એક જ ભાષા બોલનારાં બે રાજ્યો હોય તો કયું નુકસાન થવાનું હતું?

Published: 14th October, 2014 05:14 IST

અલગ વિદર્ભ અને શરદ પવારનું લોકમતનું સૂચન, આજના યુગમાં કમસે કમ સરહદો પ્રજાની ઇચ્છાથી બદલાય છે એને માનવસભ્યતાનો વિકાસ ન સમજવો જોઈએ? જે-તે પ્રદેશો પરના કબજાનો સાચો-ખોટો ઇતિહાસ, અસ્મિતા અને સીમાબદ્ધ રાષ્ટ્રવાદ કે પ્રદેશવાદ વીતેલા યુગના એવા અવશેષો છે જે આજે નહીં તો કાલે લુપ્ત થવાના જ છે
કારણ-તારણ - રમેશ ઓઝા

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે કહ્યું છે કે વિદર્ભના લોકો અલગ રાજ્ય ઇચ્છતા હોય તો ચૂંટણીપંચને કહીને વિદર્ભમાં લોકમત લેવો જોઈએ. તેમણે કહ્યું હતું કે સંયુક્ત મહારાષ્ટ્ર સાથે બાકીના મહારાષ્ટ્રની ભાવના જોડાયેલી છે, પરંતુ વિદર્ભના લોકોની લાગણી અને અભિપ્રાય સાંભળવા જોઈએ. શરદ પવારની અનેક રાજકીય મર્યાદાઓ છે અને તેમની સામે ભ્રક્ટાચારથી લઈને તકવાદ સુધીના આક્ષેપો થતા રહે છે, પરંતુ શરદ પવાર મહારાષ્ટ્રના અત્યારે તો એકમાત્ર વિવેકવાદી નેતા છે. તેઓ ક્યારેય બેફામ બોલતા નથી અને ધર્મના નામે દકિયાનુસીમાં માનતા નથી. મહારાષ્ટ્રની અસ્મિતાના નામે ભાવનાત્મક રાજકારણ પણ તેઓ કરતા નથી. આ ઉપરાંત શરદ પવાર મહારાષ્ટ્રના સર્વોચ્ચ નેતા છે એટલે વિદર્ભ વિશેના તેમના કથનનું મહત્વ છે.

અલગ વિદર્ભની માગણી સંયુક્ત મહારાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું ત્યારથી કરવામાં આવી રહી છે. સંયુક્ત મહારાષ્ટ્રની પ્રબળ ભાવના સામે અત્યાર સુધી અલગ વિદર્ભની ભાવના ટૂંકી પડતી હતી એટલે મહારાષ્ટ્રના રાજકારણમાં અલગ વિદર્ભની માગણી જોઈએ એટલા પ્રમાણમાં રાજકીય મુદ્દો નથી બની શકી. હવે સોશ્યલ મીડિયાના કારણે અલગ વિદર્ભની માગણી જોર પકડતી જાય છે. વરસ પહેલાં વિદર્ભના નિદર્‍લીય કર્મશીલોએ અમરાવતી અને નાગપુરમાં ઠેકઠેકાણે બૂથ રચીને લોકમત લીધો હતો જેમાં અલગ વિદર્ભની માગણીને પ્રચંડ ટેકો મળ્યો હતો. અલગ વિદર્ભ એટલા માટે જરૂરી નથી કે મહારાષ્ટ્ર કરતાં વિદર્ભની અસ્મિતા જુદી છે. અલગ વિદર્ભ એટલા માટે પણ જરૂરી નથી કે સંયુક્ત મહારાષ્ટ્રમાં વિદર્ભને અન્યાય થઈ રહ્યો છે. અલગ વિદર્ભ એટલા માટે જરૂરી છે કે મહારાષ્ટ્ર મૅનેજ ન કરી શકાય એવડું મોટું રાજ્ય છે જેમાં વિદર્ભના લોકોને અગવડ પડે છે. નાગપુરથી મુંબઈ આવતાં રેલવેમાં ૧૪ કલાક થાય છે અને ગોંદિયાના લોકોને રાજ્યની રાજધાનીમાં આવવા માટે ૧૬ કલાકનો પ્રવાસ કરવો પડે છે. અસ્મિતાની ભાવના એવી ઘેલી ન હોવી જોઈએ કે લોકો હેરાન થાય. બીજું, એક જ ભાષા બોલનારાં બે રાજ્યો હોય તો કયું નુકસાન થવાનું હતું?

ગયા મહિને કોઈ પણ પ્રકારના હોબાળા વિના કે ગાળાગાળી વિના બ્રિટનમાં સ્કૉટલૅન્ડમાં લોકમત લેવાયો હતો કે તેઓ બ્રિટનમાં રહેવા માગે છે કે અલગ થવા માગે છે? અલગ થવાની માગણી કરનારા લોકોને કોઈએ દેશદ્રોહી નહોતા કહ્યા કે નહોતું અખંડ બ્રિટનના હિમાયતીઓએ ગળું ફાડનારા રાષ્ટ્રવાદનું પ્રદર્શન કર્યું. સ્કૉટલૅન્ડ બ્રિટનની કૉલોની છે અને એનું શોષણ કરવામાં આવી રહ્યું છે એવી દલીલો પણ કરવામાં નહોતી આવી. મુદ્દો માત્ર એટલો જ હતો કે સ્કૉટિશ પ્રજાને બ્રિટનની સાથે રહેવાથી લાભ કે નુકસાન થઈ રહ્યું છે કે પછી અલગ થવાથી વધારે લાભ કે નુકસાનની સંભાવના છે. સ્કૉટલૅન્ડના પંચાવન ટકા નાગરિકોએ મત આપ્યો હતો સ્કૉટલૅન્ડ બ્રિટનની સાથે રહે એમાં વધુ લાભ છે. જો લોકમત આનાથી વિરુદ્ધ ગયો હોત તો અત્યારે બ્રિટનના વિભાજનની તૈયારી ચાલતી હોત.

આ પૃષ્ઠભૂમિમાં ભારતના વિભાજનની, બહુભાષિક રાજ્યોને વિભાજિત કરીને ભાષાવાર રાજ્યરચના માટે થયેલાં આંદોલનોની અને તાજેતરમાં આંધ્ર પ્રદેશનું વિભાજન કરીને અલગ તેલંગણ માટે થયેલા આંદોલનની યાદ આવે છે. શું ભારતનું કે રાજ્યોનું વિભાજન શાંતિપૂવર્‍ક લોકતાંત્રિક રાહે ન થઈ શકે? અને કોઈ પ્રદેશનું વિભાજન થાય તો એમાં શું બગડી જવાનું છે? અત્યારે જે ભારત છે કે ૧૯૪૭ પહેલાં જે અવિભાજિત ભારત હતું એવું ભારતના ઇતિહાસમાં ક્યારે હતું? સમ્રાટ અશોકથી લઈને અત્યાર સુધીના જુદા-જુદા શાસકોના સમયના તેમના દ્વારા શાસિત ભારતના નકશાઓ સરખાવી જુઓ, તમને બધા જ નકશા અલગ મળશે. કાશ્મીર પર તિબેટે રાજ કર્યું હોય એવું પણ બન્યું છે અને બર્માએ ઈશાન ભારતના કેટલાક પ્રદેશો પર રાજ કર્યું હોય એવું પણ બન્યું છે. અત્યારના તામિલનાડુ અને કેરળ પર દિલ્હીથી શાસન કરવામાં આવ્યું હોય એવું ઇતિહાસમાં પહેલી વાર ત્યારે બન્યું જ્યારે ભારત પર અંગ્રેજોએ કબજો કર્યો હતો. આવો જ ઇતિહાસ જગતના બધા જ દેશોનો છે. સરહદો સતત બદલાતી રહી છે એ માનવઇતિહાસની અફર વાસ્તવિકતા છે.

પહેલાંના યુગમાં સરહદો યુદ્ધમાં થયેલા જય-પરાજયના કારણે બદલાતી હતી. કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક અનુબંધ નહીં ધરાવતા પ્રદેશો પણ વિજય મેળવવાના કારણે રાજ્યમાં ભેળવી દેવામાં આવતા હતા. જો પછીનો રાજા નબળો હોય તો જીતેલા સાથે પોતાનો પ્રદેશ પણ ગુમાવતો હતો. પ્રજાના નસીબમાં રૈયત તરીકે રહેવાનું હતું, પછી રાજા ગમે તે હોય. આજના યુગમાં કમસે કમ સરહદો પ્રજાની ઇચ્છાથી બદલાય છે એને માનવસભ્યતાનો વિકાસ ન સમજવો જોઈએ? જે-તે પ્રદેશો પરના કબજાનો સાચો-ખોટો ઇતિહાસ, અસ્મિતા અને સરહદબદ્ધ રાષ્ટ્રવાદ વીતેલા યુગના અવશેષો છે જે આજે નહીં તો કાલે લુપ્ત થવાના છે. આજનો કહેવાતો રાષ્ટ્રવાદ એક જ સમયે વિસ્તારવાદી પણ છે અને સંસ્થાનવાદી પણ છે. હિન્દુ રાષ્ટ્રવાદીઓ બર્મા અને શ્રીલંકા પર નજર કરી રહ્યા છે અને એનો ભારતમાતાના નકશામાં સમાવેશ કરી રહ્યા છે એમાં તેમનું વિસ્તારવાદી માનસ જોવા મળી રહ્યું છે. ઈશાન ભારતની કે કાશ્મીરની પ્રજાને ધરાર ભારતમાં રહેવું પડશે અને એ પ્રજા પર અને તેમની ભૂમિ પર અમારો અધિકાર છે એવો દુરાગ્રહ સંસ્થાનવાદી છે. આજના યુગની સૌથી ખતરનાક વિચારધારા હોય તો એ રાષ્ટ્રવાદની છે. રાષ્ટ્રવાદ પોતાને ટકાવવા બહુમતી પ્રજાના ધર્મનો આશરો લે છે અને એ રીતે સીમાબદ્ધ રાષ્ટ્રવાદમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું છોગું ઉમેરે છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓને ફાસીવાદી, કોમવાદી અને ભાષાવાદી રાજકારણ કરવું પડે છે જે પ્રજાને વધુ વિભાજિત કરે છે. સરવાળે આ ખોટનો સોદો છે.

મહારાષ્ટ્રમાં મુક્તમને શરદ પવારના સૂચન વિશે ચર્ચા થવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK