વિધાનસભા ચૂંટણીની ૨૮૮માંથી ૨૪૦ બેઠકો માટે કૉન્ગ્રેસ સાથે સમજૂતી થઈઃ શરદ પવાર

Published: Jul 29, 2019, 10:52 IST | પૂણે

અન્ય પક્ષોના નેતાઓને ખેંચવા માટે સરકારી એજન્સીઓનો ઉપયોગ ભગવો પક્ષ કરતો હોવાનો એનસીપીના વડાનો આક્ષેપ

શરદ પવાર
શરદ પવાર

મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી માટે ગઠબંધનના પ્રયાસ રૂપે ચાલતી મંત્રણાઓમાં ૨૮૮ બેઠકોમાંથી ૨૪૦ બેઠકો બાબત કૉન્ગ્રેસ સાથે સમજૂતી થઈ હોવાનું રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારે ગઈ કાલે પુણેમાં જણાવ્યું હતું. ગઠબંધન, સમજૂતી અને બેઠકોની વહેંચણી બાબતે પત્રકારો સાથે વાતચીત કરતાં શરદ પવારે જણાવ્યું હતું કે ‘કેટલીક બેઠકો બાબત સ્વાભિમાની પક્ષ જેવા જૂથો સાથે વાટાઘાટ ચાલે છે. બેઠકોની વહેંચણી અને મતક્ષેત્રદીઠ ઉમેદવારોની યાદી થોડા દિવસોમાં તૈયાર કરવામાં આવશે.’

શરદ પવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ગઠબંધનમાં સમાવેશ વિશે જણાવ્યું હતું કે ‘મનસેના પ્રમુખ રાજ ઠાકરે તાજેતરમાં કૉન્ગ્રેસનાં નેતા સોનિયા ગાંધીને મળ્યા હતા. મનસેના નેતાઓને ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન્સ બાબતે વાંધા છે. એ વાંધાને કારણે તેઓ ચૂંટણીના બહિષ્કારની તરફેણમાં છે, પરંતુ અમને એ બાબત સ્વીકાર્ય નથી.’

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના કેટલાક નેતાઓ પક્ષ બદલીને બીજેપી અને શિવસેનામાં જોડાતા હોવાના મુદ્દે શરદ પવારે જણાવ્યું હતું કે ‘સત્તાધારીઓ તાકાત અને સાધનોનો દુરુપયોગ કરીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ, એન્ટિ કરપ્શન બ્યુરો તથા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન્સની મદદથી અન્ય પક્ષોના નેતાઓને એમના પક્ષમાં જોડાવાની ફરજ પાડે છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ અન્ય પક્ષોના નેતાઓને બીજેપીમાં ખેંચી લાવવાની પ્રવૃત્તિમાં સક્રિય છે. હાલમાં બીજેપી એ પ્રકારની પ્રવૃત્તિ કર્ણાટક, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચલાવે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK