જય શિવાજી V/S જય શ્રી રામની સામસામે નારેબાજી

Published: 11th November, 2014 06:09 IST

વિધાનસભાના ત્રણ દિવસના ખાસ અધિવેશનના પહેલા દિને BJP અને શિવસેનાની સામસામી નારાબાજી : ખરો ડ્રામા આવતી કાલે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ BJPની માઇનૉરિટી સરકારનો વિશ્વાસનો મત લેવા માટે વિધાનસભાનું ત્રણ દિવસનું સ્પેશ્યલ અધિવેશન ગઈ કાલે ડ્રામૅટિક અંદાજમાં શરૂ થયું હતું. દેવેન્દ્ર ફડણવીસ સરકારને બુધવારે વિશ્વાસના મત વખતે શિવસેના કે NCPમાંથી કોણ સપોર્ટ આપશે એ વિશે ઘેરું સસ્પેન્સ હતું. ખાસ તો શિવસેનાના શક્તિપ્રદર્શનને કારણે પહેલો દિવસ રસપ્રદ રહ્યો હતો. પહેલા બે દિવસ તો નવા ચૂંટાયેલા તમામ ૨૮૮ વિધાનસભ્યોની વિધાનસભ્ય તરીકેની શપથવિધિ થવાની છે. ગઈ કાલે પહેલા દિવસે ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવે પ્રો-ટેમ (હંગામી) સ્પીકર તરીકે જીવા પાંડુ ગાવિતને નીમ્યા બાદ ગાવિતે ૧૭૮ વિધાનસભ્યોને શપથ લેવડાવ્યા હતા. બાકીના વિધાનસભ્યો આજે શપથ લેશે.

શિવસેનાનો ડ્રામા

BJPની નવી સરકારને સપોર્ટના મુદ્દે તલવાર તાણી ચૂકેલી શિવસેનાના વિધાનસભ્યો કેસરી સાફામાં સજ્જ થઈને ઢોલ-નગારાં સાથે વાજતે-ગાજતે વિધાનસભામાં પ્રવેશ્યા હતા અને વિરોધ પક્ષની પાટલીઓ પર બેસી ગયા હતા. અઢી દાયકાની યુતિનો વિધાનસભાની ચૂંટણી પહેલાં અંત આવ્યા બાદ શિવસેના અને BJP વચ્ચે ખરાખરીનો જંગ જામશે એ હવે લગભગ નક્કી છે. બન્ને પાર્ટીઓ વચ્ચે વિધાનસભામાં આનો સંકેત આપતા સૂત્રોચ્ચાર પણ ગુંજ્યા હતા. શિવસેનાના જય શિવાજીના નારા સામે BJPએ જય શ્રી રામનો નારો લગાવ્યો હતો.

ખરો તાશેરો આવતી કાલે

જોકે ખરો પૉલિટિકલ તાશેરો આવતી કાલે જોવા મળશે. પહેલાં તો વિધાનસભાના સ્પીકરની ચૂંટણી થશે. આ પદ માટે મળતા સંકેતો પ્રમાણે શિવસેના પોતાનો ઉમેદવાર ઉતારશે તો હાઈ વૉલ્ટેજ ડ્રામા થશે. આ ઉપરાંત NCP બહારથી બિનશરતી ટેકો આપીને ફડણવીસ સરકારને વિશ્વાસનો મત જિતાડી દેશે તો ગૃહમાં સભ્યોની સંખ્યાના આધારે બીજા નંબરની પાર્ટી તરીકે શિવસેના વિરોધ પક્ષના નેતા તરીકેનો દાવો કરશે. શિવસેના-BJPના ઝઘડાનો ફાયદો ઉઠાવવા તત્પર કૉન્ગ્રેસે પણ આ પદ માટે ગઈ કાલે દાવો નોંધાવ્યો હતો. વિધાનસભામાં કૉન્ગ્રેસના ગ્રુપ-લીડર તરીકે રાધાક્રિષ્ન વિખે-પાટીલની નિમણૂક કરવામાં આવી છે.

ભૂતપૂર્વ દિગ્ગજોએ લીધા સાદા શપથ

ગઈ કાલે શપથ લેનારા વિધાનસભ્યોમાં શેતકરી કામગાર પાર્ટીના સિનિયર નેતા ગણપતરાવ દેશમુખે સતત ૧૨મી વખત વિધાનસભ્યપદના શપથ લીધા હતા. તમામ વિધાનસભ્યો મરાઠીમાં શપથ લેતા હતા ત્યારે ટીમ દેવેન્દ્રના આદિવાસી વિકાસ મિનિસ્ટર વિષ્ણુ સાવરાએ સંસ્કૃતમાં શપથ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત છેલ્લાં પંદર વર્ષ રાજ્યમાં શાસન કરનારી કૉન્ગ્રેસ અને NCPના કદાવર નેતાઓ અને ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણ અને મિનિસ્ટરોમાં અજિત પવાર, દિલીપ વળસે-પાટીલ, આર. આર. પાટીલ, બાળાસાહેબ થોરાત સહિતના નેતાઓએ શપથ લીધા હતા. જોકે નારાયણ રાણે જેવા કેટલાક કદાવર નેતાઓ ચૂંટણીમાં હાર્યા હોવાથી તેમની ગેરહાજરીની નોંધ પણ કેટલાક નેતાઓએ છાના ખૂણે લીધી હતી.

વિધાનસભામાં એકનાથ ખડસેને ગિફ્ટ આપવા લીલી ટોપી લાવ્યા શિવસેનાના નેતા

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારને વિશ્વાસના મત વખતે સપોર્ટના મામલે BJP અને શિવસેના વચ્ચે જોરદાર માઇન્ડ-ગેમ અને એકબીજી પાર્ટીને નીચી દેખાડવાના પ્રયાસો વિધાનસભાના ત્રણ દિવસના સ્પેશ્યલ અધિવેશનના પહેલા દિવસે ગઈ કાલે જોવા મળ્યાં હતાં. શિવસેનાએ ગઈ કાલે ટીમ દેવેન્દ્રના સિનિયર મેમ્બર અને માઇનૉરિટી મિનિસ્ટર એકનાથ ખડસેને નિશાન બનાવ્યા હતા.

મરાઠી મીડિયમની સ્કૂલોમાં વૈકલ્પિક વિષય તરીકે ઉર્દૂ ભાષાનો સમાવેશ કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં શિવસેનાના નેતા દિવાકર રાઉતે લીલા રંગની ટોપી એકનાથ ખડસેને ગિફ્ટ આપવા માટે લાવ્યા હતા. એકનાથ ખડસે સામે મોરચો ખોલતાં દિવાકર રાઉતેએ પ્રશ્ન કર્યો હતો કે ‘કોઈએ માગણી નથી કરી છતાં મરાઠી સ્કૂલોમાં ઉદૂર્નો વિષય ઘુસાડવાની જરૂર શું છે? માત્ર એકલ-દોકલ મુસ્લિમ સ્ટુડન્ટ માટે સ્કૂલમાં ટીચર નીમો, તેમની નમાઝ માટે વ્યવસ્થા કરો અને કીમતી સમય ફાળવો. આવી મહેરબાની શા માટે?’

વિધાન પરિષદનું પૉલિટિક્સ

વિધાનસભાની સાથે-સાથે વિધાન પરિષદમાં પણ જબરું પૉલિટિક્સ ખેલાવાના સંકેતો મળી રહ્યા છે. વિધાન પરિષદના કેટલાક સભ્યો વિધાનસભાની ચૂંટણી જીતી ગયા છે. હાલમાં વિધાન પરિષદની સભ્યસંખ્યા પ્રમાણે સૌથી વધુ NCPના ૨૭, કૉન્ગ્રેસના ૨૧, BJPના ૯ અને શિવસેનાના ૬ સભ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિધાન પરિષદના સ્પીકરપદ માટે NCP દાવો નોંધાવશે અને જો ચૂંટણી થશે તો કૉન્ગ્રેસ પાસે હાલમાં રહેલું આ એક પદ પણ છીનવાઈ જશે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK