Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ક્યારે રંગભૂમિની ગાડી પાટે ચડશે એના સંદર્ભે સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે

ક્યારે રંગભૂમિની ગાડી પાટે ચડશે એના સંદર્ભે સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે

26 July, 2020 09:58 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ક્યારે રંગભૂમિની ગાડી પાટે ચડશે એના સંદર્ભે સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે

સિદ્ધાર્થ રાંદેરિયા, સંજય ગોરડિયા

સિદ્ધાર્થ રાંદેરિયા, સંજય ગોરડિયા


કોરોનાકાળમાં બે દિગ્ગજોને એક પ્લૅટફૉર્મ પર લાવવાનું કામ ‘મિડ-ડે’એ કર્યું. હાસ્યસમ્રાટ તરીકે પૉપ્યુલર થયેલા સંજય ગોરડિયાએ ગુજરાતી રંગભૂમિના મહાનાયક સિદ્ધાર્થ રાંદેરિયા સાથે નિરાંતે ગોષ્ઠિ કરી. લૉકડાઉનમાં શું કર્યું? શું શીખ્યા? ગુજરાતી રંગભૂમિનું ફ્યુચર શું? હવે કેવા બદલાવો આવી શકે કે આવવા જોઈએ જેવા અનેક વિષયો પર સિદ્ધાર્થ રાંદેરિયાએ દિલ ખોલીને વાતો કરી

ભાઈ, પહેલાં તો એ કહે કે લૉકડાઉનમાં તેં કર્યું શું?



લૉકડાઉનમાં તો શું કરીએ, બધા જેવી આપણી પરિસ્થિતિ. આપણે તો બન્નેએ બે-ત્રણ વાર વાતો પણ કરી કે ચાલો ભાઈ, ટાઇમપાસ કરીએ, થોડું શૅર કરીએ. આ બહાને થોડો સમય મળ્યો. ઘરે રહેવાનો સમય મળ્યો એ બહુ મોટી ઘટના બની ગઈ.


સિદ્ધાર્થ, છેલ્લાં ૧૦ વર્ષથી તું સતત બહાર ને બહાર રહે છે. મારે તો બીજા બધા ઑર્ગેનાઇઝર સાથે પણ વાત થાય. સુરતમાં ઑર્ગેનાઇઝર વસીમ કે પછી વડોદરામાં રાજેશ પટેલ કે પછી ચેતન ગાંધી સાથે વાત થાય ત્યારે એક જ વાત હોય કે સિદ્ધાર્થભાઈને ડેટ જ નથી મળતી. મળે તો આપણે શો ગોઠવીએ. એના પરથી ખ્યાલ આવે કે તું કેટલો બિઝી હશે. એમાં પાછું તારે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ફિલ્મો આવી છે એટલે વર્ષમાં ત્રણ-ચાર મહિના એ ફિલ્મોમાં જતા રહે. પ્લસ ફૅમિલી વેકેશન ને એ બધું.

સાચી વાત છે.


એ રીતે જોઈએ તો આ સમય જે છે એ તારા માટે કેટલી હદે આવકારદાયી રહ્યો, વરદાન સાબિત થયો?

કેવું હોય છે ભાઈ, આપણા સ્વભાવનું કે મને કેરી ભાવે છે. દિવસમાં બે વાર ખાઈ શકું છું, પણ તમે મને કહી દો કે દાળ-ભાત-શાક કાંઈ નથી હં, તારે ખાલી કેરીનો રસ જ પીવાનો છે તો શું થાય? એવું થયું આ આરામનું ભાઈ, પહેલાં તો સરસ લાગ્યું. અઠવાડિયું-દસ દિવસ તો ખબર ન પડી, રોજ વાતો કરતાં’તાં. ભાઈ, આ કમાલ થઈ ગઈ નહીં. આ તો આખી દુનિયામાં થઈ ગયું કાં? ક્યારેય બન્યું નહોતું હેંને? પછી એમ કરતાં-કરતાં આ હવે અનએન્ડિંગ લાગવા માંડ્યું છે અને આજે નહીં, મને તો એનો ભાર છેલ્લા બે મહિનાથી લાગવા માંડ્યો છે, કારણ કે મને એની આદત નથી અને આદતની વાત કરીએ તો આવી આદત કોઈને નથી. જે માણસ ધંધાપાણી કરે છે, નોકરી કરે છે એ કોઈને પણ આદત નથી. નોકરીવાળાને કદાચ એમ હોય મનમાં કે હા ભાઈ ઠીક છેને યાર. એ લોકોના પગાર કાપ્યા છે અને કાં વર્ક ફ્રૉમ હોમ કર્યું છે. મારા નાના દીકરાને વર્ક ફ્રૉમ હોમ કર્યું છે તો તે મને એ કહે છે કે પપ્પા હું તો આમાં વધારે ફસાયો છું. આમાં મારા વધારે કલાક જાય છે. હવે ઘરેથી કામ કરવામાં ઑફિસે કરતો હતો એના કરતાં મારા વધારે કલાક થાય છે અને બીજું શું છે સંજય, સાલું, ગમે ત્યારે રાતે સાડાનવ-દસ વાગ્યે મીટિંગ રાખી દે છે ફોન પર, ઝૂમ પર એટલે એ કલ્ચર પણ હવે તકલીફવાળું થઈ ગયું છે, તો આપણે માટે તો યાર આ બહુ જ કંટાળાજનક થઈ ગયું. પહેલાં ઠીક છે, થોડા દિવસ આરામ કર્યો. આમ કર્યું ને તેમ કર્યું, પછી શું કરો? હા, એક છે કે મને વર્ષોથી ટીવી જોવાની આદત નહોતી તો આ વખતે સોથ વાળ્યો. બને એટલું જોયું નેટફ્લિક્સ ને આ ને તે ને બીજું બધું. તું માનીશ નહીં, મને હમણાં ચલાવતાં આવડ્યું ફાયર સ્ટિક. આટલાં વર્ષ સુધી મને નહોતી આવડતી એ ઑપરેટ કરતાં, એ હું હમણાં શીખ્યો ફાયર સ્ટિક ચલાવતાં.

આટલા વખતથી મારા ઘરમાં ટીવીમાં નેટફ્લિક્સ, પ્રાઇમ કેમ ચલાવવું એ મને પણ આવડતું નહોતું, આ લૉકડાઉને શીખવી દીધું.

એક્ઝૅક્ટલી, એવું જ થયું. બીજી પ્રવૃત્તિ જે કરી એની વાત કહું તને સંજય, આમ તો એ પણ બેઠાં-બેઠાં આમ જ વિચાર આવ્યો અને બહુ જલદી જ આવી ગયો. કહો કે માર્ચમાં જ. મોદીજીનું આવ્યું કે ભાઈ લૉકડાઉન છે તો એના બે-ત્રણ દિવસમાં જ ઇમ્પ્લીમેન્ટ થયો ‘ગપાટા વિથ ગુજ્જુભાઈ’નો આઇડિયા. મેં કીધું કે ચલને ભાઈ, કંઈક કરીએ. મારો સોશ્યલ મીડિયાવાળો જે છોકરો છે તેની સાથે વાત થતી’તી શું મૂકીશું, કંઈ મૂકીએને, તમને સમય મળ્યો છે તો સર આપણે સોશ્યલ મીડિયા પર કંઈક કરીએ અને એમાંથી ‘ગપાટા વિથ ગુજ્જુભાઈ’નું આયોજન કર્યું.

મેં એ એપિસોડ જોયા, સારા છે.

બિલકુલ. ‘ગપાટા વિથ ગુજ્જુભાઈ’નું શું હતું, એ ટોપિકલ હતું. કારણ કે તાજી વાત એક જ હતી કે લૉકડાઉન થયું અને એને લીધે શું ફરક આવ્યો. જે બધાને ધીમે-ધીમે સમજાયો કે ભાઈ, આ તો હવે કામ પોતે કરવું પડે છે, કારણ કે બધું બંધ થઈ ગયું, બારણું ખોલવાનું જ નહીં. ઘંટડી વાગે જ નહીં મેઇન ડોરની. એવી હાલત જ હતી, કારણ કે કોઈ અંદર આવે નહીં, કોઈ બહાર જાય નહીં એટલે તમારા બધા કામ કરવાવાળા બંધ થયા એટલે તમારે પોતે કામ કરવાનું આવ્યું. એટલો સમય સતત તમારે વિતાવવાનો આવ્યો. પત્ની સાથે પણ વિતાવવાનો સમય આવ્યો, જમવાનો, આ છે, તે છે... આ બૅકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને ‘ગપાટા વિથ ગુજ્જુભાઈ’નો એક એપિસોડ કર્યો, બીજો કર્યો અને એમ કરતાં-કરતાં ૯થી ૧૦ થઈ ગયા. ૬-૬, ૭-૭ મિનિટના અને સંજય, યુ વિલ બી સરપ્રાઇઝ્ડ, એના ઓવરઑલ વ્યુઝ આવ્યા, અક્રૉઝ ઇલેવન મિલ્યન.

ક્યા બાત હૈ, ઓહોહોહો...

ઇલેવન મિલ્યન વ્યુઝ ઑફ ઑલ ધ પ્લૅટફૉર્મ. એટલે આ એક આમ ઍક્ટિવિટી કરી, નથિંગ પ્રીપ્લાન્ડ. અમુક સમય નીકળી ગયો એટલે મેં કીધું કે આમાં મોનોટોની છે. રોજ થોડી હસબન્ડ-વાઇફની વાત અને એ બન્નેની રકઝક ઉપર કેટલું બોલવું, મને પોતાને એમ લાગતું હતું. બીજું શું નવું બોલવું, કારણ કે પરિસ્થિતિમાં કોઈ ફરક નથી પડ્યો તો બીજું નવું બોલવું પણ શું એટલે ક્યાં તો એને વળાંક આપો અને ક્યાં તો અટકાવો. મેં કહ્યું કે આને અત્યારે હવે બંધ કરીએ. જોઈએ પછી, નવો કોઈ સરસ વિચાર આવશે ત્યારે કરીશું. કહેવાનો અર્થ એ કે અઠવાડિયામાં બે દિવસ આમાં નીકળી જાય. એક દિવસ લખવામાં જાય અને બીજા દિવસે મોઢે કરીને રેકૉર્ડ કરવામાં નીકળી જાય એટલે શરૂઆતમાં ૮-૧૦ અઠવાડિયાં નીકળી ગયાં પણ પછી પાછા હતા ત્યાં ને ત્યાં.

 સિદ્ધાર્થ, લૉકડાઉનમાં દરેકેદરેક પુરુષે ઘરનાં કામ ઉપાડી લીધાં, મારું કહું તો હું મારા ઘરમાં ઝાડુ-પોતાં કરતો તો મારા દીકરાએ વાસણ માંજવાની જવાબદારી સંભાળી લીધી હતી, તેં ઘરમાં શેની ડ્યુટી લીધી?

બહુ સાચું કહું, ફ્રેન્ક્‍લી. એવું બધું મારા પક્ષે કરવાનું આવ્યું નહીં.

કારણ?

અમારા ઘરમાં જે કામ કરે છે એ યંગ છોકરી અહીં, અમારી સાથે જ રહે છે. તેણે કશે જવાનું નહોતું ઘર છોડીને એટલે ઘરમાં ને ઘરમાં જ હતી. અમે જેટલા સુરક્ષિત છીએ એટલી જ સુરક્ષિત એ છે. એ હતી એટલે મારા માથે આવી કોઈ ડ્યુટી આવી નહીં. યા અફકોર્સ, વાઇફ શેફાલીને માથે જમવાનું અને એ બધું કરવાની જવાબદારી આવી ગઈ. બીજી સૌથી મોટી જવાબદારી આવી એ પગાર કરવાની, ઑફિસના સ્ટાફના પગાર. હવે ઑફિસ તો બંધ કરી દીધી, પણ નક્કી કર્યું કે આપણે બધાને પગાર આપીશું, પણ એ કરવાનું ઑનલાઇન અને એ બધું મને ન આવડે. એ જવાબદારી પણ શેફાલીએ શીખી લીધી અને ઉપાડી પણ લીધી એટલે મારા પક્ષે એવું પણ કંઈ બહુ આવ્યું નહીં એટલે હું કહું તો ચાલે કે લૉકડાઉનમાં હું કંઈ નવું શીખ્યો હોઉં એવું નથી બન્યું. હા, મારે નવું શીખવું જોઈતું હતું, પણ શીખ્યો નથી એ ફૅક્ટ છે. અત્યારે વાત થાય છે ત્યારે મને લાગે છે કે હું ૧૦-૧૫ દિવસ બેસીને કમ્પ્યુટર શીખી શક્યો હોત, લૅપટૉપ કંઈક ને કંઈક, એમાં પણ આળસ કામ કરી ગઈ અને વિચાર તો એ પણ આવે છે કે હું કરી-કરીને શું કરત, લખવાની પ્રવૃત્તિ? તો એક વાત કહું તને, મને લખવાનું કાગળ અને પેન પર જ ફાવે છે અને આઇ ડોન્ટ નો કે સ્ક્રીન પર જોતાં-જોતાં મને વિચાર આવે કે નહીં. દરેકની પોતાની એક એવી ખાસિયત હોય છે જેને લીધે કમ્પ્યુટર તરફ પણ મારુ રુચિ નહોતી. હા, આ લઈ આવવાનું અને પેલું લઈ આવવા જેવાં કામ હું કરતો’તો, પણ ઝાડુ અને વાસણ અને એવું બધું આવ્યું નથી મારા ભાગે.

સિદ્ધાર્થ, ગુજરાતી રંગભૂમિનું ફ્યુચર શું લાગે છે?

ભાઈ, આ સવાલ તો એવો છે કે એ વર્ષોથી પુછાતો આવે છે અને બધા એકસરખા જવાબ આપતા રહ્યા છે, પણ હા, આ વખતે આ કોરોનાકાળ પછી એના જવાબમાં પણ ફરક આવશે. ફ્યુચરનું તો હવે શું કહેવું, ફ્યુચર ત્યારે હોય જ્યારે વર્તમાન સામે હોય અને અત્યારે તો પહેલાં આ બધું ક્યારે ખૂલશે એની કોઈ તારીખ જ નક્કી નથી. સાલું, કોઈ તહેવારનું વેકેશન કે અધિક માસ હોય તો આપણે કહીએ કે ફલાણી તારીખે અધિક માસ પૂરો થાય છે એટલે પછી બધું શરૂ થશે. આમાં તો એવું કંઈ છે જ નહીં, આપણે તો બહુ ઉત્સાહમાં હતા. અમદાવાદમાં નવા નાટક ‘બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ’ની ૧૮-૧૯ તારીખ પણ મારી જાહેર કરી હતી, જુલાઈની. ગુજ્જુભાઈના ચાર પ્રયોગ કરવાની વાત હતી. હવે એ હવામાં ઊડી ગઈ વાત. પછી એ વાત આગળ જ ન વધી, કારણ કે સરકાર જ્યાં સુધી પરમિશન ન આપે થિયેટર ખોલવાની ત્યાં સુધી કંઈ થવાનું નથી. એ ઉપરાંત એના નિયમો કે તમારે શું-શું પાલન કરવાનું છે એના પર પણ આધાર છે. એ બધી તૈયારી કરવાની અને એ તૈયારી કરવામાં કોઈ સાર છે કે નહીં એ નક્કી થાય ત્યારે જ નાટક ચાલુ થશે. આપણા હાથમાં કશું નથી.

રાઇટ...

સી સંજય, તું જો, નાટકના કલાકારો કેટલા ડિપેન્ડન્ટ છે એ રીતે, આપણે આપણા થકી કશું નથી કરી શકતા. અમુક સંગીતકાર છે એ લોકોએ તો યાર પોતાના લાઇવ શોઝ પણ ઑનલાઇન કર્યા, પણ નાટક એ રીતે નથી થતાં કે તું તારા ઘરેથી ડાયલૉગ બોલે ને હું મારા ઘરેથી ડાયલૉગ બોલું. નાટક એવી રીતે ન થાય. અમુક લોકોએ મ્યુઝિકલ શો કર્યા.  એક અહીં વગાડે છે, બીજો ત્યાં વગાડે છે, ત્રીજો જુદા જ શહેરમાંથી ગાય છે. આ બધાનું જૅમિંગ કરીને ઝૂમ પર શો કર્યા અને પબ્લિકની નજરમાં રહ્યા, પણ આપણે એ પણ નથી કરી શક્યા. આપણે ટોટલી ડિપેન્ડન્ટ છીએ, કારણ કે પર્ફોર્મિંગ આર્ટ છે આપણું અને આપણે થિયેટરમાં જઈને ભજવવું પડશે, હવે એ પણ ભજવવું ક્યારે એનો સવાલ છે. ચાલો ઑડિટોરિયમ ખૂલી પણ ગયાં તો ઑડિયન્સ ક્યારે આવશે અને કેટલા આવશે એ પણ મોટો સવાલ છે.

લૉકડાઉને સૌથી મોટું કામ લોકોને ટેક્નૉલૉજીમાં સાઉન્ડ કરી દીધા; વૉટ્સઍપ-કૉલ, ઝૂમ કૉલિંગ, ગૂગલ કૉલિંગ આવડી ગયું. વેબ-સિરીઝ જોતા થઈ ગયા અને ઓટીટી પર શું મસ્ત પિક્ચરો આવે છે.

હા યાર, મને હમણાં ખબર પડી કે આટલો મોટો ખજાનો છે ત્યાં. જુવાનિયાઓને તો આદત છે જ એની. તું જો, તારા દીકરાનું એજ-ગ્રુપ કે મારા દીકરાનું એજ-ગ્રુપ, એ બધા છેને રોજ જ પિક્ચર જુએ છે અને વર્ષોથી જુએ છે. એ લોકોને પિક્ચરનો શોખ પણ છે, પણ મારે માટે એવું નહોતું. મને એમ થતું કે શું આ આખો દિવસ મોબાઇલમાં જોયા કરે છે, પણ હવે સમજાય છે. હવે તેને હું દરરોજ પૂછવા લાગી ગયો કે ભાઈ, જરા સજેસ્ટ કરજે કે કયું જોઈએ, આજે શું જોવા બેસીએ, કઈ વેબ-સિરીઝ જોવી મારે હવે. પહેલાં મારું તો એટલું અટેન્શન જ નહોતું. ટાઇમ જ નહોતો. ન્યુઝ સિવાય ટીવી પર કોઈ દિવસ કંઈ જોતો નહીં. લાંબા-લાંબા શોની મને કલ્પના જ નહોતી, પણ એને બદલે આજે મેં જે ‘ફૌદા’ છે કે પછી ‘મની હાઇસ્ટ’ કે પછી ‘બ્રેકિંગ બેડ’ જેવી સિરીઝો જોઈ નાખી. આ બધાના ૧૫-૧૫ એપિસોડની એક સીઝન છે અને એ પણ પાછી ચાર-પાંચ સીઝન છે, તો વિચાર તું કેટલા કલાકનું મટીરિયલ મેં જોઈ કાઢ્યું. સાથે નાની-મોટી ફિલ્મો જોઈ કાઢી એ જુદી. આવું બન્યું પણ નાછૂટકે. કંઈ કરવાનું નથી તો થોડું કાંઈ ૯ વાગ્યે સૂઈ જવાનું હોય. ચાલો, સાડાનવ વાગ્યાથી ૧૨ સુધી કંઈ જોઈને પછી સૂઈએ.

યેસ, પણ સિદ્ધાર્થ આ ઓટીટીના મન્થ્લી ૨૦૦-૨૦૦ રૂપિયા આપીને એ જોવાની આદત પડ્યા પછી તને લાગે છે કે ઑડિયન્સ નાટક જોવા માટે થિયેટર તરફ પાછું આવશે?

મને લાગે છે કે આવશે. મને એવું લાગે છે કે આવશે જ.

મને પણ લાગે છે કે આવશે. એક જગ્યાએ કોઈના ઇન્ટરવ્યુમાં મેં વાંચ્યું કે હ્યુમન બીઇંગ આર નૉટ હાર્ડ વાયર. ધે નીડ ટુ ગો આઉટ. રેસ્ટોરાં જવું. આઉટિંગ વિથ ફૅમિલી. મલ્ટિપ્લેક્સમાં જવું. કોઈ પણ હ્યુમન બીઇંગની વાત છે. આખી દુનિયાને બહાર જવું છે એવું એ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. હું પણ સહમત થાઉં છું એ વાત સાથે કે ઘરે બધું મળી જાય તો પણ માણસને બહાર જવું છે. વર્ષોથી લોકો કહેતા આવ્યા છે કે લાઇવ આર્ટ મરી જશે, પણ ક્યારેય મર્યું નથી અને મરવાનું નથી.

એક્ઝૅક્ટલી. તું જો સંજય, ફિલ્મનો થિયેટર અને ટીવીનો એક્સ્પીરિયન્સ, ઇટ્સ ક્વાઇટ ડિફરન્ટ. ફરક તો રહેવાનો જ છે. સાથોસાથ હવે એવી ફિલ્મોનો જમાનો આવી ગયો છે જે લાર્જર ધૅન લાઇફ હોય. ‘ગુલાબો સીતાબો’ જેવી ફિલ્મો માટે વી ન્યુ ઇટ કે બૉક્સ-ઑફિસ પર એનું એટલું રિટર્ન નહીં આવે તો બેસ્ટ છે કે એ ઓટીટી પર આવી જાય. ‘ગુલાબો સીતાબો’ છે કે પછી ‘શકુંતલાદેવી’, ધિસ આર ધ કાઇન્ડ ઑફ ફિલ્મ, જે લાર્જર ધૅન લાઇફ નથી. જે બીજી ફિલ્મો બને છે વધારે ખર્ચા સાથેની, જે લાર્જર ધૅન લાઇફ છે, જેમ કે હૉલીવુડની ફિલ્મ ‘અવેન્જર્સ’, જે તમે ટીવીમાં જુઓ અને થિયેટરમાં જુઓ, વ્યુઇંગ એક્સ્પીરિયન્સમાં મોટો ફરક આવી જાય છે. આની સરખામણીમાં નાટક, અગાઉ કરતા હતા એ જ નાટકો ફરીથી સ્ટેજ પર થવાનાં છે. એના વ્યુઇંગ એક્સ્પીરિયન્સમાં પણ બહુ મોટો ફરક પડવાનો છે. બરાબર છે? મોટું એક્સાઇટમેન્ટ હોય છે કે આમને સ્ટેજ પર જોઈશું તો મજા આવશે અને બીજી વાત, જે નાટકના રસિયા છે એ લિમિટેડ છે, પણ એ ક્યાંય જવાના નથી, કમિટેડ છે. એ એની જગ્યાએ છે અને આવશે, પણ એ આવશે ક્યારે જ્યારે એના મગજમાંથી એ ઘા રુઝાશે, રુઝાશે કે...

...કે મેં કોરોનાની વૅક્સિન લઈ લીધી છે અને મને હવો કાંઈ થવાનું નથી. એની ખાતરી થઈ જશે એટલે એ ઑડિયન્સ ફરી પાછું થિયેટરમાં આવતું થશે.

એક્ઝૅક્ટલી.

પણ સિદ્ધાર્થ મને એમ કહે કે આટલું બદલાયું છે તો નાટકમાં કે પછી એની વાર્તા, એના મેકિંગમાં ચેન્જ આવવો જોઈએ એવું તને લાગે છે?

કોરોના કે પછી લૉકડાઉનને લીધે ચેન્જ આવવો જોઈએ એવું નથી, એ જરૂર તો વર્ષોથી છે જ, ચેન્જ આવવો જ જોઈએ. આ ચેન્જને અને કોરોનાને કોઈ સંબંધ નથી. કોરોનાને નાટકની વાર્તા સાથે કે મેકિંગ સાથે લાગતુંવળગતું નથી. નાટકોમાં ચેન્જ આવે એ જરૂરિયાત તો પહેલાં પણ હતી, પરંતુ સંજય, તું પણ નાટક કરે છે અને હું પણ કરું છું. આપણને બન્નેને ખબર છે કે આપણે કૉમેડી નાટક કરીએ છીએ અને એનું એક ફિક્સ ઑડિયન્સ છે અને એટલા માટે આપણે એવા-એવા સબ્જેક્ટ શોધીએ છીએ અને સંજય, એ સહેલું નથી. ઇટ્સ નૉટ ઈઝી જૉબ. કૉમેડી કરી નાખવી એટલે એમ નથી ચાલતું. લોકોને એ એન્ગેજ કરે તો એ જ તેને ગમે છે, બાકી બધી કૉમેડીને પણ તે સ્વીકારતા નથી, ફેંકી દે છે. કહેવાનો અર્થ એટલો જ કે કૉમેડીને વર્કેબલ કૉમેડી બનાવવાનું કામ અઘરું છે.

બરાબર, હમણાં મારા એક ઇન્ટરવ્યુમાં પણ મેં કહ્યું હતું. દુનિયાભરની વેબ-સિરીઝ જુઓ છો તમે, પણ ગુજરાતી નાટકોની કૉમેડીને ટક્કર મારે એવી એકેય વેબ-સિરીઝ જોઈ? છે જ નહીં કોઈ...

બરાબર છે.

આ વેબ-સિરીઝવાળો એક જણ કૉમેડીના ‘ક’ને હાથ લગાડવાની હિંમત પણ નથી કરતો. એ વાત સાથે તું ઍગ્રી થાય છેને?

બિલકુલ. અને તને બીજી એક વાત યાદ દેવડાવું. તું સંકળાયેલો છે એ વાત સાથે. આપણે બન્ને સંકળાયેલા હતા એ વ્યક્તિ એટલે શફી ઈનામદાર. શફીનો એટલા માટે ઉલ્લેખ કરું છું કે તને ખબર છે કે શફી કહેતો કે મેરા પૅરામીટર ક્યા હૈ, અગર ગુજરાતી લોગોં કો પસંદ આયેગીના કોઈ ચીઝ તો...

સબ કો પસંદ આયેગી વો...

યસ, કારણ કે ગુજરાતી આર ધૅટ મચ ચુઝી. અને એ લોકો નાટક પાસેથી વધારે અપેક્ષા રાખે છે. ગુજરાતી માણસ પિક્ચર જોવા જાય છે ત્યારે નબળી હિન્દી પિક્ચર ચલાવી લે છે, પણ ગુજરાતીમાંથી એટલા પોરા કાઢશે પિક્ચર અને નાટક બેઉમાંથી અને નાટક પાસેથી તો પિક્ચર કરતાં પણ વધારે અપેક્ષા રાખશે. લૉજિક માગશે. પિક્ચરમાં લૉજિક નહીં હોય તો એમ કહેશે પિક્ચરમાં કે આમ જ હોયને, પણ નાટકમાં આમથી તેમ હશે તો તરત જ કહેશે, આમ કંઈ થોડું હોય?! આટલા ક્રિટિકલ છે આપણા ગુજરાતીઓ, તો એની સામે તું જ કહે, નાટકમાં વળતર શું છે? એવું કયું વળતર છે મોટું?

હં એ તો નથી.

એ પછી પણ આપણે આપણું બેસ્ટ આપી જ રહ્યા છીએ અને ઑડિયન્સને પણ આ ખબર છે. સંજય, એક ફિલ્મ કરતાં આપણે ચાર ગણી વધારે મહેનત નાટક પાછળ કરીએ છીએ.

નાટક અને ફિલ્મની વાત ચાલે છે ત્યારે તને એક વાત કહું, તારો દીકરો ફિલ્મલાઇનમાં ગયો, મારો દીકરો પણ ફિલ્મ તરફ વળ્યો. શું આપણી આ નવી પેઢીને નાટકમાં રસ નથી રહ્યો?

કહી શકાય, કારણ કે જેને રસ છે એનો પર્સન્ટેજ એટલો નાનો છે. જે આપણો ગુજરાતી સ્પીકિંગ યંગસ્ટર છે, આપણે ગુજરાતી પૂરતી જ વાતને સીમિત રાખીએ, એ બધામાં કયા યંગસ્ટર્સ એવા છે જેની મહત્ત્વાકાંક્ષા એવી છે કે મારે છેને હવે સ્કૂલ કે કૉલેજ પતે એટલે ગુજરાતી નાટકમાં કામ કરવું છે. એવા કેટલા મળશે. ભાગ્યે જ એકાદ. તું જો, આજે આ ક્ષેત્ર કેટલું ફૂલ્યુફાલ્યું છે. આપણો જે સમય હતોને સંજય એ યાદ કર, મારે માટે બીજું શું હતું, કંઈ નહીં. એક જ ડ્રીમ, ઇન્ટકલેજિએટ અને એમાંથી સ્ટેજ પર આવવું. લક્ષ્ય જ એ હતું. કારણ ત્યારે પ્રાઇવેટ ચૅનલો પણ નહોતી, દૂરદર્શન પણ પછી આવ્યું હતું.

કરેક્ટ.

ત્યારે ચૅનલ કે દૂરદર્શન સપનું નહોતું. લક્ષ્ય આ જ હતું, નાટક ઍન્ડ ધેટ ઇઝ ધ ઓન્લી ડેસ્ટિનેશન. એક વાર કશેક જોડાઈ જઈએ. મેં એ જ આચર્યું. મેં કૉલેજ કરી અને  કૉલેજ કર્યા પછી આઇએનટીમાં જોડાઈ ગયો. કરતા રહ્યા અને સતત કરતા રહ્યા, પણ આજના છોકરાઓ આપે ઘણા ઍવન્યુઝ છે. વેબ-સિરીઝ, ફિલ્મ, ટીવી. તું જો, કોઈને લખવામાં રસ છે. કોઈને ડિરેક્ટર બનવું છે. અને સંજય ધે આર લુકિંગ ઍટ બિગર પિક્ચર. બિકોઝ ધે આર કનેક્ટેડ ઍટ વર્લ્ડ અને આજે વર્લ્ડ ઇઝ અ વિલેજ. આપણા સમયમાં એવું નહોતું, પણ હવે એવું છે એટલે તેમની દૃષ્ટિ દૂર સુધી પહોંચે છે. માત્ર ગુજરાતી નાટક વિચારવું એ તેમને માટે બહુ નાની વાત થઈ જાય છે.

દીકરાની વાત નીકળી એટલે પૂછું છું, ગુજ્જુભાઈ સિરીઝની નવી ફિલ્મ ક્યારે આવશે?

એમાં એવું છે કે ફિલ્મ બનશે, લખાઈ ગઈ છે. સંવાદનું કામ લગભગ આજથી શરૂ થવાનું છે, પણ આપણા આ ઇન્ટરવ્યુને કારણે હવે કાલ પર ઠેલ્યું છે, પણ એક વાત કહું તને, એ ફિલ્મ ‘ગુજ્જુભાઈ’ ટાઇટલવાળી નહીં હોય. કથાવસ્તુ જરા જુદી છે તો એ ગુજ્જુભાઈના ઢાંચામાં બેસે એવી નથી. એમાં હ્યુમર છે, ઇમોશન્સ પણ છે, પરંતુ કરવા માટે એમ જ ગુજ્જુભાઈ નામનો ઉપયોગ નથી કરવો. ઇન્ડિપેન્ટડ ફિલ્મ છે. આ ફિલ્મ પછી ગુજ્જુભાઈ સિરીઝ પર કામ શરૂ થશે અને મારો દીકરો ઈશાન એ લખશે. જનરલી એ જ સ્ક્રીનપ્લે લખતો હોય છે, પણ એ કમસે કમ એક વર્ષ કાઢી નાખે છે લખવામાં. કહે છે કે મારાથી જલદી નહીં થાય. તેને એવું પણ થાય છે કે હું હવે ગુજરાતી કરતાં હિન્દી તરફ વળું. એક-બે પ્રોજેક્ટ તેણે સાઇન કર્યા છે. મોટું ફીલ્ડ છે હિન્દીનું એટલે મેં તેને કીધું કે જો તું, વચ્ચે તને વિચાર આવે તો કરી નાખવી જોઈએ, પણ એ કરશે તો પણ મને નથી લાગતું કે ૨૦૨૨ પહેલાં મેળ પડે.

‘ગુરુબ્રહ્મા’, ‘અમારી દુનિયા, તમારી દુનિયા’, ‘ભાઈ’ અદ્ભુત નાટકો આપ્યાં છે તેં, સિદ્ધાર્થ સાચું કહેજે, આ ગુજ્જુભાઈ કરી-કરીને કંટાળો નથી આવતો?

તને એક વાત કહું સંજય, મને કૉમેડી કરવાનું ગમે છે. મારા દરેક પ્રયોગને હું એન્જૉય કરું છું. તને પણ કૉમેડી ગમે છે. હું પણ તારા નાટક જોવા આવું છું. તમે નાટક જોતા હો ત્યારે તમને ખબર પડે કે આ કલાકાર એન્જૉય કરે છે અને ઍક્ટર જો એન્જૉય કરે તો જ લોકો પણ એન્જૉય કરે. મને, મને ક્યારેય કંટાળો નથી આવતો. બીજું એ કે એકની એક વાત નથી, મારા નાટકની કથાવસ્તુ જુદી છે એટલે એ રીતે પણ મજા આવે.

સિદ્ધાર્થ, એવું લાગે ખરું કે નાટકોમાંથી પ્રયોગશીલતા નીકળી ગઈ છે અને પ્રયોગશીલતા નીકળવા પાછળ ચૅરિટી શો અને સોશ્યલ ક્લબ કેટલા અંશે જવાબદાર ગણાય?

પ્રયોગશીલતાના નામે સાવ પડી ભાંગ્યું છે. મેઇન સ્ટ્રીમમાં કોઈ નથી. મોટું જોખમ થઈ ગયું. આજનાં ભાડાં તને ખબર છે. એક પ્રયોગ આપણને શું કૉસ્ટમાં પડે છે. આર્ટિસ્ટ પેમેન્ટ ન લે અને રંગભૂમિ માટે પ્રયોગ કરે એવું ઇચ્છવું પણ ન જોઈએ અને કંઈક જુદું કરવા જાઓ અને લોકોનો પ્રતિસાદ ન મળે એટલે તમે ગાંઠનાં ગોપીચંદન કરો.

એક્ઝૅક્ટલી, સોનું તમને ફ્રી આપે, પણ ઘડામણના પૈસા તો લાગે જને.

પ્રયોગશીલતા નથી રહી એ વાત સૌકોઈએ સ્વીકારવી રહી. કંઈક સમાંતર રંગભૂમિ પર આપી શકીએ એવી પ્રવૃત્તિ સાવ નહીંવત્ થઈ ગઈ અને નિજાનંદ માટે પ્રયોગાત્મક કરવું અને પછી ન ચાલે એટલે કહેવું કે આ તો પ્રયોગાત્મક હતું એટલે ન ચાલ્યું એ એક જુદો નજરિયો છે. એની કોઈ વૅલ્યુ નથી, પણ હા, કંઈક નવું, કંઈક જુદું બને એની જરૂર છે. તને યાદ હોય તો બહુ વર્ષો પહેલાં મેં કહ્યું હતું, સંજય, આપણે ગુરુવાર-શનિવારના દિવસ માટે કંઈક શરૂ કરીએ. ટ્રાય કરીએ. બધા અડધા પૈસા કે પછી ક્વૉર્ટર પૈસા લે. ઑડિટોરિયમ અડધા ભાવે મળે અને એ સમયે તો આટલા શો પણ નહોતા થતા. શનિવારે ઘરે જ બેસવાનું છે તો અડધી નાઇટ તો અડધી નાઇટ એવું ધારીને કંઈક નવું કરીએ.

સાથે પાછું કંઈક જુદું. મેઇનસ્ટ્રીમ કરતાં.

હા, અને એનો રસ્તો મેં શું શોધ્યો, ખબર છે. ગૉડ ઇઝ ગ્રેટ, ઑફર આવે છે એટલે હવે છેને હું ફિલ્મનું સિલેક્શન એ રીતે કરું છું. એટલે જ ઉતાવળ નથી કરતો. ‘ચાલ જિંદગી જીવીએ’ને લગભગ બે વર્ષ થશે, હજી સુધી એક પણ ફિલ્મનું શૂટિંગ નથી કર્યું. એવી દોડાદોડી શું છે ને મારે ક્યાં એવી ઉતાવળ છે? કરીએ તો કંઈક જુદું કરીએ. અત્યારે ત્રણ ફિલ્મ ફાઇનલ કરી છે કોકોનટ સાથે. એક પછી એક શરૂ થશે બધું ખૂલે એટલે. એ ત્રણમાંથી એક ફિલ્મ ઈશાન ડિરેક્ટ કરશે અને બે વિપુલ મહેતા ડિરેક્ટ કરશે.

રિવાઇવની મોસમ ચાલી છે ત્યારે તને તારું કયું નાટક રિવાઇવ કરવાનું મન થાય?

મેં કેટલાંય નાટક રિવાઇવ કર્યાં. સંજય, તને તો ખબર છે રિવાઇવલને હું કથાનક તરીકે જ જોઉં છું. એક વાર્તા આમ હતી અને વાર્તા જ મહત્ત્વની હોય છે. સ્ટોરી ટેલિંગનાં એલિમેન્ટ ભૂંસાઈ નથી જતાં. ૨૦૨૦માં પણ વાત રિલિવન્ટ છે તો એને કરી શકાય, પણ એ કરતી વખતે હું એકડેએકથી લખાવું કે પછી લખું છું. એમ ને એમ તમે એનાં પાનાં લઈને નાટક કરવા માંડો તો એ મોટામાં મોટી ભૂલ છે.

‘કનુ’નું ‘મનુ’ કરી નાખો એ ન ચાલે.

ના, ના, જરાય નહીં. બે વર્ષ જૂની ચીજ જુઓ તો પણ તમને એમ લાગે કે આ વળી શું છે? ક્યારેક જૂનો વિડિયો જોશો તો તમને એવું જ થશે કે આપણે આવું કરતા’તા. વર્લ્ડ ઇઝ ચેન્જિંગ સો ફાસ્ટ.

અત્યારે આપણને ‘દાગ’ કે ‘મધર ઇન્ડિયા’ જોઈએ તો બહુ સ્લો લાગે.

પણ એની સામે તું જો, સલીમ જાવેદમાં અક્કલ હતી, ‘ગંગા-જમના’ના પ્લૉટ પરથી તેમણે બીજી ફિલ્મ બનાવી. રિલિવન્ટ. મહાભારત જેવું છે. મહાભારત ક્યારેય અટકશે નહીં. મહાભારત હોય કે પછી રામાયણ હોય. મહાભારત ખાસ. મહાભારત ૧૦ વર્ષ પછી પણ તમે બનાવી શકશો. આજે ‘બાહુબલી’ જે ખર્ચે બની એ જ ખર્ચ સાથે તમે મહાભારત બનાવો તો એ એટલી જ ઇન્ટરેસ્ટિંગ બને (પછી અચાનક યાદ આવે છે એટલે)... આપણી વાત શું હતી?

કયું નાટક રિવાઇવ...

હા, ‘ભાઈ’. આજે પણ રિલિવન્ટ છે એ વાત. એને નવેસરથી બનાવવાનું. નવા સેટ, નવા બે-ચાર ઉમેરવાના. ઓરિજિનલમાં એક જ ઘર છે, પણ હવે એવું નહીં કરવાનું, બહારના સીનને એ જ રીતે ડેવલપ કરવાના. એમાં તો ગ્રાફ બહુ લાંબો હતો, મસ્ત બને. તેં તો કેટલી અફલાતૂન ભૂમિકા ભજવી હતી એમાં... ‘ભાઈ’ ફરીથી બનાવવું મને ગમે.

ફાસ્ટમફાસ્ટ

છોડવાનું મન થાય એવી વ્યક્તિ?

જે વ્યક્તિ મારા આત્મસન્માનને ઠેસ પહોંચાડે તેને.

ફરીથી જેની સાથે રહેવાનું મન થાય એ વ્યક્તિ?

ધેટ મીન્સ પત્ની ઑટોમૅટકલી બાકાત જ છે...

ગમતી ગાળ

એની માને. આમ તો હું એને હવે ગાળ તરીકે લેતો જ નથી. મારી સાથે કેવું બને છે સંજય કે શો પૂરો થાય એટલે પેરન્ટ્સ આવે, પોતાના ચાર વર્ષના, છ વર્ષના છોકરાને લઈને. આવે અને પછી મને કહે કે અમારો ચિન્ટુ તો તમારી અદ્દલ નકલ કરે છે. પછી ચિન્ટુને કહે કે અંકલને કરીને બતાવો, ચાલો. ધીમેકથી ચીમટો ભરે એટલે ચિન્ટુ બોલે: ‘એની માને’

મમ્મી-પપ્પા ખુશ થઈ જાય. મમ્મી ચિન્ટુને બકી ભરી લે. ટૂંકમાં ‘એની માને’ એ ગાળ રહી જ નથી.

સ્વભાવગત નબળાઈ

ઘણી બધી હશે, પણ મેઇન, મારામાં ધીરજ બહુ ઓછી છે. રેસ્ટલેસ બહુ થઈ જાઉં છું. ન થતું હોય તો મને સ્ટ્રેસ બહુ તરત આવી જાય. આજકાલ થોડું વધારે આવે છે.

સ્વભાવગત ખૂબી

ભૂલકણો સ્વભાવ અને એને હું વરદાન માનું છું. કોઈ ઘટના બની ગઈ હોય તો મને બહુ યાદ નથી રહેતી, જેને લીધે વૈમનસ્ય નથી રહેતું. ઘણા તો મને સામેથી યાદ કરાવે કે પેલા દિવસે તમે આમ કર્યું ત્યારે સર હું આમ કરીને નીકળી ગયો હતો. મને કહેવાનું મન થાય કે હું તારો ગ્લાસ ભરું છું અને તું મને આવું બધું યાદ દેવડાવશ.

ન ગમતી પોતાની આદત

રૂટીનથી જલદી કંટાળી જાઉં, એને લીધે શરીરની જેટલી જાળવણી કરવી જોઈએ એ કરી નથી શકતો.

કોના જેવા બનવું ગમે

મને એમ થાય કે ઘણા બધા જેવા થોડા થોડા બનવું જોઈએ. મુકેશ અંબાણી જેવા ૨૦ ટકા તો બીજા જેવા ૨૦ ટકા, ૩૦ ટકા પેલા જેવા પણ બનવાનું અને ૨૫ ટકા મોદીજી જેવો હોઉં.

જીવનમાં કોના વિના ન ચાલે?

આઇ ડોન્ટ નો. હા, મને અભિનય વિના ન ચાલે. અભિનય. એટલે જ આ પિરિયડમાં મને ડિપ્રેશન્સ પણ બહુ આવ્યાં છે, મેં તારી સાથે એ શૅર પણ કર્યાં હતાં. મને અત્યારે એમ થાય કે મારા હાથપગ બહુ ચાલે છે, હું કંઈ કરી શકું છું અને એ પછી પણ હું નકામો બેઠો છું.

કોરોના સામે મળે તો શું કહે એને?

જવાબ તું જ શોધી કાઢ ભાઈ. તારી હ્યુમર આમાં વધારે બેટર છે.

ફ્લર્ટ કરવાનું મન થાય એવી ઇન્ડિયન વ્યક્તિ

કોનું નામ બોલું હવે? હિરોઇન માટે પણ મને એવું કોઈ આકર્ષણ નથી, પણ હા, એટલું નક્કી કે બૌદ્ધિક વેવલેન્ગ્થ હોય તેની સાથે મજા આવે. રૂપાળો ચહેરો મહત્ત્વનો નથી

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2020 09:58 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK