શત્રુંજય ર્તીથ પર બે ર્તીથંકરોની દેરીઓની પુન: પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ

Published: 15th October, 2011 19:30 IST

સૌરાષ્ટ્રના ભાવનગર પાસે પાલિતાણામાં જૈનોના ર્તીથ શત્રુંજય પર આવેલી ભગવાન અજિતનાથ અને શાંતિનાથની પ્રાચીન દેરીઓની સદીઓ પછી પુન: પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આણંદજી કલ્યાણજી પેઢીના ઉપક્રમે ૨૦૧૨ની ૧૯થી ૨૭ ફેબ્રુઆરીએ રાખવામાં આવ્યો છે.

 

આ કાર્યક્રમનું અભૂતપૂર્વ રીતે સંચાલન કરીને એને સફળ બનાવવા માટે શ્રી સિદ્ધાચલ અજિતશાંતિ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા કાંદિવલી (ઈસ્ટ)ના અશોક ચક્રવર્તી રોડ પર આવેલા શ્રી શંખેશ્વર પાશ્વર્નાથ જૈન દેરાસરના હૉલમાં આચાર્ય શ્રી કનકશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ અને આચાર્ય શ્રી અપૂર્વમંગલરત્નસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં મુંબઈનાં જૈન સંઘો, યુવક મંડળો, સામાયિક મંડળો, મહિલા મંડળો વગેરેની એક મહાસભાનું આયોજન આવતી કાલે બપોરે ૨.૩૦ વાગ્યે કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં શું હશે?

ભગવાન અજિતનાથ અને શાંતિનાથની દેરીઓની પુન: પ્રતિષ્ઠાની વિગતો જણાવતાં સિદ્ધાચલ અજિતશાંતિ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિના આગેવાન કાર્યકર અતુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શત્રુંજય ર્તીથની નવટૂંક પર આવેલી ચમત્કારિક અજિતશાંતિની દેરીઓની પુન: પ્રતિષ્ઠાનો અભૂતપૂર્વ કાર્યક્રમ ૧૯થી ૨૭ ફેબ્રુઆરી સુધી યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમના છેલ્લા ચાર દિવસ એટલે કે ૨૪થી ૨૭ ફેબ્રુઆરી સુધી ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજવાનું શ્રી સિદ્ધાચલ અજિતશાંતિ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિના કાર્યકરો અરમાન સેવી રહ્યા છે. એમાં ર૪ ફેબ્રુઆરીએ યોજાનારી જબરદસ્ત મોટી રથયાત્રામાં કેરળથી પંચ વાદ્યો વગાડનારા ૫૦૦ વાદ્યકારો આવશે. ૩૬થી વધુ લક્ષણોપતિ ગજરાજો, વિશ્વસ્તરે નામના ધરાવતા ૧૨૦૦થી ૧૫૦૦ ઢોલી અને શરણાઈવાળાઓની સાથે ૧૦૮થી વધુ દીક્ષાર્થીઓ અને વિવિધ વાદ્યો વગાડનારા વાદ્યકારો, વિવિધ રચનાઓના કલાકારો મળીને ૫૦૦૦થી વધુ કલાકારો આ રથયાત્રામાં જોડાશે. વિશ્વસ્તરના ૧૦૮થી વધુ સંગીતકારો ૨૫ ફેબ્રુઆરીએ સતત ત્રણ કલાક સુધી અજિતશાંતિની સ્તવનાવલિ અને ભગવાન અજિતનાથ તથા ભગવાન શાંતિનાથનાં સ્તવનોની સુંદર રજૂઆત કરશે. આ દિવસોમાં બૃહદ્ અષ્ટોતરી શાંતિસ્નાત્ર ભણાવવામાં આવશે. શત્રુંજયની તળેટીમાં આવેલાં ૮૬થી વધુ જિનાલયોને ભવ્ય રીતે શણગારીને સજાવવામાં આવશે. આ પ્રસંગે ગિરિરાજ પર આવેલા ૨૭,૦૦૭ ભગવાનોનો ૧૮ અભિષેક કરાવવામાં આવશે. એની વિશેષતા એ છે કે એનો લાભ ચોથા વ્રતથી લઈને ઉપધાન તપ, ૯૯ યાત્રા, વરસીતપ જેવાં મોટાં તપ કરેલા ભાગ્યશાળીઓને આપવામાં આવશે. ગિરિરાજ પર ૫૦૪ જગ્યાએ અનોખી ધૂપપૂજા કરાવવામાં આવશે. ૧૦૮ જગ્યાઓ પર પુષ્પવૃષ્ટિ થશે. આ પ્રસંગે આવનારા ૬૦થી ૯૦ હજાર યાત્રિકો માટે ૧૨૮થી વધુ ધર્મશાળા બુક કરવામાં આવી છે. ગામેગામના સંઘોને આમંત્રણપત્રિકા આપવા માટે યુવાનો નીકળી ગયા છે તેમ જ આ પ્રસંગને રોનકદાર બનાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.’

અઢાર અભિષેક માટેની સામગ્રીઓ સારાં નક્ષત્રોમાં જેમ કે પુષ્ય નક્ષત્રમાં પુષ્પો, મૂળ નક્ષત્રમાં મૂળિયાં જેવી વિવિધ સામગ્રીઓ નક્ષત્રો જોઈને લાવવામાં આવશે અને એમાંથી બનનારી ૧૦૩ ઔષધિઓ જેનો ભગવાનના અઢાર અભિષેકોમાં ઉપયોગ થવાનો છે એને પાલિતાણાથી ૨૨૫ કિલોમીટર દૂર આવેલા બોરસદ ગામ પાસેના વાલવોડ ર્તીથમાં માટીનાં ઘરોમાં કોઈ પણ જાતનાં મશીનોના ઉપયોગ વગર હાથેથી તૈયાર કરાવવામાં આવશે એમ જણાવતાં અતુલ શાહે કહ્યું હતું કે ‘આ ઔષધિઓ જ્યારે વાલવોડ ર્તીથથી ગિરિરાજ ર્તીથ પર લઈ જવામાં આવશે ત્યારે એને રજવાડી બળદગાડાંઓમાં વાજતેગાજતે લઈ જવામાં આવશે. રસ્તામાં આવતાં ગામેગામમાં એનાં વધામણાં કરવામાં આવશે. આવા તો અનેક કાર્યક્રમો આ પ્રસંગે યોજવાનો સમિતિનો નર્ધિાર છે.’

આવા અભૂતપૂર્વ અને ભવ્યાતિભવ્ય પ્રસંગના આયોજન માટે ૧૦૦૮થી વધુ યુવાનોને સંપૂર્ણ વ્યવસ્થા સોંપવામાં આવશે એમ જણાવતાં અતુલ શાહે કહ્યું હતું કે ‘આ સંપૂર્ણ આયોજનની રૂપરેખા તૈયાર કરવા માટે અને જૈન સંઘો તથા એનાં પેટામંડળોના યુવાનોને કામ સોંપવા માટે કાંદિવલીમાં આવતી કાલે બપોરે ૨.૩૦ વાગ્યે એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બધાં સંઘો અને મંડળોએ આવવાનું છે.’

ચમત્કારિક દેરીઓ

શત્રુંજય ર્તીથની નવટૂંક પર આવેલી જૈનોના ર્તીથંકરો ભગવાન અજિતનાથ અને ભગવાન શાંતિનાથની દેરીઓ સામસામે હતી. ભગવાન નેમિનાથના શિષ્ય મુનિશ્રી નંદિષેણજી મહારાજસાહેબ શ્રી શત્રુંજય ર્તીથની યાત્રા માટે આવ્યા ત્યારે તેમણે જોયું કે તેઓ ભગવાન અજિતનાથને વંદના કરવા જાય તો તેમની પીઠ ભગવાન શાંતિનાથ તરફ પડે છે અને ભગવાન શાંતિનાથને વંદના કરવા જાય તો તેમની પીઠ ભગવાન અજિતનાથ તરફ પડે છે, જે તેમને વિનયે અયોગ્ય લાગ્યું. આથી તેમણે એ જ સમયે શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ જિનની એકસાથે સ્તુતિ કરી, જેનો ચમત્કાર થતાં જે બન્ને દેરીઓ સામસામે હતી એ સ્તુતિ બાદ બાજુ-બાજુમાં આવી ગઈ હતી. આમ આ દેરીઓની ખૂબ જ મહત્તા છે. એની ફેબ્રુઆરી ૨૦૧૨માં પુન: પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે, જેમાં એક લાખથી વધુ લોકો આવશે એવી ધારણા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK