રોજ માત્ર છ કલાક ઊંઘીએ તોય લાઇફના પચીસ ટકા ઊંઘવામાં જ વિતાવ્યા ગણાય

Published: 2nd November, 2012 06:12 IST

સમય મફતમાં મળે છે એટલે એનું મૂલ્ય આપણને નથી સમજાતું. જો દરેક સેકન્ડદીઠ એનો ચાર્જ ચૂકવવો પડતો હોત તો આપણે આટલો બધો વેસ્ટેજ ઑફ ટાઇમ ન કર્યો હોતફ્રાઇડે-ફલક - રોહિત શાહ

એક દિવસના ચોવીસ કલાક હોય છે. એક કલાકની ૬૦ મિનિટ હોય છે. એક મિનિટની ૬૦ સેકન્ડ્સ હોય છે. એનો અર્થ એ થયો કે આપણા ટોટલ આયખા દરમ્યાન આપણને દરરોજ ૮૬,૪૦૦ સેકન્ડ્સ મળતી રહે છે.

એક ધનવાન માણસ બીમાર પડ્યો અને લોકો કહે છે એમ યમદૂત તેનો જીવ લેવા આવ્યા. પેલા ધનવાન માણસે યમદૂતને કહ્યું કે ‘મારે મારી વાઇફને એક ખાનગી વાત છેલ્લે-છેલ્લે કહી દેવી છે. તમે મને માત્ર દસ સેકન્ડ જેટલો સમય આપો. એના બદલામાં હું તમને દસ કરોડ રૂપિયા આપીશ.’

પણ યમદૂત બોલ્યા, ‘ઇમ્પોસિબલ, તમને દસ સેકન્ડ તો શું, એક સેકન્ડ પણ ન આપી શકાય.’ ધનવાનને સમજાયું કે એક કરોડ રૂપિયાની કિંમત ચૂકવીનેય એક પળ ખરીદી શકાતી નથી!

આપણે વાત કરતા હતા કે આપણને દરરોજ ૮૬,૪૦૦ સેકન્ડ્સ મળે છે, તદ્દન મફત! જેને આટલી કીમતી પળો સતત મળ્યાં કરતી હોય એવો માણસ ગરીબ કેમ ગણાય?

એક કલાક એટલે માત્ર ૬૦ મિનિટ? ના. પ્રેમિકાએ મળવાનો વાયદો કરેલો હોય અને પ્રેમી તેની રાહ જોતો બેઠો હોય...  પ્રેમિકા એક કલાક મોડી આવે ત્યારે પ્રેમીહૃદયે કેટલા ધબકારા અને કેટલા નિસાસા ચૂકવ્યા હોય એ તો પ્રેમી જ જાણેને. પ્રિય વ્યક્તિ પંક્ચ્યુઅલ હોય અને તેને કોઈ કારણસર આવવામાં એક કલાકનો વિલંબ થાય, ત્યારે તેના માટે કેટકેટલા તર્ક-વિચાર આપણને ઘેરી વળે છે! સ્કૂલબસ મોડી પડે અને પ્રાઇમરીમાં ભણતું સંતાન એક કલાક મોડું આવે, ત્યારે એ એક કલાક માત્ર ૬૦ મિનિટનો જ નથી હોતો.

તમારે બસ કે ટ્રેનમાં પ્રવાસ કરવાનો હોય, ટિકિટોનું રિઝર્વેશન કન્ફર્મ થઈ ગયેલું હોય. તમે સ્ટેશન પર એક જ  મિનિટ મોડા પહોંચ્યા હોવ, ત્યારે તમને એ એક મિનિટ માત્ર ૬૦ સેકન્ડ્સની જ નહીં લાગે. કેટકેટલો રઘવાટ અને  ઉચાટ કરીને સ્ટેશને પહોંચ્યા... માત્ર એક જ મિનિટ મોડું થયું... ટ્રેન ઊપડી ગઈ...

કલાક અને મિનિટની વાત છોડો, માત્ર સેકન્ડની વાત કરીએ. કોઈ જગ્યાએ દોડવાની સ્પર્ધા ચાલી રહી હોય ત્યારે પ્રથમ ક્રમે આવેલા પ્લેયર અને દ્વિતીય ક્રમે આવેલા પ્લેયર વચ્ચે માંડ એક સેકન્ડનો ડિફરન્સ હોય છે. એક સેકન્ડનું મહત્વ કેટલું છે એની ખબર દોડવાની સ્પર્ધા હારી ગયેલા પ્લેયરને હોય છે. એ એક જ સેકન્ડ લાઇફટાઇમ તેના દિલને દઝાડતી રહે છે. એક ક્ષણ એવી પણ હોઈ શકે, જે આપણને મહાન અચીવમેન્ટ આપે અને એક ક્ષણ એવી પણ હોય, જે આપણી લાઇફને પીડાથી તરબોળ કરી મૂકે!

માણસ દરરોજ માત્ર છ કલાક નિદ્રામાં ગાળે તો પણ તેનું પચીસ ટકા આયખું ઊંઘવામાં વીત્યું ગણાય! કેટલાક કુંભકર્ણો તો સાત કલાકથી દસ કલાક સુધી નિરાંતે ઘોરતા રહે છે. જે માણસનું આયુષ્ય એકસો વર્ષનું હોય અને તે માણસ ઍવરેજ આઠ કલાક દરરોજ ઊંઘ્યો હોય તો પણ તેનાં ૩૩.૩૩ વર્ષ તો નિદ્રામાં જ વીત્યાં ગણાય.

જે માણસ પાસે ખૂબ કામ હોય છે અથવા તો જે લોકો કામગરા હોય છે, એવા કેટલાક લોકોને સમયની શૉર્ટેજ ઊભી થાય છે. તેમણે ઉજાગરા વેઠીને કામ કરવું પડે છે. નિદ્રા અને આરામના ભોગે કામ કરવું ક્યારેક જોખમી પુરવાર થાય છે. માણસે નિયમિત રૂપે છ કલાકની નિદ્રા અચૂક લેવી જોઈએ. એના કરતાં ઓછી નિદ્રા લેનારની તબિયત બગડે છે. પાછલી  જિંદગીમાં તેણે ખૂબ હેરાન થવું પડે છે, પરંતુ છ કલાકથી વધુ સમય ઘોરનારા પ્રમાદી-એદી લોકોને તો અનેક પ્રકારનાં નુકસાન થતાં હોય છે. સમયની કરકસર કરવી, સમયની ફાળવણી કરવી, કાર્યની પ્રાયૉરિટી નક્કી કરવી એ બધું આયોજન કરતાં શીખવું જોઈએ. ક્યારે અટકવું અને ક્યાં અટકવું એ નક્કી કરવાનું માણસને આવડવું જોઈએ.

જે ચીજ આપણને વિનામૂલ્યે મળી ગઈ હોય છે, એનું મૂલ્ય આપણને સમજાતું નથી. શ્વાસ માટે શુદ્ધ હવા મફતમાં મળે છે એટલે આપણે એમાં અનેક પ્રકારનાં પ્રદૂષણો ભેળવતાં રહીએ છીએ. જે ક્ષણે શ્વાસ રૂંધાય કે ગૂંગળામણ થાય ત્યારે એક શુદ્ધ શ્વાસ શું છે એ આપણને સમજાય છે. પાણી આપણને મફત મળે છે એટલે આપણે નિરાંતે એનો બગાડ કરતા રહીએ છીએ. ‘જલ હૈ તો કલ હૈ’ આ વાત આપણને પાણીનો વેસ્ટેજ કરતી વખતે ક્યાં યાદ જ રહે છે? સૂર્યનો પ્રકાશ, ચંદ્રની ચાંદની, ફૂલોની ખુશબૂ, પંખીઓનો કલરવ, મેઘધનુષ્યના રંગો, આકાશની વિશાળતા, સાગરની ગહનતા અને ઝરણાનો મધુર રવ - આ બધું આપણને વિનામૂલ્યે મળ્યું છે એટલે એની આપણને કદર નથી. શરાબની એક બૉટલની કિંમત આપણે ચૂકવી હોય છે એટલે એનો બગાડ નથી કરતા, પણ પાણી ગમેએમ વેડફીએ છીએ. કોઈ પ્રસંગે સામૂહિક ભોજન વખતે ભોજનની થાળીમાં થતો બગાડ જોઈએ ત્યારે આપણી અણઘડતા અને આપણી જડતા પ્રત્યે આપણને ઘૃણા કેમ નથી થતી? એક તરફ અન્નને આપણે દેવ કહીએ છીએ, તો એ દેવને ગટરમાં ધકેલવાનું પાપ કરતી વખતે આપણો આત્મા કેમ બંડ નથી પોકારતો?

આપણે મૂળ વાત તો સમયની કરતા હતા. સમય પણ આપણને મફતમાં મળેલો છે એટલે એનું મહત્વ આપણે સમજી શકતા નથી. કલાકોના કલાકો સુધી માત્ર ગપ્પાં મારવામાં વેડફેલો સમય આપણને વિકાસ સુધી પહોંચવા દેતો નથી. સમયનો સદુપયોગ કરનાર કોઈ વ્યક્તિ કદી નિષ્ફળ જતી નથી.

સૌથી મોટો ભ્રષ્ટાચારી

મને હંમેશાં એક ફરિયાદ રહી છે કે જે માણસ ખૂબ કામ કરે છે અને ભરપૂર પ્રવૃત્તિમાં રહે છે તેને પણ કુદરત માત્ર ૨૪ કલાકનો જ દિવસ આપે છે અને જે માણસ કશું જ કામ કરતો નથી, તેને પણ કુદરત ચોવીસ કલાકનો જ દિવસ આપે છે. આ અન્યાય ન કહેવાય? એક માણસનો પ્રૉબ્લેમ એ છે કે સમય કેવી રીતે મેળવું અને બીજા માણસનો પ્રૉબ્લેમ એ છે કે હું સમય કેમ કરીને પસાર કરું? આપણે શારીરિક રીતે અક્ષમ હોઈએ, કોઈ કામ કરવા માટે સમર્થ ન હોઈએ, બીમાર હોઈએ ત્યારની વાત નથી. બધી જ અનુકૂળતાઓ હોવા છતાં આપણે સમય વેડફતાં રહેતા હોઈએ ત્યારની વાત છે. સમયનો ભ્રષ્ટ બગાડ કરનારને કેમ કોઈ ભ્રષ્ટાચારી નથી કહેતું? જે માણસ પોતાના જ આયુષ્યની મહામૂલી પળો વેડફતો હોય એનાથી મોટો ભ્રષ્ટાચારી વળી બીજો કોણ હોય?

સ્વયં એડિટર બનીએ!

ટીવી પર દસ સેકન્ડ્સની કોઈ જાહેરખબર આવે એ ધ્યાનથી જોજો. દસ સેકન્ડ્સમાં એ કેટકેટલું કહી નાખે છે! કેટલા બધા શૉટ્સનું એડિટિંગ કરીને એ નાનકડી જાહેરાતને ઇફેક્ટિવ બનાવેલી હોય છે! આપણે આપણી લાઇફના એડિટર સ્વયં બનીને, આપણી લાઇફને પાવરફુલ, ઇફેક્ટિવ અને પ્રોગ્રેસિવ કેમ ન બનાવી શકીએ? જે સમય આપણે વેડફી રહ્યા છીએ એ જ સમય પછી આપણા પગ ખેંચી રાખશે, આપણને આગળ વધતાં અટકાવશે. જે સમયનો આપણે સદુપયોગ કરીશુ એ સમય ભવિષ્યમાં આપણી પીઠ થાબડશે!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK