાથે કનેક્ટ કરતી વેબસાઇટ જોઈને ફેસબુક બનાવવાનો વિચાર આવ્યો હતો કે પછી આજે સાવ સામાન્યમાં સામાન્ય કમ્પ્યુટરમાં પણ આપણને જોવા મળતા વિવિધ પ્રકારના ફોન્ટ્સને પહેલી વાર પોતાના કમ્પ્યુટરમાં દાખલ કરવાનો વિચાર સ્ટીવ જૉબ્સને રીડ કૉલેજના કેલિગ્રાફીના ક્લાસિસમાં આવ્યો હતો.

કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક મોટી ઘટનાઓની શરૂઆત આવી સામાન્ય બાબતોથી જ થાય છે. લગભગ પ્રત્યેક મોટી પ્રેરણાઓની શરૂઆત રોજબરોજની સાવ નગણ્ય બાબતોથી જ થાય છે, પરંતુ ફક્ત આંખ, કાન, નાક સદૈવ ખુલ્લા રાખવાની તથા મગજને સજાગ રહેવાની, પ્રતિભાવ આપવાની, પ્રશ્નો પૂછવાની, ચર્ચા કરવાની તથા સમજવાની આદત હોય તો જ આવી નગણ્ય બાબતોમાંથી મોટા અર્થ શોધી શકાય છે.

લેખકો, ચિત્રકારો, નવલકથાકારો, ફિલ્મસર્જકો જેવા કલાકારોને પણ પૂછો તો તેમનાં પણ મોટા ભાગનાં સર્જનો આવી જ કોઈ રુરેકા મોમેન્ટનું પરિણામ હોય છે. દા.ત. પોતાની નવલકથા ‘પૂર્ણ-અપૂર્ણ’ની પ્રસ્તાવના દરમ્યાન ખુદ લેખિકા કાજલ ઓઝા વૈદ્યે કબૂલાત કરી છે કે તેમને પોતાની એ કથાનું બીજ અમદાવાદ શહેરના મુખ્ય રસ્તા પર ટ્રાન્સસેક્સ્યુઅલ સર્જરી કરાવી સ્ત્રીમાંથી પુરુષ બની ગયેલી પોતાની વર્ષોજૂની બહેનપણીના જીવનમાંથી મળ્યું હતું. મહાન ચિત્રકાર વાન ગોગનાં મોટા ભાગનાં પેઇન્ટિંગ્સ જૅપનીઝ પ્રિન્ટકળા પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યાં છે. અનેક ફિલ્મસર્જકોની નામાંકિત ફિલ્મો છાપામાં આવેલા કોઈ નાનાઅમસ્તા સમાચારનું પરિણામ હોય છે અને એથી જ કદાચ મહાન ચિત્રકાર પાબ્લો પિકાસોએ કહ્યું છે કે ‘પ્રેરણાઓ આપણી આસપાસ જ હોય છે, આપણને એને કાર્યરત કરતાં અર્થાત્ ઉપયોગમાં લેતાં આવડવું જોઈએ.’

જરા ધ્યાનપૂર્વક વિચારીએ તો સમજાય કે આપણે બધા પણ સુખની ક્ષણોને રિપીટ કરવા કે દુઃખની ક્ષણોથી દૂર રહેવા અવારનવાર આવી જ રુરેકા મોમેન્ટ્સનો ઉપયોગ કરીએ છીએ.  એક વાર જ્યારે સમજાઈ જાય કે આપણું પાંચ-છ મહિનાનું બાળક ગલગલિયાં કરવાથી કે પછી આંખો મીંચકારવાથી કે તેને હવામાં ઉછાળવાથી ખડખડાટ હસે તો આપણે તેના એ હાસ્યને રિપીટ કરવા વારંવાર એ ક્રિયા નથી કરતા? એવી જ રીતે નવી પરણીને આવેલી યુવતી પણ ભજિયાં બનાવવાથી સાસુ-સસરા કે પાઉંભાજી બનાવવાથી પતિદેવ ખુશ થઈ જાય છે એ એક વાર સમજાઈ જાય એ પછી વારંવાર એ વાનગીઓ નથી બનાવતી? એવી જ રીતે કુકર ધોયા વગર મૂકી દેવાથી જેઠાણી તરફથી મહેણું સાંભળવા મળે છે કે પછી ટાઇ પહેર્યા વગર મીટિંગ્સમાં બેસી જવાથી બૉસ ગુસ્સે થઈ જાય છે એવું સમજી જનાર એ ભૂલ ફરી પાછી ક્યારેય રિપીટ કરતા નથી.

ટૂંકમાં સુખની શોધ કે દુઃખને દૂર કરવાના રસ્તા મહદંશે આવી રુરેકા મોમેન્ટ્સમાંથી જ મળી આવતા હોય છે. એ તો કેટલાક વીરલાઓ એવા હોય છે, જેઓ આવી રુરેકા મોમેન્ટ્સ દરમ્યાન આવેલા વિચારોને સર્જનાત્મક સ્વરૂપ આપી કશુંક નવું શોધી કે ઘડી કાઢતા હોય છે, પરંતુ ઇતિહાસમાં કેટલીક મહાન હસ્તીઓ એવી પણ બની ગઈ છે જેઓ પોતાની સાથે ઘટેલી કોઈ ઘટનાને પોતાના જીવનની રુરેકા મોમેન્ટ બનાવીને દેશ-દુનિયાને કશુંક આપી ગયા છે.

આ સંદર્ભમાં આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના કિસ્સાથી સૌકોઈ પરિચિત છે, જેમાં ૧૮૯૩માં સાઉથ આફ્રિકામાં માત્ર ગોરાઓ માટે ગણાતા ફર્સ્ટ ક્લાસના ડબામાંથી તેમને ધક્કા મારીને ઉતારી દેવામાં આવ્યા હતા. એ ઘટનાના અપમાને ગાંધીજીને અંદરથી એટલા હચમચાવી દીધા હતા કે તેમણે જીવનભર અન્યાય સામે લડવા પોતાનું મન મક્કમ કરી લીધું હતું. આગળ જતાં ભારતની આઝાદીની ચળવળમાં તેમના આ જ નિર્ણયે સત્યાગ્રહનું સ્વરૂપ ધારણ કર્યું હતું. પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં ગાંધીજીએ પોતાની એ રુરેકા મોમેન્ટને પોતાને થયેલા સત્યના આવિષ્કાર તરીકે વર્ણવી છે.

ટૂંકમાં જીવનની આવી સાવ નાની અને શુલ્ક દેખાતી બાબતોમાં સામાન્યને અસામાન્ય, અસ્થિરને સ્થિર તથા અંધકારને ઉજાસમાં પરિવર્તિત કરવાની તાકાત રહેલી છે. જેઓ આવી ક્ષણોને પકડી પાડે છે તેઓ ન ફક્ત તેનો પોતાના લાભાર્થે ઉપયોગ કરી શકે છે, બલકે વધુ બહેતર અને મજબૂત વ્યક્તિ તરીકે ઊભરી પણ આવે છે, પરંતુ જો તમારામાં જીવનની નકારાત્મક બાબતોને હકારાત્મકતામાં ફેરવવાની તાકાત હોય તો આવી રુરેકા મોમેન્ટ્સ તમને મહાન કાર્યો કરવાની, રોજિંદી ઘટનાઓમાં વધુ ઊંડા, વૈજ્ઞાનિક અથવા આધ્યાત્મિક અર્થો શોધવામાં મદદરૂપ પણ થઈ શકે છે.

આ પણ વાંચો : કૉલમ: સાચી વાત સ્વીકારો તો શાણપણ બાકી દેખાદેખી કરો તો ગાંડપણ

હવે તમે જ વિચારો કે તમારા જીવનની રુરેકા મોમેન્ટ કઈ છે? શું તમે એને પકડી પાડો એટલા સજાગ છો કે પછી સાવ બેખબર બનીને એને પોતાની આંખ સામેથી પસાર થઈ જવા દો છો?

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2019 01:03 PM IST | મુંબઈ | સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK