મિડ-ડે ઈમ્પેક્ટ : આજથી મુલુંડના સ્મશાન માટે સિગ્નેચર કૅમ્પેન

Published: 1st November, 2011 19:35 IST

મુલુંડ-વેસ્ટમાં આવેલી સ્મશાનભૂમિની દુર્દશા વિશે મિડ-ડે LOCAL દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશને પગલે ભારતીય જનતા યુવા મોરચાએ સ્મશાનની હાલત સુધારવા માટે હવે કમર કસી છે. આજથી સ્મશાનની હાલત સુધારવા માટે સિગ્નેચર કૅમ્પેન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત નાગરિકો પાસેથી સ્મશાનને વધુ સારું કેવી રીતે બનાવી શકાય એ માટે સલાહસૂચનો મગાવવામાં આવ્યાં છે.

 

 

(સપના દેસાઈ)

સ્મશાનભૂમિની દુર્દશા માટે મિડ-ડે LOCAL દ્વારા  સતત આપવામાં આવી રહેલા અહેવાલ બાદ એની હાલત સુધારવા માટે જાગી ઊઠેલો ભારતીય જનતા યુવા મોરચો આજથી સિગ્નેચર કૅમ્પેન શરૂ કરી રહ્યો છે. એ બાબતે ભારતીય જનતા યુવા મોરચા-ઈશાન મુંબઈના સેક્રેટરી વિરલ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આજથી અમે વેસ્ટમાં સ્ટેશન બહાર દીપક હોટેલની સામે સિગ્નેચર કૅમ્પેન શરૂ કરવાના છીએ. મુલુંડવાસીઓ તેમના જ આ સ્મશાનની હાલત સુધારવા માટે અમને સાથસહકાર આપે એવી અમે આશા રાખીએ છીએ. વધુ ને વધુ લોકો સ્વેચ્છાએ આગળ આવે અને આ ઝુંબેશમાં અમારી સાથે જોડાય, પોતાની સિગ્નેચર આપે અને પબ્લિકની સિગ્નેચર સાથેનો અહેવાલ પછી અમે મુલુંડના ‘ટી’ વૉર્ડનાં અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડૉ. એસ. આર. હસનાલેને સુપરત કરીશું, જેથી કરીને સ્મશાનનું સંચાલન કરતા ટ્રસ્ટની સાથે જ સુધરાઈની આંખો પણ ખૂલે.’

અગાઉ સુધરાઈને અઠવાડિયાની મુદત આપ્યા બાદ સ્મશાનની ગંદકી દૂર કરવા  ગાંધીગીરીનો માર્ગ અપનાવી હાથમાં ઝાડુ લઈને સ્મશાનભૂમિની સફાઈ કરનારા ભારતીય જનતા યુવા મોરચા-ઈશાન મુંબઈના સેક્રેટરી વિરલ શાહે વધુમાં કહ્યું હતું કે ‘અમને મુલુંડવાસીઓની સિગ્નેચર જ નથી જોઈતી, પણ અમને સ્મશાનની હાલત સુધારવા માટે તેમનાં સલાહસૂચનો પણ જોઈએ છે. સ્મશાનમાં શું સુધારાવધારા કરી શકાય, શું કરવું જોઈએ, કોની મદદ લેવી જોઈએ જેવી સલાહ લોકો અમને એસએમએસ દ્વારા મોકલી શકે છે, જેની મદદથી આપણે આપણા જ સ્મશાનની હાલત સુધારી શકીએ.’

શું સમસ્યા છે?

મુલુંડ-વેસ્ટમાં આવેલા એકમાત્ર અને મુલુંડ નાગરિક સભા સંસ્થા દ્વારા સંચાલિત સ્મશાનમાં ચોતરફ ગંદકી તથા ચિતાને બાળવા માટેનાં લાકડાં ચોમાસા દરમ્યાન ઉઘાડાં પડી રહેતાં ભીનાં થઈ જવાથી એને બળવામાં વધુ સમય લાગે છે અને સ્મશાનમાં લાઇટ-પંખા બરાબર ચાલતાં ન હોવાથી નાગરિકોએ હાલાકી વેઠવી પડે છે. બેસવા માટે પ્રૉપર જગ્યા પણ નથી. પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK