સિરિયામાં ગૃહયુદ્ધમાં ૩૫ હજારનાં મોત

Published: 25th October, 2012 05:11 IST

સિરિયામાં માર્ચ, ૨૦૧૧થી ચાલી રહેલા ગૃહયુદ્ધમાં અત્યાર સુધી ૩૫,૦૦૦થી વધારે લોકોનાં મોત થયાં છે, જેમાં મોટા ભાગના નાગરિકો છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાએ આ આંકડો આપ્યો હતો.

સિરિયાના પ્રમુખ બશર અલ-અસદ વિરુદ્ધ શરૂ થયેલું હિંસક આંદોલન ગૃહયુદ્ધમાં પરિણમ્યું હતું. માનવ અધિકાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે આ યુદ્ધમાં અંદાજે ૨૪,૯૬૪ જેટલા નાગરિકોનાં મોત થયાં છે. સિરિયામાં અનેક શહેરોમાં સંખ્યાબંધ લાશો તો એવી મળી આવી છે, જેની ઓળખ સુધ્ધાં થઈ શકી નથી. એટલું જ નહીં, ગુમ થઈ ગયેલા લોકોની સંખ્યા પણ હજારોએ પહોંચી ગઈ છે, ગુમ થયેલાઓમાં અનેકની સૈન્ય દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું કે પછી તેમની હત્યા થઈ હોવાનું માનવામાં આવે છે.

ગત વર્ષે સિરિયામાં સુધારાઓ લાગુ કરવાની માગણી સામે પ્રમુખ અસદ સામે આંદોલન શરૂ થયું હતું. જોતજોતામાં આ આંદોલન હિંસક બન્યું હતું. એ પછી અસદ વિરુદ્ધ રચાયેલાં જૂથોએ સાથે મળીને સિરિયાના સૈન્ય પર હુમલો કરી દીધો હતો. સિરિયામાં બહુમતી સુન્ની મુસ્લિમોની છે પણ દેશ પર શિયા મુસ્લિમોનું વર્ચસ્વ છે. જે લોકોએ અસદ વિરુદ્ધ બળવો પોકાર્યો છે તેમાં સુન્ની મુસ્લિમોની બહુમતી છે. ભારે આંતરરાષ્ટ્રીય દબાણ છતાં પણ સિરિયાના પ્રમુખ અસદે ક્રૂરતાપૂર્વક બળવાખોરોને કચડી રહ્યા છે, જેમાં સંખ્યાબંધ નિર્દોષ લોકોનો પણ ભોગ લેવાઈ રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK