ઇસ મુસ્કુરાહટ કે પીછે ક્યા હૈ?

Published: 20th October, 2011 19:17 IST

ઘણી વાર વધુપડતી ખુશ દેખાતી ને હસતી વ્યક્તિ અંદરથી દુ:ખી હોય છે અને પોતાનું દુ:ખ છુપાવવા માટે દંભનું મહોરું ચડાવી લે છે. આવી વ્યક્તિ ક્યારેક આત્મહત્યા પણ કરે છે(ગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી)

હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું
રડી શકતો નથી એનું મને દુ:ખ છે, દુ:ખી છું હું
દબાવીને હું બેઠો છું કારમા જખમો
ગમે ત્યારે ફાટી જાઉં એ જ્વાળામુખી છું હું


ઘણા લોકો દુ:ખી હોવા છતાં હસતા રહે છે. પોતાનાં દુ:ખ વિશે કોઈને જાણ થવા દેતા નથી. મુસ્કુરાહટની આડશમાં ઉદાસીને છુપાવી દે છે, પણ તેઓ અંદરખાને મૂંઝાતા રહે છે. ઘણી વાર ડિપ્રેશન ઘેરી વળે ત્યારે પણ આવા લોકો કળાવા દેતા નથી. થોડા મહિના પહેલાં ૩૧ વર્ષની નિધિએ પોતાનાં બે બાળકો સાથે આત્મહત્યા કરી લીધી. તેના વિશે જ વાત કરીએ તો ભણેલીગણેલી સારા ઘરની સુખી અને હંમેશાં ખુશ જણાતી જૉલી નૅચરની દેખાતી નિધિ અંદરખાને કેટલી ડિપ્રેસ્ડ હશે કે આવું અઘટિત અંતિમ પગલું ભરી લીધું. ઘરના લોકોને ખ્યાલ પણ ન આવ્યો કે તે એટલી બધી ડિપ્રેસ્ડ છે.

ચેહરે પે મહોરા

ડિપ્રેસ્ડ વ્યક્તિ હંમેશાં વધારે ખુશ રહેવાની કોશિશ કરે છે અને ટોળામાં રહે છે. તે લોકો સાથે હળવાભળવાની કોશિશ કરે છે. ચહેરા પર ખુશીનું માસ્ક ચડાવીને રહેતા લોકોના ડિપ્રેશનનો કે તેની આત્મઘાતી વૃત્તિનો ખ્યાલ ક્યાંથી આવે? પણ જો ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવશે કે જે લોકો લો ફેઝમાંથી ગુજરી રહ્યા હોય તેઓ ઓવરડ્રેસિંગ કરશે. કોઈક નાનકડા સાદા પ્રસંગ માટે કે કોઈક કામ માટે કરાતા પ્રવાસ માટે પણ વધુપડતા કીમતી કે ચમકદમકવાળાં કપડાં પહેરી લેશે. પોતાને ખુશ અને સરસ દેખાવા માટે તેઓ ઘણો પ્રયત્ન કરે છે. આ ઓવરડ્રેસિંગ સાથે વધારેપડતા ખુશ થવાનો દેખાવ, વધુપડતી મજાકમશ્કરી અને ઇમ્પલસિવ શૉપિંગ જેવી બાબતો તમને કોઈ વ્યક્તિમાં ખાસ કરીને તમારા પ્રિયજન, મિત્રોમાં દેખાય તો ચેતી જજો અને તેને યોગ્ય માર્ગદર્શન આપજો.

ખુશ, પણ ચીડચીડિયું

નિધિના કે એ જ અરસામાં બીજા કેસોમાં બન્યું એવું આપણા જ કોઈ પરિવારજન કે પ્રિયજન સાથે ન બને એ માટે અલર્ટ રહેવું જરૂરી છે. તમે ખાસ જોજો કે ડિપ્રેસ્ડ વ્યક્તિ નાની-નાની બાબતોમાં ચિડાઈ જાય છે, પણ પછી થોડી જ વારમાં તે એ બાબતોને હસવામાં ટાળી દે છે. આવા લોકો પોતાના ચીડચીડિયાપણાને હંમેશાં જસ્ટિફાઈ કરતા હોય છે. ઘડીકમાં ગુસ્સે થતા આવા લોકો ઘડીકમાં હળવા પણ થઈ જતા હોય છે એટલે સગાં-સંબંધી, પરિવારજનો કે મિત્રોના ધ્યાનમાં તેનો પ્રૉબ્લેમ જલદી આવતો નથી.

મદદનો હાથ

આવા લોકો સ્વજન કે મિત્રના મુશ્કેલ સમયમાં મદદનો હાથ લંબાવવાનું ચૂકતા નથી. ઘણી બહિમુર્ખ વ્યક્તિઓ મુશ્કેલીના સમયે મિત્રોને વફાદાર રહીને મદદ કરવા તૈયાર રહે છે. કોઈની મુશ્કેલીના સમયે સાથે રહેવું સામાન્ય બાબત છે, પરંતુ વાત જ્યારે ડિપ્રેશનની હોય ત્યારે મદદનું પ્રમાણ વિષમ હોય છે એટલે કે તેને ક્યારે કેટલી મદદની જરૂર છે એ સમજવું અઘરું હોય છે. જો તે વ્યક્તિના છૂટાછેડા થયા હોય અને એને કારણે ડિપ્રેશન હોય તો સ્વજન કે મિત્રોએ થોડા દિવસો સુધી તે તેનાં દુ:ખ કે ડિપ્રેશનમાંથી બહાર નીકળી જાય ત્યાં સુધી સતત તેને સાથ આપવો જોઈએ. એ માટે ઑફિસમાં થોડા દિવસ રજા લેવાની જરૂર પડે તો એમ પણ કરવું જોઈએ. આવી વ્યક્તિને સાજા કરવા માટે તેના સ્વજનો, મિત્રોએ પોતાને જે યોગ્ય લાગતું હોય એ કરવા ઉપરાંત તેને યોગ્ય ડૉક્ટરની સારવાર અપાવવી જોઈએ. કદાચ તે સારવાર માટે આનાકાની કરે તો પણ દબાણપૂર્વક તેને ડૉક્ટર પાસે લઈ જવી અનિવાર્ય છે. આને કારણે ડિપ્રેસ્ડ વ્યક્તિ થોડો સમય પોતાના પ્રૉબ્લેમ્સથી દૂર જશે અને હંગામી ધોરણે પણ પોતાની જિંદગી પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણથી વિચારશે.

બૉટલ ફ્રેન્ડ્લી

જ્યારે વ્યક્તિ લો ફીલ કરતી હોય ત્યારે પાર્ટી કરે કે ડ્રિન્ક લે એ બહુ જ સામાન્ય બાબત છે. વાસ્તવમાં તેઓ ખુશ રહેવાની, હસવાની તક શોધતા હોય છે. તે લોકો જોક કરે છે અને વચમાં-વચમાં ‘આ જિંદગી બહુ આકરી છે’ જેવી વાતો કરે છે તો ઘણી વાર મિત્રોને અલ્ટિમેટમ આપે છે કે ‘તમે લોકો મને ઘડી-ઘડી ફોન નહીં કરતા.’ તે લોકો પાર્ટીમાં મોડે સુધી રહે છે અને એ રાતના ડ્રિન્કિંગ પછીના દિવસે તેમને ગુસ્સો અને ઉદાસી ઘેરી વળે છે.

બદલાવ પણ આવે

જ્યારે હંમેશાં એફિશિયન્ટ વ્યક્તિ અનિયમિત થઈ જાય, ડેડલાઇન મિસ કરવા માંડે તો આ રેડ સિગ્નલ છે અને અનિયમિતતાનાં કારણોમાં તેઓ ગાંડાં જેવાં બહાનાં બતાવે છે. ઘણી વાર આના માટે પોતાના પ્રિયજનોને દોષી ગણાવે છે. ઘણા લોકો ઇન્ટરનેટ પર લાંબો સમય ગાળે છે. તે લોકો રાતના જાગવા માટે અને પોતાના પ્રૉબ્લેમ પરથી ધ્યાન હટાવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. એક મેડિકલ પ્રોફેશનલ ડિપ્રેસ્ડ હતી અને આત્મઘાતી વિચારો તેને હંમેશાં આવ્યા કરતા હતા, પણ તે સતત પોતાના કામમાં ડૂબેલી રહેતી હતી. તે હંમેશાં કહેતી ‘ડ્યુટી ઇઝ ડ્યુટી,’ પણ અવારનવાર ઉદાસ થઈ જતી. ટ્રીટમેન્ટ માટે ના

પાડતી હતી. પછી સ્વજનો અને મિત્રોએ તેને ર્ફોસફુલી સારવાર લેવા માટે તૈયાર કરી. આજે યોગ્ય સારવાર પછી તે ફિટ ઍન્ડ ફાઇન છે. આ જ રીતે કેટલાક ડિપ્રેસ્ડ લોકો પોતાની જાતને કામમાં એટલાબધા ડુબાડી દે છે બીજાને ખ્યાલ જ ન આવે કે તેનામાં કંઈક ખૂટે છે.
Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK