શું માણસે બનવું જોઈએ ગણતરીબાજ?

Published: Mar 16, 2020, 12:32 IST | Falguni Jadia Bhatt | Mumbai Desk

આમ તો સમાજ હળીમળીને રહેવા માટે બનતો હોય છે. તેમ છતાં સમાજમાં આપણને ઘણા એવા માણસો જોવા મળે છે જેઓ માત્ર પોતાના સ્વાર્થની ગણતરી રાખીને ચાલતા હોય છે. તેમનું લક્ષ્ય એક જ હોય છે, બીજા બધાનું જે થવાનું હોય એ થાય, મારું કામ થઈ જવું જોઈએ. શું આપણે આવા છીએ? 

સૈફ અલી ખાન
સૈફ અલી ખાન

અમારા પાડોશમાં એક કામવાળી બાઈ કામ કરવા આવતી. તેની કામ કરવાની ઝડપ એટલી રહેતી કે અમારા પાડોશીએ તેનું નામ મશીન પાડી દીધું હતું, કારણ કે તે મશીનની ઝડપથી કામ કરતી અને થોડી જ વારમાં કામ પતાવી નીકળી જતી. ક્યારેક તેને મસ્તીમાં રાજધાની એક્સપ્રેસ પણ કહેતા. આ તો મજાકની વાત થઈ, પરંતુ બીજી રીતે જોઈએ તો માણસ એટલે મશીન ઘણી વાર એવું પણ આપણે કહેતા-સાંભળતા હોઈએ છીએ. ખાસ કરીને શહેરમાં દોડતા
અને સદા વ્યસ્ત રહેતા માણસ માટે મશીન શબ્દપ્રયોગ થાય છે.  જોકે મારે આજે નવી જ ઉક્તિ કહેવી  છે, માણસ એટલે કૅલ્ક્યુલેટર. અલબત્ત, કૅલ્ક્યુલેટર એટલે પેલું આંકડાઓના સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર કરી આપે અથવા ટકાવારી કાઢી આપે એ કૅલ્ક્યુલેટર નહીં બલકે હ્યુમન કૅલ્ક્યુલેટર. એ પણ પાછું ગણિતના દાખલા ઝટપટ ઉકેલી આપે એવું મગજ ધરાવનાર વ્યક્તિનું માઇન્ડ નહીં પણ જેને સાદી ભાષામાં આપણે ગણતરીબાજ કહીએ છીએ તેવા હ્યુમન કૅલ્ક્યુલેટર.
મશીન કૅલ્ક્યુલેટરની શોધ થઈ એનાં અનેક વર્ષો પૂર્વેથી અને પછી પણ માણસ તો ‘કૅલ્ક્યુલેટર’ જ રહ્યો છે. અહીં એક સ્પષ્ટતા કરી દઉં કે બધા એવા હોતા નથી. સારા અપવાદો પણ હોય છે અને સારા અનુભવો પણ થાય જ છે, પરંતુ તેમ છતાં આજે અહીં શહેરમાં રોજબરોજની રૂટીન લાઇફમાં માણસ બહાર નીકળે ત્યારે કેવો ‘કૅલ્ક્યુલેટર’ બની જાય છે એની વાત કરવી છે. ‘માણસ’ની મનોવૃત્તિ કેટલી કૅલ્ક્યુલેટિવ-ગણતરીવાળી હોય છે એનો ખ્યાલ નાની-નાની ઘટનાઓ પરથી આવી શકે છે.
તમે માર્ક કરજો, ઘણા માણસો ટ્રેનના ડબ્બામાં ઘૂસવા માટે અને સારી બેઠક મેળવવા માટે બીજાઓની દરકાર નહીં કરે એ તો ઠીક પરંતુ આવા માણસોને તમે બેઠેલા જોજો, તેઓ પોતાના બે પગ એવી રીતે પહોળા કરીને બેસશે કે એ આખી સીટ માત્ર તેમની પોતાની જ છે અથવા તેમના પૂજ્ય પિતાશ્રીએ તેમને વારસામાં આપી છે. એક મનોવૈજ્ઞાનિક અભ્યાસના આધારે કહી શકાય કે માણસના ચોક્કસ બાહ્ય વર્તન પરથી તેના વિચારોનો, તેના સ્વભાવનો, તેની મનોવૃત્તિનો તાગ મેળવી શકાય છે. આવા માણસો બસમાં, સભામાં કે કોઈ પણ જાહેર સ્થળે પ્રવેશશે ત્યારે પણ આવું જ કરશે.
તમે જોજો, ઘણા માણસો કોઈ ચીજવસ્તુ માટે લાંબી કતાર લાગી હશે તો પોતે લાઇનમાં ઊભા નહીં રહે, પરંતુ કોઈને ખબર ન પડે એમ ચૂપકેથી વચ્ચે પ્રવેશી જવાનો કે પછી આગળ ઊભેલા માણસને સમજાવી-પટાવી પોતાનું કામ કઢાવી લેવાનો પ્રયાસ કરશે. લાઇનમાં ઊભેલા બીજાઓનું કામ ભલે વધુ લંબાતું; આવા માણસોનો ઉદ્દેશ એક જ હોય છે, ‘મારું કામ થઈ જવું જોઈએ’.
લાભની વાત હોય તો આવા માણસો પ્રથમ પોતાને આગળ કરશે અને નુકસાનની વાત હોય તો પોતાને સૌથી પાછળ રાખશે અથવા ત્યાંથી ભાગી જ જશે. તમે રવિવારે સાંજે રેસ્ટૉરાંમાં જાઓ કે લારી પર નાસ્તો કરવા જાઓ ત્યારે તમને એવા માણસો જોવા મળશે જેઓ બીજા કરતાં મોડેથી કે પછીથી આવ્યા હશે તોય પોતાનો નંબર પહેલાં લગાડી દેવાની ચાલાકી અજમાવશે. બીજાઓ પણ લાઇનમાં - પ્રતીક્ષામાં ઊભા છે એનો વિચાર કરવો જોઈએ એવો વિચાર પણ તેમને નહીં આવે. તેમનો મંત્ર છે ‘પ્રૅક્ટિકલ બનો યાર.’ તેમને મન આમ પોતાનું કામ કઢાવી લેવું એ તો આજના જમાનાની આવડત કહેવાય.
નોકરી હોય કે સ્કૂલમાં પોતાના બાળકનું ઍડ‍્મિશન લેવાનું હોય, કૅલ્ક્યુલેટર માણસ બીજાઓથી આગળ નીકળી જવા તમામ પ્રયાસ કરવામાં સક્રિય રહે છે. અરે, મંદિરમાં દર્શન માટેની લાઇનમાં પણ એવા માણસો મળશે જેઓ પોતાની સુવિધા ખાતર કે વહેલાં દર્શન કરી રવાના થઈ જવા માટે લાગતા-વળગતાઓ પાસેથી પોતાનો હેતુ પાર પાડી લે છે. ભગવાનનાં દર્શનનું પુણ્ય મેળવવાનું કામ પણ માણસ ગેરરીતિના માર્ગે કરે છે. તેથી જ તો હવે ઘણાં મોટાં મંદિરો કે યાત્રાનાં સ્થળોમાં પણ લાંચ
આપીને દર્શનની ખાસ સવલત મેળવાતી હોવાનું જગજાહેર બની ગયું છે. માણસજાત માટે કેટલીક ગેરવાજબી કે ગેરશિસ્તની બાબતો તો એટલી બધી સહજ થઈ ગઈ છે કે હવે એમાં કોઈને પોતે કશું ખોટું કર્યાનો ભાવ પણ
રહેતો નથી.
અત્યારે મુંબઈની અનેક હાઉસિંગ સોસાયટીઝમાં જ્યાં પણ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટની ચર્ચા ચાલી રહી છે ત્યાં આવા કૅલ્ક્યુલેટર માણસોના કાવાદાવા ચાલુ હોય છે. અનેક આવી સોસાયટીઝમાં માત્ર આવા સ્વાર્થી માણસોની મનોવૃત્તિને કારણે જ અનેક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અટકી પડ્યા છે અથવા અટવાઈ ગયા છે. જે માણસોની સંખ્યા માત્ર બે-પાંચ જેવી હશે, પરંતુ ડેવલપર-બિલ્ડરો સાથે ભળી જઈ પોતાનો વિશેષ લાભ ખાટી જવાની તેમની ચાલાકી અજમાવીને તેઓ ઘણાબધાને ગેરમાર્ગે દોરી દેવામાં સફળ રહે છે. ઑફિસોમાં કે જાહેર સંસ્થાઓમાં ચાલતું રાજકારણ શું હોય છે? આખરે તો માણસની મનોવૃત્તિ જ, જેમાં માણસની બીજાઓ કરતાં વધુ મેળવી લેવાની દાનત, બીજાઓ પ્રત્યે ઈર્ષ્યાભાવ, અહમ્ અને બીજાઓને ભોગે લાભ મેળવી લેવાના કિસ્સા સામાન્ય હોય છે. આમ જોવા જઈએ તો આવા અનેક કિસ્સાઓમાં માણસની સ્વાર્થી મનોવૃત્તિ પ્રગટ થઈ જતી હોય છે જેમાં પછીથી સ્પર્ધા રચાતી હોય છે અને એમાં આગળ નીકળી જનારને ‘સફળ’ માણસ ગણવામાં આવે છે. નોકરી હોય કે ધંધો, રસ્તે ચાલવાની બાબત હોય કે ટ્રેનની મુસાફરી કે પછી નિયમસર લાઇનમાં ઊભા રહેવાની ઘટના હોય; ‘બીજાઓનું જે થવાનું હોય એ, પરંતુ મારું કામ થઈ જવું જોઈએ’ એ હવેના જમાનાનું સફળતાનું સૂત્ર છે.
રાજકારણમાં ગયેલા તો પ્રત્યેક માણસ કૅલ્ક્યુલેટર હોય છે. ગણતરી વિના એક પગલું પણ નહીં ભરે. આવા લોકોને જોઈને પ્રજા પણ વિચારે છે કે આપણે શા માટે શાણા ન બનીએ? કરપ્શન કરી લાખો રૂપિયા બનાવનાર લોકોને જોઈ પ્રજાને પણ થાય છે, મને ઈમાનદાર રહીને શું મળે છે? હું પણ થોડું તો કંઈક કરું. માનવતા કે પછી અન્ય પ્રત્યેના સમભાવ, આદર, નિયમપાલન, શિસ્ત એવી તમામ જરૂરી બાબતોની ‘ઐસી તૈસી’ કરી અમુક માણસો માત્ર સંકુચિત સ્વાર્થ સાથે ડગલે ને પગલે જીવતા જોવા મળે છે ત્યારે આવી ઘટનાઓ, કિસ્સાઓ તથા પ્રસંગોમાં આપણે માત્ર આપણી જાતને પૂછવું જોઈએ કે આમાં આપણે ક્યાં છીએ? અને સત્ય તથા યોગ્ય શું છે? જો રોજબરોજની કે જીવનમાં નિયમિત રીતે બનતી આવી ઘટનાઓ પ્રત્યે જાગૃત રહી દરેક માણસ બીજાઓનો પણ વિચાર કરે તો કેટલાય વિવાદો ટળી શકે છે. આવું તો વર્ષોથી ચાલે છે, આપણે તો પ્રૅક્ટિકલ બનવું જોઈએ, એવી મનોવૃત્તિ રાખવાને બદલે નવેસરથી દરેક માણસ દ્વારા વિચાર કરવામાં આવે તો આ નાની-નાની ઘટનાઓ માનવજીવનમાં વિધેયાત્મક પરિવર્તન અને પરિણામ લાવી શકે છે. આ તમામ બાબતો નાની અને સામાન્ય છે, પરંતુ બહેતર સમાજ નિર્માણ માટે એનું ખૂબ જ મોટું મહત્ત્વ છે. શું આપણે આવા ગણતરીબાજ છીએ? આપણે પોતાને જ પૂછી લેવું જોઈએ અને પોતાની જાતને આવા કૅલ્ક્યુલેટર બનાવવાથી જોજનો દૂર રાખવી જોઈએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK