સુજિત મહામુલકર
મુંબઈ, તા. ૧૯
શિવાજી પાર્કમાંથી શિવસેનાના સુપ્રીમો દિવંગત બાળ ઠાકરેની અસ્થાયી સમાધિને શિવસેનાએ આખરે એક મહિના બાદ ખેસડી લીધી છે. ગઈ કાલે સવારે પાર્કમાંથી તેમની અસ્થાયી સમાધિને હટાવવાનું કામ શિવસેનાના કાર્યકરો કરતા હતા ત્યારે જ છત્રપતિ શિવાજી મહારાજના પૂતળા નજીક બાળ ઠાકરેની સ્મૃતિમાં એક લૅન્ડસ્કેપ ગાર્ડન બાંધવા દેવા માટેની પરવાનગી માગતો પ્રસ્તાવ સુધરાઈને મોકલાવવામાં આવ્યો હતો.
‘લૅન્ડસ્કેપ ગાર્ડન’ બાંધવા દેવાનો પ્રસ્તાવ મેયર સુનીલ પ્રભુની અધ્યક્ષતામાં મળેલી તમામ સભ્યોની બેઠક દરમ્યાન મૂકવામાં આવ્યો હતો. ત્યારે સુધરાઈના કમિશનર સીતારામ કુંટે, ઍડિશનલ કમિશનર મનીષા મ્હૈસકર તથા મોહન અડતાણી સહિત તમામ પક્ષના નેતાઓ હાજર હતા. શિવસેનાના નેતા યશોધર ફણસેએ કહ્યું હતું કે ‘શિવાજી પાર્કના એક ખૂણામાં સુધરાઈ જ એક ૪૦ બાય ૨૦ ચોરસ ફૂટના વિસ્તારમાં એક બાગ તૈયાર કરીને ત્યાં તેમની માટીની સમાધિ બનાવે. એથી અમારા નેતાની સ્મૃતિ જીવંત રહી શકે.’
જોકે આ તો પ્રથમ તબક્કાની વાત છે. શિવસેના બાદમાં જરૂરી પરવાનગી મેળવીને મોટું ગાર્ડન ભવિષ્યમાં બનાવવાની યોજના પણ વિચારી રહી છે.
આ પ્રસ્તાવનો કૉન્ગ્રેસ, એનસીપી, એમએનએસ તથા સમાજવાદી પાર્ટી જેવા વિરોધપક્ષોએ વિરોધ ન કરતાં એને મંજૂરી આપવામાં આવી હતી. જોકે સુરક્ષાનો મુદ્દો ઊભો કરતાં એમએનએસના નેતા દિલીપ લાન્ડેએ કહ્યું હતું કે આ જગ્યાની પ્રવિત્રતાનો ભંગ થાય તો એ માટે જવાબદાર કોણ રહેશે? જો સુધરાઈ એની સુરક્ષાની ખાતરી આપતું હોય તો આ પ્રસ્તાવનું તેઓ પણ સમર્થન કરશે. વિરોધપક્ષના નેતા જ્ઞાનરાજ નિકમે કહ્યું હતું કે જો નિયમ અનુસાર એને પરવાનગી મળી શકતી હોય તો આ પ્રસ્તાવ સામે તેમનો કોઈ વિરોધ નથી. સુધરાઈના કમિશનર સીતારામ કુંટેએ કહ્યું હતું કે અમે પહેલાં જગ્યાનું અવલોકન કરીશું તથા લીગલ, ગાર્ડન ઍન્ડ ડેવલપમેન્ટ પ્લાન ડિપાર્ટમેન્ટના સલાહસૂચન બાદ જ નિર્ણય લઈશું.
‘શિવતીર્થ’ નામ તો ખરું જ
ગઈ કાલે મેયરની અધ્યક્ષતામાં મળેલી તમામ પક્ષના નેતાઓની મીટિંગમાં શિવાજી પાર્કમાં બાળ ઠાકરેની સ્મૃતિમાં જ્યાં માટીનું સ્મારક બનાવવામાં આવશે એ સ્થળને ‘શિવતીર્થ’ નામ આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો. જોકે શિવાજી પાર્કના નાનકડા ભાગને નવું નામ આપવાના આ પ્રસ્તાવનો કૉન્ગ્રેસ, એનસીપી તથા સમાજવાદી પક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો. હવે આ પ્રસ્તાવ વિશે ભવિષ્યમાં ચર્ચા કરવામાં આવશે. ૧૯૮૭માં પણ આવો જ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેનો એ સમયના શિવસેનાના નેતાઓએ જનરલ બૉડી મીટિંગમાં વિરોધ કર્યો હતો. જોકે અત્યારે આ પ્રસ્તાવને મેયરે કોઈ પણ ચર્ચા વગર વધુ ચર્ચા માટે પેન્ડિંગ રાખી મૂક્યો છે.
શિવડી હૉસ્પિટલને પણ બાળ ઠાકરેનું નામ?
શિવડી હૉસ્પિટલમાં મહાત્મા ગાંધીના પુત્ર હરિલાલ ગાંધી ટ્યુબરક્યુલૉસિસ (ટીબી)ને કારણે મરણ પામ્યા હોવાનું શોધી કાઢનારા ડૉક્ટરને શિવસેનાના દબાણને કારણે શો-કૉઝ નોટિસ મોકલવામાં આવી છે. ૧૯૪૮ની ૧૮ જૂને ટીબીને કારણે હરિલાલ મરણ પામ્યા હોવાનું મેડિકલ રેકૉર્ડમાંથી જાણ્યા બાદ ત્યાં બની રહેલા આઇસીયુને હરિલાલનું નામ આપવાની યોજના શિવડી હૉસ્પિટલ દ્વારા બનાવવામાં આવી રહી હતી, પરંતુ શિવસેના એના દિવંગત પ્રમુખ બાળ ઠાકરેનું નામ એને આપવા માગે છે.
આઈસીયુ = ઇન્ટેન્સિવ કૅર યુનિટ
ભીવંડીમાં કૉન્ગ્રેસ-શિવસેનાના કાર્યકરો બાખડ્યા: પાંચનાં માથાં ફૂટ્યાં
16th January, 2021 10:35 ISTમીરા-ભાઈંદરમાં શરૂ કરાશે સાઇકલ શૅરિંગ સિસ્ટમ
14th January, 2021 14:33 ISTશિવસેનાને નીચું દેખાડવા MNSના નેતાએ ગુજરાતીમાં ટ્વીટ કરી કાચું કાપ્યું
13th January, 2021 06:18 ISTમીરા રોડમાં એમડી અને કોકેઇન ડ્રગ્સ સાથે ચાર નાઇજિરિયનની ધરપકડ
12th January, 2021 10:14 IST