કાશ્મીર ખીણના અમુક હિસ્સાઓમાં સ્નોફૉલ : સરેરાશ તાપમાનમાં વધારો

Published: 21st December, 2011 08:55 IST

રાજસ્થાન, પંજાબ અને હરિયાણાનું હવામાન પણ પહેલાં કરતાં થોડું વધારે હૂંફાળું બની ગયુંછેલ્લા કેટલાક સમયથી ભારે ઠંડીનો સામનો કરી રહેલા કાશ્મીર, પૂર્વ રાજસ્થાન, પંજાબ અને હરિયાણાનું તાપમાન ગઈ કાલે થોડું હૂંફાળું બન્યું હતું અને આ પ્રદેશના સરેરાશ લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો. જોકે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો સપાટો હજીય યથાવત્ છે. આખા દેશમાં મેદાનપ્રદેશનું સૌથી નીચું તાપમાન ઉત્તર પ્રદેશના નઝીબાબાદમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું.

કાશ્મીર ખીણના ટૂરિસ્ટ-સ્પોટ ગણાતા ગુલમર્ગ અને પહેલગામ સહિતના કેટલાક વિસ્તારોમાં સ્નોફૉલ થયો છે અને લઘુતમ તાપમાનમાં અમુક ડિગ્રીનો વધારો થતાં વાતાવરણ સરખામણીમાં થોડું વધારે હૂંફાળું બન્યું છે. ગુલમર્ગમાં એક સેન્ટિમીટર જેટલો સ્નોફૉલ અને ૭.૬ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે પહેલાંની સરખામણીમાં તાપમાન વધ્યું હોવા છતાં અનેક જગ્યાએ હજી પણ શૂન્યથી નીચે માઇનસમાં તાપમાન છે. આજથી કાશ્મીરની ખીણમાં આગામી ૪૦ દિવસ સુધી ભારે ઠંડીનો ‘ચિલ્લઇ કાલન’ તરીકે ઓળખાતો સમયગાળો શરૂ થઈ રહ્યો છે.

જોકે ઉત્તર પ્રદેશમાં હજી પણ ભારે ઠંડી પડી રહી છે જેને કારણે છેલ્લા ત્રણ દિવસમાં ઠંડીમાં  ઠૂંઠવાઇને ૬૫ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હોવાની માહિતી મળી છે. આ મૃત્યુ પામેલી વ્યક્તિઓમાં મોટા ભાગની વ્યક્તિઓ ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી અને તેમની પાસે ઠંડીથી બચવા માટે ઊનનાં કોઈ વસ્ત્રો નહોતાં. ઉત્તર પ્રદેશમાં ભારે ધુમ્મસને કારણે રેલ-સર્વિસ, ઍર-સર્વિસ અને રસ્તા પરના વાહનવ્યવહાર પર અવળી અસર પડી છે. આ ઠંડીથી સ્કૂલનાં બાળકોને બચાવવા આઠમા ધોરણ સુધી બધા ક્લાસ બંધ કરી દઈને બાળકોને રજા આપવાનો સત્તાવાર આદેશ આપી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં ગઈ કાલે સવારે લઘુતમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હતું.

ઉત્તર પ્રદેશની જેમ જ બિહારમાં પણ ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા નથી મળ્યો. ગઈ કાલે સતત પાંચમા દિવસે બિહારમાં ભારે ઠંડી અનુભવાઈ હતી અને ધુમ્મસને કારણે દિવસ દરમ્યાન સૂરજ નહોતો દેખાયો. અહીં પણ રાજ્ય સરકારે ઠંડીને કારણે ૨૫ ડિસેમ્બર સુધી બધી સ્કૂલો બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે.

ઠંડી ઘટી, પવન વધ્યો : સરવાળે બધું એકનું એક

ગુજરાતમાં ગઈ કાલે મિનિમમ ટેમ્પરેચર ઊંચું આવ્યું હતું, પણ મૅક્સિમમ ટેમ્પરેચર ઘટતાં અને આખો દિવસ પવન રહેતાં ઠંડીમાં ઘટાડો થયાનો કોઈ અનુભવ નહોતો થયો. ગુજરાત હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે આવતા ૪૮ કલાકમાં ફરીથી ઠંડી પડવાનું શરૂ થશે અને શુક્રવારથી ગુજરાતમાં કોલ્ડ વેવ ફરી એક વાર શરૂ થશે.

ગુજરાતમાં સૌથી ઠંડું શહેર ગઈ કાલે નલિયા રહ્યું હતું. નલિયામાં મિનિમમ ટેમ્પરેચર ૮.૪ ડિગ્રી રહ્યું હતું જ્યારે માંડવીમાં ૧૦.૧, ડીસામાં ૧૦.૭, ગાંધીનગરમાં ૧૦.૮, અમરેલીમાં ૧૧.૨, પોરબંદરમાં ૧૧.૩, અમદાવાદમાં ૧૧.૭, રાજકોટમાં ૧૨, વલ્લભવિદ્યાનગરમાં ૧૨.૪, ભુજમાં ૧૨.૯, વડોદરામાં ૧૩.૯ અને સુરતમાં ૧૬.૭ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું હતું. ગઈ કાલે ગુજરાતમાં પવનની ઍવરેજ ગતિ ૨૭.૯ કિલોમીટરની રહી હતી, જે સામાન્ય રીતે ૧૮.૫ કિલોમીટર હોય છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK