બલિદાન આપીશું, પણ સમાધિ હટવા નહીં દઈએ : શિવસૈનિકો

Published: 10th December, 2012 07:31 IST

રાજ્ય સરકાર સીધી રીતે નહીં માને તો પરિસ્થિતિ બગડશે એવી આપી ચીમકી : દાદરના શિવાજી પાર્કમાં બાંધવામાં આવેલી અસ્થાયી સમાધિને તોડી પાડવાની સુધરાઈની નોટિસસમાધિ પર બબાલ : શિવાજી પાર્કમાં શનિવારે મોડી રાત સુધી મહિલા શિવસૈનિકો બાળ ઠાકરેની અસ્થાયી સમાધિનું રક્ષણ કરવા હાજર હતી. શનિવારે સવારે નવ વાગ્યે સુધરાઈએ શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત અને મેયર સુનીલ પ્રભુને સમાધિ હટાવવા માટે નોટિસ મોકલી હતી. ત્યાર પછી શિવાજી પાર્કમાં આ સમાધિનું રક્ષણ કરવા માટે ૨૪ કલાક શિવસૈનિકોએ બંદોબસ્ત રાખવાનું શરૂ કરી દીધું હતું (ઉપર).
બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર થયા એ સ્થળે ગઈ કાલે ૧૦,૦૦૦થી વધુ સંખ્યામાં શિવસૈનિકો સહિત પબ્લિક અસ્થાયી સમાધિનું રક્ષણ કરવા માટે શિવાજી પાર્કમાં પહોંચી ગઈ હતી. તસવીરો : પ્રદીપ ધિવારશિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેના શિવાજી પાર્કમાં જ્યાં અંતિમ સંસ્કાર થયા ત્યાં પ્લૅટફૉર્મ પર બાંધવામાં આવેલી સમાધિને સરકારે ગેરકાનૂની દર્શાવી એને તોડી પાડવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ સરકારના આ નિર્ણયનો વિરોધ કરીને શિવાજી પાર્ક પર હજારોની સંખ્યામાં શિવસૈનિકોએ આ સ્થળને ઘેરી લીધું છે. શિવસૈનિકો આ સમાધિના રક્ષણ માટે ૨૪ કલાક ત્યાં ખડે પગે હાજર છે. બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર આ સ્થળે થયા હોવાથી શિવસૈનિકો માટે આ સ્થળ પવિત્ર બની ગયું છે અને આ સમાધિની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપવા પણ તૈયાર છે. જોકે રોજ શિવાજી પાર્ક પર ૧૦,૦૦૦થી વધુની સંખ્યામાં શિવસૈનિકો એનાં દર્શન કરવા આવી રહ્યા છે.

શિવાજી પાર્ક પર ગઈ કાલે આ સમાધિનું રક્ષણ કરવા શિવસેનાની ઈશાન મુંબઈ શાખાના વિભાગ પ્રમુખ સુધીર મોરે, સુધાકર પેડણેકર, ભૂતપૂર્વ મેયર દત્તા દળવી, નગરસેવકો રાજા રાઉત, સુરેશ પાટીલ, પ્રકાશ ચવાણ, ચંદ્રકાંત વાણી, પ્રકાશ પાટીલ, સદા સરવણકર વગેરે હાજર હતા.

આ સમાધિ સરકાર તોડી પાડવાની છે એવી ખબર ફેલાતાં શનિવારથી હજારોની સંખ્યામાં શિવસૈનિકો શિવાજી પાર્ક પહોંચી રહ્યા છે અને ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. જોકે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસે નહીં એ માટે શુક્રવાર રાતથી જ શિવાજી પાર્ક વિસ્તારમાં રાયટ કન્ટ્રોલ પોલીસ અને મુંબઈપોલીસ તહેનાત કરવામાં આવી હતી. શિવસૈનિકોએ કહ્યું હતું કે ‘અમે આ સ્થળ માટે અમારા જીવનું બલિદાન આપવા માટે તૈયાર છીએ, પણ સરકારને આ સમાધિ તોડવા નહીં દઈએ. જો સરકાર સીધી રીતે સમજતી હોય તો ઠીક છે, નહીં તો પછી પરિસ્થિતિ ઘણી બગડી જશે.’

સરકારનો વિરોધ 


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે ‘શિવાજી પાર્કમાં બાળ ઠાકરેના જ્યાં અંતિમ સંસ્કાર થયા એ સ્થળે બનાવવામાં આવેલી સમાધિ ગેરકાયદે છે અને શિવાજી પાર્કમાં સમાધિ બનાવવાની માગણીને સ્વીકારી નહીં શકાય, કારણ કે એ સાઇલન્સ ઝોન છે.’

સુધરાઈનો વિરોધ 


શિવાજી પાર્ક પર બાળ ઠાકરના અંતિમ સંસ્કાર માટે પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ આ સ્થળ પર સમાધિ બનાવવાની પરવાનગી આપવામાં આવી નહોતી એટલે ગયા અઠવાડિયાની શરૂઆતમાં સુધરાઈએ શિવસેનાના લીડરોને આ સમાધિ હટાવવા માટે નોટિસ પણ મોકલી હતી. જો શિવસૈનિકો આ સમાધિને નહીં હટાવશે તો પછી સુધરાઈ પોલીસની મદદ લઈને એને તોડી પાડશે.


શિવાજી પાર્કને શિવર્તીથ નામ આપવા સામે કૉન્ગ્રેસનો વિરોધ


શિïવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેના શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર કર્યા બાદ આ સ્થળને શિવર્તીથ નામ આપવાની શિવસેનાની માગણીને મહારાષ્ટ્ર કૉન્ગ્રેસે ઇતિહાસ સાથે ચેડાં કરવાનો પ્રયાસ ગણાવીને નકારી કાઢી હતી. શિવસેના આને લગતો એક પ્રસ્તાવ સુધરાઈમાં લાવી એને મંજૂર કરાવવાનો પ્રયાસ કરી રહી છે, પણ કૉન્ગ્રેસના નગરસેવક એનો જબરદસ્ત વિરોધ કરશે એવું ગઈ કાલે મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીએ કહ્યું હતું. મહારાષ્ટ્રની અગિયાર કરોડ જનતા જેને ભગવાન તરીકે પૂજે છે એ મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના નામ પરથી આ મેદાનને અંગ્રેજોએ શિવાજી પાર્ક નામ આપ્યું હોવાથી આ નામ બદલવાનો કોઈ સવાલ જ નથી થતો એવું પણ મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીએ કહ્યું હતું. બાળ ઠાકરે જ્યારે પણ શિવાજી પાર્કમાં રૅલીને સંબોધતા ત્યારે તેઓ શિવાજી પાર્કનો ઉલ્લેખ શિવર્તીથ તરીકે કરતા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK