Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: નાના જ્વેલરોમાં ફફડાટ

મુંબઈ: નાના જ્વેલરોમાં ફફડાટ

30 December, 2018 11:08 AM IST |
રોહિત પરીખ

મુંબઈ: નાના જ્વેલરોમાં ફફડાટ

વિનોદ જૈન

વિનોદ જૈન


બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા 28 ડિસેમ્બરે એક નોટિસ જાહેર કરવામાં આવી છે જે મુજબ હવેથી હૉલમાર્ક ધરાવતી ગોલ્ડ જ્વેલરીનો સ્ટૉક અને એ માટેની જાહેરાત ફ્ક્ત જે જ્વેલર પાસે હૉલમાર્ક ધરાવતા દાગીનાના વેચાણનું લાઇસન્સ હશે એ જ્વેલરો જ કરી શકશે. આ કાયદાનું પાલન ન કરી શકનારા જ્વેલરોની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જ તેમની પાસે રહેલો હૉલમાર્ક જ્વેલરીનો સ્ટૉક જપ્ત કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી BIS ઍક્ટ 2016 અને BIS હૉલમાર્કિંગ રેગ્યુલેશન્સ, ૨૦૧૮ અંતર્ગત સોના-ચાંદીની જ્વેલરી પર હૉલમાર્કને ફરજિયાત કરવા માટે કટિબદ્ધ બની છે, પણ એનો હજી સુધી અમલ શક્ય બન્યો નથી. આ દરમ્યાન 28 ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલી નોટિસથી જ્વેલરોમાં ભારે ગભરાટ ફેલાયો છે. BISની 28 ડિસેમ્બરની નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ જ્વેલરો તેમની દુકાનોમાં લાઇસન્સ વગર હૉલમાર્કવાળાં સોનાનાં ઘરેણાં વેચવા માટે રાખશે તો એવી દુકાનોમાં દરોડા પાડીને તેની પાસે સ્ટૉકમાં રાખવામાં આવેલાં સોનાનાં ઘરેણાં જપ્ત કરવામાં આવશે.



આ કાયદાનો અમલ ન કરનાર વ્યક્તિ સામે BIS ઍક્ટ હેઠળ ઓછામાં ઓછો એક લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષથી વધુ જેલની સજા કરવામાં આવશે. દંડની રકમ એક લાખથી વધીને તેની પાસે સ્ટૉકમાં રહેલાં સ્ટાન્ડર્ડ માર્ક કે હૉલમાર્કવાળાં ઘરેણાં કે વેચાયેલાં ઘરેણાં કે વેચવા માટેનાં ઘરેણાંની કિંમતથી પાંચગણો દંડ વસૂલ થઈ શકે છે.


BIS તરફથી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ‘જેમની પાસે હૉલમાર્કનું લાઇસન્સ નથી એવા દુકાનદારો અને જ્વેલરોએ BISનો હૉલમાર્કનો લોગો કે જ્વેલરી-ટૅગનો તરત જ અમલમાં આવી રીતે ઉપયોગ કરવાનું બંધ કરે. એટલું જ નહીં, આ બાબતનું તેમની દુકાનો પર બોર્ડ લગાડવાનું કે પૅકિંગ મટીરિયલ પર લગાડવાનું બંધ કરી દે.

મુંબઈના જ્વેલરોએ BISના આ કાયદાને આવકાર આપ્યો છે. જોકે આ કાયદાનું અમલીકરણ કરવા કરતાં પહેલાં કેન્દ્ર સરકારે હૉલમાર્કના કાયદાને ફરજિયાત કરવાની જરૂરિયાત છે. જ્વેલરોનો દાવો છે કે આજના યુગમાં દુકાનદારો પણ હૉલમાર્કને જ મહત્તા આપીને દુકાનોમાં કે શોરૂમમાં હૉલમાર્કવાળાં જ ઘરેણાં વેચી રહ્યા છે, પરંતુ તેમના પર લાઇસન્સ-પ્રથા ઠોકવી યોગ્ય નથી. લાઇસન્સની ફી ખૂબ જ વધારે હોવાથી ઘણા દુકાનદારોને એ ફી પરવડતી નથી. બધા જ નાના દુકાનદારો હૉલમાર્કનાં ઘરેણાં સ્ટૉક કરવા માટે લાઇસન્સ-ફી ખર્ચે એના કરતાં BISએ આ કાયદો હૉલમાર્કવાળાં ઘરેણાં મૅન્યુફૅક્ચર કરી રહેલા મૅન્યુફૅક્ચરરો માટે જ રાખવો જોઈએ.


પહેલાં હૉલમાર્કનાં સેન્ટરો સ્થાપો

BISએ નવો કાયદો જાહેર કરતાં પહેલાં હૉલમાર્ક સેન્ટરોને વ્યવસ્થિત કરવાની જરૂર છે. આજે રોજનાં પાંચ લાખ ઘરેણાં હૉલમાર્ક માટે જાય છે, પરંતુ અત્યારનાં સેન્ટરો આ કાર્યને સમયસર પૂરું કરી શકતાં નથી. દેશમાં હૉલમાર્કને ફરજિયાત કરતાં પહેલાં દરેક શહેર, જિલ્લો, ગામડાની નજીકમાં હૉલમાર્ક સેન્ટરો સરકારે ઊભાં કરવાની જરૂર છે. આજના સમયે ગામડાંઓ અને અનેક જિલ્લાઓએ શહેરનાં હૉલમાર્ક સેન્ટરો પર નભવું પડે છે. સેન્ટરમાં હૉલમાર્ક માટે મોકલવામાં આવતાં ઘરેણાંનો ઇન્શ્યૉરન્સ લેવો પડે છે જેનો ખર્ચ હૉલમાર્કના ચાર્જ કરતાં પણ ઘણો વધારે થતો હોવાથી જ્વેલરોને અસુવિધા થતી હોય છે.

- કુમાર જૈન, વાઇસ પ્રેસિડન્ટ, શ્રી મુંબઈ જ્વેલર્સ અસોસિએશન

લાઇસન્સરાજ આવશે

BIS દ્વારા પ્રદાન કરવામાં આવેલા અવ્યાવહારિક નિયમો માટે ઘણી વખત સંપર્ક કરવામાં આવ્યો છે. હૉલમાર્કિંગ હજી પણ સ્વૈચ્છિક છે અને મોટા ભાગની જ્વેલરી માર્કેટમાં હૉલમાર્ક થયેલી આવે છે. ઉદ્યોગ અને ગ્રાહકોને હૉલમાર્કિંગથી લાભ થયો છે. કોઈ જ્વેલર લાઇસન્સ વગર તેની દુકાનમાંથી હૉલમાર્ક કરેલી ચીજો વેચતો હોય તો તેની સામે BISને વાંધો ન હોવો જોઈએ. આજે અનેક જ્વેલરો BIS સાથે રજિસ્ટર્ડ થયેલા નથી. દંડાત્મક કાર્યવાહી હળવી કરવાની જરૂર છે. અત્યારે જાહેર થયેલી દંડાત્મક કાર્યવાહી ફરીથી એક વાર લાઇસન્સરાજને આમંત્રણ આપી રહી છે એવી ગંધ આવી રહી છે જે જ્વેલરો માટે આપત્તિજનક બનશે.

- અશોક મીનાવાલા, પાર્ટનર, દાનાભાઈ જ્વેલર્સ

હૉલમાર્ક માટે જાગરૂકતા ફેલાવો

સૌપ્રથમ તો સરકારે BIS હૉલમાર્કને હજી ફરજિયાત બનાવ્યું નથી જે શક્ય એટલી વહેલી તકે ફરજિયાત બનાવવામાં આવશે. અત્યારની સમસ્યા એ છે કે મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં હૉલમાર્ક કેન્દ્રો છે જ નહીં. લાઇસન્સની પહેલાં તો હૉલમાર્ક સેન્ટરો સ્થાપવાની જરૂર છે. BIS હૉલમાર્કવાળાં સોનાનાં ઘરેણાં સ્ટૉક કરવા કે વેચાણ માટે દુકાનદારોએ લાઇસન્સ લેવાના કાયદાથી અને એમાં પણ કાયદાનો અમલ ન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહીનો ઘણો દુરુપયોગ થશે. દંડની રકમ અને સજા મારા મત પ્રમાણે બહુ જ મોટી છે. સરકારે પહેલાં તો દેશભરના ગ્રાહકો અને દુકાનદારોમાં હૉલમાર્ક માટે જાગરૂકતા ફેલાવવી અત્યંત જરૂરી છે. પહેલાં દંડાત્મક કાર્યવાહી ન કરવાથી જ્વેલરો અને ગ્રાહકો બન્નેને ફાયદો થશે.

- વિનોદ જૈન, પ્રમુખ, ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન

આ પણ વાંચો : મુંબઈ પોલીસની ઈમાનદારીને સલામ

હૉલમાર્ક શું છે?

BIS હૉલમાર્ક એ સોના-ચાંદીનાં ઘરેણાંના ધાતુની શુદ્ધતાની નિશાની છે જે મેટલની શુદ્ધતાને પ્રમાણિત કરે છે. હૉલમાર્કથી પ્રમાણિત થાય છે કે ઘરેણાં BISએ નક્કી કરેલાં ધારાધોરણોને સમર્થન આપે છે. કેન્દ્ર સરકાર આ બાબત પર ઘણા સમયથી દેશમાં હૉલમાર્કિંગને અમલમાં મૂકવા વિચારણા કરી રહી છે, પણ હજી સુધી અમલમાં મૂકવામાં આવ્યો નથી.

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2018 11:08 AM IST | | રોહિત પરીખ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK