Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોરોના પછીનો સમાજ કેવો હશે?

કોરોના પછીનો સમાજ કેવો હશે?

27 April, 2020 04:57 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

કોરોના પછીનો સમાજ કેવો હશે?

ગો કોરોના

ગો કોરોના


કેટલિસ્ટ. આ શબ્દની વ્યાખ્યા છે કોઈ એવી વ્યક્તિ કે ઘટના, જે પરિવર્તન માટે કારણભૂત બને છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અને ઘણા લોકોના તો સમગ્ર જીવનકાળમાં સૌથી મોટો કેટલિસ્ટ એક એવો જીવ પુરવાર થયો છે જે કદમાં નખના સોમાં ભાગ જેટલો છે. હા, આજે આપણે બધા જેને કોરોના વાઇરસ અથવા કોવિડ-૧૯ના નામથી ઓળખીએ છીએ એ ખરેખર તો નખના સોમાં ભાગ જેટલો જ છે. છતાં એણે આપણા બધાના જીવનમાં મોટા કેટલિસ્ટનું કાર્ય કર્યું છે. બીજા વિશ્વયુદ્ધ બાદ એણે પ્રથમ વખત આખા વિશ્વમાં આટલા મોટા પાયે પરિવર્તન આણ્યું છે. ત્યાં સુધી કે સૅટેલાઇટથી લીધેલી ધરતીની ઇમેજમાં હવે તો યુરોપ અને અમેરિકા પરથી પ્રદૂષણની ચાદરો હટી ગઈ છે, ગંગા-જમુનાનાં પાણી સાફ થઈ રહ્યાં છે, યુરોપના વેનિસમાં શહેરની અંદર ડૉલ્ફિન્સ અને અમેરિકાનાં શહેરોની અંદર સિંહ ફરી રહ્યા છે. આવા તો હજારો દાખલાઓ આપી શકાય એવું વાતાવરણ ચારે બાજુ ફેલાઈ ગયું છે.

એક તો હોય છે આવાં પ્રત્યક્ષ પરિવર્તનો જેમાં કેટલિસ્ટની અસર ત્વરિત દેખાય છે, પરંતુ ઘણી વાર આ કેટલિસ્ટ લોકોના જીવનમાં, સમાજના વર્તનમાં, દેશના બંધારણમાં આમૂલ પરિવર્તન કરી નાખે છે. બિલ ગેટ્સ જેવા વિદ્વાનો વર્ષોથી કહી રહ્યા હતા કે વિશ્વના દેશો શસ્ત્રો પાછળ જેટલો ખર્ચ કરે છે એના કરતાં દસ ટકા ખર્ચમાં વિશ્વની કેટલીક હેલ્થ ઇમર્જન્સીને ઉકેલી શકાય એવું છે. આજે આખું વિશ્વ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધુ રોકાણ કરવા લગભગ એકમતે સહમત થઈ રહ્યું છે. માનવ જીવનમાં બહુ ઓછા આવા કેટલિસ્ટ આવતા હોય છે જે સૂક્ષ્મથી લઈને સમાજ આખા સુધી બધાને એકસાથે અસર પહોંચાડે છે. કોરોનાએ સાચા અર્થમાં આ જ કર્યું છે.



વર્ષો સુધી આપણે એવા વિચારોમાં બંધાયેલા રહ્યાં કે શિક્ષણવ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે જંગી ખર્ચ કરવો પડે. તોતિંગ મકાનો તથા વિશાળ એસી ક્લાસરૂમ બનાવવા પડે. ઉચ્ચ કક્ષાની કૅન્ટીન તથા ક્લાસરૂમથી લઈને ભવ્ય આયોજનો કરવાં પડે. આજે હકીકત એ છે કે હાર્વર્ડ યુનિવર્સિટી હોય કે કૅમ્બ્રિજ યુનિવર્સિટી, ધીરુભાઈ અંબાણી સ્કૂલ હોય કે વાપી-વલસાડ જેવાં નાનાં શહેરોમાં ચાલતી શાળાઓ, લગભગ અડધી દુનિયાનાં બાળકો પોતાના ઘરના એક ખૂણામાં બેસીને લૅપટૉપ, ડેસ્કટૉપ કે પછી મોબાઇલ ફોન પર શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યાં છે. અત્યાર સુધી કોણે વિચાર્યું હતું કે આવું સંભવ છે? આપણી ધારણા જ એ હતી કે ભાઈ ભણવા માટે તો વિદેશ જ જવું પડે. મોંઘી કૉલેજમાં જ દાખલ થવું પડે.


પરંતુ હવે કદાચ આપણા આ વિચારો બદલવા પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. હાલ ભલે ઘરે બેસી લૅપટૉપ પર ભણવાનો કાર્યક્રમ તાત્પૂરતો છે, પરંતુ એનાં પરિણામો દૂરગામી છે. એક આખીને આખી ઇન્ડસ્ટ્રી સમાન બની ગયેલા એજ્યુકેશન બિઝનેસમાં કાર્યરત સર્વ કંપનીનાં મૅનેજમેન્ટ્સ અત્યારે વિચારી રહ્યાં હશે કે આપણે આટલું જંગી કોરાણ કરી મોટાં- મોટાં સંસ્થાનો બનાવી તો નાખ્યાં, પરંતુ ઑનલાઇન ઘરે-ઘરે પહોંચીને પણ શાળામાં થતાં ઘણાં કાર્યો કરી શકાય છે. હવે લૉકડાઉન ખૂલી ગયા બાદ પણ યુનિવર્સિટીઓ અને સ્કૂલો વિચારશે કે ઑનલાઇન જો વધુ શહેરો અને લોકો સુધી પહોંચી શકાતું હોય તો એ માર્ગ અપનાવવા જેવો છે. અચાનક જ નજીવી કિંમતમાં વધુ શહેરો, વધુ લોકો તથા વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકવાની આ સંભાવનાઓ કોરોના જતા રહ્યા બાદ પણ સંચાલકોના મનમાં રહેશે.

હાલમાં જ હાર્વર્ડ યુનિવર્સિટીનો એક વધુ રોચક અહેવાલ પણ આવ્યો હતો કે જો કોરોના સંપૂર્ણ કાબૂમાં નહીં આવે તો આ રીતે પાર્શિયલ લૉકડાઉન ૨૦૨૨ સુધી ચાલુ રાખવું પડશે. આવામાં જે કંપનીઓ ક્યારેય પરંપરાગત કાર્યપદ્ધતિમાંથી બહાર નહોતી આવતી એ બધી કંપનીઓ આજે બેસીને વિચારી રહી છે કે તેમની કાર્યપદ્ધતિમાં ઘણી વસ્તુઓ એવી છે જેના માટે વાસ્તવમાં ઑફિસ આવવાની જરૂર જ નથી અને ઘરે બેઠાં-બેઠાં પણ એ કાર્ય થઈ શકે છે. ઑફિસના તોતિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની વાસ્તવમાં આવશ્યકતા હવે રહી નથી. કોરોના વાઇરસ પર તો માનવ વહેલો મોડો કાબૂ મેળવી જ લેશે, પરંતુ આ વિચારપ્રક્રિયા કંપનીઓના મૅનેજમેન્ટના મગજમાં વર્ષો સુધી રહેશે. સ્વાભાવિક છે. આવી મોટી ઘટના જીવનમાં નવા વળાંકો લઈ આવે છે. 9/11  અગાઉ અમેરિકામાં હવાઈ યાત્રામાં કોઈ પ્રકારનાં બંધનો નહોતાં. આજે આખી દુનિયામાં છે.


આ તો થઈ બહારની દુનિયાની વાતો. આપણા પોતાના ઘરમાં કોરોનાએ મોટાં પરિવર્તનો કરી દીધાં છે. જે પુરુષો કિચનમાં જઈને પાણી લેવું પોતાની શાનની વિરુદ્ધ સમજતા હતા તેઓ આજે રસોડામાં શાક સમારવાથી લઈને વાસણો સાફ કરવામાં પત્ની, બહેન કે માતાનો પૂરો સહયોગ આપી રહ્યા છે. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ભરી-ભરીને આવા ફોટો જોવા મળશે, કારણ કે ઘણા લોકો આ કાર્ય હવે રોજ કરી રહ્યા છે. ઘરમાં પતિ-પત્ની, માતા-પિતા તથા સંતાનો અને ભાઈ-બહેનો વચ્ચેનાં સમીકરણો બદલવામાં આ વાઇરસ બહુ મોટો કેટલિસ્ટ પુરવાર થયો છે.

જે મિત્રો તથા પિતરાઈ ભાઈબહેનને તમે પ્રસંગોપાત્ત ફોન કરતા હતા એ બધાં સાથે મળીને વિડિયો કૉલ્સ કરી રહ્યાં છે, ખબરઅંતર પૂછી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સ ઊભા કરનારો આ વાઇરસ ઇમોશનલ ડિસ્ટન્સ ઘટાડવામાં બહુ મોટો કેટલિસ્ટ પુરવાર થયો છે. ઘરની સાથે જ એક મોટો બદલાવ માણસની લાઇફસ્ટાઇલમાં આવશે. અત્યારથી જ વૉટ્સઍપ પર એક વર્ષ બહારનું ન ખાવું, મૉલ્સમાં ન જવું વગેરે મેસેજો ફરતા થઈ ગયા છે. કદાચ આ બધી અતિશયોક્તિ પણ હોય તો પણ લૉકડાઉન ખૂલ્યા બાદ તમને વડાપાંઉની લારી કે પાણીપૂરીના ખૂમચા પર જવામાં સંકોચ તો થશે જ અને એ સંકોચનો કેટલિસ્ટ હશે કોરોના. આવનારાં વર્ષોમાં આર્થિક તથા સામાજિક પરિણામો તો શું આવશે એ તો આવનારો સમય જ કહેશે પરંતુ એક વાત નક્કી છે, લાઇફ વિલ બી ડિફરન્ટ બિફોર ઍન્ડ આફ્ટર કોરોના.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2020 04:57 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK