Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માત્ર દૃષ્ટિ પૂરતી નથી, દૃષ્ટિકોણ હોવો જોઈએ

માત્ર દૃષ્ટિ પૂરતી નથી, દૃષ્ટિકોણ હોવો જોઈએ

04 January, 2021 05:07 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

માત્ર દૃષ્ટિ પૂરતી નથી, દૃષ્ટિકોણ હોવો જોઈએ

જો દિખતા હૈ વો હૈ નહીં ઔર જો નહીં દિખતા હૈ વો શાયદ હો સકતા હૈ

જો દિખતા હૈ વો હૈ નહીં ઔર જો નહીં દિખતા હૈ વો શાયદ હો સકતા હૈ


આંખે પાટા બાંધીને તમને એક ચીજ આપવામાં આવે અને કહેવામાં આવે કે આ શું છે એ કહી બતાવો તો આપણે પાંચેય ઇન્દ્રિયોને કામે લગાડીને આકાર, કદ, ગંધ, વજન, ટેક્સ્ચર પરથી એ શું હશે એનું અનુમાન લગાવીએ છીએ. પણ જ્યારે એ ચીજ ખૂબબધી મોટી હોય અને એનાં ઓવરઑલ કદ-કાઠીને માપવાનું આપણી ફિઝિકલ ક્ષમતાની બહાર હોય ત્યારે શું થાય? બાળપણમાં તમે પેલી પ્રજ્ઞાચક્ષુ મિત્રો અને હાથીની વાર્તા તો સાંભળી જ હશે. જોઈ ન શકતા ચાર ભાઈબંધો હાથી કેવો હોય એ જાણવા નીકળ્યા. એકે હાથીનો પગ, બીજાએ સૂંઢ, ત્રીજાએ પૂંછડી તો ચોથાએ કાન પકડ્યા. ચારેય જણ પોતે જાયેલા હાથીનું વર્ણન કરવા ભેગા થયા. પગ પકડનારાના મતે હાથી થાંભલા જેવો હતો. સૂંઢ પકડનારા માટે હાથી લાંબો, જાડો અને ફલેક્સિબલ દોરડા જેવો હતો. પૂંછડી પકડનારો આ બન્નેની વાત સાંભળીને હસવા લાગ્યો અને કહે કે પાતળો દોરડી જેવો હાથી તમને થાંભલા જેવો અને જાડો લાગે છે! કાન પકડનારાને આશ્ચર્ય થયું કે સૂપડા જેવો ચપટો હાથી આ બધાને લાંબો થાંભલા જેવો કે દોરડી જેવો કેમનો લાગતો હશે?

મોટા થયા પછી વાર્તા યાદ રહી પણ એનો ભાવાર્થ ભુલાઈ ગયો. આપણે પહેલી જ વારમાં જે કંઈ જોયું કે અનુભવ્યું એનાથી તરત જ એક તારણ પર પહોંચી જવાની આપણી આદત રહી છે. આપણે ભૂલી જઈએ છીએ કે વિશ્વ વૈવિધ્યથી ભરપૂર છે. આપણને જે દેખાય છે અથવા તો સમજાય છે એના કરતાં હકીકત ઘણી જુદી, વિશાળ અને ક્યારેક વિપરીત પણ હોઈ શકે છે.



બ્રહ્માંડના રહસ્યને પામવા મથતા સેંકડો સાયન્ટિસ્ટોએ સદીઓના રિસર્ચ પછી સ્વીકાર્યું છે કે બ્રહ્માંડમાં ખરેખર શું છે એ પાંચ ટકા જ જ્ઞાત છે. બાકીના પંચાણું ટકાને તેમણે પણ ડાર્ક મૅટર એટલે કે જોઈ કે સમજી ન શકાય એવી ચીજ માની છે. સદીઓના રિસર્ચ પછી વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે ૯૫ ટકા ચીજો જોઈ કે સમજી શકાય એવી નથી. માત્ર ચીજની જ વાત શું કામ, માનવ મન અને માનવસંબંધોમાં પણ એવું જ છે. મેડિકલ સાયન્ટિસ્ટોનું માનવું છે કે ઍવરેજ  માણસ પોતાના મગજની કુલ ક્ષમતાના ૧ ટકા જેટલો જ ઉપયોગ કરી શક્યો છે.


એમ છતાં આપણે જીવન જીવીએ ત્યારે તો એવો ફાંકો રાખીએ છીએ કે મેં જે જોયું એ સાચું, મને જે દેખાયું એ જ સાચું, મને જે અનુભવાયું એ જ સાચું. અઠવાડિયાની ઓળખાણમાં સામેવાળી વ્યક્તિને જાણે પૂરેપૂરી જાણી લીધી છે એવા કેફમાં આવી જઈએ છીએ. કોઈ મા તેના બાળકને લાફો મારતી દેખાય એટલે આપણે તેને ક્રૂર અને લાગણીહીનનું લેબલ લગાવવામાં પળવારનોય વિલંબ નથી કરતા. ‘હું સાચો છું’, ‘મને જે દેખાયું એ સાચું’, ‘મેં જે સાંભળ્યું એ સાચું’ એમ આપણે માનતા હોઈએ છીએ. આવો આત્મવિશ્વાસ હોવો સારી વાત છે, પરંતુ તકલીફ ત્યારે ઊભી થાય છે જ્યારે તમે એવું પણ માનવા લાગો છો કે ‘મેં જે જોયું કે સાંભળ્યું એ જ સાચું, એના સિવાય બીજું કંઈ જ નહીં.’

પહેલી જ નજરે સામે જે દેખાય, સંભળાય કે અનુભવાય એને જ સંપૂર્ણ સત્ય માની લેવામાં જોખમ છે. સત્યને સમજવા માટે માત્ર દૃષ્ટિ પૂરતી નથી, યોગ્ય દૃષ્ટિકોણની આવશક્યતા છે. દૃષ્ટિકોણ ત્યારે જ બંધાય જ્યારે એમાં થ્રી-ડી વિઝન હોય. થ્રી-ડી વિઝન ત્યારે જ આવે જ્યારે અંગત અનુભવ, અંગત દૃષ્ટિ ઉપરાંત બીજા લોકોના પરિપ્રેક્ષ્યને પણ સમજવામાં આવે. 


કોઈક મેળામાં ચાર વર્ષનો દીકરો ભૂલો પડીને મમ્મીથી વિખૂટો પડી જાય અને રડવા લાગે. થોડી જ વારમાં મમ્મીને પણ ખબર પડે કે તેનો દીકરો ખોવાઈ ગયો છે એટલે તે બેબાકળી થઈને પોલીસ પાસે જાય અને કહે કે મારું બાળક ખોવાઈ ગયું છે. બીજી તરફ છોકરાને રડતો જોઈને કોઈક તેની મદદે આવે. બાળક રડતાં-રડતાં કહે કે મારી મમ્મી ખોવાઈ ગઈ છે, કોઈ શોધી આપોને? દીકરાના મતે મમ્મી ખોવાઈ ગઈ છે અને મમ્મીના મતે દીકરો ખોવાઈ ગયો છે, પરંતુ વાત તો એક જ છેને?

આ જેટલી સરળતાથી સમજાય છે અને બન્ને પક્ષો સાચા છે એવું કહી શકીએ છીએ એવું રોજિંદા જીવનમાં જ્યારે મતભેદો સર્જાય છે ત્યારે નથી થતું. પરિવારમાં, પાડોશમાં, વ્યવસાયમાં કે અન્ય કોઈ પણ સામાજિક સંબંધોમાં તમામ ઘર્ષણોનું કારણ આપણું એકાંગી દર્શન છે. આપણાં મર્યાદિત દર્શન અને માન્યતાઓને સંપૂર્ણ માની લઈને આપણે અનેક ઝઘડાઓ, વિવાદો પેદા કરીએ છીએ.

આપણે ભૂલી જઈએ છીએ કે આપણી માન્યતા માટે જેમ આપણો અનુભવ અને આપણા તર્કો હોય છે એમ વિરુદ્ધ મત ધરાવતી વ્યક્તિ પાસે પણ તેના અનુભવો અને તર્કો હોય છે. તેની પાસે પણ આપણા જેવાં જ ઠોસ લાગતાં કારણો છે, પણ આપણે બીજાની દૃષ્ટિને મહત્ત્વ નથી આપતા. આપણે તો આપણા જ અંગત માન્યતાઓ કે ગમા-અણગમા વિશે દૃઢાગ્રહી રહીએ છીએ કે એનાથી વિશ્વને સમજવાના દરવાજા બંધ થઈ જાય છે. વિશ્વ વિશાળ છે, વૈવિધ્યસભર છે પરંતુ આપણે એનાં વિવિધ રંગોને અને પરિમાણોને સમજવાની તૈયારી નથી ધરાવતા. ‘મારા મતે અમુક ચીજ સાચી છે, પરંતુ તમે પણ કદાચ સાચા હોઈ શકો છો’ એવું સ્વીકારવાની જ્યારે તૈયારી કેળવાય તો અનેક પ્રકારના સંઘર્ષો ટળી શકે છે. માત્ર ઘર્ષણ ટાળવાની જ વાત નથી, બીજાના દૃષ્ટિકોણને સમજવા અને સ્વીકારવાની તૈયારી સમજણના દાયરાને વિસ્તૃત બનાવે છે. આ વાત સ્વીકારવી અઘરી છે, પણ જો એનો પહેલાં સ્વીકાર કરવાની હિંમત આવે તો એ મુજબનો બદલાવ પણ સંભવ છે. આ બદલાવ તમને તો માનસિક શાંતિ અર્પશે જ, પણ તમારા સંબંધોને સુમધુર બનાવશે.

 (આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2021 05:07 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK