રાજ ઠાકરેની મંદિર ખોલવાની માગણી સામે સંજય રાઉતનો જવાબ

Published: Sep 03, 2020, 20:55 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

લોકશાહીમાં દરેક વિપક્ષને મુખ્ય પ્રધાન સાથે વાતચિત કરવાનો હક છે. આ માટે રસ્તામાં ઉતરવાની જરૂર નથી

રાજ ઠાકરે અને સંજય રાઉત
રાજ ઠાકરે અને સંજય રાઉત

અનલૉકના વિવિધ તબક્કાઓમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ઘણાં નિયંત્રણો હળવાં કરવામાં આવ્યા છે પરંતુ હજી મંદિર ખોલવાની પરવાનગી ન મળતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને મંદિર ખોલવાનું મહત્વ સમજાવ્યું છે તેમ જ ટોણો માર્યો છે કે શું સરકારે હિંદુઓની વાત સાંભળવાનું બંધ કરી દીધું છે? તેમ જ મુખ્ય પ્રધાન સમક્ષ માગણી કરી છે કે રાજ્યનાં તમામ મંદિરો ફરી ખોલી દેવામાં આ, અન્યથા લોકો નિયંત્રણોને અગણીને પોતાના ભગવાનને જોવા માટે કૂચ કરશે.

તેમણે પત્રમાં લખ્યું કે, અનલૉકના વિવિધ તબક્કાઓમાં ઘણાં નિયંત્રણો હળવાં કરવામાં આવ્યાં છે, મૉલ ખૂલી ગયા છે, પણ ભક્તોને તેમના ભગવાનથી હજી દૂર જ રાખવામાં આવી રહ્યા છે. મંદિરો ખોલવામાં આટલો પ્રતિકાર કેમ કરવામાં આવી રહ્યો છે? કોરોનાની મહામારીને ધ્યાનમાં લેતા રાજ્યના દરેક નાગરિકોએ સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરીને તહેવારો ઉજવ્યા છે, એ પણ સરકારે ધ્યાનમાં લેવું જોઈએ.

મંદિરો ખોલવાં એ માત્ર ભક્તોની આવનજાવનનો વિષય નથી એમ જણાવતાં રાજ ઠાકરેએ પત્રમાં ઉમેર્યું કે, એમાં પૂજારીઓનો સમાવેશ છે, મંદિરોની બહાર પૂજાનો સામાન વેચતી દુકાનો હોય છે, આમ ઘણા લોકોની આજીવીકા જોડાયેલી છે. પરંતુ સરકાર આ બાબતે ગંભીર જણાતી નથી.

શિવસેનાના નેતા અને સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું કે, મુખ્ય પ્રધાન મંદિર શરૂ કરવા માગે છે. ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય લેવાશે. દેશ સહિત રાજ્યમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેથી વિપક્ષોએ મુખ્ય પ્રધાન સાથે વાતચીત કરવી જોઈએ. લોકશાહીમાં દરેક વિપક્ષને મુખ્ય પ્રધાન સાથે વાતચિત કરવાનો હક છે. આ માટે રસ્તામાં ઉતરવાની જરૂર નથી. મુખ્યપ્રધાને લૉકડાઉન સંબંધિત જે પણ નિર્ણય લીધા છે તે લોકોના હિત માટે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK