શૅરબજારમાં ફટકો પડતાં ભીંસમાં આવી ગયેલા બોરીવલીના ગુજરાતી યુવાનની હત્યા કે આત્મહત્યા?

Published: 30th December, 2011 04:58 IST

જિગર કાપડિયાએ કરેલી ફરિયાદ છતાં પગલાં ન લેનારી પોલીસની ભૂમિકા સામે શંકા : ચાર લેણદારોમાંથી એકની ધરપકડ : ર્કોટમાં ચાલી રહેલા કેસની પાંચમી જાન્યુઆરીએ સુનાવણીબોરીવલી અને કાંદિવલી વચ્ચે લોકલ ટ્રેનની નીચે આવી જવાથી ૧૬ ડિસેમ્બરે મૃત્યુ પામેલા બોરીવલીના ૨૮ વર્ષના ગુજરાતી યુવાન જિગર કાપડિયાના કેસમાં બોરીવલીની ગવર્નમેન્ટ રેલવે પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધ્યો હતો, પરંતુ જિગરને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યો હોઈ શકે એવી શંકા તેના પરિવારે વ્યક્ત કર્યા બાદ બોરીવલી પોલીસે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ કેસમાં પોલીસે એક આરોપી ઓઝમન્ડ માર્શલ્સની ધરપકડ કરી છે.

ચેક રિકવર કરવાના બાકી

લાખો રૂપિયાના દેવામાં ડૂબેલા જિગરે તેની પાસેથી પૈસા વસૂલ કરવા માગતી ચાર વ્યક્તિઓ વિરુદ્ધ આપેલા લેટરના આધારે પોલીસે તેના પિતાને બોલાવીને ૨૬ ડિસેમ્બરે ફરિયાદ નોંધી હતી. પહેલાં એમ માનવામાં આવી રહ્યું હતું કે ચીકુવાડીના લક્ષ્મણ ટાવરમાં રહેતા જિગર કાપડિયાનું ટ્રેન નીચે આવી જવાથી મૃત્યુ થયું હતું અને એટલે બોરીવલીની ગવર્નમેન્ટ રેલવે પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધ્યો હતો.

આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા બાદ બોરીવલી પોલીસને તેના રિમાન્ડ જોઈતા હોવાથી ઍપ્લિકેશન ફાઇલ કરીને જણાવ્યું હતું કે આ કેસમાં જિગરે સુસાઇડ કર્યું છે કે તેનું મર્ડર થયું છે એની તપાસ કરવાની બાકી છે એમ જણાવીને જિગરના ઍડ્વોકેટ મયૂર વકીલે કહ્યું હતું કે ‘જિગરે આ લોકોને આપેલા ચેક રિકવર કરવાના છે. જિગરના

ફોનની માહિતી ભેગી કરવાની છે અને ત્રણ ફરાર આરોપીઓને પણ પકડવાના બાકી છે. આ સિવાય વિટનેસનાં સ્ટેટમેન્ટ્સ રેકૉર્ડ કરવાનાં બાકી છે એટલે પોલીસે તેમની કસ્ટડી માગી હતી.’

ઉપરીની મદદ લેવામાં આવી


જિગરે આ ચાર વ્યક્તિઓના પૈસાનું શૅરબજારમાં રોકાણ કર્યું હતું એમ જણાવીને ઍડ્વોકેટ મયૂર વકીલે કહ્યું હતું કે ‘ઓઝમન્ડ માર્શલ્સ, આદિલ દસ્તૂર, ફોડનીલ ગોમ્સ અને જૉન્સન મિરાન્ડાએ જિગરને શૅરબજારમાં રોકાણ કરવા માટે પૈસા આપ્યા હતા. શૅરબજારમાં થઈ રહેલી અફડાતફડીને કારણે જિગરને ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ રોકાણ કરેલા પૈસા પાછા મેળવવા માટે ચારે જણ બોરીવલી પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર કોકીટકરની મદદથી જિગર પર દબાણ લાવ્યા હતા. આને લઈને જિગરે ૧૭ સપ્ટેમ્બરે બોરીવલીના સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ચાટે, ઝોન-૧૧ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ મહેશ પાટીલ અને ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ રામરાવ પવારને ફરિયાદ કરી હતી. એ વખતે તેની સાથે હું પણ હાજર હતો. ફરિયાદ કરવામાં આવ્યા બાદ પણ પગલાં લેવામાં ન આવતાં જિગરે હાઈ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરી હતી, જેની સુનાવણી પાંચમી જાન્યુઆરીએ છે.’

ચારે જણે મારપીટ પણ કરી હતી

સપ્ટેમ્બર મહિનામાં જ જિગરનાં લગ્ન થયાં હતાં અને તેની પત્ની ઉર્વી અત્યારે પ્રેગ્નન્ટ છે. હાલમાં તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આને કારણે પરિવારના લોકો કંઈ પણ બોલવા તૈયાર નથી. મયૂર વકીલે વધુમાં કહ્યું હતું કે ચારે જણ જિગરના ઘરે આવીને તેનાં મા-બાપ અને પત્નીને ધમકાવતા અને ખરાબ ભાષામાં વાત કરતા હતા. એક વાર તો તેમણે જિગરને માર્યો પણ હતો ત્યાર બાદ તેણે તેના પિતાને ફોન કર્યો હતો. પિતાએ પોલીસ કન્ટ્રોલમાં ફોન કરીને ફરિયાદ કરી હતી અને પોલીસે આવીને ચારે જણને પકડ્યા હતા. જોકે આ કેસમાં બોરીવલી પોલીસે ફક્ત એનસી (નૉન-કૉગ્નઝેબલ ઑફેન્સ) જ નોંધીને આ સિવિલ મૅટર હોવાનું કહ્યું હતું. જિગરના મૃત્યુ પછી પણ તેના પરિવારને આ લોકો હેરાન કરી રહ્યા છે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK