વાવાઝોડાને નામે પવાર ને ફડણવીસ સામસામે છોડી રહ્યાં છે કટાક્ષબાણ

Published: 12th June, 2020 08:20 IST | Dharmendra Jore | Mumbai

રાયગડની મુલાકાતના મુદ્દે એનસીપીના પ્રેસિડન્ટ અને એક્સ ચીફ મિનિસ્ટર સામસામે

શરદ પવાર અને દેવેન્દ્ર ફડણવીસ
શરદ પવાર અને દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકાર અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની સામસામે આક્ષેપબાજીની સાથે હવે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારના રાયગડના પ્રવાસને મુદ્દે બન્ને પક્ષો વચ્ચે કટાક્ષબાણની લડાઈ શરૂ થઈ છે. શરદ પવાર અને બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે શિંગડાં ભેરવ્યાં છે. નિસર્ગ વાવાઝોડાને કારણે થયેલા નુકસાન તેમ જ સ્થાનિક લોકોની હાલાકીનો તાગ મેળવવા માટે શરદ પવારના કોંકણ પ્રવાસ માટે ‘તેઓ બહુ મોડા જાગ્યા’ એવી બીજેપીની ટિપ્પણીના જવાબમાં શરદ પવારે કહ્યું હતું કે ‘વિદર્ભ અને સમુદ્ર વચ્ચે કોઈ સંબંધ નથી. એથી રાયગડના પ્રવાસથી ફડણવીસનું જ્ઞાન વધશે.’
શરદ પવારના એ કટાક્ષના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘પવાર સાહેબ, કદાચ મારા ખભે બંદૂક મૂકીને બાંદરાના સિનિયર (ઉદ્ધવ ઠાકરે) અને બારામતીના જુનિયર (અજિત પવાર)ને સંદેશ આપવા ઇચ્છતા હશે.’

વિદર્ભવાસી ફડણવીસને દરિયા કિનારા વિશે કઈ ખબર ન હોય તો રાયગડની મુલાકાત તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરશે એવા શરદ પવારના વિધાનનો ફડણવીસે જવાબ આપ્યો હતો. રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘શરદ પવાર મારા પિતા સમાન છે. દરેક પિતાને એવું લાગે છે કે તેના દીકરાને કંઈ આવડતું નથી અને તેણે કોઈ સિદ્ધિ મેળવી નથી. તેઓ મારા ખભે બંદૂક મૂકીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને શીખામણ આપતા હશે.’

દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના પ્રતિનિધિઓ સંતોષકારક કામ ન કરતાં હોવાથી ૮૧ વર્ષના એનસીપી બૉસ રાજ્યના વિવિધ ભાગોના પ્રવાસ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેને મારી સલાહની જરૂર નથી, પરંતુ અમે મિત્રો છીએ અને પાંચ વર્ષ સાથે કામ કર્યું છે એથી અમે તેમને ચલાવી લીધા છે. પહેલી વખત સરકારી અમલદારો પ્રધાનોને પડકારી રહ્યા છે. પ્રધાનો અને સરકારી અમલદારો બન્નેની વાતો સાંભળીને યોગ્ય નિર્ણય લેવાનું ડહાપણ મુખ્ય પ્રધાને દાખવવાનું હોય છે. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ હું મુખ્ય પ્રધાનને મળીશ. રાજ્ય તરફથી અહેવાલ મળ્યા પછી કેન્દ્ર સરકાર વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારને મદદ કરશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK