Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નકારાત્મક લોકોથી જાતને મુક્ત રાખવા માટે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ અપનાવાય

નકારાત્મક લોકોથી જાતને મુક્ત રાખવા માટે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ અપનાવાય

04 August, 2020 02:38 PM IST | Mumbai
Taru Kajaria

નકારાત્મક લોકોથી જાતને મુક્ત રાખવા માટે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ અપનાવાય

નકારાત્મક લોકોથી જાતને મુક્ત રાખવા માટે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ અપનાવાય


આજકાલ સોશ્યલ મીડિયા પર ચિંતન અને મનનનો મહાસાગર ઊમટ્યો છે અને લાખો ભોળા ભાવિકો એનું દર્શન અને શ્રવણ પરમ શ્રદ્ધાથી કરે છે. એમાં ડૂબકી મારીને ધન્યતા અનુભવે છે. આ સોશ્યલ મીડિયાને કારણે બીજી એક લાભદાયક બાબત એ થઈ છે કે હવે આમ માનવી એક ક્લિક કરીને દુનિયાની કોઈ પણ સેલેબ્રિટીઝના – ચાહે તે આધ્યાત્મિક ક્ષેત્રની હોય, એજ્યુકેશન, લિટરેચર, બિઝનેસ, વિજ્ઞાન, ટેક્નૉલૉજી, રાજકારણ, પત્રકારત્વ, ગ્લૅમર ઇન્ડસ્ટ્રી યા અન્ય કોઈ પણ ક્ષેત્રની હોય - કોઈ પણ ઘટના વિશેના અભિપ્રાયો કે વિચારો સત્વરે જાણી શકે છે.

સોશ્યલ મીડિયા પર ઉપલબ્ધ આ ઢગલામાંથી ક્યારેક આપણા જેવા સામાન્ય માનવીને પણ કોઈ ઉપયોગી જડીબુટ્ટી હાથ લાગી જાય છે. અને હાલના જટિલ સંજોગોમાં આવી ગુટિકાઓ ખરેખર કામ લાગે છે. તાજેતરમાં હૉસ્પિટલમાં



કોવિડ-19ની સારવાર લઈ રહેલા અમિતાભ બચ્ચને કરેલાં ટ્વીટ વાંચ્યાં? તેમણે આ શ્લોક ટાંક્યો છે -


ઈર્ષ્યી ધૃણી ન સંતુષ્ટ: ક્રોધનો નિત્યાશંકિત:

પરભાગ્યોપજીવી ચ ષડેતે નિત્યદુ:ખિતા: I


પછી એને સમજાવતાં લખ્યું છે કે આ છ પ્રકારના લોકોથી અંતર રાખવું. સૌની ઈર્ષ્યા કરનારા, સૌને ધિક્કારનારા, અસંતોષી, ક્રોધી, શક્કી અને પરાવલંબી. આવાં નકારાત્મક લક્ષણો ધરાવનાર વ્યક્તિ પોતે તો દુ:ખી હોય છે જ પરંતુ તેઓ પોતાની આસપાસના લોકોને પણ દુ:ખી કરે છે. આપણાં શાસ્ત્રોના જ્ઞાનખજાનામાંથી અમિતાભ બચ્ચન આ અત્યંત મહત્ત્વની અને જીવનોપયોગી શીખ શોધી લાવ્યા છે.

કેટલાક માણસો સતત અસંતોષ અને ‘આ નથી’ ને ‘પેલું નથી’ના ધૂંધવાટમાં જ જીવતા હોય છે. જિંદગીમાં અઢળક મળ્યું હોય તો પણ તેમના ચહેરા પર સંતોષનું સ્મિત તો દૂર, એક ઝાંખી ઝલક પણ ન દેખાય. તેમને સતત કંઈક  નહીં તો કંઈક જોઈતું જ હોય. આમ તો માણસ માત્રનો સ્વભાવ આવો હોય છે, કેમ કે આપણા દિમાગમાં કોતરી દેવાયું છે કે મહત્ત્વાકાંક્ષા વગર માનવી આગળ વધી શકતો નથી! અને એ વાત સાચી જ છે. પરંતુ એની આડ લઈને જીવનમાં પ્રાપ્ત થયેલાં સુખ કે શક્યતાઓને અવગણ્યા કરવી કે એની નોંધ ન લેવી અને સતત જે નથી મળ્યું એને માટે કણસ્યા કરવું એ પણ યોગ્ય નથી.

આપણે એવા લોકો જોઈએ છીએ જેમને જિંદગીમાં અઢળક મળ્યું છે, પરંતુ તેમની તમન્ના એનાથી ક્યાંય અધિક મેળવવાની હોય એટલે જે મળ્યું છે એને તેઓ માણી શકતા નથી. અને આ વાત માત્ર સંપત્તિ કે સત્તામાં આળોટતા મોટા માણસોની નથી, મારા-તમારા જેવા સરેરાશ માણસની છે. કલ્પના કરો એ લોકોની જેઓ આ લૉકડાઉનના પાંચ-પાંચ મહિનાથી ઘરમાં બેઠા છે અને છતાં તેમની લાઇફસ્ટાઇલ જાળવી રાખી શક્યા છે. આમ છતાં એ લોકોના હોઠો પર ફરિયાદ અને ફરિયાદ જ છે. તેમને ખ્યાલ જ નથી આવતો કે હજારો-લાખો લોકો આ સ્થિતિને કારણે કેટલી ભયંકર ભીંસમાં જિંદગી ખેંચી રહ્યા છે. એ લોકોની હાલત જોવા-જાણવા છતાં તેમને અહેસાસ થતો નથી કે પોતે કેટલા નસીબદાર છે.

બીજા કેટલાકથી વળી કોઈનું સારું જોઈ શકાતું જ નથી. કોઈ મિત્રના એક્ઝૉટિક ડેસ્ટિનેશનના ફોટાઓ જુએ કે કોઈ સાથીના પ્રમોશનના સમાચાર સાંભળે; પાડોશીના ઘરે નવું મોટું ટીવી કે નવી કાર આવે; તેમના હૃદયમાં બળતરા શરૂ થઈ જ ગઈ હોય! જેમની પાસે એમાંનું કંઈ નથી તેને કદાચ બીજાની તરક્કી જોઈને અદેખાઈ થાય અને પોતાની હાલત માટે વસવસો થાય એ માની શકાય, પરંતુ પોતાની પાસે એ બધું કે બીજું કેટલુંય અગાઉથી જ હોય જેને કારણે જિંદગી ખાસ્સી સભર હોય તો પણતેઓ પેલાઓને જોઈને  ઈર્ષ્યાથી બળી ઊઠે છે! અલબત્ત, અંતે તો આવા લોકો અનિદ્રા કે નિરાશાનો ભોગ બને છે. કેટલાકને તો ઘરના સભ્યોની પણ જલન થતી હોય. તેમના અંતરમાં ઊકળતી એ ઈર્ષ્યાની આગ તેમની જીભ પરથી અંગારાની જેમ વરસતી હોય અને આસપાસનું સમગ્ર વાતાવરણ કલુષિત કરતી હોય. આવું જ ઉપરના શ્લોકમાં વર્ણવેલાં અન્ય લક્ષણોનું પણ છે. અને ખરેખર, આવી વ્યક્તિઓ પોતે તો દુ:ખી થાય જ છે પણ તેમના સંપર્કમાં આવતા કે રહેતા બીજા લોકોને પણ દુ:ખી કરે છે. હવે આવી વ્યક્તિઓ બહારની હોય તો-તો સમજ્યા કે આપણે તેનાથી અંતર રાખીએ કે રાખી શકીએ. તે ઑફિસમાં આપણી સાથે કામ કરતી હોય તો પણ આપણે તેનાથી કામ પૂરતું કામ જેવો સંબંધ રાખી શકીએ, પરંતુ આવી વ્યક્તિ આપણા ઘરમાં જ, આપણા કુટુંબમાં જ હોય અને આપણે તેની સાથે એક જ ઘરમાં રહેવાનું હોય તો? એમાંય તમે તેના જેવા ન હો. તમે નાની-નાની વાતોમાં ખુશ થઈ જતા હો. જીવનમાં જે મળ્યું છે એની તમને કદર હોય. કોઈનું સુખ કે કોઈની પ્રગતિ જોઈને તમે રાજી થવાવાળી વ્યક્તિ હો તો? ત્યારે એનાથી દૂર કેવી રીતે રહેવું?

આ લખતી હતી ત્યાં જ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સંદર્ભે એક સમાચાર વાંચ્યા. સુશાંતના મૃત્યુને શરૂઆતમાં ડિપ્રેશનને કારણે થયેલી આત્મહત્યા ઠરાવાયેલું હતું. પરંતુ છેલ્લા દોઢ મહિનામાં જે પુરાવાઓ અને તથ્યો બહાર આવ્યાં છે એ કંઈક બીજી જ શક્યતા ચીંધે છે. તેની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત અનેક વ્યક્તિઓનું સુશાંત સાથેનું વર્તન શંકાના દાયરામાં છે. આ સંદર્ભે રિયાની સાથે એક ફિલ્મમાં કામ કરનાર સહ અભિનેત્રીએ કહેલી એક વાત મહત્ત્વની બને છે. તેણે કહ્યું કે ‘રિયા એટલી નકરાત્મક વ્યક્તિ છે કે સેટ પર આવતી ત્યારથી તેનામાંથી નેગેટિવિટી ઝમતી રહેતી.’ બીજી બાજુ સુશાંત સાથે છ વર્ષ સુધી અત્યંત નજીકનો સંબંધ હતો એવી અંકિતા લોખંડેએ કહ્યું કે સુશાંત એક બાળક જેવો હસતો-રમતો અને દોસ્તો માટે બધું કરી છૂટે એવો માણસ હતો. નકારાત્મક ઊર્જાથી ઊભરાતી વ્યક્તિ સાથે રહેવાનો શું અંજામ આવે એ સવાલનો જવાબ દુનિયામાં આવી અનેક રિલેશનશિપ પરથી મળી શકે છે. રોજબરોજની સેંકડો આત્મહત્યાઓમાંથી મોટા ભાગની પાછળ આવી નકારાત્મકતાની અસર રહેલી હોય છે.

આવી વ્યક્તિઓ અને વૃત્તિથી બચીને રહેવાની, દૂર રહેવાની ખરેખર સો ટકાની વાત અમિતાભ બચ્ચને કહી છે. આ નકારાત્મકતાથી જાતને મુક્ત રાખવા હાલ કોવિડ-19ના વાઇરસના પરિણામે રાખીએ છીએ એવું સોશ્યલ ડિસ્ટન્સિંગ (તન-મનનું) અપનાવી શકાય!

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

 

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2020 02:38 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK