દુકાનો ખૂલવાની રાહ જોઈ રહેલા મુંબઈના વેપારીઓના ઉત્સાહ પર વરસાદે પાણી ફેરવ્યું

Published: Aug 06, 2020, 15:28 IST | preeti khuman thakur | Mumbai Desk

મુંબઈમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતાં ૧૩૩ ‌દિવસ પછી પણ વેપારીઓને રાહત નહીં

દુકાનો ચાલુ કરવાના ઉત્સાહ પર વરસાદે પાણી ફેરવી નાખ્યું.
દુકાનો ચાલુ કરવાના ઉત્સાહ પર વરસાદે પાણી ફેરવી નાખ્યું.

કોરોના મહામારીના કારણે મુંબઈભરમાં છેલ્લા ૧૩૩ દિવસથી બંધ પડેલા વેપાર-ધંધા રાજ્ય સરકારના ‌મિશન ‌બિગિન અગેન હેઠળ પાંચ ઓગસ્ટ એટલે કે ગઈ કાલથી શરૂ થવાના હતા. એ અનુસાર તમામ દુકાનો બધા ‌દિવસ માટે ફરીથી રાબેતા મુજબ શરૂ કરવાની બીએમસીએ જાહેરાતથી ઉત્સા‌હિત થયેલા વેપારીઓનો આનંદ નિરાશામાં પરિણામ્યો હતો. મુંબઈમાં છેલ્લા ૪૮ કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદના પગલે ઠેકઠેકાણે લગભગ ત્રણ ફુટ જેટલો જળજમાવ થઇ જતા રસ્તાઓ પર પાણી ભરાયેલાં જોવા મળ્યાં હતા. અનેક વેપારીઓની દુકાનોમાં પાણી સુધ્ધાં ઘૂસી જતા લાખો રૂ‌‌‌પિયાના માલ-સામાન પલળી જતા નુકસાન થયું છે. એક તરફ કોરોના મહામારીને કારણે વેપાર-ધધામાં નુકસાન થઇ રહ્યું હતું તો બીજી તરફ વેપારીઓને પડ્યા પર પાટુ મારવા જેવી સ્થિતિ વરસાદનાં પાણી શોપિંગ સેન્ટરો અને દુકાનોમાં ઘૂસી જતાં દુકાન ફરીથી શરૂ કરવાના ઉત્સાહને બ્રેક લાગી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં મંગળવારે ૨૬ કરતા વધુ સ્થળોએ પાણી ભરાઇ જવાથી દુકાનોમાં પાણી ધુસી ગયા હતા. આમ વેપારીઓને લૉકડાઉનના ૧૩૩ ‌દિવસ બાદ પણ રાહતનો શ્વાસ લેવા મળી રહ્યો નથી.
અનેક દુકાનો બંધ રાખવી પડી
દાદર-ઈસ્ટમાં ‌હિંદમાતા માકેર્ટમાં છેલ્લા ૫૦ વર્ષથી વસંત વસ્ત્રાલય દુકાન ધરાવતાં રાજેશ ગાલાએ ‌મિડ-ડેને કહ્યું હતું કે ‘કો‌રોના ઈન્ફેકશન વધવાની સાથે લૉકડાઉન જાહેર કરાયું હોવાથી દુકાન ૮૦ ‌દિવસ બંધ રાખવી પડી હતી. જેથી વેપારીઓની કફોડી હાલત થઈ હતી. જેમ-તેમ ઓડ-ઈવન રીતે દુકાનો શરૂ થતાં થોડો રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ઓડ-ઈવન હોવાથી ખાસો એવો વેપાર તો થતો નહોતો. પરંતુ પાંચ ઑગસ્ટથી તમામ ‌દિવસ સવારે નવથી સાંજે સાત વાગ્યા સુધી દુકાનો શરૂ કરાશે એવી જાહેરાત થતાં ખૂબ ખુશ થયા હતા. પરંતુ સતત બે ‌દિવસથી પડી રહેલાં વરસાદને કારણે અમારી ખુશી પર પાણી ફેરવાય ગયું છે. પાંચ ઑગસ્ટથી રાબેતાં મુજબ દુકાનો શરૂ રાખવાને બદલે ગઈ કાલે તો દુકાન બંધ રાખવી પડી હતી. દુકાનોમાં પાણી ઘૂસી જવાથી માલ-સામાનને પણ ઘણું નુકસાન થયું છે.’
વેપારીઓ બધી જ બાજુએથી ત્રા‌હિમામ્
દાદરમાં સાડીની દુકાન ધરાવતાં ‌વિજય દે‌ઢિયાએ જણાવ્યું હતું કે ‘કોરોનાને કારણે દુકાનો બંધ રાખવી પડી હોવાથી દુકાનમાં કામ કરનારને પણ પગાર આપવું અઘરું થઈ ગયું છે. રાજ્ય સરકારે દુકાનો તમામ ‌દિવસો ચાલુ રાખવાની જાહેરાત કરતાં ગાડી પાટા પર આવશે એવું લાગતાં રાહત અનુભવી રહ્યા હતા. પરંતુ કોરોના સાથે હવે વરસાદ પણ જ્યાણે અવરોધ બનીને ઊભું રહ્યું હોય એવું લાગે છે. પહેલાં જ આ‌ર્થિક રીતે અ‌તિશય નુકસાન થયું છે એમાં વરસાદને કારણે દુકાનોમાં પાણી જતાં વેપારી બધી જ બાજુએથી હેરાન થઈ ગયો છે.’
બધા ‌‌‌દિવસ દુકાન ચાલુ રાખવાના ઉત્સાહ ‌પર પાણી મલાડમાં રાજ ભવન ‌બિ‌‌લ્ડિંગમાં નિલેશ સ્ટશેનરી એનડ ઝેરોક્સની દુકાન ચલાવતા શેલેષ પટેલે કહ્યું હતું કે ‘મારી દુકાનની આસપાસના પરીસરમાં પાણી ભરાતાં જ હોય છે છતાં બીએમસી દ્વારા એ ‌વિશે ઉકેલ લાવતાં નથી. પરંતુ આ દુર્લક્ષ અમારી જેવા નાના વેપારીઓને હવે વધુ ભારે પડી રહ્યું છે. પહેલાંથી જ ધંધો ના બરાબર ચાલી રહ્યો છે અને એમાં પાણી ભરાતાં આગમાં ઘી નાખવા જેવી ‌‌સ્થિતિ ઊભી થઈ છે. દુકાનમાં માલ-સામાનનું નુકશાન થયું છે એનો જવાબદાર કોણ? સરકાર અમારી જેવા નાના વેપારીઓ તરફ ધ્યાન આપીને કોઈ રાહત આપે તો સારું. ગઈ કાલથી બધા ‌દિવસ દુકાનો ચાલુ રાખવાનો ઉત્સાહ તો દૂર રહ્યો પરંતુ વરસાદે તો મોટું નુકસાન ઊભું કર્યું છે. ’
બે ‌દિવસ પહેલાં લીધેલો માલ પાણીમાં ખરાબ થયો
ભાઈંદર-વેસ્ટમાં ‌સિક્સ્ટી ફીટ રોડ પર ભાડાની દુકાનમાં વેપાર કરતાં ‌હિંમત માલીએ ‌મિડ-ડેને કહ્યું કે ‘પહેલાં હું ‌સિક્ટી ‌ફીટ રોડ પર બાંકડો લગાડીને ખાખરા, પાપડ, મરચા વેચતો હતો. પરંતુ લોકડાઉનમાં રસ્તા પર ઊભા રહેવા ન દેતાં હોવાથી ભાડા પર દુકાન લઈને બે ‌દિવસ પહેલાં જ ‌૭૦ હજાર રૂ‌પિયાનો માલ ભર્યો હતો. મુશળધાર વરસાદને કારણે પાણી દુકાનની અંદર ઘૂસી જતાં બધો જ માલ ખરાબ થઈ ગયો છે. કોરોનામાં જેમ-તેમ ધંધો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં આ રીતે નુકસાન થતાં કેવી હાલત થઈ હશે એ સમજી શકાય એમ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK