મુંબઈના નાનાં ઘરોમાં જીવનજરૂરિયાતની ચીજો માંડ સમાવી શકાતી હોય ત્યારે ઘરમાં ઑફિસ જેવી સ્પેસ બનાવવાનો વિચાર લોકોએ ભાગ્યે જ કર્યો હશે, જોકે લૉકડાઉનને કારણે અચાનક જ આકાર લઈ રહેલા વર્ક ફ્રૉમ હોમના કલ્ચરને કારણે હવે ઘરમાં પણ ઑફિસ જેવી કમ્ફર્ટથી કામ કરી શકાય એવી ખાસ જગ્યા તૈયાર કરવી બહુ જ જરૂરી બની ગયું છે. નાનાં ઘરમાં બહુ ભાંગફોડ કર્યા વિના એક અલાયદી ખાસ ઑફિસવર્ક માટેની જ સ્પેસ ક્રીએટ કરવા શું થઈ શકે એના કેટલાક વિકલ્પો વિશે જાણીએ
ભારતમાં વર્ક ફ્રૉમ હોમની સંકલ્પના બહુ પ્રચલિત નહોતી અને હજી પણ કંઈ એક-દોઢ દાયકા સુધી એનું ચલણ વધે એવી સંભાવના પણ નહોતી, પણ ૨૦૨૦માં આવેલા અચાનક ટર્નિંગ પૉઇન્ટે ઘરેથી કામ કરવાનું ચલણ વધારી દીધું. શરૂઆતના દિવસોમાં સ્ટડી-ટેબલના અભાવને કારણે લોકોએ પોતાના પલંગ પર બેસીને અથવા જમીન પર બેસીને જ કામ કર્યું, પણ એક લાંબા અરસા સુધી આવી રીતે કામ કરીને લોકોના શરીરમાં જ્યારે વિવિધ દુખાવાઓ ઘર કરવા લાગ્યા ત્યારે ઘરમાં એક વર્ક-સ્ટેશન હોવું એ મહત્ત્વની જરૂરિયાત બની ગઈ છે. સૌથી મોટો સવાલ જગ્યાનો આવે છે. બધું જ જ્યાં ફિક્સ થયેલું હોય ત્યાં ભણનારા બાળકો માટે સ્ટડી-ટેબલ અને કામ કરનારાઓ માટે વર્ક-સ્ટેશન બનાવવાની જગ્યા ક્યાંથી લાવવી? હાલના ફર્નિચરને ડિસ્ટર્બ કર્યા વિના કેવા નાના-મોટા ફેરફાર દ્વારા કેવી રીતે નાની જગ્યામાં ટેબલ જેવી વ્યવસ્થા ગોઠવી શકાય એના કેટલાક આઇડિયાઝ અમે ઇન્ટીરિયર ડિઝાઇનર પાસેથી જાણીએ.
૧૮ વર્ષનો વ્યાપક અનુભવ ધરાવતા બોરીવલીનાં ઇન્ટીરિયર ડિઝાઇનર અજય શાહ નાના ઘણમાં પણ સરળતાથી બનાવડાવી શકાય એવા વર્ક ફ્રૉમ હોમ માટેના ટેબલના ઑપ્શન્સ વિશે સમજાવતાં કહે છે, ‘માત્ર એક ટેબલ-ખુરશી માટે આખા ઘરના ફર્નિચરને તો ન બદલાય એ સમજી શકાય એવી વાત છે, એથી લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને લોકોના ઘરની શોભા પર આંચ ન આવે એવાં ટેબલ બનાવડાવવાં હોય તો અમુક યુક્તિભર્યા ઘણા વિકલ્પો છે. આજકાલ માર્કેટમાં જે ટેક્નૉલૉજી અને ફિટિંગ્સ ઉપલબ્ધ છે એની આમાં ખૂબ મોટી ભૂમિકા છે. હું માનું છું કે આખા ઘરમાં કોઈક જગ્યા, એકાદ ભીંત, એકાદ ખૂણો એવો હોય છે જ્યાં તમે આ જરૂરિયાત પૂરી કરી શકે એવું અને ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરનાર નવીનતમ ટેક્નૉલૉજીના ઉપયોગથી એક ટેબલ તો બની જ શકે. રિવૉલ્વિંગ ખુરશીની જગ્યા ન હોય તો કોઈ પણ વેલ-પૅડેડ અને આર્મ રેસ્ટવાળી ફોલ્ડિંગ ખુરશી પણ હવે માર્કેટમાં ઉપલબ્ધ છે, જે લાવી શકાય.’
ભીંત પર ફોલ્ડ થઈ જાય એવું ટેબલ
પહેલાંના જમાનામાં લોકો કિચનમાં કે લિવિંગ રૂમમાં એવાં ડાઇનિંગ ટેબલ રાખતા જે ભીંત પર ફોલ્ડ થઈને બેસી જાય, જેમાં ઉપર લાકડાનું ટૉપ અને નીચે પાયો હોય. આની બનાવટ એવી રહેતી કે ટેબલનો જે ભાગ સામે દેખાય એ ભાગ નીચે જતો રહેતો અને અંદરનો ભાગ ઉપર ટૉપ પર દેખાતો એટલે કે ધારો કે એક પુસ્તકને તમે જો ભીંત પર લગાડો છો તો એ ખૂલ્યા પછી જે પૂંઠું સામે દેખાય છે એ નીચે જાય છે અને પૂંઠાની પાછળનો ભાગ એટલે કે ટૉપ ઉપર દેખાય છે. લોકો માને છે આવું હવે સારું ન લાગે, એ સાચી વાત છે પણ આ જ કન્સેપ્ટમાં થોડો બદલાવ લાવી લિવિંગ રૂમમાં કે બેડરૂમમાં એક એવું આધુનિક ટૉપ થઈ શકે જે બૅક પેઇન્ટેડ ગ્લાસનું હોય અને ખોલ્યું ન હોય ત્યારે દીવાલમાં આ બૅક પેઇન્ટેડ ગ્લાસ એક અત્યંત સુંદર ચિત્ર બની રહે છે. કાચને કારણે ઘરની શોભામાં પણ અભિવૃદ્ધિ કરે છે. આમાં ફિટિંગની રચના અને કરામત એવાં હોય છે કે તમને જે ભાગ સામે દેખાય છે એ જ ખોલ્યા પછી ટૉપ બને છે અને મજાની વાત એ છે કે આનો સપોર્ટ એ ફ્રેમમાં જ હોય છે. એથી નીચે કોઈ જ પાયા નથી હોતા અને પગ મૂકવા જગ્યા મળી રહે છે. આમાં વપરાતો કાચ એટલો મજબૂત હોય છે કે એની ઉપર મૂકીને જો તમે કંઈ કાપો, લખવાની અથવા ફુટપટ્ટીથી કાગળ પર લાઇન દોરવાની પ્રવૃત્તિ કરો, લૅપટૉપ મૂકી કામ કરો કે શાક સુધારવા બેસો તો પણ એ દરેક ઘસારાને ખમી શકે છે. કામ પતી જાય પછી સરળતાથી ફરી એને ભીંતમાં ઊંચું કરી શકાય છે અને એ લૉક થઈ જાય છે. આ વસ્તુ ટકાઉ પણ છે. આમાં વપરાતા કાચમાં તમારી પસંદ પ્રમાણેની ડિજિટલ પેઇન્ટની ડિઝાઇન કરાવી શકાય છે સાથે જ તમારા ઘરને અનુરૂપ રંગ પણ કરાવી શકાય છે. જોનારને ધ્યાનમાં પણ નથી આવતું કે આ એક ફોલ્ડિંગ ટેબલ છે.’
ટીવી યુનિટની નીચે ખેંચી શકાય એવી ટ્રે
સામાન્ય રીતે ઘરમાં ટીવીની નીચે એક યુનિટ હોય છે, જેમાં વિવિધ ખાનાંઓ અને ખાંચાઓ હોય છે. જેમના ઘરમાં જગ્યા ન હોય તેઓ લૅપટૉપ મૂકવા ત્યાં જ એક ચૅનલ વાપરી મજબૂત ટ્રે બનાવી શકે છે જે બંધ હોય ત્યારે ખાના જેવું જ દેખાય છે અને બહાર ખેંચો તો એક ટ્રે બની જાય છે. આજકાલ કદાચ મૅચિંગ ફર્નિચરનું લેમિનેટ ન પણ મળે તો પણ થોડા ફરકવાળું લેમિનેટ તો મળી જ રહેશે. આમાં લૅપટૉપને ટી.વી. સાથે પણ કનેક્ટ કરી શકાય અને ટીવીનો ઉપયોગ મૉનિટર તરીકે કરી શકાય. બેડરૂમમાં જો ટીવી અથવા ટીવી યુનિટ હોય તો ત્યાં પણ આવી વ્યવસ્થા કરી શકાય છે.
બારી પાસે પુલ-ડાઉન ટૉપ
ઘણાં ઘરોમાં બારી પાસે એક લાંબો ઓટલો એટલે કે લો સિટિંગ હોય છે. આની લગોલગ જમણી કે ડાબી બાજુની ભીંત પરથી નીચે આવે એવું એક પુલ-ડાઉન ટૉપ કે ફ્લૅપ પણ બનાવી શકાય, જે તમારા ખોળા સુધી આવે. આને નાસ્તો કરવા, લખવા, વાંચવા, શાક સુધારવા, લૅપટૉપ મૂકી કામ કરવા આમ અનેકવિધ ઉપયોગમાં લઈ શકાય. આમાં તમામ ફાયદા એ છે કે એક તો તમારે કોઈ પણ ખુરશીની જરૂર નથી પડતી, ફુટ-રેસ્ટની પણ જરૂર નથી પડતી. પગ નીચે રાખી અથવા પલાંઠી વાળીને અઢેલીને કામ કરી શકાય છે અને બીજું, જો તમે કામ કરતા હો તો કોઈને આ પાટિયું નડતું પણ નથી.
સાઇડ-ટેબલની ઉપર લાકડાનું ટૉપ
બેડરૂમમાં ઘણી વાર જગ્યા હોતી નથી, પણ બનાવી જરૂર શકાય છે. સામાન્ય રીતે બેડરૂમમાં સાઇડ ટેબલ તો હોય જ છે, પણ એની ઊંચાઈ કામ કરવા માટે નાની પડે છે એથી એનાથી થોડે ઉપર એક લાકડાનું ટૉપ બેસાડી શકાય અને એને સુશોભિત કરવા એક બૅક-પેઇન્ટેડ ગ્લાસ પણ મૂકી શકાય છે જેથી અન્ય ફર્નિચર સાથે એ મેળ ખાય.
ડબલ ફોલ્ડ ટેબલ
જેમના ઘરમાં ડાઇનિંગ ટેબલની જગ્યા ન હોય અને બનાવડાવ્યું ન હોય તેઓ એક એવું ટેબલ બનાવડાવી શકે છે જેની બે બાજુ ફોલ્ડિંગ હોય અને ડાઇનિંગ માટે એને ઉપર લઈ શકાય છે. જ્યારે ડાઇનિંગ તરીકે આનો ઉપયોગ ન કરવો હોય તો બે બાજુનાં પ્લાય નીચે ફોલ્ડ થઈ જાય છે અને વચ્ચેનો ભાગ લૅપટૉપ કે કમ્પ્યુટર ટેબલ તરીકે કામ કરે છે. આમાં ખાનાં, લૅપટૉપ ટ્રે બધું બનાવડાવી શકાય છે.
જ્યારે ફિલ્મ ઍન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં જવાનું આમંત્રણ મળ્યું
25th February, 2021 12:17 ISTઆપણા બગીચામાં કચરો કોણ નાખે છે?
25th February, 2021 11:55 ISTતમને ખબર છે કે તમારું દૂરંદેશીપણું પણ તમારા ચક્રને આધીન હોઈ શકે?
25th February, 2021 11:42 ISTઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ જોઈને શું તમને આવા સવાલો થાય છે?
25th February, 2021 11:20 IST