બાળ ઠાકરેને પણ ભારત રત્ન આપવાની શિવસેનાની માગણી

Published: 25th December, 2014 05:51 IST

દેશનું સર્વોચ્ચ બહુમાન ભારત રત્નનો ઇલકાબ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને અને સ્વાતંત્ર્યસેનાની અને કેળવણીકાર સ્વ. મદનમોહન માલવીયને આપવાની જાહેરાત કરી એ જ દિવસે શિવસેનાએ તેના સ્થાપક બાળ ઠાકરેને પણ ભારત રત્નનો ઇલકાબ આપવાની માગણી કરી હતી.
મુંબઈમાં પત્રકારોને સંબોધતાં BJPના સહયોગી પક્ષ શિવસેનાના નેતા મનોહર જોશીએ ભારત રત્નની જાહેરાત વિશે જણાવ્યું હતું કે ‘વાજપેયીજીને ભારત રત્ન આપવામાં આવે છે એ જાણીને ખૂબ આનંદ થયો. મને લાગે છે કે બાળ ઠાકરેને પણ ભારત રત્ન આપવો જોઈએ. તેમણે જીવનના જુદાં-જુદાં ક્ષેત્રોના લોકોની એકતા સાધવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે. તેઓ ગરીબોનો અવાજ હતા. ગરીબોને ન્યાય મેળવી આપવા તેઓ જીવનભર ઝઝૂમ્યા છે. ઉચ્ચ સ્તરના નેતા હતા. હવે રાજ્યોમાં પણ સ્થાનિક નેતાઓને સર્વોચ્ચ સન્માન મળે એ માટેની માગણીઓ થવા માંડી છે. માગણી કરવામાં ખોટું શું છે? હું સ્વ. બાળ ઠાકરેને ભારત રત્ન આપવાની માગણી કરું છું. સરકાર એની નોંધ લેશે એવી આશા રાખું છું.’

જોશીના સ્ટેટમેન્ટ વિશે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં નાગપુર ખાતે રાજ્ય વિધાનમંડળના શિયાળુ સત્રમાં વ્યસ્ત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બાળ ઠાકરેના સામાજિક અને રાજકીય પ્રદાનને માન્ય રાખતાં જણાવ્યું હતું કે ‘એ બાબતે યોગ્ય વેળાએ નિર્ણય લેવાશે. તેમનાં સ્તર અને દરજ્જા વિશે અને ગરીબો તથા પછાત લોકો માટે તેમણે કરેલાં કાર્યો વિશે કોઈ શંકા નથી. એ બાબતે કેન્દ્ર સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે.’ 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK